Opinion Magazine
Number of visits: 10,221,465
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાજીગરનાં સોગઠાં

દેવીકા ધ્રુવ|Opinion - Opinion|3 August 2026

દેવીકા ધ્રુવ

બાજીગર શબ્દ કેટલો સરસ છે? અને સોગઠાં પણ કોઈપણ રમતપ્રેમીને ગમતો જ શબ્દ. તરત ઉપસતો અર્થ અને તસ્વીર તો સામાન્ય જ છે અને કદાચ એ બંને સર્વમાન્ય પણ ખરાં જ એમ મારું માનવું છે. છતાં ગુજરાતી ભાષાના અસીમ ખજાનામાંના આ શબ્દો પણ એક રસનો વિષય છે.

કોણ જાણે કેમ પણ મને દરેક જન્મદિવસની સવારે આકાશ તરફ નજર કરતાંની સાથે જ, અચૂક આ અંગે વિચારો આવે જ, આવે. એની વધુ વાત કરતા પહેલાં નાનપણમાં જોયેલ એક જાદુગરનું ચિત્ર નજર સામે ખડું થાય છે. ખૂબ ઊંચો, પાતળો, સોહામણો, આછી મૂછ વાળો એ માણસ. હસે તો કોઈપણ મોહ પામી જાય અને બોલે તો બસ, જાણે સાંભળ્યા જ કરીએ. ક્યારેક ક્યારેક શેરીઓમાં આવે, જાદુના ખેલ કરે, સૌને અચંબામાં મૂકી દે અને થોડુંઘણું કમાઈ ચાલતી પકડે. પણ એના ગયા પછી નાનાં ભૂલકાંઓથી માંડીને મોટેરાં સુધીના સૌ કોઈ એની વાતો કર્યા જ કરે, કલાકો સુધી એ જ વાતો ચાલે એટલું જ નહિ, એણે બતાવેલા ખેલ /બાજી / જાદુ કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે. ધીરેધીરે સમયની રફ્તાર આગળ ચાલે, સૌ કોઇ પોતાની ઘરેડમાં પૂર્વવત્ થઈ જાય. અચાનક ફરી પાછો પેલો જાદુગર દેખા દે. ક્યારેક બાજી ખેલે તો ક્યારેક જાદુ બતાવે. ક્યારેક મદદ માટે હાક પાડે, પોતે હાર્યા હોવાનો ડોળ કરે અને પછી એકદમ જ બાજી પલટી નાંખે. 

આજે જ્યારે જિંદગીના અઠ્ઠાવીસ હજાર એકસો પાંચ દિવસોનાં કંઈ કેટલાંયે પગલાં ચાલી લીધા છે ત્યારે, બાળપણની એ સ્મૃતિનો અર્થ સમજાય છે અને શા માટે એ દરેક જન્મદિવસે જ માની સાથે વધુ સાંભરે છે તેનું રહસ્ય પણ તાગી શકાય છે. જાદુ કહો કે બાજી કહો, પણ માનવી તો માત્ર એક રસિક બાજીગરની રમતનાં સોગઠાં છે. કેટકેટલી રમતો, કેટલાં ખેલાડીઓ અને દરેક સોગઠાં પણ કેવાં ભાતીગળ. રમનારને ખબર પણ ન પડે કે પોતે રમે છે કે કોઈ એને રમાડે છે! અને એ જ તો જાદુ છે ને?! અરે, કોની રમત ક્યાં સુધી ચાલશે તેની પણ ક્યાં જાણ હોય છે? હારજીત ચાલ્યાં જ કરે એમ લાગે પણ હકીકતે તો ચક્રાકાર ગતિ પર કોઈ આગળ નથી કે કોઈ પાછળ નથી. એ તો બસ સતત ચાલતું વર્તુળ છે. ક્યારેક અચાનક બંધ તો વળી ક્યારેક રમતાં રમતાં થાકી જાવ ત્યાં સુધી ચાલ્યાં જ કરે!

ખરેખર, અજબ ખેલ બાજીગરનો આ, કોઈ જીતે કોઈ હારે.

