ભૂમિકાઃ
ભારતનો અતીત, વર્તમાન અને ભવિષ્ય એ ભારતના સ્વતંત્રતા આંદોલનો સાથે સંકળાયેલાં છે. એ અર્થમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ ઘણો ઉપયોગી છે. દેશના દરેક રાજ્યમાં અને દરેક ભાષામાં સ્વતંત્રતા આંદોલનો વિશેનું સંશોધન અને લેખન થયું છે. ગુજરાતમાં પણ સ્વતંત્રતા સંગ્રામો વિશેનું સંશોધન અને ઇતિહાસલેખન થયું છે.
ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલનો વિશેના ઇતિહાસલેખનની ચર્ચા પહેલાં આ પ્રકારના ઇતિહાસ અને ઇતિહાસલેખન શા માટે થયું છે, એ સમજવું પણ જરૂરી છે. રસેશ જમીનદારે, ‘સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત’ ગ્રંથમાં કેટલાંક કારણોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે; (૧) આપણા દેશના સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ વધારે પ્રમાણમાં વિદેશી ભાષામાં લખાયો છે, તેથી બધા જ લોકો તે વાંચી શકતા નથી. (૨) શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમોમાં સ્વતંત્રતા આંદોલનોને બહુ મહત્ત્વ આપ્યું નથી. (૩) પ્રજાસત્તાક ભારતમાં આધુનિકીકરણને લીધે પ્રજા અને સરકાર આ અતીત (સ્વતંત્રતા આંદોલનોનો કાળ) ભૂલી ગયા છે. (૪) રાજકીય ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના મહત્ત્વનો સ્વીકાર થયો નથી, સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ સત્તાપ્રાપ્તિની સ્પર્ધામાંથી દૂર રહેવાનું યોગ્ય સમજ્યા છે. (૫) પ્રાદેશિક કક્ષાએ (ગુજરાત) સંગ્રામોનું ઇતિહાસલેખન થયું નથી. (૬) સ્વાતંત્ર્યસૈનિકો પ્રત્યેનો આદરભાવ જાગે એવી પરિસ્થિતિ સર્જાઈ નથી. (૭) વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિમાં સ્વતંત્રતા સૈનિકોની સેવાને ઇરાદાપૂર્વક અવગણી છે.૧ તેને પરિણામે પ્રાદેશિક કક્ષાએ જે પ્રમાણમાં સ્વતંત્રતા આંદોલનોનું ઇતિહાસલેખન થવું જોઈએ તે થયું નથી.
સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ અને ઇતિહાસલેખન આપણા દેશના વર્તમાન અને ભવિષ્ય માટે જરૂરી છે. જેમ કે; (૧) સ્વતંત્રતા આંદોલનોમાંથી પરિવર્તન પામતા સમાજનું માર્ગદર્શન મળી શકે છે. (૨) દેશના વર્તમાન અને ભવિષ્યને ખૂબ વિકાસના સ્વરૂપે જોવા માટેનો પ્રકાશ સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસમાંથી મળે છે. (૩) સ્વતંત્રતા સંગ્રામોની ઘટનાઓ, નેતાઓ અને તેમના સંઘર્ષોનું માર્ગદર્શન દેશની યુવા પેઢી માટે તો જરૂરી છે પરંતુ ભાવિ પેઢી માટે પણ ઉપયોગી છે. (૪) આઝાદીની લડતો સમયની સામાજિક જાગૃતિ, તેના વિસ્તારની સમજણ આ ઇતિહાસમાંથી મળે છે. (૫) દેશમાં વિદેશીઓએ કેવી રીતે યુક્તિઓ દ્વારા દેશના લોકોને ગુલામ રાખી શાસન કર્યું. વર્તમાન સમયમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોની જાગૃતિ ખૂબ જરૂરી છે. તે આ આંદોલનોના અભ્યાસ થકી મળે છે. (૬) આપણા દેશની એકતાને સાચવી રાખવા માટે સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ ઘણો ઉપયોગી છે. (૭) સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ એક મહા સંઘર્ષ યાત્રા જેવો છે. દેશના લોકોને પ્રગતિ માટેના સંઘર્ષનો પરિચય તેમાંથી મળે છે.
ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલનોનું ઇતિહાસલેખનઃ
ઇતિહાસ અને ઇતિહાસલેખન એ બંને વચ્ચે ભેદ છે. ઇતિહાસમાં ભૂતકાળનું અધ્યયન છે. ઇતિહાસલેખનમાં ભૂતકાળની વ્યાખ્યાનું અધ્યયન છે. ભારતના સ્વતંત્રતા આંદોલનોની ઘટનાઓને ક્રમવાર સમજવી, તે ઇતિહાસનું અધ્યયન છે. સ્વતંત્રતા આંદોલનોની ઘટનાઓને જુદા જુદા દૃષ્ટિકોણથી અર્થઘટનવિવેચન, તે ઇતિહાસલેખનનું અધ્યયન છે. આ દૃષ્ટિએ સ્વતંત્રતા આંદોલનોના ગહન અભ્યાસને માટે ઇતિહાસ અને ઇતિહાસકારના ઇતિહાસલેખનનું યોગ્ય જ્ઞાન જરૂરી છે. ઇતિહાસલેખનમાં જુદા જુદા પારાઓ(મણકાઓ)ને એકસૂત્રમાં ગૂંથવા પડે છે. અધ્યાય, વિષય, સમય, સામગ્રીને પારખવામાં ઇતિહાસકારની ક્ષમતા અને મર્યાદાઓનો પ્રભાવ ઇતિહાસલેખન પર પડે છે તેને સમજવું પડે છે. જેમ કે ઇતિહાસલેખનમાં પ્રથમ કક્ષાની સામગ્રી આધારિત ગ્રંથોનો ઉપયોગ અને ઇતિહાસકારોના દૃષ્ટિકોણનું તુલનાત્મક અધ્યયન થાય. આ અધ્યયનમાં ઇતિહાસના વિચારદર્શનની શાખાને શોધવી, જો તે વિચારદર્શન (વિચારશાખા) વારંવાર ઉલ્લેખિત થાય છે તો કયા કારણે થાય છે તેનું અધ્યયન થાય. જુદા જુદા પ્રકારની સામગ્રીનો જુદા જુદા દૃષ્ટિકોણથી અધ્યયન થાય. અલગ અલગ કાર્યપદ્ધતિને જાણવી, અલગ મત માટે રાજનૈતિક મતભેદો હોય તો તેની તપાસ થાય. ઇતિહાસલેખનનો ઇતિહાસ તપાસવો. જુદા જુદા સમયે રચનાત્મક કાર્યમાં જુદા જુદા વળાંક છે તે જોવું પડે. તેમાં કોઈ નવી નવી ફેશનો કે પ્રવૃત્તિઓ હોય તો તે પણ જોવી. સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસમાં જુદા જુદા અધ્યાયો જુદી જુદી પ્રવૃત્તિઓથી કેવા પ્રભાવિત થયા. આ બધા જ મણકાઓને સાથે ગૂંથવા માટે કોઈ એક પુસ્તક પૂરતું નથી, પરંતુ અનેક ગ્રંથોનું અધ્યયન કરવું પડે છે.
ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસલેખનનો પ્રારંભ, વિકાસ અને વિશેષતાઓ વિશે જાણવું જરૂરી છે.
૨૭ ડિસેમ્બર, ૧૮૮૫નો દિવસ એ સ્વતંત્રતા જાગૃતિનો ઘણો જ મહત્ત્વનો બનાવ હતો. દેશમાં સ્વતંત્રતા માટેની પ્રવૃત્તિઓનો મજબૂત પાયો આ દિવસથી નંખાયો હતો. ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસની સ્થાપનામાં દેશના લોકોમાં એકતા અને દેશપ્રેમની જ્યોત પ્રગટાવી. આ સંસ્થાની પ્રવૃત્તિઓની લિખિત સામગ્રીએ તો દેશના ઇતિહાસકરોને સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસલેખનની પ્રેરણા અને જિજ્ઞાસાઓને બળવતર કરી હતી. ભારતમાં અને તેના જુદા જુદા પ્રાંતોમાં સ્વતંત્રતા માટેની પ્રવૃત્તિઓ, ઘટનાઓ, નેતૃત્વ વિશે ઇતિહાસલેખન થયું છે. ગુજરાતમાં પણ તેનો પ્રભાવ પડ્યો.
૧. બારડોલી સત્યાગ્રહોનો ઇતિહાસ૨ઃ આ ગ્રંથનું લેખન મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે. તેઓએ આ સત્યાગ્રહની શરૂઆતથી અંત સુધીની ઘટનાઓની નોંધ કરી છે. પોતાનાં સ્મરણોને ઇતિહાસરૂપે ગૂંથી દીધા છે.૩ ખૂબ જ સાદી સરળ ભાષા, ઘટનાઓની સૂક્ષ્મમાં સૂક્ષ્મ નોંધ એ આ ગ્રંથની વિશેષતા છે. મહાદેવભાઈ દેસાઈ એ ગાંધી વિચારધારામાં ઘડાયેલા કાર્યકર અને લેખક છે. સત્યાગ્રહની આસપાસની ઘટનાઓને ગાંધીવાદી દૃષ્ટિકોણથી એમણે નોંધી છે. ડેવિડ હાર્ડીમેેને આ સમયની ઘટનાનો ઇતિહાસને નીચેથી તપાસી છે. કાળી પરજ અને રાની પરજ વર્ગભેદનું અર્થઘટન કરી ઇતિહાસલેખન કર્યું છે. ઇતિહાસમાં નીચલા સ્તરેથી (આદિવાસી સમુદાય) આંદોલનની ઘટનાઓને તપાસી લેખન કર્યું છે જ્યારે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીવાદી નેતૃત્વને ગાંધીજી અને ગાંધીવાદી કાર્યકરોને ઇતિહાસના મુખ્ય ‘અધ્યાય’ તરીકે નોંધ્યા છે. જો કે મહાદેવભાઈ દેસાઈએ વ્યવસાયી ઇતિહાસલેખક નથી. તે એક રાષ્ટ્રવાદી છે. આ ગ્રંથ ઇતિહાસની સામગ્રી તરીકે ઉપયોગી થઈ શકે છે.
