આજે મોટા ભાગના સર્જકો અને પ્રાઘ્યાપક મિત્રોને ખબર નથી કે ડાયસ્પોરા એટલે શું? ડાયસ્પોરાનો અર્થ સમજ્યા વગર આપણે ડાયસ્પોરાના નામે ઢોલ નગારા જોર જોરથી પીટ્યે રાખીએ છીએ તે ખરેખર કેટલું યોગ્ય છે?
અમેરિકામાં વસતાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીને આપણે ડાયસ્પોરા પ્રજા કઈ રીતે કહી શકીએ? તે પણ એક મોટો સમજવા જેવો સવાલ છે. અમેરિકામાં મોટાભાગના ભારતીયો /ગુજરાતીઓએ સ્વેચ્છાએ પોતાનું વતન છોડી દેશવટો લીઘો છે. અમેરિકામાં સ્થાયી થયેલાં આપણા ઘણાં ખરાં ભારતીયો અંગત સ્વાર્થ અને ઉત્કર્ષ માટે પોતાનું વતન – દેશ છોડીને અમેરિકામાં આવીને વસ્યાં છે.
ડાયસ્પોરા મૂળ આપણને તેમ જ વિશ્વને યહૂદી શબ્દકોશમાંથી પ્રાપ્ત થયેલો શબ્દ છે. કોઈ કાળે “યહૂદી પ્રજાને પોતાના વતનમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલ. પોતાનું પ્યારું વતન છૂટી જવાને કારણ સ્થળાંતર કરીને હજારો માઈલ દૂર અજાણ્યા બીજા પ્રદેશમા જઈને વસેલ યહૂદી પ્રજાનાં હ્રદયમાં પેદા થયેલો વતન ઝૂરાપો, પ્રત્યેક ક્ષણે હ્રદય મનને સતાવતો અતિત રાગને કારણે તેમની કલમથી સરજાયેલું સાહિત્ય એટલે ડાયસ્પોરા સાહિત્ય. આ વાત ફકત યહૂદી પ્રજા માટે લાગુ નથી પડતી, પણ કોઈ પણ વ્યક્તિને કે પ્રજાને ઘર્મ, ભાષા, સંસ્કૃતિ કે રાજકીય એવા કોઈ પણ કારણ કે બહાના હેઠળ પોતાનું વતન/દેશ છોડી સ્થળાંતર કરવું પડે, ત્યારે તે પ્રજાના કે વ્યક્તિના હ્રદય મનમાં જે વતન ઝૂરાપો હોય અને તે પીડા દર્દ કાગળ પર ઉતરે તેને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય.
અમેરિકા, વિલાયતમાં વસેલ ભારતીયોનો ગુજરાતીના નવ વસાહતમાં ડોલર રળવા સિવાયનો બીજી કોઈ પારાવાર વેદના અને ગૌરવ-ગાથાનો સંઘર્ષ કેટલો? વતનથી દૂર થઈ જવું અને પરાયા દેશમાં પોતાના વતન અને સંસ્કૃતિનાં મૂળ રોપી રાખવાં, કોઈ એક દિવસ વતન પાછા ફરવાની ઝંખના, બીજા દેશમાં મનની વેદના સાથે પ્રત્યેક ક્ષણે જીવવું, આ બઘો ઝૂરાપો એટએ ડાયસ્પોરા! વર્તમાનમાં પોતાનું વતન છોડી બીજા દેશમાં સ્થાયી થવા સંઘર્ષ કરતી અફઘાની પ્રજા જે કોઈ દેશમાં સ્થાયી થશે અને બે પાંચ વરસે તેમનાં હ્રદય મનમાંથી વતન/પરિવારના ઝૂરાપામાંથી જે સાહિત્ય રચાશે તેને ડાયસ્પોરા સાહિત્ય કહેવાશે.
