ગયા જૂનમાં ભૂસ્તર અને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે છોટા ઉદેપુરની છ શાળાઓની મુલાકાત લીધી, તેમાં આદિવાસી વિસ્તારની પાંચ સ્કૂલોના દેખાવે તેમને નિરાશ કર્યા. એની પીડા તેમણે રાજ્યના શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ઠાલવી : ‘આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે કોઈ વિકલ્પ નથી. એમને આ પ્રકારનું સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ … બાળકો અને વાલીઓ આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે. એમની સાથે આ પ્રકારનું છળ કરવું એ નૈતિક અધ:પતનની પરાકાષ્ઠા છે … આ બાળકો આઠ વર્ષ આપણી સાથે રહે અને તેમને આપણે સરવાળા-બાદબાકી ન શિખવાડી શકીએ તો (એ) આપણી ઘોર અસમર્થતાનું જ દ્યોતક છે.’ પત્રના આ અંશો એમ સૂચવે છે કે આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણ (અપવાદો હશે) કથળેલું છે ને એ દિશામાં થતા પ્રયત્નો અપૂરતા છે. શિક્ષકોમાં જ ઘણી અધૂરપ હોય તો વિદ્યાર્થીઓમાં એ વર્તાય તેમાં નવાઈ નથી. આ વિદ્યાર્થીઓ શિક્ષિત થાય જ નહીં ને મજૂરી કરીને જ જીવન ગુજારે એવો પ્રયત્ન થતો દેખાય છે. આ અંગે શિક્ષણ મંત્રી એક જ રાગ આલાપતા જોવા મળે છે. સવાલ કોઈ પણ હોય, એમનો આવો જવાબ/બચાવ લગભગ નક્કી હોય છે, ‘હકીકતલક્ષી રિપોર્ટ મેળવીશું અને શિક્ષણ સુધારવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.’
ખરેખર તો આવું કેમ છે એની તળિયાઝાટક તપાસ થવી જોઈએ, પણ આજનું શિક્ષણ કોઈ અધિકારી કે મંત્રીના તુક્કાઓ પર, અધકચરા પ્રયોગો પર ને ગમે ત્યારે U-ટર્ન લેવાની રીતે ચાલે છે. સરકાર પોતે કહે છે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 32,634 શિક્ષકો/આચાર્યોની ઘટ છે. પ્રાથમિક શાળાઓમાં 19,128 ઓરડાઓની અછત છે. આ હકીકત 2020-21માં 927 નવા ઓરડા બન્યા પછીની છે. 14 જિલ્લાઓ એવા છે, જ્યાં એક પણ ઓરડો બન્યો નથી. આદિવાસી જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં 154, દાહોદમાં 1,688, નર્મદામાં 183, છોટા ઉદેપુરમાં 576, બનાસકાંઠામાં 1,532, વલસાડમાં 759, નવસારીમાં 352, તાપીમાં 162, અરવલ્લીમાં 734 ઓરડાઓની ઘટ છે. 22 શાળાઓ એવી છે, જ્યાં વીજળી જ નથી. સરકાર બોલે તો છે ગુણવત્તાયુક્ત શિક્ષણનું ને શિક્ષકોની ઘટ પૂરવાનું, પણ તે થૂંક ઉરાડવા જેવું જ છે, કારણ આ વાતને છ મહિનાથી વધુનો સમય થયો, પણ શિક્ષકોની 32 હજારથી વધુની ઘટ છે તે છે જ ! આ વર્ષે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મોટે ઉપાડે શરૂ કરવાની વાત સરકારે કરી ને એને રદ્દ પણ કરી. થોડા વખત પછી વળી U ટર્ન લઈને, સ્કૂલને વિકલ્પે જ્ઞાનસેતુ સ્કોલરશિપ યોજના શરૂ થઈ. આવા તો કૈં કૈં એટેકો શિક્ષણ વિભાગને આવતા જ રહે છે ને એ ઠરેલ વિચારણાના અભાવનું પરિણામ છે.