૨. રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાતીઃ આ ગ્રંથનું લેખન શાંતિલાલ દેસાઈએ કર્યું છે.૪ આ ગ્રંથમાં તેમણે જાવડેકર, સુંદરલાલજી, સીતારામૈયા, અશોક મહેતા, શંકરલાલ પરીખ, નરહરિ પરીખ, સોર્સ મટિરીયલ્સ ફોર ધ ફ્રિડમ મૂવમેન્ટના વોલ્યુમ્સ, ભારતીય વિદ્યાભવનના ગ્રંથોનો આધાર સામગ્રી તરીકે ઉપયોગ કર્યો છે. મહેબૂબ દેસાઈના મતે પુસ્તકમાં આધાર ચર્ચા છે, પરંતુ ગુજરાતનાં મુખ્ય આંદોલનોની જ ચર્ચા છે. દેશી રાજ્યોમાં થયેલાં આંદોલનોનો ઉલ્લેખ નથી.૫ આ સંશોધનાત્મક ઇતિહાસલેખન નથી.
૩. આધુનિક ભારતના ઇતિહાસ અને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામો ભાગ૬ : આ ગ્રંથનું લેખન રમણલાલ ધારૈયાએ કર્યું છે. ૧૮૮૫થી ૧૯૪૭ સુધીના બનાવોને ક્રમાનુસાર નોંધ્યા છે. મુખ્ય આંદોલનોની ચર્ચા છે. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે એવો ગ્રંથ છે. જયકુમાર શુક્લના મતે આ ગ્રંથનું લેખન દ્વિતીય કક્ષાની સામગ્રીના આધારે થયું છે. પ્રથમ કક્ષાના સાધનોનો ઉપયોગ થયો નથી. સંશોધનકાર્ય થયું નથી.૭
૪. હિન્દુ વર્ણ વ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો૮ઃ આ ગ્રંથનું લેખન મકરંદ મહેતાએ કર્યું છે. ગ્રંથમાં ગુજરાતમાં દલિતોની સ્થિતિ, દલિત ઉત્થાન પ્રવૃત્તિઓ, ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં દલિત ઉત્કર્ષને મહત્ત્વ જેવી બાબતોની ચર્ચા આ ગ્રંથમાં છે. મકરંદ મહેતાએ ગુજરાતના ઇતિહાસલેખનમાં નવા વિચારો અને નવી પદ્ધતિથી ઇતિહાસલેખન કર્યું છે. તેમના મતે, “માત્ર ઐતિહાસિક હકીકતો જ સંગ્રહિત કરવાને બદલે સિદ્ધાંતો અને ખ્યાલાત્મક માળખાને આધારે ઇતિહાસનું નવી રીતે અર્થઘટન કરવું જોઈએ, જે ભૂતકાળને સાંપ્રત પ્રવાહો સાથે સાંકળી શકે.”૯ તેઓ વ્યવસાયી ઇતિહાસકાર હોવાથી આ ગ્રંથમાં તેમણે માત્ર બનાવોનું વર્ણન જ કર્યું નથી, પરંતુ તેનું અર્થઘટન અને વિશ્લેષણ પણ કર્યું છે. ગુજરાતના ઇતિહાસલેખકો માટે ઇતિહાસલેખનના ક્ષેત્રે દિશારૂપ ગ્રંથ છે. આર્થિક ઇતિહાસ પર તેમણે બહોળા પ્રમાણમાં સંશોધન અને લેખન કર્યું છે. આ ગ્રંથમાં પણ તે દૃષ્ટિકોણથી અર્થઘટન થયું છે.