ચાલો, સોગઠાં બનીને બાજીગરને રમવા દઈએ, આપણે પોતે રમીએ છીએ એવી મઝા માણતાં રહીએ અને એ રીતે એને રીઝવતાં રહીએ, ચાલતાં રહીએ. જ્યાં સુધી એ સાથે છે, ચાલવાનો કે રમવાનો ક્યાં વાંધો જ છે! 

આશ્ચર્યની વાત તો એ છે કે રમતનાં સોગઠાં જેવાં આપણે સતત કશાકની પ્રાપ્તિમાં દોડતાં રહીએ છીએ અને તેના પરિણામ મુજબ હર્ષ-શોકની લાગણી અનુભવીએ છીએ.

સંસ્કૃતનો  એક સરસ શ્લોક છે :

प्राप्तव्यमर्थं लभते मनुष्यो देवोऽपि तं लङ्घयितुं न शक्तः।

तस्मान्न शोचामि न विस्मयो मे यदस्मदीयं न हि तत्परेषाम्॥

આમાં ખૂબ સરસ વાત કહેલી છે કે, “પોતાને જે વસ્તુ મળવાની છે તે માણસને મળે જ છે. દેવો પણ તેનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન નથી. તેથી મને દુઃખ કે નવાઈ લાગતી નથી. જે મારું છે તે બીજાંનું થવાનું નથી.”

કેટલી અર્થભરી સમજણ! અને કેવો અતૂટ વિશ્વાસ? ઘણીવાર તો એમ પણ લાગે છે કે, આવા વિશ્વાસના બળ પર જ ભલભલાની તકદીરનાં તાળાં ખૂલી જતાં હોય છે. સાવ નાનકડી કે તુચ્છ જણાતી ઘટના કોઈ જાદુની જેમ ક્યાંથી ક્યાં પહોંચાડી દેતી હોય છે? શોધવા પણ ન જવું પડે એટલા દાખલાઓ, પ્રસંગો, ઘટનાઓ અને વાર્તાઓ નજર સામે એવાં આવી જ જાય છે જ્યાંથી બાજીગરની જેમ આખો ને આખો ખેલ બદલાઈ જતો હોય છે.

ફિલ્મી દુનિયાનો એક મશહૂર સંવાદ યાદ આવે છે.

कभी कभी जितनेके लिये कुछ हारना पडता है।
हारकर जीत नेवालेको बाजीगर कहते है॥

બાજીગરની વાતો તો અજાણી નથી. પણ આ સોગઠાંનું શું? સોગઠાં વગર બાજી નથી અને બાજીગર વગર સોગઠાં નથી. કોણ ચડિયાતું કોણ જાણે? અંગ્રેજીમાં એક મઝાનું quotation છે.

·       Not only does God play dice, but … he sometimes throws them where they cannot be seen. …

·       બાઈબલમાં તો એટલે સુધી કહ્યું છે કે, We may throw the dice, but the Lord determines how they fall.

સમાપનમાં તો એટલું જ કહેવાનું કે, સોગઠાં બનીને રમવું છે અને એની શ્રદ્ધાના જોરે જીતવું છે. કોઈની ને પોતાની, બંને રમતને સાર્થક કરવી છે અને એ રીતે જ અંતિમ મુકામે પહોંચવું છે. આ વિચારના સમર્થનમાં, કલમને/કીબોર્ડને અટકાવું તે પહેલાં તો ચાર્લ્સ સ્વિન્ડૉલનું એક અતિ સુંદર વાક્ય યાદ આવ્યું જે મને લાગે છે કે બિલકુલ યોગ્ય છે, સાચું છે. તેમણે લખ્યું છે કે, We aren’t just thrown on this earth like dice tossed across a table. We are lovingly placed here for a purpose. 

અસ્તુ.

ફેબ્રુઆરી ૭, ૨૦૨૫
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com

Loading

જીવનસાથીના પિતાને આદરમાન આપવાનો દિવસ: નેશનલ ફાધર-ઇન-લૉ ડે 

સોનલ પરીખ|Opinion - Opinion|3 August 2026

સ્ત્રી હોય કે પુરુષ, જીવનસાથીનાં માતા–પિતાની દરેકના જીવનમાં એક ભૂમિકા, એક અગત્યતા હોય છે. તમારા જીવનસાથીને જેમણે જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, તાલીમ આપી છે. એમના પર સ્નેહ રાખીએ, એમના આશીર્વાદ લઈએ ને સુખશાંતિથી રહીએ, એ શું બહુ અઘરી કે મોટી વાત છે? 

