કાઝી નસરુલ ઇસ્લામના પ્રસિદ્ધ કાવ્યગ્રંથનું નામ છે ‘અગ્નિવીણા’. સ્વામી આનંદની પ્રતિભામાં પાવકની પાવન-કારી શક્તિ અને વીણાના માધુર્યનું મિલન હતું. તેમના વ્યક્તિત્વમાં એક તરફ તિલક-ગાંધીની સત્યનિષ્ઠા અને બીજી તરફ સૂર-તુલસી અને રામકૃષ્ણની ભક્તિના સંસ્કાર સમન્વિત હતા.
‘અંત્યજ’ કે આદિવાસી પ્રત્યે થતો અન્યાય, બનાવટી સાધુઓનો દંભ, સંકુચિત પ્રાંતવાદ, અંગ્રેજોનો સામ્રાજ્યવાદ, સ્વરાજ પછીના ઘઉંવર્ણા સાહેબોના ડોળદમામ અને ભ્રષ્ટાચાર, રચનાત્મક કાર્યકર્તાઓની જડતા-નિષ્ક્રિયતા કે રાજ્યાશ્રિતતા, અણુબોંબ કે જંતુયુદ્ધની ભીષણતા, સભ્યતા અને પ્રગતિને નામે પ્રકૃતિ પર ગુજારાતો અત્યાચાર – આ તમામ બાબતો સ્વામીની અસિધારાના વારના વિષયો હતા. એક સૈકામાં અગિયાર ઓછાં વરસના એમના દીર્ઘ જીવનના વરસે વરસના ત્રણસો ને પાંસઠ દિવસમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે જ્યારે સ્વામીના અગ્નિના તણખા નહીં ઝર્યા હોય. આ અગ્નિશિખા જ એમના કર્મયોગની પથપ્રદર્શિકા હતી. અન્યાય સામે નિરંતર ઝઝૂમવાનો એમનો તરવરાટ જ એ સંન્યાસી જીવને સંસારના રણ આંગણમાં ખેંચી જતો; એ જ એમને તિલક મહારાજ કે ગાંધીજીને ચરણે બેસાડતો, થાણા કે સૂરત જિલ્લાના વાર્લી, કુંકણા દૂબળા કે ઢોડિયાઓની ઝૂંપડીઓ સુધી રખડાવતો, એ જ એમની પાસે જેને એક વાર પોતાના ખોળામાં લઈને ફેરવેલી અને પાછળથી જેની ઝળહળતી કીર્તિ જોઈ હૈયું ઠારેલું તે ઇન્દિરાજીની ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહીને પોષક નીતિ જોઈને એની સામે રણશિંગું ફૂંકવા પ્રેરતો. એ જ તરવરાટ જેની ઓળખાણ પોતે ગાંધીજીના સર્વશ્રેષ્ઠ સાથી તરીકે, ઈશુના સર્વશ્રેષ્ઠ સંત સમા ઓલિયા તરીકે કરાવેલી તે વિનોબાજી અંગે એમ કહેવડાવી શકેલો કે, ‘તમારા કોરા અધ્યાત્મવાદે તમને આબાદ ગોથું ખવડાવ્યું છે.’
બીજી બાજુ એમનું માધુર્ય પ્રેમ, વાત્સલ્ય કે કરુણાના ધોધ રૂપે સદા ધસમસતું રહ્યું છે. દશ વર્ષની વયે ભગવાનના દર્શનના લોભે ઘર છોડી નીકળી પડેલા તે રખડુ સાધુઓની સંગતમાં ચેલાઓ ઉપર થતી જોહુકમી અને જુલમ જોઈ કે ભીખ માંગવામાં ઉપયોગી નીવડે એટલા સારુ કુમળાં બાળકોની આંખો ખુદ માતા પિતાને જ જાતે ફોડી નાખતાં જોઈને એમનું હૈયું દ્રવી ઊઠેલું. તેમાંથી રામકૃષ્ણ પરમહંસના કોઈ શિષ્યની આંગળી પકડી ઊગરી નીકળવા છતાં એ દૃશ્યની કરુણતા આખી જિંદગી સુધી ભૂલી ન શક્યા. રામકૃષ્ણાશ્રમમાં ભજનોનો જે નાદ લાગ્યો તે છેવટ સુધી એમના હૈયાને તરબોળ કરતો રહ્યો અને સંગીતથી સાત વાર છેટે રહીને સુધ્ધાં રોજે રોજ પ્રાર્થનામાં તુલસીની ‘બાતન કી એક બાત – રામનામ લીજિયે, રામનામ લિજિયે’નો જપ કરતા રહ્યા.
ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ તથા અનાસક્તિયોગ જેવા મુખ્ય ગ્રંથોની પ્રસ્તાવનામાં જેમના નામનો ઉલ્લેખ આવે છે; વિનોબા, મશરુવાળા, મહાદેવ કે નરહરિની હરોળમાં જે સહેજે બેસી શકે એમ હતા, સિંહગઢમાં તિલક મહારાજ અને ગાંધીજીનો સહવાસ ગોઠવી આપનાર, આખા દેશને નવું જીવન આપનાર ‘નવજીવન’ના અંકો તૈયાર કરવામાં જેમનું સ્થાન ગાંધીજી પછી બીજે નંબરે આવે એમ હતું, જેમણે ગોસેવા સંઘનું મંત્રીપદ શોભાવેલું અને કસ્તૂરબા ટ્રસ્ટનો પાયો નાંખેલો, બાળા સાહેબ ખેર અને આચાર્ય ભિસે જેવાએ જેમની પાસેથી આદિવાસીઓની સેવાની પ્રેરણા લીધેલી, બિહારના ભૂકંપ વખતે જેમણે ગુજરાતની રાહત ટુકડીની આગેવાની કરેલી, સરદાર પટેલના મિત્ર અને મંત્રી તરીકે જેમણે એકથી વધુ વાર કામ કરેલું, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જેમણે નિરાશ્રિતોની સેવા ઘરના માણસની જેમ કરેલી; ખેર સાહેબ, વૈકુંઠભાઈ મહેતા, યશવંતરાવ ચવ્હાણ જેવા પ્રધાનો જેમની પાસે આદરપૂર્વક સલાહ માગતા તેમને આજે લોકો આટલું ઓછું કેમ જાણે છે ?
‘સ્વામી આનંદ ! નામ તો કાંઈક પરિચિત સંભળાય છે. પણ બરાબર ખ્યાલ આવતો નથી.’ એમ કેમ કહે છે ? ભાઈ, દેશના તમામ સ્વામીઓનાં નામ પાછળ આનંદ શબ્દ તો લાગેલો જ હોય છે. માટે એ નામ પરિચિત લાગે એ સ્વાભાવિક છે. પરંતુ સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે સંસારી વસ્ત્રોમાં હોવા છતાં તેઓ આજન્મ સંન્યાસી જ હતા. પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા અને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મેળાવડામાં કે મંચ પર બિરાજેલા ન દેખાય. એ તો હોય કોઈ ટ્રેડળ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઉથલાવતા, ચોક્કસ ઉદ્ધરણોનાં મૂળ શોધતા કે થોડી જગામાં વધારે મેટર કેવી રીતે સમાવવું તેની ગડમથલ કરતા. એમને તમે કોઈ પાર્ટીમાં ન જુઓ, એમની મિજબાની તો ચાલતી હોય ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડાંઓમાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં.