૫. સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાતઃ આ ગ્રંથના લેખક રસેશ જમીનદાર છે. ગ્રંથમાં આઠ લેખોનો સંગ્રહ છે. આ ગ્રંથમાં શોધમહાનિબંધો, લઘુનિબંધો, સ્વતંત્રતા આંદોલનોની ફાઈલો, ડેવિડ હાર્ડીમેન વગેરેના ગ્રંથોનો સામગ્રી તરીકે ઉપયોગ કર્યો છે. તેમનું ઇતિહાસલેખન ઇતિહાસને સમજવામાં, જિજ્ઞાસુઓને દિશારૂપ માનવામાં આવે છે. જયકુમાર શુક્લના મતે ચીલાચાલુ લખાણ તેમને ફાવતું નથી, આધાર વિનાનું લખવું તેમને સ્વીકાર્ય નથી.૧૦ આમ છતાં ય આ ગ્રંથમાં ‘રાષ્ટ્રીયતાની લડતના કેટલાક પ્રસંગો’ પ્રકરણમાં ‘ભાવનગર રાજ્યના ધ્યાનાર્હ પ્રસંગો’માં તેઓએ જે માહિતી આપી છે, તે પ્રમાણે ભાવનગર રાજ્યના રાજા ભાવસિંહજી અને દિવાન પ્રભાશંકર પટ્ટણીએ અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે આ રાજ્યને હરિજનો માટે નોકરીમાં અગ્રતાક્રમ આપ્યો હતો અને મ્યુિનસિપલ ચૂંટણીમાં અનામત બેઠકો રાખી હતી.૧૧ આ માહિતી કઈ મૂળસામગ્રીનો ઉપયોગ કરીને આપી છે, તેનો પાદનોંધમાં ઉલ્લેખ નથી. જો તેમણે કોઈ મહા શોધનિબંધમાંથી આ વિગત નોંધી હોય તો પણ તે માહિતીની સત્યતા તપાસવાની જરૂર હતી. ઈ.સ. ૧૮૭૧માં મહારાજા તખ્તસિંહજીએ મ્યુિનસિપાલિટીની રચનાને મંજૂરી આપી હતી. ૦૫-૦૧-૧૯૮૮ના દરબારી ગેઝેટ પ્રમાણે સ્ત્રી અને અસ્પૃશ્ય વર્ગ સભ્ય થઈ શકતા નહોતા. પછીથી સ્ત્રીને સભ્યપદ આપવામાં આવ્યું હતું. કરચલીયાપરાના મેરાભાઈ ગોરધનભાઈ જે પછાત વર્ગના હતા. (અનુસૂચિત જાતિના નહોતા) તેણે પણ એક વર્ષ પછી રાજીનામું આપી દીધું હતું. ૧૮૭૨થી શરૂ કરીને ૧૫મી જાન્યુઆરી, ૧૮૪૮ સુધીમાં ભાવનગર મ્યુિનસિપાલિટીમાં અનુસૂચિત જાતિના સભ્યની પસંદગી થઈ નહોતી.૧૨ ભાવનગર રાજ્ય અને સ્વતંત્રતા આંદોલનો વિશે સંશોધન લેખન કરનારાએ રસેશ જમીનદારના કથનની નોંધ લીધી છે કે પછી ભાવનગર રાજ્ય વિશેના સંશોધકોના લેખનમાંથી રસેશ જમીનદારે માહિતી લીધી છે, એ નિશ્ચિત કરવું પડે. પરંતુ જે અનુસૂચિત જાતિ માટેની અનામત જગ્યા વિશેની નોંધ છે તે સાચી નથી. ભાવનગર રાજ્યના મહારાજા ભાવસિંહજી બીજાના પ્રિય મિત્ર રાજર્ષી શાહુજી મહારાજા હતા. તેઓએ રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે અનામત આપી હતી.
૬. ધ પિઝન્ટ્રી એન્ડ નેશનલિઝમ૧૩ઃ આ ગ્રંથનું લેખન શિરીન મહેતાએ કર્યું છે. તેમના પીએચ.ડી.ના અભ્યાસનો મહાનિબંધ ‘બારડોલી સત્યાગ્રહ ૧૯૨૮ઃ એક ખેડૂત આંદોલન’ને પુસ્તકરૂપે પ્રગટ કરેલ છે. આ ગ્રંથમાં પ્રથમ કક્ષાનાં સાધનોનો ઉપયોગ કરી બારડોલીના ખેડૂત આંદોલનનો આધારભૂત ઇતિહાસ લખ્યો છે. આંદોલનના ખેડૂત નેતાઓ અને તેના ગુણો, ખેડૂતોની પરિસ્થિતિ, ખેતમજૂરોની સ્થિતિ, જમીન મહેસૂલ, જુદી જુદી જ્ઞાતિઓના વિદ્યાર્થી આશ્રમો દ્વારા થતી રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ, સ્ત્રીઓની ભાગીદારી થકી આંદોલન કેવી રીતે સફળ થયું હતું તેનું અર્થઘટન અને વિશ્લેષણ કર્યું છે. ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ અને ગાંધીવાદી નેતૃત્વથી આંદોલનને સફળતા મળી હતી. સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસલેખનમાં આ ગ્રંથ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. ગાંધીવાદી વિચારો અને પ્રવૃત્તિઓને સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસીને ઇતિહાસલેખન કર્યું છે.
