મીઠું મરચું ભભરાવ્યા વગરની શબ્દશઃ સાત્વિક. છતાં દરેક વાંચકને એકસરખી ભાવે તેવી લેખક વલ્લભ નાંઢાની સ્મરણકથા (આત્મકથા) એટલે “ત્રિખંડત્રિવેણી” (ત્રણ ભૂખંડમાં વીતાવેલા જીવનના સંભારણા)
ગુજરાતીમાં કહેવત છે, “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સિવે” એવી જ નવી કહેવત “લેખકનો જીવ શ્વાસે ત્યાં સુધી લખે” કહેવતને સાર્થક કરતા હોય તેમ લેખક વલ્લભ નાંઢાએ પોતાની આઠ દાયકાની સાહિત્યિક સફરમાં, પાગલ, કોનાવા, ઝંખના, વધામણી, શિમોન, પરી કયા ચીજ હૈ, લટિશિયા અને આયેશા જેવા આઠ વાર્તાસંગ્રહ; કાળજે કોતરાયેલી પીડા, પ્રીતમ આન મિલો, જોબનના ઝેર, અને ગુલામ જેવી ચાર નવલકથા; બે કિનારા, દરિયાપારનું દૃષ્ટિબિંદુ જેવા સાહિત્યિક સંગ્રહ; પ્રાર્થના મંજરી, ધર્માત્મા ધર્મવીર અને રમણભાઈ પટેલની કેટલીક વાર્તાઓ જેવા ત્રણ સંપાદન કર્યા છે. હાલમાં પંચાસી વરસની ઉંમરે પોતાની આત્મકથા ‘ત્રિખન્ડત્રિવેણી’ લખી, જે અમારા બન્નેના મિત્ર રજનીકુમાર પંડયાના માધ્યમથી શુભેચ્છા રૂપે પુસ્તક મળ્યું.
સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. બીજું કંઈ રહે અને ન પણ રહે, પરંતુ સ્મૃતિઓ હંમેશાં આપણી સાથે રહે છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભ નાંઢા પોતાના જીવનનાં સાડાઆઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે આ પુસ્તક દ્વારા વહેંચે છે.
પૃથ્વીના ત્રણ ભૂખંડ પર જીવાયેલા જીવનની વાત વલ્લભ નાંઢા અદ્દભુત રીતે માંડે છે. પુસ્તકના પ્રથમ ખંડમાં જન્મભૂમિ કુતિયાણામા રહેલા નાંઢાપરિવાર, ભેરુઓ જ્યંતી, હેમંતલાલ, શિવલાલ, મોહન, વીનુ રેવડીવાળો, પાડોશીઓ, શિક્ષકો કેશવજી સાહેબ, જમનાદાસ સાહેબ, રસૂલ સાહેબ સાથે ગાળેલ સમયની વાતો વલ્લભ નાંઢા મનોરમ્ય રીતે રજૂ કરી જીવંત બનાવે છે.
વલ્લભ નાંઢા કુતિયાણાનાં સ્મરણો વાગોળતા લખે છે. તે સમયે એક પ્રણાલી હતી અમને ભણાવતા સાહેબ ગામમાં કોઈ જગ્યાએ સામે મળે ત્યારે વિદ્યાર્થીએ સલામ સાહેબ કહી મર્યાદાથી ઊભું રહી જવું પડતું, જો કોઈ અડવીતરો તેમ ન કરે તો બીજે દિવસે સાહેબ તેનો વારો કાઢી નાખતા હતા.
અમારા જમનાદાસ સાહેબ અમને બધાને કહેતા, કુતિયાણાનું જૂનું નામ કુંતલપુર હતું. આઝાદી પહેલા જૂનાગઢના નવાબનું જૂનાગઢ પછીનું મોટું ગામ હતું. કુતિયાણામાં મુસલમાનની વસ્તી હતી. પણ હિંદુ વસ્તી વધુ હતી. નવાબે પાકિસ્તાન સાથે ભળવાનો નિર્ણય લીધો હતો. મુસલમાન લોકોએ હિંદુને હેરાન કરવાનું શરૂ કર્યું. હિંદુ લોકોની મદદે હરિભાઈ, જૂનાગઢથી દિવ્યકાંત નાણાવટી , વેદ સાહેબે કુતિયાણાના પંચહાટડી ચોકમાં હિંદુની તરફેણમાં સભા ભરી હતી. એટલે તેઓની નવાબની પોલીસે ધરપકડ કરી હતી. આવી આરઝી હકુમત અને આઝાદીની ઘણી ન જાણેલી વાતો વલ્લભ નાંઢાએ સહજતાથી રસાળ શૈલીમાં લખી છે.