સોનલ પરીખ

‘ડે’ ઉજવવાના શોખીન પશ્ચિમવાસીઓ સાસુ અને સસરાના નામના પણ દિવસ ઉજવે છે, એ ખબર છે? અને કેમ ન ઉજવે – સ્ત્રી હોય કે પુરુષ, જીવનસાથીનાં માતા-પિતાની દરેકના જીવનમાં એક ભૂમિકા, એક અગત્યતા હોય છે. તમારા જીવનસાથીને જેમણે જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, તાલીમ આપી છે. એમના પર સ્નેહ રાખીએ, એમના આશીર્વાદ લઈએ ને સુખશાંતિથી રહીએ. 

જુલાઈની ૩૦ તારીખ સસરાને આદરમાનથી યાદ કરવાનો દિવસ છે : નેશનલ ફાધર-ઇન-લો ડે. બદલાતા સમય સાથે સંબંધોનાં સમીકરણ કેવાં બદલાય છે એનો કિસ્સો હમણાં મેં મારા જ પરિવારમાં જોયો. દીકરા પીયૂષની સગાઈ પછી અમારા મોહનભાઈ દિવસમાં પચાસ વાર ‘કઇંક શીખો’ એવું સાંભળતા. કહેનાર હોય મોહનભાઈનાં પત્ની. ‘સગાઈ તો પીયૂષની થઈ છે, એમાં તું મારા પર શીખો-શીખોનો મારો શાની ચલાવે છે?’ એક દિવસ મોહનભાઈ ઊકળ્યા. ‘મારા પર ઊકળો છો પણ શીખશો નહીં તો પીયૂષની વહુ પાસેથી કાંકરો નીકળી જશે.’ ‘પીયૂષની વહુ વળી શું? તેનું નામ માનિની છે. હું તો તેને તેનાં મમ્મી-પપ્પાની જેમ મન્નુ જ કહેવાનો. મન્નુ, બેટા, ચાલ ફરવા જઈએ!’ 

‘આવા તમારા નાટકની જ મને ચિંતા છે. તમે માનિનીના પપ્પા નથી, સસરા છો. મોભામાં રહેતા શીખો. હો-હો કરીને ખડખડાટ હસવું, સોફા પર પલાંઠી લગાવીને બેસવું, નહાઈને ટુવાલભેર આખા ઘરમાં ફરવું, ગમે ત્યારે રસોડામાં આવીને નાસ્તાના ડબ્બા ખોલવા, પથારા કરવા, જ્યારે ત્યારે આવીને મને ધબ્બા મારવા – આ બધું છોડો. ને મન્નુ કહેવું, તુંકારે બોલાવવું, વાતે વળગવું એવું તો કરશો જ નહીં. પુત્રવધૂને આખું નામ લઈને, ‘તમે’ કહીને બોલાવવી જોઈએ. તમે તેનું માન રાખશો તો જ તે તમારું માન રાખશે. સમજ્યા ને?’

માનિનીને ત્યાં પણ આ જ સ્થિતિ હતી. તેનાં મમ્મી પણ પતિ પર ગરમ થયાં હતાં, ‘હવે દીકરી પરણવાની છે, જમાઈ ઘરમાં આવશે જશે. આમ શોર્ટ્સ ને ટીશર્ટ પહેરીને ફર્યા કરશો તો સારા નહીં લાગો. તમને કોઈ કઈં નહીં કહે, પણ દીકરીને સાંભળવું પડશે કે તારા બાપમાં મેનર્સ નથી. ને તે દિવસે શું કહેતા હતા? પીયૂષ તો મારા દીકરા જેવો છે, લાંબું લાંબું પીયૂષકુમાર વળી શું બોલવાનું? – આવા છંદ કરવાના નહીં. જમાઈને જમાઈની જેમ જ રાખવાનો. વ્યવસ્થિત રહેતાં ને વ્યવસ્થિત બોલતાં શીખો. પેલે દિવસે વળી તેનાં મમ્મી જાડાં છે એમની મજાક કરતા હતા.’

