કાઁગ્રેસ સીસ્ટમનું સાધ્ય સત્તા હતું જ્યારે બી.જે.પી. સીસ્ટમનું સાધ્ય હિંદુ રાજ્ય છે
એક પ્રશ્ન વિચારવા જેવો છે અને હિન્દુત્વવાદીઓને કવરાવનારો પણ છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને કેન્દ્રમાં તેમ જ દેશભરનાં રાજ્યોમાં કાઁગ્રેસની સરકારો રચાઈ ત્યારે તે સરકારોએ પ્રજાની અંદર ભારતીય રાષ્ટ્રને સ્વીકાર્ય બનાવવા અને તેને ટકાવી રાખવા માટે એ બધું નહોતું કરવું પડ્યું જે હિન્દુત્વવાદીઓને હિંદુરાષ્ટ્રની કલ્પનાને સ્વીકાર્ય બનાવવા માટે અને તેને ટકાવી રાખવા માટે કરવું પડે છે. આ ગંભીર અને પાયાનો પ્રશ્ન છે જે સમજવાનો પ્રયાસ કરો.
કાઁગ્રેસે યેનકેન પ્રકારેણ સત્તાને પકડી રાખવા માટે અને બીજાને સત્તા સુધી નહીં પહોંચવા દેવા માટે ચૂંટણીઓ જીતવા માટેની જ્ઞાતિનાં સમીકરણો, પ્લસ કુબેરપતિઓ પ્લસ બાહુબલીઓ આધારિત કાઁગ્રેસ સીસ્ટમ વિકસાવી એ તો પાછળથી પેદા થયેલી જરૂરિયાત હતી, પહેલા દિવસની જરૂરિયાત નહોતી. એ જરૂરિયાત એટલા માટે પેદા થઈ કે તેમને સત્તા છોડવી નહોતી. તેનાં મૂળમાં માત્ર સત્તાભૂખ હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય રાષ્ટ્રને પ્રજાની અંદર સ્વીકાર્ય બનાવવા માટે અને તેને બને એટલો સમય ટકાવી રાખવા માટે કાઁગ્રેસનાં શાસકોને અનીતિનો કે તાનાશાહીનો માર્ગ અપનાવવાની જરૂર નહોતી પડી. એ અપનાવવા પાછળનું એક માત્ર કારણ સત્તાભૂખ હતું.
કાઁગ્રેસથી બરાબર સામેના છેડે બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી પહેલા દિવસથી, આય રિપીટ પહેલા દિવસથી, હિંદુરાષ્ટ્રને સ્વીકાર્ય બનાવવા માટે અને તેને ટકાવી રાખવા માટે રાજકીય અનીતિ અને તાનાશાહીનો માર્ગ અપનાવવો પડે છે. બી.જે.પી.એ તેની શાસકીય યાત્રાનો પ્રારંભ જ બી.જે.પી. સીસ્ટમ વિકસાવીને કરવો પડ્યો છે. કાઁગ્રેસ સીસ્ટમના પાયામાં માત્ર સત્તાભૂખ હતી, જ્યારે બી.જે.પી. સીસ્ટમના પાયામાં તેમની હિંદુરાષ્ટ્રની કલ્પનાની સ્વીકૃતિ અને તેને ટકાવી રાખવા માટેનો પડકાર છે. આ પાયાનો ભેદ છે એ સમજવાનો પ્રયાસ કરો.
આને કારણે કાઁગ્રેસ સીસ્ટમ અને બી.જે.પી. સીસ્ટમનાં સ્વરૂપમાં ફરક છે. કાઁગ્રેસ સીસ્ટમ વિરોધ પક્ષોને ચૂંટણીમાં પરાજીત કરવા માટેની હતી, તેને નેસ્તનાબૂદ કરવા માટેની નહોતી. કાઁગ્રેસ સીસ્ટમ દેશને વિકલ્પશૂન્ય બનાવવા માટેની નહોતી. કાઁગ્રેસ સીસ્ટમ ભારત વિશેની વૈકલ્પિક કલ્પનાઓ(નેરેટિવ)ને રુંધવા માટેની નહોતી. કાઁગ્રેસ સીસ્ટમ સત્તા કબજે કરવા માટેની હતી, રાજ્યને કબજે કરવા માટેની નહોતી. સત્તાનો કબજો અને રાજ્યનો કબજો એ બે અલગ ચીજ છે. કાઁગ્રેસ સીસ્ટમથી ઊલટું બી.જે.પી. સીસ્ટમ રાજ્યને કબજે કરવા માટેની છે અને સત્તા તો તેમાં એક સાધન માત્ર છે. ટૂંકમાં કાઁગ્રેસ સીસ્ટમનું સાધ્ય સત્તા હતું જ્યારે બી.જે.પી. સીસ્ટમનું સાધ્ય હિંદુરાજ્ય છે અને સત્તા તો એક સાધનમાત્ર છે. આ પાયાનો ફરક છે. ભારતીય રાષ્ટ્રને સાધવા માટે કાઁગ્રેસીઓને કાઁગ્રેસ સીસ્ટમ નહોતી વિકસાવવી પડી.