(જો કે ખાવાની વાત નીકળી છે તો સાથે સાથે મારે કહી દેવું જોઈએ કે જીવનના તમામ વિષયોની માફક ખાવાની બાબતમાં પણ તેઓ ‘યો વૈ ભૂમા તત્ સુખમ્ ન અલ્પે સુખમસ્તિ’ના મંત્રમાં માનતા અને તેથી જ, દૂધ પીતા તો તેનું માપ સો બસો મિલિગ્રામમાં નહીં પણ લિટર અને ગેલનમાં ગણાતું અને પૂરું જમ્યા પછી મુખવાસ તરીકે પાશેરેક બદામ કે ફળાહારમાં એકાદ ડઝન કેળાં-સંતરાં કે પાંચ છ ગ્લાસ શેરડીનો રસ ગટગટાવી જતાં મેં એમને જોયા છે !) એમના સહજ સંન્યાસને લીધે એમને પ્રતિષ્ઠાની પરવા જ નહોતી, તેથીસ્તો સાહિત્ય અકાદમીએ પાંચ હજારનું પારિતોષિક આપતાં એમનો ટૂંકો ‘બાયો-ડેટા’ માંગ્યો ત્યારે એ ઈનામને પાછું ઠેલી એમણે લખ્યું – તમને ભારતીય સંસ્કૃતિની કાંઈ જાણબાણ છે ખરી કે ? સાધુને એના પૂર્વાશ્રમ વિષે પુછાતું હશે !
પણ એ કહેવું મુશ્કેલ છે કે સ્વામી સંન્યાસી વધુ હતા કે સંસારી. પોતે વ્યક્તિગત રીતે સંન્યાસી હોવા છતાં એ એક વિશાળ પરિવારના કુલપતિ હતા. એક વખત ગંગોત્રી ગયેલા. ત્યાં નહાતી વખતે સગાંવહાલાંનું સ્મરણ કરીએ તો ગંગા નહાયાનું પુણ્ય એમને પણ લાગે એવી માન્યતા છે. સ્વામીએ વિચાર્યું કે દરેક આપ્તજનને યાદ કરીને એક ડૂબકી મારવા જાઉં તો અહીં જ ટાઢે ઠરી મરીશ. તેથી તેમણે એક યુક્તિ કરી. સૌથી નિકટના જે આપ્તજનો હતાં તેમનાં નામોની યાદી બનાવી, એ યાદી ગંગાકાંઠે ઊભા રહીને વાંચી ગયા. પછી એક સામટી બધાં વતી ડૂબકી મારી. એ યાદી સાડાત્રણસો લોકોની થઈ હતી ! છતાં એમના મનમાં રહી ગયું હતું કે યાદી સાવ અધૂરી રહી ગઈ. કોઈ સંસારી માણસ પોતાની દીકરીના લગ્નની કંકોતરી સારુ જેવી યાદી બનાવે તેવી યાદી તો સ્વામીને પોતાના નજીકનાં સગાંવહાલાંની કરવી પડે એમ હતું.
પાછલી ઉંમરમાં સામાન્ય રીતે લોકો એમને ‘સ્વામીદાદા’ કહેતા. મોહન પરીખ વગેરે કેટલાક એમને ‘સ્વામી કાકા’ કહેતા. પણ મારા તો એ ‘મામા’ જ. મહાદેવભાઈના એ અભિન્નહૃદય મિત્ર એ વાત ખરી, પણ દુર્ગાબહેનના તો એ જાણે મા જણ્યા ભાઈ જ. સત્યાગ્રહ આશ્રમ સાબરમતીમાં દુર્ગાબહેનને રસોડે રોજ મહેમાનોની ભીડ જામે. પણ રોજેરોજ નવજીવનમાં જતાં મહાદેવભાઈ જો શાકભાજી કે ઘરવખરીની ચીજો વહોરી લાવે તો એમનું નામ શી રીતે સાર્થક થાય ? કોઈ સ્ત્રી કરતાં પણ વધુ ઝીણવટથી સ્વામી મામા બા સારુ માલ સામાન વહોરી લાવતા. અલબત્ત, સ્વામી મામા વહોરે એટલે એનું પ્રમાણ ઓછું હોય જ નહીં. મારા પિતાશ્રીનાં અસ્થિ લઈને સ્વામી મામા મને અને મારા કાકા પરમાનંદને હરદ્વાર લઈ ગયેલા. ત્યાં અમારા ત્રણ જણ માટે જે શાક પાન ખરીદે તે પણ એ જ રીતે. એટલે હું પરમાનંદને કહું, ‘પહેલાં એક ટોપલો ખરીદજો, પછી શાકભાજી !’