ગુજરાત શિક્ષણ બોર્ડના એક સભ્યે થોડા વખત પર કહેલું કે શિક્ષકો પાસે ભણાવવા સિવાયના બીજા 18 કામો કરાવાય છે. છ મહિના પછી એ કામમાં વધારો થયો છે કે ઘટાડો તેની સ્પષ્ટતા સરકાર કરી શકે એમ છે? શિક્ષકોની ઘટ હોય ને શિક્ષણ સિવાયનાં કામો શિક્ષકો પાસેથી લેવાતાં હોય, કેટલી ય સ્કૂલો એકાદ શિક્ષકથી જ ચાલતી હોય, એક જ ઓરડામાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ ઠાંસેલા હોય, વિદ્યાર્થીઓના અભાવનું કારણ આગળ કરીને શાળાઓનું મર્જર કરાતું જતું હોય, તો સરકાર એ કહી શકે એમ છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ કઇ રીતે ને ક્યારે અપાય? કેવળ અરાજકતા એ જ શાલેય શિક્ષણનું લક્ષણ છે. કેટલી ય સ્કૂલો બંધ થઈ છે એ સ્થિતિમાં આદિવાસી બાળકોને દૂરની સ્કૂલે મોકલવાને બદલે, તેનાં વાલીઓ તેને ખેતરે કે બીજે મજૂરી કરવા મોકલી દે, તો આદિવાસી બાળકો શિક્ષિત થશે એવું સરકારને કઈ રીતે લાગે છે?
એવું નથી કે આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકારે કૈં વિચાર્યું નથી. વિચાર્યું છે ને ઘણું વિચાર્યું છે, પણ અમલમાં અલ્લાયો હોય તો વિચાર, પ્રચારથી આગળ ન જાય તે સમજી લેવાનું રહે. એક અખબારનાં તાજાં સંશોધન મુજબ આદિજાતિ શિક્ષણ માટે વર્ષે આશરે 221 કરોડની ગ્રાન્ટ વપરાય છે. ગુજરાતમાં 14 જિલ્લાઓમાં આદિવાસી વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં છે. આ વિસ્તારોમાં 33 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો અને 42 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા 13 મોડેલ સ્કૂલો મળીને કુલ 29 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એમને માટે 221 કરોડ ગ્રાન્ટના ખર્ચાતા હોય તો વિદ્યાર્થી દીઠ 70,000થી વધુ રકમ ખર્ચાતી હશે એવો અંદાજ સહેજે મૂકી શકાય. આ સ્થિતિ હોય તો વિદ્યાર્થી બાદશાહીથી ભણતો હશે એમ લાગે, પણ હકીકત એ છે કે વિદ્યાર્થી બાદશાહીનો નહીં, બદશાહીનો શિકાર છે. રોકડી વાસ્તવિકતા એ છે કે ચૌદેક હજાર વિદ્યાર્થીઓને સ્ટડી ટેબલ જ નથી. રેસિડેન્શિયલ સ્કૂલોમાં 2,500 વિદ્યાર્થીઓને સૂવા માટે પલંગ નથી. રકમ ફાળવાઈ હોવા છતાં વિદ્યાર્થીઓ ભૌતિક સગવડોથી વંચિત છે. આદિજાતિ શાળાઓ રાજ્યમાં 102 છે, તેમાંની 88 શાળાઓ ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે. એમાંની 44 શાળાઓમાં સ્ટડી ટેબલ, પલંગ, ખુરશી સાથે એટેચ્ડ ડાઈનિંગ ટેબલ, ત્રણ વિદ્યાર્થીઓ બેસી શકે એવી પાટલી, પર્સનલ લૉકર જેવી વસ્તુઓની દોઢેક વર્ષથી માંગણી સંચાલકો દ્વારા મૂકવામાં આવી છે, પણ આદિજાતિ વિકાસ વિભાગની ઊંઘ ઊડતી નથી ને સખત ઠંડીના દિવસોમાં વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને ભણવું ને જમવું પડે છે. સીધી વાત એટલી છે કે જેટલો ખર્ચ બતાવાઈ રહ્યો છે, એટલી સગવડ વિદ્યાર્થીઓને મળતી નથી. ગ્રાન્ટ ફાળવાઈ હોય ને સગવડ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી જ ન હોય, તો એ રકમ ક્યાં અને શેમાં વપરાય છે એનો ખુલાસો થવો ઘટે.
આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સાહેબ રિપોર્ટ મેળવવાના ને શિક્ષણ સુધારવાના મણકા ફેરવ્યા કરે છે, પણ તેમના જ જિલ્લાની GLRS ખેરવા અને મોડેલ સ્કૂલ સંતરામપુરમાં વિદ્યાર્થીઓને ભણવા, જમવા માટે ટેબલો નથી, લૉકર કે પાટલીઓ નથી. આ શાળાના સંચાલકોએ લાંબા સમયથી આ જરૂરિયાત માટે રજૂઆત કરી છે. આદિજાતિ વિકાસ માટે રાજ્યને કેન્દ્ર તરફથી વિશેષ ગ્રાન્ટ મળે છે, છતાં આદિવાસી વિદ્યાર્થીઓની જરૂરિયાતો, પૂરી ન થતી હોય તો એ રકમ ક્યાં વપરાય છે તેની તપાસ થવી જોઈએ. આ રકમનું શું થતું હશે તેની કલ્પના કરવાનું બહુ અઘરું નથી. સવાલ તો એ પણ છે કે આ બધાંનું ઓડિટ થાય છે કે કેમ?