આવું કેમ બન્યું?
હજુ તો હિંદુરાષ્ટ્રનું બીજ વાવ્યું ન વાવ્યું અને તેનાં અંકુર પણ નથી ફૂટ્યાં ત્યાં તેને જીવાડવા માટે રાજ્ય કબજે કરવું પડે? કાઁગ્રેસીઓને તો ભારતીય રાષ્ટ્રનાં વાવેતર પછી આવી કોઈ જહેમત નહોતી ઊઠાવવી પડી અને તેને જીવાડવા માટે આખે આખા રાજ્યનો કબજો કરવો પડે એ તો બહુ દૂરની વાત છે. ભારતીય રાષ્ટ્ર રાજ્યાશ્રિત નહોતું જ્યારે હિંદુરાષ્ટ્ર તેનાં જન્મ સાથે જ રાજ્યાશ્રિત છે. જેમ અધૂરા મહીને જન્મેલા બાળકને ગર્ભબાહ્ય વાતાવરણથી બચાવવા માટે કાચની પેટી(ઇન્ક્યુબેટર)માં રાખવું પડે એમ હિંદુરાષ્ટ્રને રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરની જરૂર પડી રહી છે. તો પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વરસ કર્યું શું? સો વરસનું ગર્ભાધાન એ કોઈ ઓછો સમયગાળો કહેવાય? સો વર્ષના ગર્ભાધાન પછી જન્મેલા હિંદુરાષ્ટ્રને રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં રાખવું પડે અને તેને પડકારોથી બચાવવા માટે ઉપર કહી એવી બી.જે.પી. સીસ્ટમ વિકસાવવી પડે તો સંઘનાં સો વરસ પાણીમાં ગયાં કહેવાય!
ભારતીય રાષ્ટ્રનાં પુરસ્કર્તાઓએ ભારતીય રાષ્ટ્રને પ્રજામાન્ય કરાવ્યું હતું, તે પ્રજા-આશ્રિત હતું અને એટલે તેને રાજ્યાશ્રયની જરૂર નહોતી પડી. હિન્દુત્વવાદીઓ હિંદુરાષ્ટ્રને પ્રજામાન્ય નથી કરાવી શક્યા, પ્રજા-આશ્રિત નથી એટલે તેને રાજ્યાશ્રયની જરૂર પડી રહી છે. પણ આવું ક્યાં સુધી ચાલે? કાઁગ્રેસે કાઁગ્રેસ સીસ્ટમ વિકસાવી અને તેનો નિર્લજ્જપણે ઉપયોગ કર્યો એટલે લોકોની આંખમાંથી કાઁગ્રેસ ઊતરતી ગઈ. કાઁગ્રેસીઓએ પ્રતિષ્ઠા ગુમાવી દીધી અને એક દિવસ પ્રજાએ તેને સત્તા પરથી ઊતારી દીધા. જે પક્ષો મોટા દાવાઓ સાથે કાઁગ્રેસના વિકલ્પે સ્થપાયા હતા તેણે શરૂઆતનાં સૈધાંતિક વર્ષો પછી સમાધાનો કરવા માંડ્યા અને કાઁગ્રેસનો માર્ગ અપનાવ્યો એટલે તે પણ લોકોની નજરમાંથી ઊતરી ગયા. કાઁગ્રેસને અને બીજા મધ્યમમાર્ગી પક્ષોને જે જાકારો મળ્યો એ તેમણે અપનાવેલા માર્ગનું અને તેમણે કરેલાં સમાધાનોનું પરિણામ હતું, ભારતીય રાષ્ટ્રની કલ્પનાનો અસ્વીકાર નહોતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટીઝ(સી.એસ.ડી.એસ.)ના તાજા સર્વેક્ષણ મુજબ માત્ર ૧૧ ટકા હિંદુઓ જ એમ માને છે કે ભારત હિંદુરાષ્ટ્ર હોવું જોઈએ. ૮૯ ટકા હિંદુઓને ભારતીય રાષ્ટ્ર જોઈએ છે.
તો વાત એમ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વરસ પછી પણ હિંદુરાષ્ટ્રની કલ્પના હિંદુઓની અંદર સ્વીકાર કરાવી શક્યો નથી અને તેને લોકાશ્રય મળ્યો નથી એટલે તેને લાગુ કરવા માટે અને ટકાવી રાખવા માટે રાજ્ય પર કબજો કરવો પડે છે. રાજ્ય પર કબજો કરવા બી.જે.પી.એ સીસ્ટમ વિકસાવી છે જે કાઁગ્રેસ સીસ્ટમ કરતાં પણ વધુ લોકશાહી તેમ જ માનવીય મૂલ્યોની વિરુદ્ધ છે. પણ સવાલ એ છે કે આવું કેટલો સમય ચાલે? લોકાશ્રય વિના કોઈ વિચાર, કોઈ કલ્પના, કોઈ વ્યવસ્થા કેટલો સમય ટકે? સત્તાની તાકાત અને રાજ્ય પરનો કબજો લોકસ્વીકારની જગ્યા લઈ શકે?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 નવેમ્બર 2024