મામા હસીને કહે, ‘તું જ મારે માથે માછલાં ધુએ એમ છે.’ પછી શાકભાજીયે ખરીદે અને એને વહી જવા સારુ ટોપલોયે ખરીદે. રોજ અમારા ત્રણ ઉપરાંત બીજા કેટલાયની રસોઈ થાય ને તે હરિજનો કે રક્તપિત્તિયાંને ખવડાવવામાં આવે. મામા કહેતા, ‘આપણે સારુ તો આ જ બ્રહ્મભોજન.’ સ્વામી(મૂળ હિંમતલાલ ત્રિવેદી)ના પૂર્વાશ્રમના ભાણજા ભત્રીજાઓની સંખ્યા પણ ખાસ્સી એવી હતી. એ બધાં સાથે પણ સ્વામી કાકા મામા તરીકેનો વહેવાર રાખતા અને અમારા જેવા સેંકડો બીજા. છેલ્લે છેલ્લે વડોદરામાં જયપ્રકાશ સ્વાસ્થ્ય નિધિની અપીલનો ખરડો લખાવવા સારુ ગયેલો ત્યારે મળેલો. તે વખતે પણ મેં વિદાય લીધી ત્યારે બળજબરી કરીને મામા તરીકે ભાણેજના ખિસ્સામાં ૧૦-૧૦ની પાંચ નોટો સેરવી દીધી. કાંતા-હરવિલાસ એમની પાસે જાય ત્યારે એ કહેતા કે ‘તમે તો દીકરીઓ. તેથી મારે મન તો તમે તુલસીક્યારો. એને જેટલું પાણી પાઓ એટલું પુણ્ય જ મળે.’
એમનો એ પ્રેમ મૂંઝવી-અકળાવી નાખે એવો લાગે. જેમની ઉપર સ્વામી રીઝે એને માત્ર પ્રેમથી જ નહીં, પણ પ્રશંસાથી પણ નવરાવી નાખે. ત્યારે જે મૂંઝવણ થાય તેનો અનુભવ મારી માફક ભાઈ મોહન પરીખ, ‘ભૂમિપુત્ર’વાળા કાંતિ શાહ, ફોટોગ્રાફર અશ્વિન મહેતા, જસ્ટિસ નરેન્દ્ર નથવાણી, શ્રીમતી હેમુબહેન ખીરા, એમના ઉત્તર જીવનમાં અનન્ય ભક્તિથી તેમની સેવા કરનાર ભગવતીબહેન, રામદાસ ગાંધીની પુત્રી સુમિત્રા કુલકર્ણી, કોસબાડ કૃષિ કેન્દ્રના જયંતરાવ પાટિલ, શ્યામાપ્રસાદ મુખર્જીના નાના ભાઈ ડૉ. મયાદેવ, મહાદેવથી મોટેરાવાલા છોટુકાકા વગેરે સેંકડોએ કર્યો હશે.
હમણાં એક જૂનો પ્રસંગ યાદ કરીને વિનોબાએ પંડિત નહેરુને ટાંક્યા. ‘એમને ગાંધી ગૌતમ અને ગંગાનો અનુરાગ હતો. મેં એમાં બે શબ્દનો ઉમેરો કર્યો છે : ગીતા અને ગાય. એટલે ભારતીય સંસ્કૃતિ આવી ગઈ.’ ગૌતમ વિષેના સ્વામીના અનુરાગને હું વિશેષ જાણતો નથી. ભારતીય સંસ્કૃતિના બાકી ચાર સ્તંભો પર તો સ્વામી ન્યોછાવર હતા.
ગયે વર્ષે ભાઈ શ્રીરામ ચિંચલીકર સ્વામી સાથે ગીતા વિષે કાંઈક ચર્ચા કરવા કોસબાડ ગયેલો. સ્વામી કહે, ‘વર્ષો સુધી એક પગ પર ઊભા રહીને રોજ બે વાર હું આખી ગીતાનો પાઠ કરતો. તે કાળ સુધીમાં લખાયેલું ગીતા અંગેનું લગભગ બધું ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી સાહિત્ય મેં વાંચી કાઢેલું. પણ મને તો એક જ વસ્તુ શીખવાની મળી કે વાંચવાથી નહીં, પણ અનુભવથી શીખાય છે.’ છેલ્લા દિવસોમાં સ્વામીએ ગીતાના ૧૦૮ શ્લોકોની પસંદગી કરીને પોતાની આગવી શૈલીમાં એનો અનુવાદ કરી લોકગીતા નામે એને પ્રસિદ્ધ કરેલો. આ પસંદગીમાં તમે જુઓ તો તત્ત્વજ્ઞાનના શ્લોકો વીણી વીણીને કાઢી નાખેલા અને કર્મ ભક્તિના શ્લોકો પસંદ કરાયેલા. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને પુરુષોત્તમ યોગ વિનાની ગીતાની તમે કલ્પના કરી શકો ખરા ? પણ એવી પસંદગી કરવાની સ્વામીની હિંમત હતી.
ગાંધી પાછળ તો એમણે જીવન ગાળ્યું. એના જ એક ભાગ તરીકે એમણે ગોસેવાને પણ અપનાવી. એમેય ગાય વિષેનો એમનો પ્રેમ મૂળનો જ. તેથી જ દૂધને ઉકાળ્યા વિના ધારોષ્ણ જ પીએ.
પણ મૂળે જીવ હિમાલય અને ગંગાનો અનુરાગી. હિમાલયનો પ્રવાસ કાકાસાહેબે લખ્યો તેમાં એમના બે સાથીઓ. એક આચાર્ય કૃપલાની અને બીજા સ્વામી. ત્રણેમાં સૌથી નાના સ્વામી, પણ હિમાલયના સૌથી વધુ ખૂંદનાર પણ એ જ. ‘એક્રોસ ધ ગંગોત્રી ગ્લેશિયર્સ’માં આપણને સ્વામીના હિમાલય અને ગંગાના અનુરાગનું થોડું તીર્થ સલિલ ચાખવા મળે છે. પણ કૌસાનીમાં સામે ૨૦૦ માઈલ સુધી હિમગિરિ શિખરોની માળા પથરાયેલી હોય તે ઝૂંપડીમાં કે હરદ્વારમાં ગંગાને કાંઠે કોઈ ધર્મશાળામાં એમની જોડે રહ્યા હો તો હિમાલયના અનેક પ્રવાસોનાં તેમનાં સંસ્મરણો સાંભળવાનાં મળે.
આપણને મનમાં એમ રહી જાય ખરું કે સ્વામીએ જો પોતાનાં પ્રવાસવર્ણનો લખ્યાં હોત તો ગુજરાતી ભાષાને એક મોટો લાભ થયો હોત. પણ એમણે ગુજરાતી ભાષાને જે કાંઈ આપ્યું છે તેનું મૂલ્ય પણ ઓછું નથી. એમ તો સ્વામી ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં લગભગ સરખું જોમદાર લખી શકતા. ૧૯૪૨ના આંદોલન વખતે ‘ક્વિટ ઇન્ડિયા’ નામની અંગ્રેજી પત્રિકા સ્વામી ભૂગર્ભમાં રહીને કાઢતા. તેમનો અંગ્રેજીનો શબ્દ ભંડોળ જોઈને રાજાજી જેવા આશ્ચર્યચકિત થઈ ગયેલા. એમની અંગ્રેજીમાં બાઇબલની ભાષા અને હિંદી મરાઠીમાં સંતોના સાહિત્યની છાપ હતી. ગુજરાતીમાં તો સ્વામી આનંદની એક આગવી અને અનુપમ શૈલી હતી. શબ્દોના એ સ્વામી હતા. એમની શૈલીની ઓજસ્વિતા એમના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડતી હતી. એમના ચરિત્રચિત્રણમાં અજબ સજીવતા હતી. મોનજી રુદર, મહાદેવથી મોટેરા, સંતોના અનુજ, અને કુળ કથાઓમાંનો પેલો મેરુ ઘોડો તથા ‘નઘરોળ’ની પેલી ધોબણ એમના ચરિત્રચિત્રણના નમૂના પૂરા પાડે એમ છે. પરંતુ સ્વામીનું વાઙ્મય એ પોતે જ એક સ્વતંત્ર લેખનો વિષય બની શકે એમ છે.