પીયૂષના પપ્પા અને માનિનીના પપ્પા આમ તો મિત્રો. બંને પોતપોતાની સ્થિતિ પર હસતા – અત્યાર સુધી સસરા સામે કેમ વર્તવું એ શીખવવામાં આવતું હતું, હવે સસરાએ કેમ વર્તવું એ શીખવાનું છે! ‘અને આપણી પત્નીઓને સાસુ થતાં કોઈએ શીખવવાનું નથી?’ ‘સાસુનો રોલ તો નક્કી જ છે – વહુ સામે વાંધા પાડવાના ને જમાઈના વખાણ કરવાના.’ સાથેના મિત્રો આ સાંભળીને હસવા લાગતા.

પીયૂષ-માનિનીનાં લગ્ન થઈ ગયાં. એ પછી પણ છ મહિના વીતી ગયા. એક દિવસ બંનેને સાથે જોઈ મિત્રોથી રહેવાયું નહીં, ‘કેમ છો, ભાઈઓ? જમાઈ અને વહુ સાથે રહેતાં આવડી ગયું કે નહીં?’ 

બંને એકબીજા સામે જોઈ ખડખડાટ હસી પડ્યા. પછી પીયૂષના પપ્પા બોલ્યા, ‘માનિની ઘરમાં આવી પછી થોડા દિવસ તો હું ઓશિયાળા જેવો થઈ ગયો. કવખતે ચા પીવાનું મન થાય તો ય કહેતા સો વાર વિચારું -વહુને કેવું લાગશે? ઊઠીને બ્રશ કરવા જાઉં કે નહાઈને નીકળું – એક જ વિચાર – માનિની ક્યાં હશે? મને જોશે? શું કહેશે? થાકી ગયો હું તો. ત્યાં એક દિવસ માનિની ચા આપવા આવી, ‘પપ્પા, એક વાત કહેવી છે. કહું?’ ને એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. હું તો રઘવાયો થઈ ગયો, ‘અરે, અરે, વહુ બેટા, રડો છો શા માટે? મારી કોઈ ભૂલ થઈ છે શું?’ માનિની ગુસ્સામાં બોલી, ‘ભૂલ તો મારી થઈ લાગે છે. મારા પપ્પા મને મન્નુ કહે છે, તુંકારે બોલાવે છે, મારી સાથે કેટલીબધી વાતો કરે છે, હસે છે, હસાવે છે જ્યારે તમે તો હું અછૂત હોઉં એવી રીતે વર્તો છો. મને દુ:ખ ન થાય?’ અને હું હળવો થઈ ગયો. કહી દીધું, ‘મારે તો તારી સાથે તારા પપ્પાની જેમ જ રહેવું હતું, પણ પીયૂષની મમ્મીએ મને ધમકાવીને સસરાની જેમ મોભામાં રહેવાનો હુકમ કર્યો હતો.’ માનિની હસી પડી, ‘મારી મમ્મીએ પણ મને ઘણુંબધું શીખવ્યું હતું. મોટેમોટેથી ન બોલીશ, ધમધમ કરતી ન ચાલીશ, સરખાં કપડાં પહેરજે વગેરે. પણ મેં એનું ન માનવાનું ને આ ઘરમાં દીકરીની સહજતાથી રહેવાનું નક્કી કર્યું હતું. પણ અહીં તમે મને આવા મળ્યા. મારો ઉમંગ ઠરી ગયો.’ ‘અરે એમ શેનો ઠરી જાય? મમ્મીઓની એસીતેસી. આજથી તું મારી દીકરી ને હું તારા પપ્પા. હજી મોં કેમ ચડેલું છે? હસ જોઉં.’ ‘આટલી જલદી નહીં માનું, કઇંક આપવું પડશે.’ ‘મને ખબર છે શું આપવું પડશે. જો આ ચા ઠરી ગઈ છે એ ગરમ કર, નાસ્તો કાઢ, ત્યાં હું મારી મન્નુ માટે મસ્ત મોટી ચૉકલેટ લઇ આવું.’ આટલું કહી મોહનભાઈ હો-હો કરીને ખડખડાટ હસવા લાગ્યા. 