૭. આઝાદીની લડત અને સાબરકાંઠા૧૪ઃ આ ગ્રંથના લેખક મહેશચંદ્ર પંડ્યા છે. આ ગ્રંથ તેમનો પીએચ.ડી.નો મહાશોધનિબંધ છે. આ ગ્રંથમાં પ્રથમ કક્ષાનાં સાધનો જેવા કે બ્રિટિશ સરકારની ફાઈલો, વડોદરા રાજ્યની ફાઈલો, સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાતો, નોંધપોથીઓ, પત્રો, પત્રિકાઓનો ઉપયોગ કર્યો છે. અસહકાર આંદોલન, સવિનય કાનૂનભંગ આંદોલન, હિન્દ છોડો આંદોલનમાં સાબરકાંઠા લોકોની ભૂમિકા તપાસી છે. સ્વતંત્રતા સંગ્રામમાં સ્થાનિક પ્રદેશના લોકો આંદોલનમાં કેવી રીતે જોડાયા, શું પ્રવૃતિઓ કરી, તેનો કેવો પ્રભાવ પડ્યો તેનું વિશ્લેષણ આ ગ્રંથમાં છે.
૮. ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય ચળવળો (૧૯૨૦-૧૯૪૭)૧૫ઃ આ ગ્રંથના લેખક મહેબૂબ દેસાઈ છે. આ ગ્રંથના લેખન માટેની સામગ્રી ભાવનગર રાજ્યના દરબારી ગેઝેટ, ભાવનગર રાજ્યના વહીવટી અહેવાલો, રાષ્ટ્રીય અભિલેખાગાર, નવી દિલ્હીના ભાવનગર રાજ્ય વિષયક દફતર-ફાઈલો તેમ જ આધારભૂત ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત કરી તેનો આ ગ્રંથના ઇતિહાસલેખનમાં ઉપયોગ કર્યો છે. પ્રજાપરિષદનાં અધિવેશનો, નેતાઓ, પ્રવૃત્તિઓ તેનું સ્વરૂપ અને પ્રભાવની ચર્ચા આ ગ્રંથમાં છે. ભાવનગરમાં પ્રજાકીય ચળવળોમાં રાજ્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિથી રાજ્યના શાસનકર્તા સતર્ક રહેતા હતા. તેની ખાનગી તપાસ થતી હતી. આ તપાસ અહેવાલ રાજ્યના અધિકારીઓ દ્વારા તૈયાર થતો હતો. પ્રજાકીય ચળવળોના ઉદ્દેશો, નેતાઓનાં પ્રવચનો, લોકોમાં જોવા મળતો ઉત્સાહ અને તેના પડઘાઓની ઝીણવટભરી નોંધ ભાવનગર રાજ્ય વિશેની ફાઈલોમાં જિલ્લા અભિલેખાગારમાં સંગ્રહિત છે. જે આ ગ્રંથ માટેની મૂળ સામગ્રી પણ છે. હસ્તલિખિત છે. તેનો ઉપયોગ કરીને ગ્રંથનું લેખન કર્યું છે.
૯. બેંતાળીસમાં અમદાવાદ૧૬ઃ આ ગ્રંથનું લેખન જયકુમાર શુક્લએ કર્યું છે. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં અમદાવાદનું પ્રદાન એ વિષય પર પીએચ.ડી. કર્યું. આ મહાનિબંધને ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે.
આ ગ્રંથના લેખનમાં રાષ્ટ્રીય અભિલેખાગારમાં અમદાવાદ વિષયક ફાઈલો, અમદાવાદની અદાલતની ફાઈલો, મજૂર મહાજન સંઘની ફાઈલો, કૉંગ્રેસ હાઉસ અમદાવાદની ફાઈલો, અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનની ફાઈલો, વિવિધ પત્રિકાઓ, ૧૪૫ જેટલા સ્વાતંત્ર્યસૈનિકોની મુલાકાતો, તત્કાલીન વર્તમાનપત્રો જેવી મૂળ સામગ્રીનો ઉપયોગ કરીને ઇતિહાસલેખન કર્યું છે. ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસ વિશેનું આ ઘણું મહત્ત્વપૂર્ણ ઇતિહાસલેખન છે.૧૭ આ ગ્રંથમાં ૧૯૪૨ પહેલાના સ્વતંત્રતા આંદોલનોનો ટૂંકો ઇતિહાસ, અમદાવાદમાં વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, મજૂરોની પ્રવૃત્તિઓ, અહિંસાત્મક અને ભાંગફોડની પ્રવૃત્તિઓ, ઘટનાઓનું વિશ્લેષણાત્મક લેખન કર્યું છે.
૧૦. અમદાવાદ શહેરની સ્ત્રી નેતૃત્વશક્તિ (૧૯૨૦થી ૧૯૪૭)૧૮ઃ આ ગ્રંથના લેખક ઉષાબહેન ભટ્ટ છે. તેમણે ‘હિંદની સ્વાતંત્ર્ય લડતો દરમિયાન અમદાવાદ શહેરમાં સ્ત્રી નેતૃત્વ (૧૯૨૦થી ૧૯૪૭)’ પર પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ શોધમહાનિબંધને ગ્રંથરૂપે પ્રકાશિત કર્યો છે. મૂળસામગ્રીનો આધાર લીધો છે. એ રીતે સ્ત્રી નેતૃત્વ વિશેની આધારભૂત માહિતી આ ગ્રંથમાં આપી છે. ગુજરાતમાં સ્વાતંત્ર્ય આંદોલનોમાં સ્ત્રીનેતૃત્વનું મહત્ત્વપૂર્ણ ઇતિહાસલેખન કર્યું છે.