તેર વરસની ઉંમરે કુતિયાણા (એશિયા ખંડ) છોડી બાળ વલ્લભ ટબોરા (આફ્રિકા ખંડ) જવા માટે પોતાની બા સાથે બાપુજીને મળવા આગબોટમાં પ્રથમવાર મુસાફરી કરે છે. આગબોટની યાતનાભરી મુસાફરીનું વર્ણન આબેહૂબ કર્યું છે. ટબોરા વચ્ચગાળાનું રોકાણ કરી મ્વાંઝામાં નવા માણસો, નવો સહવાસ, નવી હવા, નવાં પાણી, નવા આકાશ અને નવાં સપનાં સાથે નાંઢા પરિવાર સ્થિર થયો. આમ આફ્રિકા ખંડમાં વિતાવેલા દિવસો, વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર, સાહિત્યક્ષેત્રે ભરેલ પાપાપગલી વિશે લેખક વલ્લભ નાંઢા સહજ વાતો કરે છે.
સોળ સત્તર વર્ષની મુગ્ધ ઉંમરે વિજાતીય આકર્ષણ થવું સ્વાભાવિક છે. પંદરેક વર્ષની વર્ષા નામની છોકરી સાથે નાજુક સમયે નાજુક નિકટતા કેળવાય છે. શરૂઆતમાં માત્ર મિત્રતાના સંબંધ હતા. મિત્રતાના નિર્ભેળ સંબંધમાં મુગ્ધાવસ્થાની મુગ્ધતાનો મદ ઉમેરાયો. બન્ને એકબીજાને મળવાના લાગ ગોતતા રહેતા હતા. એક દિવસ એકાંતમાં વર્ષાના બા નર્મદાબહેન જોઈ ગયાં. વલ્લભને બાવળની સોટીએ સોટીએ માર્યો.
વર્ષા વલ્લભથી દૂર થઈ ગઈ. વર્ષાનું પોતાથી દૂર થવાનું કારણ જાણવા વલ્લભ અનેક પ્રયત્ન કરે છે. કારણ અકળ જ રહે છે ! વલ્લભના લગ્ન જશુમતી સાથે થાય છે. વર્ષા પરણીને દારેસલામ સ્થિર થાય છે.
વલ્લભ શિક્ષકનો વ્યવસાય અપનાવે છે. વર્ષાના પરિવારમાં નર્મદાબહેન વલ્લભને ખાનગી ટ્યુશન માટે બોલાવે છે. કામની વ્યસ્તતા હોવા છતાં નર્મદામાસીના આગ્રહથી ના નથી કહી શકતો. કોઈ એક ક્ષણે વર્ષાનો મેળાપ થાય છે. વર્ષા દિલમાં ધરબેલી વાત કરે છે. અકળ કારણની કળ ખૂલી જાય છે. અનામી જેને કોઈ નામ ન આપી શકાય તેવો સંબંધ ફરી સ્થપાય છે. આવી ઘણી આત્મીય વાતો આફ્રિકા ખંડમાં નામે વિભાગમાં વલ્લભ નાંઢા અદ્દભુત લખે છે. લેખક તરીકે વલ્લભ નાંઢા પૂરબહારમાં ખીલ્યા છે.