‘અને તમારું શું થયું? તમને જમાઇના સસરા બનતાં આવડી ગયું કે નહીં?’ હવે મિત્રો માનિનીના પપ્પા તરફ વળ્યા. 

‘મારા કિસ્સામાં થોડી રાહત હતી. બેત્રણ દિવસે પીયૂષને એક ફોન કરું અને અઠવાડિયે એકાદ વાર એ ઘેર આવે ત્યારે સાચવીને વર્તી લઉં. રોજ, ચોવીસ કલાક એની સામે રહેવાનું થાત તો મને હાર્ટએટેક જ આવત. તો પણ મારા મનમાં એક જાતનો ભય ઘૂસી તો ગયો જ હતો. પણ એક દિવસ પીયૂષે મને ખખડાવ્યો, ‘કયા જમાનામાં જીવો છો? ત્યાં તમારી દીકરી મારા પપ્પા સાથે જલસા કરે છે ને તમે મને ટેન્શન આપો છો.’ હું ગભરાઈ ગયો, ‘સોરી – પણ પીયૂષકુમાર, કહો તો ખરા, શું થયું છે?’ ‘જોયું, કેવી અઢારમી સદીની ભાષા બોલો છો. હજી જમાઈને જમ સમજો છો? હું શું એવો છું? મારી સાથે મારા પપ્પા વર્તે છે એમ કેમ નથી વર્તતા?’ ‘હું .. એટલે કે .. એવું છે ને .. સોરી, પીયૂષકુમાર ..’ હું જેમતેમ ગોટા વાળવા લાગ્યો. ‘જમાઈથી ગભરાતા અને એના નામની પાછળ કુમાર, રાય, ચંદ્ર એવાં પૂંછડાં લગાડતા સસરાઓ મને ન ગમે. મને લાગ્યું હતું કે તમે એવા નથી. મને હતું કે લગ્ન પછી મને બે પપ્પા મળશે. હું પણ બંનેનું ધ્યાન રાખીશ. પણ તમે – આમ ગેંગેંફેંફેં કરશો તો આપણી વચ્ચે દોસ્તી કેવી રીતે થશે?’ ‘આવી રીતે.’ કહીને મેં છુપાવી રાખેલી બિયરની બોટલ કાઢી. ‘પણ બે પેગથી વધારે નહીં, તારી સાસુમા મને મારી નાખશે.’ ‘યે હુઈ ના બાત!’ કહી એ સામે બેસી ગયો. 

બંને સસરાઓના ખુશખુશાલ ચહેરા જેમણે જોયા એમને થયું કે દરેક પરિવારમાં પુત્રવધૂ અને જમાઈ સસરા સાથે આવી પ્રસન્ન, આત્મીય મૈત્રી કેળવે તો કેવું સારું!’

વીસમી સદીની શરૂઆતમાં મધર-ઇન-લૉ ડે ઉજવાવાની શરૂઆત થઈ. ત્યારે ૫ મી માર્ચે ઉજવાતો, હવે ઓક્ટોબરમાં ઉજવાય છે. એના પચાસેક વર્ષ પછી ૩૦ જુલાઈએ ફાધર-ઇન-લૉ ડે ઉજવવાની શરૂઆત થઈ. આપણા જીવનસાથીને આ દુનિયામાં લાવનાર, આપણાં બાળકો પર પણ અદકેરાં વહાલ વરસાવનાર સાસુ-સસરાને પ્રેમથી સ્વીકારીએ, આદરમાન આપીએ.

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જુલાઈ 2026

Loading

એ જ(ડ)જમેન્ટ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 August 2026

એ જજમેન્ટ છે ને આ લેખ તેની વિરુદ્ધમાં નથી, છતાં તમામ કોર્ટ અને જજમેન્ટની ક્ષમાયાચના સહ આ હળવો લેખ પ્રસ્તુત છે.