ભારતમાં વરસો પહેલાં, સંજાણ બંદરે ઘર્મ અને પોતાની સંસ્કૃતિને બચાવવા આવેલ ઈરાની પ્રજા તેમ જ દેશના વિભાજન વખતે એટલે ૧૯૪૭માં સીંઘ/પંજાબ છોડી ભારત આવેલ સીંઘી/પંજાબી પ્રજા ડાયસ્પોરા પ્રજા કહેવાય. .. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યાં ત્યારે ઘણાં હિંદુ પરિવારો સ્થળાતર કરી ભારત આવ્યાં અને ઘણાં મુસ્લિમ પરિવારો ભારતથી પાકિસ્તાન ચાલ્યાં ગયાં. આ ગાળામાં આદિલ મન્સૂરીનો પરિવાર પણ ભારત છોડીને પાકિસ્તાનમાં કાયમ માટે કરાંચીમાં સ્થાયી થવા ચાલ્યો ગયો હતો, પરંતુ બે પાંચ વરસ આદિલભાઈનો પરિવાર પાકિસ્તાન રહ્યો, પણ તેમને પાકિસ્તાનની આબોહવા કે વાતાવરણ માફક ન આવતાં, તેમનો પરિવાર પાછો હિંદુસ્તાનમાં અમદાવાદ આવી ગયો અને ભારતમાં બીજા ભારતીય મુસ્લિમ પરિવારની જેમ ખુશી સાથે રહેવાં લાગ્યો. તે ગાળામાં નાગરિકતાની કે પાસપોર્ટ જેવી કોઈ માથાઝીક હતી નહીં. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનનું ફરી એકવાર યુદ્ધ થયું, અને બને દેશની પ્રજા વચ્ચે તણાવ વઘવા માંડયો. ભારતમાં બિન કાયદેસર વસતા પાકિસ્તાની પરિવારોને તાત્કાલિક ભારત છોડવાનું ફરમાન થયું. તેમાં આદિલ મન્સૂરી તેમ જ તેના પરિવારને ભારત છોડવો પડે તેવી હાલતનું નિર્માણ થયું. આદિલ અને તેના પરિવારને ભારત છોડી બીજા પરાયા દેશમાં જવું પડશે તેનું દુઃખ દર્દ આદિલ તેમ જ તેના પરિવારને રાત દિવસ સતાવતું હતું. આદિલને ભારત દેશ રાખવા તૈયાર નહોતો, કારણ કે તેઓ ભારતના કાયદેસરના નાગરિક નહોતા, અને સરહદ પારનો દેશ આદિલને તેમ જ તેનાં પરિવારને સંઘરવા તૈયાર નહોતો કારણ કે આદિલ અને તેનો પરિવાર ભારત પાછા આવ્યા ત્યારે પાકિસ્તાનનું નાગરિકત્વ મેળવ્યા વિના પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા હતા. હવે કરવુ શું? આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે જે દેશ તેમને રાખવા તૈયાર થાય તે દેશમાં તેમને જવું પડે તેવી હાલત તેમના માટે કારણ વિના સર્જાણી, અને તેઓ બીજું કશું કરી શકે તેમ પણ નહોતા.
રોજની જેમ એક સાંજે આદિલ ભઠ્ઠિયારી ગલીમાંથી ચીનુ મોદી, લાભશંકર ઠાકર અને મનહર મોદીને મળીને દુઃખી મને ઘરે પાછા ફરતા હતા, ત્યારે આદિલને ઘર તરફ જતા જોઈ રોજનો પરિચિત શેરીનો એક કૂતરો આદિલની આગળ પાછળ ફરવા માંડયો. આ કૂતરા સાથે આદિલને ઘણાં વરસોથી લગાવ હતો. રોજ શેરીમાંથી આવતા જતા આદિલ આ કૂતરાને બે ચાર ગ્લુકોસઝ બિસ્કીટ નાંખે. આજે મોડી સાંજે શેરીમાં આદિલને આવતા જોઈને આ કૂતરાને થયું કે આદિલમિયાં, દોસ્તીનાતે મને કૈક આપશે, પણ કમભાગ્યે તે સાંજે આદિલ પાસે તેને નાંખવા જેવું કશું નહોતું, એટલે દુઃખી મને શેરીના એક બત્તીના થાંભલા નીચેના મોટા પથ્થર નીચે આદિલે તેને પોતાની પાસે બોલાવી તેની સાથે રમતા આદિલનું મન ભરાય આવ્યું, અને મુખમાંથી શબ્દો સરી પડયા,” અરે દોસ્ત, અહીંયા તો તું છે, આખું નગર મારું પોતાનું છે, ખબર નથી કાલે સવારે ક્યા દેશમાં જવું પડશે? જયાં મારું કોઈ નથી, દોસ્ત, ખેર ! જેવી અલ્લાહની મરજી હશે, ત્યાં અંજળપાણી મને અને પરિવારને લઈ જશે, દોસ્ત … આંખે આવેલાં આંસું લૂછતાં, કૂતરાને માથે ગાલે પ્રેમથી હાથ ફેરવી આદિલ ઘર તરફ ચાલી નીકળ્યા. તે સાંજે આદિલનું મન હ્રદય બહુ જ દુઃખી હતું. પથ્થારીમાં જઈશ તો પણ નીંદર કયાં આવે તેમ હતી? આદિલ ઘરની ખુલ્લી બારીમાંથી અમદાવાદને નીરખતા અમદાવાદને છોડીને ચાલ્યા જવું પડશે, તેવા અંજપામાં બેઠા હતા અને આ અંજંપામાંથી તે મોડી રાતે આંખના છલકતા આંસુ સાથે બે પાંચ દિવસમાં વતન છોડી ચાલ્યા જવાના ઝૂરાપામાંથી તેમને એક ગઝલ સ્ફૂરી …. તે ગઝલ આ હતી, “મળે ન મળે” :
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
— ‘આદિલ’ મન્સૂરી
આજે વર્તમાનમાં ડાયસ્પોરાને નામે અમેરિકા, વિલાયત તેમ જ બીજા દેશોમાં આડેઘડ બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલાં સાહિત્યકારો, ડાયસ્પોરા સાહિત્ય લખવાં માંડયાં છે; ડાયસ્પોરાને નામે લખાતું મોટા ભાગનું તો નહીં પણ ઘણું ખરું સાહિત્ય કચરા જેવું હોય છે. આ કચરો ભારતથી પરદેશ/વિલાયત આવતા લેભાગુ સાહિત્યકારો, ડોલર રળવા / ભેગા કરવા ખાલી પછેડી લઈને આવી ચડતાં પ્રાઘ્યાપકો દ્વારા ગુજરાતથી સાહિત્યમાં ઠલવાય છે.
આ સાહિત્યકારોએ તેમ જ પ્રાઘ્યાપકોએ ગુજરાતી સાહિત્યને અંગત સ્વાર્થ માટે ઊકરડો બનાવી દીધું છે, એમ કહું તો મારી દૃષ્ટિએ કંઈ ખોટું નથી! ભવિષ્યમાં તેનું કોઈ સાચું વિવેચન/અવલોકન કરશે, ત્યારે ખબર પડશે કે કચરો કેટલો ગુજરાતી ભાષામાં ઠલવાયો છે. આ લખનાર જિંદગીના લગભગ સાત દાયકા વિતાવવાની નજદિકમાં છે. અમેરિકામાં છેલ્લા સાડાચાર દાયકાથી રહે છે. ડાયસ્પોરાને નામે રચાતું અઢળક સાહિત્ય ગુજરાતી સામયિકો તેમ જ અખબારોમાં વાંચ્યું છે / વાચું છું, કવિતા, અને વાર્તા તો ડાયસ્પોરાને નામે પ્રગટ થતાં હતાં પણ હવે આ ફાલતું સાહિત્યકારો અને પ્રાઘ્યાપકો, વિદેશમાં વસતા ઘનવાનો અને વગવાળા વ્યક્તિનાં વ્યક્તિ ચિત્રોને ડોલર રળવાને ખાતર લખવા માંડયા છે. તે ખરેખર સાહિત્ય માટે ભયરૂપ છે!
અમેરિકામાં કવિ મિત્ર ચંદ્રકાન્ત શાહનાં કાવ્યો ‘બ્લૂ જીન્સ”, પન્ના નાયકનાં મૂઠી એક ડાયસ્પોરા કાવ્યોમાં “ઘર ઝુરાપો” તેમ જ બીજા કવિઓની બે પાંચ કવિતા સાથે ડૉ. રજનીકાન્ત શાહની વાર્તા તેમ જ નાટકોને બાદ કરી નાંખો, તો ડાયસ્પોરાને નામે કચરાથી વિશેષ ગુજરાતી સાહિત્યને કંઈ પ્રાપ્ત થયું નથી, કંઈ મળ્યું નથી. મારે દુઃખી મને લખવું પડે છે કે ભાગ્યે જ કોઈ કૃતિમાં મને ડાયસ્પોરા સાહિત્યનાં દર્શન થયાં હોય, તેવું મને યાદ પણ નથી. ડાયસ્પોરાને નામે લખાયેલ અઢળક સાહિત્યને (કચરાને) તમે ત્રાજવાના એક પલ્લાંમાં મૂકો અને ‘આદિલ’ મનસૂરીની એક ગઝલને ત્રાજવાના બીજા પલ્લામાં મૂકો તો ‘આદિલ’નું પલ્લું જ નીચું જશે. કારણ કે ‘આદિલ’ની ગઝલમાં વતન છૂટી જવાની ભારોભાર વેદના છે. સાથો સાથ ઘર, શેરી, અને નગરનો પ્રત્યેક શેરમાં ઝૂરાપો દેખાય છે. ‘આદિલ’ મનસૂરીની ગઝલ તો વતન છૂટી જશે તેના અંજપામાં લખાયેલ છે નહિ કે અમેરિકામાં જઈને ડોલરના પોટલા બાંઘવાના પ્રેમમાં! આ જ ‘આદિલે’ અમેરિકામાં વરસો વિતાવ્યાં બાદ એક ગઝલ લખી કે, “ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં” છતાં ‘આદિલ’ને “મળે ન મળે” ગઝલ જેટલી સફળતા પ્રાપ્ત થઈ છે તે જર્સીમાં વરસો કાઢ્યામાં નથી મળી. તેનું કારણ છે ‘આદિલ’ મન્સૂરી અમેરિકા સુખચેન માટે સ્થાયી થયા હતા.