૧૧. આઝાદીની લડતમાં સૌરાષ્ટ્ર૧૯ઃ આ ગ્રંથના લેખક શશિન જાની છે. આ ગ્રંથમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર જિલ્લા અભિલેખાગારની ફાઈલો, તત્કાલીન વર્તમાનપત્રો, ગેઝેટોનો મૂળ સામગ્રી તરીકે ઉપયોગ કર્યો છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં દેશી રાજ્યોમાં થયેલા ૨૦ જેટલા સત્યાગ્રહો, હિન્દ છોડો આંદોલનો, સ્વાતંત્ર્યસંગ્રામમાં પતિ અને પત્ની બંનેએ ભાગ લીધો છે એવા યુગલોના ફાળાનું ઇતિહાસલેખન કર્યું છે. તેમને મૂળસામગ્રીમાં જે હકીકતો પ્રાપ્ત થઈ છે. તેનો જ ઉલ્લેખ કર્યો છે.૨૦
ગુજરાતમાં સ્વાતંત્ર્યઆંદોલનો વિશેની ઘણી વેરવિખેર સામગ્રી છે. આ સામગ્રીનું સંશોધન અને સંચયન કરવું ઘણું પરિશ્રમનું કાર્ય છે. પરંતુ ઘણા ઇતિહાસ લેખકો આ કાર્યમાં સક્રિય રહ્યા છે. ૨૧ જયકુમાર શુક્લએ ‘ગુજરાતમાં હોમરૂલ આંદોલન ૧૯૧૬-૧૯૧૮ (૧૯૯૬), ‘ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામ (૧૯૯૩), મહેબૂબ દેસાઈ, બેતાળીસમાં સૌરાષ્ટ્ર (૧૯૮૯), સૌરાષ્ટ્રની સ્વાતંત્ર્ય ઝંખના (૧૯૯૭), ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના (૨૦૦૧), અરુણ વાઘેલા પંચમહાલના આદિવાસીઓની વિકાસયાત્રા (૨૦૦૯) જેવા ગ્રંથોમાં સ્વાતંત્ર્ય આંદોલનનું ઇતિહાસલેખન કર્યું છે.’
સમીક્ષાઃ ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસલેખનમાં ભારતમાં બ્રિટિશરોના શાસનમાં ભારતના લોકોનું શોષણ અને તેની સામે વિરોધ કરનારા આંદોલનકારીઓને સ્થાન આપ્યું છે. ગુજરાતી ગ્રંથોમાં કૉંગ્રેસ પક્ષ અને ગાંધીજીના વિચારો, પ્રવૃત્તિઓ, પ્રભાવનો ઇતિહાસલેખનમાં ઊંડો પ્રભાવ જોવા મળે છે.
ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામો વિશેની અઢળક સામગ્રી છે પરંતુ ગુજરાતના ઇતિહાસકારોએ મોટાભાગે ગાંધીવાદી પ્રવૃત્તિઓ, ઘટનાઓ, નેતૃત્વ વિશેના તથ્યોની વધુ પસંદગી કરી છે. તેને પરિણામે આ ઇતિહાસલેખકોના ગ્રંથોમાં સ્વતંત્રતા આંદોલનોની એક સમગ્ર વ્યાખ્યા, અર્થઘટન થવું જોઈએ તેને બદલે રાજનૈતિક પક્ષની પ્રવૃત્તિઓ, પક્ષપ્રેરિત ઘટનાઓ, પ્રત્યાઘાતો અને વ્યક્તિઓને વધુ મહત્ત્વ આપી સ્વતંત્રતા આંદોલનોનું પક્ષકેન્દ્રી કે વ્યાખ્યા કે અર્થઘટન કર્યું છે.