રવીન્દ્ર પારેખ

એક ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ રદ્દ કરવાની વાતે, એક હાઈકોર્ટે હોટેલનો બચાવ કરતા કહ્યું કે બે વાંદા નીકળે એટલા માત્રથી હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરાય. આમ તો હોટેલનું ભાગ્યે જ કોઈ સારું બોલે છે, ત્યાં હાઈકોર્ટ તેની વહારે આવી ને કહ્યું કે બે વાંદા નીકળે એટલે હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ના થાય. આપણે તો બાપુ ખુશ થઈ ગયા, એ જજ સાહેબો પર કે આવું જડબેસલાક જજમેન્ટ આપ્યું. જજ સાહેબો એ હોટેલમાં જમવા ગયા છે કે નહીં, તેની ખબર નથી ને એ પણ ખબર નથી કે બે વાંદા એમની પ્લેટમાંથી નીકળ્યા કે અન્યની, તે પણ ખબર નથી, તે સાથે જ વાંદાની કુલ સંખ્યા કેટલી હતી એ પણ ખબર નથી, પણ જજમેન્ટ અફલાતૂન આવ્યું. જજસાહેબોએ સાફ સંભળાવી દીધું કે બે વાંદા નીકળે એટલા પરથી લાઈસન્સ સસ્પેન્ડ ન થાય.

હોટેલ મેનેજરે તો બચાવમાં કહ્યું પણ ખરું, ‘બીજે જરા જઈને જુઓ કે ખાવામાં શું શું હોય છે? એક હોટેલમાં તો ઇયળનો ભાત હતો. જો કે, કોઈ કોઈ ભાત પણ હતો ને તપાસ કરો કે ચાના કપમાંથી માખી ન નીકળી હોય, એવું કોઈ સાબિત કરશે, તો હું હોટેલ બંધ કરી દઈશ. એક હોટેલમાં ચા પીવા એક ગ્રાહક ગયો ને ચામાંથી માખી બતાવતાં તે બોલ્યો, ‘ચામાં તો માખી છે, તો વેઈટર બોલ્યો, આટલામાં માખી જ આવે. ચામાં માખી નહિ તો શું હાથી નાખું. દેખીતું છે કે હાથી સસ્તો હોત તો એ નાખ્યો હોત, પણ વીસ રૂપિયાની ચામાં તો કેટલુંક આવે? કેટલું બધું બીજે થાય છે તે જોતાં નથી અને અમારે ત્યાં બે વાંદા નીકળ્યા તો હોબાળો મચી ગયો. દસ બાર વાંદા કે ઉંદર નીકળે ને આટલી હોહા થાય તો કૈંકે સમજ્યા, આ તો બે વાંદામાં લાઈસન્સ રદ્દ કરી દીધું.

આટલો કકળાટ સાંભળ્યા પછી કોર્ટે પૂછ્યું, ‘હવે કરવું છે શું?’

‘હું શું કરી શકું એમ છું? બહુ બહુ તો બેને બદલે એક જ કોક્રોચ આવે એમ કરી શકું.’

‘વાંદો બોલતાં શું થાય છે? કોક્રોચથી જંતરમંતર યાદ આવે તે સમજ નથી પડતી? એ પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું, તે અહીં ના જોડો. એક પણ વાંદો ન હતો, છતાં એક જજે કોક્રોચ કહીને વેચાતી લીધી હતી.’

‘સોરી, સર ! બીજી વખતે વાંદો જ કહીશ’

‘લોકો પણ ખરા છે. એક વાંદો નીકળે તેમાં કેટલો ખર્ચો થતો હોય છે તે તો જુઓ. આટલા વાંદા, ખાવાનાંમાં ઉમેરવાનું સહેલું નથી. વાંદાને પકડવાનું પાંજરું ય નથી મળતું કે તેમાં પૂરીએ. વાંદાને પકડવાનું સહેલું નથી. પકડો પકડો ત્યાં તો કોઈ તિરાડમાં ભરાઈ જાય ને આપણે હાથ ઘસતા રહી જઈએ.  કેટલાં ય વાંદાના તો બ્લેક બોલાય છે. કેટલી ય હોટલો શોધી શોધીને થાકી જાય છે, પણ પિઝામાં નાખવા માટે એક વાંદો નથી મળતો. ઉપકાર માનો કે તમારે નસીબે વાંદો આવ્યો તો ખરો ! એમ તો અમારા ટેબલ પર પણ વાંદા, વીંછી ફરતાં જ હોય છે તે અમે ફરિયાદ કરીએ છીએ? રોજની એક માખી તો ખવાઈ જ જતી હશે. હું પ્યોર વેજ છું તો પણ આટલો નોનવેજ ઇચ્છા વગર થઈ ગયો છું.’