1961માં ટાંગાનિકામાં રાજકીય અસ્થિરતા વ્યાપી, બ્રિટિશરાજનો અસ્ત થયો. મોટા ભાગના એશિયનોએ યુનાઇટેડ કિંગ્ડમ તરફ હિજરત કરી. નાંઢા પરિવાર પણ મૂળ સમેત ઉખડી ફરીથી મૂળ જમાવવા લંડન પહોંચ્યો. નવો દેશ, નવી નોકરી કામ જૂનું. સ્થિરતા આવી પણ સલામતી જોખમાઈ ! લંડનમાં પણ વર્ષાનું અચાનક મળવું, વર્ષાનો મુગ્ધતા સમયનો લગાવ પરવાણ ચઢે છે કે કેમ ! તે વાત હું વાચકો માટે અધ્યાર્થ રાખું છું ! તે માટે પુસ્તક વાંચવું જરૂરી છે.
લંડનમાં સ્થાયી થવાના રોમાંચક અનુભવો વચ્ચેના વ્યવસાયિક સંઘર્ષ. પારિવારિક તાલમેલ અને વ્યાવહારિક સૂઝબૂઝનું હૃદયસ્પર્શી વર્ણન કરી, લેખક સંસ્મરણો તાજાં કરે છે.
લેખક હજી પણ કુતિયાણાની ભાદર હોય કે, તાલુકા શાળા, શ્યામસુંદર બાપાની મઢી, કુતિયાણાની કોરટને એ ટાવર, દારેસલામની ઊભી બજાર કે ટબોરાની શેરી ભૂલ્યા નથી. તે સ્મરણો વલ્લભ નાંઢા હજુ અકબંધ જાળવી શક્યા છે. એટલે જ આ સ્થળોને જેમના તેમ શબ્દોના કેનવાસ ઉપર અદ્દભુત રીતે લેખક ઉતારી શક્યા છે.
લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર લેખક આ પુસ્તકની પ્રસ્તાવનામા તાકે છે કે, ‘બીજા હરેક સ્વસ્થ મનુષ્યની જેમ વલ્લભભાઈની સહજ વૃત્તિ રહી છે કે પોતે જે ક્ષણે શ્વાસ લેતા હોય ત્યારે પોતે ત્રિકાળમાં જ જીવતા હોય છે. વીતી ગયેલી પળ, તેમની યાદદાસ્તને એક છાને ખૂણે સુષુપ્ત અવસ્થામાં જીવતી પડી હોય છે.’
પ્રસ્તાવનામાં આગળ ઉપર રજનીકુમાર પંડયા લખે છે કે ‘પોતાની આજ સુધીની જીવનસફારને એમણે ત્રણ ખંડમાં વિભાજિત કરી છે. ત્રણ શા માટે? આમ તો રૂઢ રીતે મનુષ્યના જીવનના એક પૂરા શતકને લક્ષમાં લેતા, પહેલી, બીજી ,ત્રીજી અને ચોથી પચ્ચીસી એમ ચાર ખંડ પડે. પણ અહીં વલ્લભભાઈએ સ્વકેન્દ્રી બન્યા વગર એ સર્વમાન્ય રૂઢ વ્યાખ્યાનો સ્વીકાર નથી કર્યો. ચાર નહીં પણ ત્રણ ખંડ પાડ્યા છે. કારણ ચોથી પચ્ચીસી તો હજી જિવાઈ રહી છે.’
આ આખી આત્મકથામાં લેખક વલ્લભ નાંઢાનો હેતુ વાચકને રંજન પીરસવાનો બિલકુલ નથી. પણ સાડાઆઠ દાયકાના ભારને હળવો કરવાનો છે. સાથેસાથે પોતાના અત્યાર સુધીના બહુરંગી પોતને કળાકીય રૂપ આપવાનો રહ્યો છે. લેખકનો આ હેતુ એમની ભાષાની પારદર્શકતા, સરળતા અને સાદગીના કારણે બરાબર બર આવ્યો છે.
પુસ્તકનું નામ – ત્રિખંડત્રિવેણી • પ્રકાશક – ઝેન એપ (હિંગળાજ માતા કમ્પાઉન્ડ, જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન લેન અમદાવાદ – 380 009) • પૃષ્ઠ સંખ્યા – 273 • કિંમત – 475 રૂપિયા • સંપર્ક નંબર – (079) 26561112 — 40081112
જેતપુર, 11 જૂન 2024
સૌજન્ય : ગુણવંતભાઈ ધોરડાની ફેઇસબૂક દીવાલેથી સાદર