જે રીતે આંદોલનોમાં ખેડૂતો, સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ, મજૂરો સ્વતંત્રતા આંદોલનોમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સક્રિય રહ્યા હતા તેની સાચી ભૂમિકાને સ્વાતંત્ર્યઆંદોલનોના ઇતિહાસલેખનમાં ઓછું કે ગૌણ સ્થાન મળ્યું છે. આ આંદોલનોની મોટી સફળતાઓમાં આ વર્ગનું ઘણું મોટું પ્રદાન રહ્યું હતું. આઝાદીની લડત થકી રાષ્ટ્રનિર્માણનું જે પરિવર્તન થઈ રહ્યું હતું તેમાં નિમ્ન વર્ગની સક્રિય ભૂમિકા રહી હતી. એ દૃષ્ટિએ ગુજરાતમાં ઇતિહાસલેખનનું વિવેચન થાય એ જરૂરી છે. સ્વતંત્રતા આંદોલનો એ શોષિતો-પીડિતોનો મુક્તિ આંદોલનો હતા. ગુજરાતનાં ઇતિહાસલેખકોએ પ્રકાશિત, અપ્રકાશિત, શોધનિબંધો, અભિલેખાગારોની સામગ્રી, ખાનગી ડાયરીઓ, પત્રો, રૂબરૂ મુલાકાતો, આત્મકથાઓ, જીવનચરિત્રો, સમાચારપત્રો, પત્રિકાઓમાંથી મૂળ સામગ્રી પસંદગી કરી ઈતિહાસલેખન કર્યું છે. ગુજરાતમાં જે ઇતિહાસલેખન થયું છે. તેમાં મોટા ભાગના ઇતિહાસલેખકો ગાંધીજી અને ગાંધીવાદી કાર્યકરોની પ્રવૃત્તિઓથી અભિભૂત હોવાને લીધે સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસલેખનમાં જે સામગ્રી તપાસી છે તેમાં માત્ર ગાંધીવાદી દૃષ્ટિકોણને ધ્યાનમાં લીધું છે, તેને પરિણામે આ આંદોલનોના બીજા પાસાંઓના ઐતિહાસિક સત્યનું લેખન છુપાવી દીધું છે. આ લેખકોએ ગાંધીવાદના સમર્થનના વિરોધમાં કોઈ સામગ્રીને સહન કરી શક્યા નથી. ગાંધીવાદને અનુકૂળ હોય એવી સામગ્રીનો ઉપયોગ કરી લેખન કર્યું છે. ઇતિહાસમાં નિષ્પક્ષતા અને તટસ્થતા અનિવાર્ય છે. ગાંધીવાદના પ્રભાવ હેઠળ સત્યની અવહેલના તો ન જ થવી જોઈએ.
કેટલાક લેખકોએ સ્વતંત્રતા આંદોલનોની ઘટનાઓને એકબીજી ઘટનાઓ સાથે સંબંધિત કે પૂરક વર્ણન કરવાને બદલે અલગ અલગ રીતે કર્યું છે. ઇતિહાસલેખન એ ટેલિફોન ડાયરીરૂપે વર્ણવી ન શકાય. સ્વતંત્રતા આંદોલનોની મુખ્ય ઘટનાઓ, મુખ્ય નેતાઓનાં કાર્યોની સાથે સ્થાનીય લોકોનાં સંસ્મરણોને પણ મૂળસામગ્રી તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. સ્વતંત્રતા આંદોલનોનાં પાત્રોની માત્ર પ્રશંસા કરવાને બદલે પ્રત્યેક પાત્રને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ સમયે ડૉ. આંબેડકર પ્રેરિત પ્રવૃત્તિઓ પણ ભારતના મુક્તિ સંગ્રામોના એક ભાગરૂપે હતી. કચડાયેલા લોકો શોષણમુક્તિ ઇચ્છતા હતા પરંતુ ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચેના વિચારસંઘર્ષને પરિણામે ગુજરાતની આંબેડકર ચળવળો પ્રત્યે ઇતિહાસલેખકોના આંખ અને કાન બંધ કરી રહ્યા હતા.
છતાં ય એટલું તો જરૂર કહી શકાય એમ છે કે, સ્વતંત્રતા આંદોલનોનું ઇતિહાસલેખન આત્મઘૃણાના બીજ વાવવાનું નથી, સમાજમાં ઘૃણા ફેલાવવાનું નથી. જેવી રીતે વર્તમાન સમયમાં કેટલાક સમુદાયો ઘૃણા ફેલાવવી એ અધિકાર સમજે છે, ઘૃણા ફેલાવનારાની પ્રશંસા કરે છે. તેને લીધે ઘૃણા સહન કરનારાઓ અને ફેલાવનારા વચ્ચે દ્વેષ, ઈર્ષ્યા અને હિંસાની વિકૃતિઓ ભયાનક રીતે વધતી રહે છે. જે ભારતની લોકશાહીની પ્રગતિ અને વિકાસમાં બાધા ઉત્પન્ન કરે છે. ગાંધીજી દેશની ‘સ્વતંત્રતા’ને સમર્પિત હતા તેથી તેના કાર્યકરોને પણ દેશની એકતા અને દેશપ્રેમના આદર્શનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખતા હતા. જો કે કેટલાક ટીકાકારોએ ગાંધીજીના ‘સ્વતંત્રતા’નાં મૂલ્ય વિશે એવું પણ કહ્યું કે, “સ્વતંત્રતા વિશેની તેમની સંકલ્પના માત્ર એક છળ છે…”૨૨ જો કે ગાંધીજી ‘સ્વતંત્રતા’ની સાથે સમાજમાં સમાનતાની વ્યવસ્થાના પણ આગ્રહી હતા. નીચલી જાતિઓ શિક્ષણથી વંચિત હતી. તેઓના શિક્ષણના અધિકારનું ગાંધીજીએ સમર્થન કર્યું. ગાંધીવાદી કાર્યકરો આ રચનાત્મક કાર્યમાં જોડાયા. ઊંચી જાતિના ગૃહસ્થ અને અનુસૂચિત જાતિના ગૃહસ્થને એકસાથે એકસરખા સફાઈકામમાં જોડાવાનો ક્રાંતિકારી પ્રયાસ ગાંધીજીએ કર્યો. ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલનોનો ઉદ્દેશ માત્ર ‘સ્વતંત્રતા’ પૂરતો મર્યાદિત ન રહેતા અનુસૂચિત જાતિઓ, સ્ત્રીઓની સામાજિક સ્થિતિમાં બુનિયાદી પરિવર્તન માટેના સાધનરૂપે પણ હતો. એ દૃષ્ટિએ પણ ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલનોનું ઇતિહાસલેખન મહત્ત્વપૂર્ણ છે. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓનું મૂલ્ય અને મહત્ત્વનું ઘણું વધારે છે.૨૩ એ પરિપ્રેક્ષ્યમાં પણ સ્વતંત્રતા આંદોલનોનું ઇતિહાસલેખન યુક્તિસંગત છે.
સંદર્ભોગ્રંથોઃ
૧. જમીનદાર, રસેશ; સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૯૮૯, પૃ.૭
૨. દેસાઈ, મહાદેવ; બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, અમદાવાદ, ૧૯૫૭
૩. દેસાઈ, નારાયણ; અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, મહાદેવભાઈ દેસાઈ જન્મ શતાબ્દી સમિતિ, હરિજન આશ્રમ, અમદાવાદ, પૃ. ૪૨૨
૪. દેસાઈ, શાંતિલાલ; રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, બીજી આવૃત્તિ,અમદાવાદ, ૧૯૯૯
૫. દેસાઈ, મહેબૂબ; ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આલેખન કરતા આધારભૂત ગુજરાતી ગ્રંથો, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, ૧૯૯૫, પૃ.૮
૬. ધારૈયા, રમણલાલ; આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો, (ભાગ-૧,૨) યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.
૭. શુક્લ, જયકુમાર; અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસલેખન, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૧૩, પૃ. ૧૨૧
૮. મહેતા, મકરંદ; હિન્દુ વર્ણ વ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, માનક પબ્લિકેશન, અમદાવાદ, ૧૯૯૫.
૯. શુક્લ, જયકુમાર; પૂર્વોક્તગ્રંથ, પૃ. ૧૫૩
૧૦. જમીનદાર, રસેશ; સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯
૧૧. શુક્લ, જયકુમાર; અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસલેખન, પૃષ્ઠ ૧૫૯
૧૨. જમીનદાર, રસેશ; સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત, પૃ.૮૩
૧૩. વાઢેર, લક્ષ્મણ; ભાવનગર મ્યુનિસિપાલિટીમાં મહાત્મા ગાંધીજીને માનપત્ર અર્પણનો પ્રશ્ન અને સમાધાન (લેખ), અભિદૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૧૫, પૃ. ૧૫
૧૪. મહેતા, શિરિન; ધ પિઝન્ટ્રી ઍન્ડ નેશનાલિઝમ, દિલ્હી, ૧૯૮૪
૧૫. પંડ્યા. મહેશચંદ્ર; આઝાદીની લડત અને સાબરકાંઠા, ગૂજ. વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૯૮
૧૬. દેસાઈ, મહેબૂબ; ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય ચળવળો (૧૯૨૦-૧૯૪૭)
૧૭. શુક્લ, જયકુમાર; બેંતાળીસમાં અમદાવાદ, ૧૯૮૮
૧૮. શુક્લ, જયકુમાર; અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસલેખન, પૃ. ૨૧૧
૧૯. ભટ્ટ, ઉષાબહેન; અમદાવાદ શહેરની સ્ત્રી નેતૃત્વ શક્તિ (૧૯૨૦થી ૧૯૪૭), અમદાવાદ
૨૦. જાની, એસ.વી; આઝાદીની લડતમાં સૌરાષ્ટ્ર, રાજકોટ, ૨૦૦૫
૨૧. શુક્લ, જયકુમાર; અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસલેખન, પૃ. ૧૬૭
૨૨. શૌરી, અરુણ; જાને માને ઇતિહાસકાર કાર્યવિધિ દિક્ષા ઔર ઉનકે છલ, વાણી પ્રકાશન, નયી દિલ્હી
૨૩. ઝા, કમલાનંદ, પાઠ્યપુસ્તક કી રાજનીતિ, ગ્રંથશિલ્પી, દિલ્હી, ૨૦૧૧, પૃ. ૪૬
ઇતિહાસ વિભાગ, શામળદાસ આટ્ર્સ કૉલેજ, ભાવનગર
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2018; પૃ. 08-13