જજ સાહેબને આવું જજમેન્ટ આપવાનું કેમ થયું? તે સ્ટોરી કૈંક આવી છે. આમ તો ગંભીર બેદરકારી હોય તો લાઈસન્સ રદ્દ થાય, પણ બે વાંદા કંઇ એવી ગંભીર બેદરકારી નથી કે લાઈસન્સ રદ્દ કરવું પડે ને આ વાંદા સ્વચ્છ ને નાહીધોઈને આવ્યા હોય તો બેદરકારીનું કારણ લાગુ ન કરી શકાય. બીજું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે તાત્કાલિક જોખમ ઊભું થાય તો લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે. આ બે વાંદાએ કોઈને માંદા પાડયા નથી. એટલે એ જોખમી નથી ને તે કારણસર પણ હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરાય. સાચું તો એ છે કે આ વાંદા માણસ માટે જોખમી નથી, બલકે, માણસ વાંદા માટે જોખમી છે. એક ઝાપટ મારીને માણસ તેને ખતમ કરી શકે છે. એવી ઝાપટ વાંદા, માણસને મારી શકતા નથી. મતલબ કે વાંદા, માણસ છે એટલા જોખમી ક્યારે ય રહ્યા નથી.

હાઇકોર્ટે એક ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાના FDA(ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)ના નિર્ણયને રદ્દ કર્યો છે ને FDAને એવી ફટકાર લગાવી છે કે વાસ્તવિકતામાં જીવો. આપણે ભારતમાં છીએ. બે વાંદા મળતા ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરો છો? જજ સાહેબનું જજમેન્ટ એકદમ પરફેક્ટ છે. અન્ય દેશમાં ફાઈવસ્ટાર હોટેલ હોય તો વાત જુદી છે. ત્યાં લાઇસન્સ ભલે સસ્પેન્ડ થતું હોય, તેથી તેની નકલ કરવાની જરૂર નથી ને એ ન ભૂલવું જોઈએ કે આ ભારત છે. અહીં વાસ્તવિક જગતમાં રહેવું જોઈએ, એટલે કે બીજા શબ્દોમાં પ્રેક્ટિકલ રહેવું જોઈએ. કોઈ નાની હોટેલ હોય તો સમજ્યા, આ તો ફાઈવસ્ટાર હોટેલ છે, એનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં એ હોટેલનાં રેપ્યુટેશનને કેટલો ધોકો પહોંચે, એ તો જુઓ. જો કે, FDAએ ખુલાસો કરતા કહ્યું પણ ખરું કે હોટેલના રસોડામાં જીવાત મળી આવી હતી. ખાદ્યસામગ્રી અને ચોખ્ખાઈમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વાંદા બે હોય કે બાવીસ આ નિયમ ન પળાય તો તે સ્વીકાર્ય નથી.