આદિજાતિ વિસ્તારના બાળકો માટે શુભ આશયથી ગુજરાતના મુખ્ય મંત્રી અને વડા પ્રધાને રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરાવી, પણ હાલત એવી છે કે ટેબલ, ખુરશી, પલંગ, ઓઢવા-પાથરવાની પૂરતી સુવિધા વગર વિદ્યાર્થીઓએ ઠંડીમાં, જમીનને જ પથારી કે પાથરણું માનીને મન મનાવવું પડે છે. કોને લીધે વિદ્યાર્થીઓને આ વેઠવાનું આવે છે તે અકળ છે. જરૂરી સાધનો માટે ગ્રાન્ટ વપરાતી હોય ને સાધનોના અભાવમાં વિદ્યાર્થીઓએ, મુશ્કેલીઓ વચ્ચે જ રહેવું પડતું હોય તો કોની હોજરી આ વિદ્યાર્થીઓનું પેટ કાપીને ભરાય છે તેની તપાસ થવી ઘટે. આ મામલે આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ કહે છે કે બાળકો સુવિધાથી વંચિત, તંત્રની ખામીને કારણે રહ્યાં છે. એમના કહેવા મુજબ વિભાગે ફર્નિચર ખરીદવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી ન હતી, એટલે ફરી સેન્ટ્રલી ખરીદવાની કોશિશો થઈ છે. જિલ્લા સ્તરે ભાવો આવ્યા છે, પણ તે વધારે છે એટલે નેગોશિએશન ચાલી રહ્યું છે. એ ક્યારે પૂરું થશે તે તો સાહેબે કહ્યું નથી, પણ જે ચાલે છે એમાં અક્ષમ્ય ઢીલાશથી વધારે કૈં નથી. જો દોઢેક વર્ષથી માંગણી થઈ હોય ને હજી નેગોશિએશન જ ચાલ્યા કરતું હોય તો તે બરાબર નથી.
– તો, આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કહે છે કે તેમણે જિલ્લાની વિવિધ 17 શાળાઓની મુલાકાત લીધી ને ગાદલાં, ચાદરો બદલવાની સૂચના આપી છે. એમણે જ કહ્યું છે કે બાળકો સુવિધાથી વંચિત ન રહે એ જોવાની જવાબદારી અમારી છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ તબક્કાવાર સુધારો લાવવા માંગે છે. આ શાળાઓને અત્યાધુનિક લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબથી સજ્જ કરવાનું પણ મંત્રીશ્રીએ કહ્યું છે. સાહેબની આવી વાતોથી હસવું આવે છે. તેમણે તબક્કાવાર સુધારો કરવાનું કહ્યું છે, પણ બગાડો તબક્કાવાર થયો હોય તો સુધારો તબક્કાવાર થાય, પણ આખું કોળું જ દાળમાં ગયું હોય ત્યારે તબક્કા ક્યાંથી ને કેવી રીતે નક્કી કરવા એ પ્રશ્ન જ છે. એમના કહેવા મુજબ સુવિધાઓ આપવાની જવાબદારી તેમની હોય તો, સંચાલકોએ દોઢ વર્ષથી માંગણીઓ મૂકી છે, એ પૂરી થવામાં વિલંબ કેમ થાય છે? નવી શિક્ષણ નીતિ 2020થી લાગુ થઈ છે. 2023થી કોમ્પ્યુટર એક વિષય તરીકે તમામ વર્ગોમાં ઉમેરવામાં આવ્યો છે. આદિજાતિ વર્ગની વાત જવા દઇએ તો પણ, રાજ્યની 19,639 પ્રાથમિક શાળાઓમાંથી 13,924 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જ નથી કે નથી અલગથી કોમ્પ્યુટરનો શિક્ષક ! માર્ચથી પરીક્ષાઓ થવાની હોય તો વિદ્યાર્થીઓએ શું ભણીને, શેની પરીક્ષા આપવાની છે, તે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં નક્કી નથી ને મંત્રીશ્રી હજી તો કોમ્પ્યુટર લેબથી સ્કૂલો સજ્જ કરવાની વાત કરે છે. ટૂંકમાં, વાત જ ચાલ્યા કરે છે. આમ થશે ને તેમ થશે વગેરે … તેમને પૂછવાનું થાય – ‘અરે ! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?’
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ડિસેમ્બર 2023