જીવનનાં છેલ્લાં બે વર્ષો સ્વામીએ દૂર રહ્યાં રહ્યાં પણ ‘જેપ્રકાશજી’ સાથે તાદાત્મ્ય અનુભવતા ગાળ્યાં. ‘ભૂમિપુત્ર’ના લેખો દ્વારા બિહાર આંદોલનની એમણે આપેલી પિછાણ જેવી દેશની બીજી ભાષાઓમાં પણ જોવા નહીં જડે. એમનાં લખાણોની એક નાની સરખી પુસ્તિકા મેં હિંદીમાં તૈયાર કરેલી. એમના લખાણનું ભાષાંતર કરવાની રજા મેળવવી એ પોતે જ એક ગર્વનો વિષય ગણાય. દુર્ભાગ્યે સર્વ સેવા સંઘના મૌનને કારણે એ પુસ્તિકા પ્રગટ ન થઈ શકી અને જૂનની પચ્ચીસમી પછી તો આખો સંદર્ભ જ બદલાઈ ગયો.
આ બદલાયેલા સંદર્ભ અંગે સ્વામીના દિલમાં ઊંડી શૂળ હતી. જાણે પોણા સૈકાના જાહેર જીવનમાં તેઓ જે જે મૂલ્યો સારુ ઝૂઝ્યા તે બધાં જ વડા પ્રધાનની સત્તાલોલુપતા તેમ જ મદાંધતા અને એમના સાથીઓની ખુશામતખોરી અને તકસાધુતાને લીધે ધૂળમાં મળતાં ન હોય એમ એમને લાગતું હતું. શું આ તે જ સ્વરાજ છે કે જેને સારુ તિલક અને ગાંધીએ પ્રાણ પાથર્યા ? અહીં તો સત્તાવાદ અને ભ્રષ્ટાચારની પોલ ખોલવાના ગુના ખાતર દેશના બત્રીશ લક્ષણાઓને બંદી બનાવવામાં આવ્યા છે. સ્વામી પોતે વાણીના કસબી હતા એટલે વાણી-સ્વાતંત્ર્યને રુંધવાની તમામ ચાલબાજીઓથી તેઓ વિશેષ દુભાય એ સ્વાભાવિક હતું. એમને મન મોટું દુ:ખ તો એનું હતું કે આખી પ્રજાને યોજનાપૂર્વક નામર્દ બનાવવામાં આવી રહી છે. તેથી જ અનેક વાર તેઓ કહેતા અને એક વાર તેમણે પોતાના એક અંગ્રેજી લેખમાં લખેલું કે ‘સાત દાયકાના મારા સામાજિક જીવનમાં મેં અનેક ચડતી પડતી જોઈ છે, પણ તેમાં મને અત્યારે થાય છે તેવો વિષાદ માત્ર એક જ વાર થયો હતો – જ્યારે મેં દેશની એકતાનું ગાંધીજીનું સપનું ભાંગીને ભુક્કો થઈ જતું જોયું ત્યારે. પણ મને લાગે છે કે આજે જે થઈ રહ્યું છે તેનું અનિષ્ટ પરિણામ દેશના ભાગલા કરતાં ય વધુ ખરાબ આવશે.’
પૂ. રવિશંકર મહારાજની જેમ સ્વામીએ પણ કહ્યું હતું કે ‘મારી તબિયત રજા આપત તો મારું સ્થાન જયપ્રકાશજી ભેગા જેલમાં જ હોત. પ્રત્યક્ષ રીતે તેઓ જેલમાં ગયા નહોતા. પણ આજની પરિસ્થિતિની ગૂંગળામણ તેઓ બહાર રહ્યા પણ જેલ જેવી જ અનુભવી રહ્યા હતા. એ રીતે જોઈએ તો મૃત્યુ દ્વારા એમનો છુટકારો જ થયો.
પરંતુ અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે અમર રહેશે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ, 2024; પૃ. 08-09 તેમ જ 11