જો કે, આ દલીલ જજ સાહેબોને ગળે ઊતરી ન હતી. તેમણે પોતાની લાચારી વર્ણવતા કહ્યું કે અમારા ટેબલ પર પણ વાંદો હતો ને માખી પણ હતી, તો શું કરવાનું? કોર્ટ બંધ કરી દેવાની? હાઈકોર્ટે FDAને વધુ ભીડવવા પૂછ્યું પણ ખરું કે સરકાર હસ્તકના વિભાગોની કેન્ટીનો સામે શું તપાસ કરવામાં આવી છે, તેનો અહેવાલ રજૂ કરવામાં આવે. જોયું? આવું થાય છે. કરવા જાવ કંસાર ને થઈ જાય થુલી ! હવે હાઈકોર્ટનો ચુકાદો હોય તો તેમાં થઈ પણ શું શકે? એટલું છે કે હોટેલોને ફાવતું આવશે. આ વાતની વચ્ચે જ હોટેલના બીજા સમાચાર પણ જોવા મળ્યા. બાર્બેક્યુ કરીને એક હોટેલમાં એક ગ્રાહકે વેજ બિરિયાનીનો ઓર્ડર આપ્યો તો હોટેલે ચિકન બિરિયાની મોકલી આપી. ગ્રાહકે ઘણાં ફોન કર્યા, પણ કોઈએ ઉઠાવ્યા નહીં, તો ગ્રાહક પોતે હોટેલ પહોંચ્યો ને ઝઘડો કરતા કહ્યું કે હું બ્રાહ્મણ છું ને મારા ઘરમાં ચિકન આવે તે તો સહન જ કેમ થાય? એવું બને કે આ રીતે વેજને નોનવેજ ને નોન-વેજને વેજ મોકલાય તો નોન-વેજ ખાનારા વેજ થઇ જાય અને વેજ ખાનારો નોન-વેજી થઈ જાય. એટલે જ હવેથી વાંદાની સાથોસાથ જ ગરોળી, ઉંદર, કીડી, મંકોડા વીણી વીણીને લાવવામાં આવે તો નવાઈ નહીં. અહીં ના હોય તો ફોરેનથી ઈમ્પોર્ટ કરાય અને એમ લોકોનાં આયુષ્ય જોડે ગમ્મત કરી શકાય.

ગમ્મત તો એ પણ છે કે હોટેલના બચાવમાં ખુદ જજ સાહેબો ઊતરી પડ્યા. આ જજમેન્ટથી એક ફેરફાર ઘરોમાં એ થઇ શકે કે વાંદા, ગરોળી ચારોળીની જેમ વપરાવા લાગે. જમવામાં દાળમાંથી વાંદો નીકળે કે વાંદામાંથી દાળ નીકળે તો તે ગૃહિણી સહજતાથી લેશે ને ઘરવાળાને સંભળાવશે પણ ખરી કે હોટેલમાંથી વાંદો આવે છે તો ખાઈ જાવ છો, ઘરમાં ખાવામાં જ કેમ મોઢું વંકાઈ જાય છે? તમને તો ગરોળી પણ હોટેલની જ ફાવે છે, ઘરની ગરોળી તો ખાવા દોડે છે.

સાચું ખોટું તો ખબર નથી, પણ આ જજમેન્ટ ગળે ઊતરતું નથી. બીજી બધી સાવચેતી છતાં ફાઈવ કે ફોરસ્ટાર હોટેલ ડિસ્કાઉન્ટ વગર વાંદા આપે ને બીજું કોઈ નહીં ને હાઈકોર્ટની બેંચ એમ કહીને FDAને તડકાવે કે બે વાંદા નીકળે એટલા પરથી લાઈસન્સ સસ્પેન્ડ ના થાય. આ ભારત છે. એવું યાદ અપાવીને વાસ્તવિક અભિગમ અપનાવવાનું કોર્ટ દ્વારા સૂચવાયું છે. બીજા શબ્દમાં પ્રેક્ટિકલ બનવાનું સૂચવાયું હોય એમ બને. આ વાસ્તવિક અભિગમ એટલે શું એનો ફોડ પડ્યો નથી. એમ માનવાનું છે કે આ ભારત છે, તો એમાં બે વાંદા હોટેલના કિચનમાંથી નીકળે તે ક્ષમ્ય છે? એ ક્ષમ્ય શું કામ હોય ? હોટેલ ડિસ્કાઉન્ટમાં ફૂડ સપ્લાય કરે છે? જો નહીં, તો હોટેલને માફ કઈ રીતે કરાય? તે પણ એટલે કે આ બધું ભારતમાં છે ને તે વાસ્તવિક અભિગમને નામે ચલાવી લેવાનું છે, એમ કહીને કોર્ટ FDAને, હોટેલને તેનું લાઈસન્સ પરત કરવાનો આદેશ આપે છે. આ બરાબર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑગસ્ટ 2026

Loading

...102030...34353637...405060...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved