ગુજરાત સરકાર કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાની ફિરાકમાં હોય તેમ તેણે, બને ત્યાં સુધી શિક્ષકો પૂરતી સંખ્યામાં સ્કૂલોને અપાઈ ન જાય તેની કાળજી રાખી છે. શિક્ષક વગર શિક્ષણ આપવાના પ્રયોગમાં ગુજરાત મોખરે છે. શિક્ષણ નીતિ નવી આવે તો પણ, શિક્ષકો વગર અમલમાં મૂકવામાં સરકારને કોઈ અડચણ આવતી નથી, એનું આશ્ચર્ય છે. સ્કૂલો હોય તો બંધ થાય, વર્ગો હોય તો જર્જરિત હોય, વિદ્યાર્થીઓ નિયમિત આવતા હોય પણ શિક્ષક સમ ખાવા પૂરતો પણ ન હોય, વર્ગો ખુલ્લામાં એકાદ શિક્ષક દ્વારા માંડ લેવાતા હોય, શિક્ષણનાં ઠેકાણાં ન હોય, પણ પરીક્ષાઓ લેવાતી હોય, પાસિંગ માર્કસ આવતા ન હોય, અરે ! પરીક્ષાઓ ન થઈ હોય, તો પણ વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં પહોંચ્યા હોય … જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ એટલે ચાલે છે કે શિક્ષણ વિભાગની જીવાદોરી ચાલતી રહે, એના અધિકારીઓનાં પગાર, પેન્શન અટકે નહીં !
એ ખરું કે કેટલાક શિક્ષકો વફાદારીથી નોકરી નથી કરતા, પણ બધા જ બિનવફાદાર છે એવું નથી. જે એવા હોય એમની સામે પગલાં લઈ શકાય, પણ પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય. વળી શિક્ષણ જગતમાં જ વફાદારી ખૂટે છે એવું ક્યાં છે? સરકારી ખાતાઓમાં, ખાનગી સંસ્થાઓમાં પણ કામચોરો નથી એવું કહી શકાશે? એટલે થોડા એવા હોય એટલા માત્રથી શિક્ષકો મૂકવા જ નહીં એ બરાબર નથી ને એમાં વિદ્યાર્થીઓનો શો વાંક છે કે એમણે ઓછા શિક્ષકોથી ચલાવવું પડે? સાધારણ રીતે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, પણ સેંકડો વિદ્યાર્થીએ પણ એક શિક્ષક ન હોય એવી સ્કૂલો ગુજરાતમાં શોધવી મુશ્કેલ નથી. એક મંત્રીને ત્રીસ સુરક્ષાકર્મીઓ ફાળવવાનો વાંધો નથી આવતો, પણ ત્રીસ વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક ફાળવવાનું સરકારને પરવડતું નથી- એવા મતલબના મેસેજમાં તથ્ય છે.
વારુ, શિક્ષકો મળતા નથી એવું નથી. ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારોને કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ કરુણતા છે. જે કાયમી નોકરીની પાત્રતા ધરાવે છે એમને જ્ઞાન સહાયકની કે પ્રવાસી શિક્ષકની કામચલાઉ નોકરીની ઓફર અપાય એ શરમજનક એટલે પણ છે કારણ, કાયમી કરવા માટે તો એમની પરીક્ષાઓ લીધી અને એમાં એ પાસ પણ થયા ને હવે એમને કામચલાઉ નોકરીમાં રાખવાની યોજના કરીને સરકાર, ભાવિ શિક્ષકોનો ભરોસો તોડી રહી છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ છે, છતાં એ જગ્યા ભરવાને બદલે કામચલાઉ નોકરી અપાય છે, તે એટલે કે કાયમી નિમણૂક અપાય તો નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા પડે. એ લાભ આપવાની, પેન્શન વગેરે લાભોની ખાતરી મેળવી ચૂકેલા મંત્રીઓ અને અધિકારીઓની દાનત નથી તે દુખદ છે.
કોઈ કંજૂસ વેપારી પોતાના કારીગરોને ઓછામાં ઓછો લાભ પણ કેવી રીતે ન મળે એની જે રમત કરે, એવા પેંતરા સરકાર કરે છે. ગુજરાતના શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષમાં મંજૂર મહેકમમાં મોટો કાપ મૂકીને 40,000 જગ્યા ઘટાડી દીધી. આ ઘટાડા છતાં 22,721 જગ્યાઓ તો હજી ખાલી જ છે. આ યુક્તિથી 32,000 કાયમી શિક્ષકોની ઘટ, 22 હજાર પર લાવી દેવાઈ છે. આવતે વર્ષે વળી મંજૂર મહેકમ ઘટાડીને કાયમી શિક્ષકોની ઘટ 12 હજાર પર લાવી દેવાય તો નવાઈ નહીં ! 2021-‘22માં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ સરકારના જ અહેવાલ મુજબ 2,44,211નું હતું ને શિક્ષકોની ખાલી જગ્યાં 13,270 હતી. 2023-‘24માં શિક્ષકોનું મહેકમ 2.44 લાખ પરથી 2.04 લાખ પર આવી ગયું. સીધો 40,000નો ઘટાડો. આટલા ઘટાડા છતાં, શિક્ષકોની ખાલી રહેલી જગ્યા તો 22,721ની છે જ ! શિક્ષકોની જગ્યા ઘટાડી દેવા છતાં, ભરતી ન થતી હોવાને કારણે આટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. શિક્ષણ વિભાગે 30થી ઓછા વિદ્યાર્થીઓવાળી સ્કૂલો, નજીકની એકાદ કિલોમીટરના એરિયાની સ્કૂલોમાં મર્જ કરી. એ સ્કૂલના શિક્ષકો પણ નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર થયા, એટલે મંજૂર જગ્યાઓમાં ઘટાડો થયો. એનું પરિણામ એ આવ્યું કે ગામડાંની ઘણી સ્કૂલો બંધ થઈ. આ ખેલ તો છેલ્લાં 6 વર્ષથી ચાલે છે ને ગમ્મત એ છે કે કેરળ સહિતનાં 6 રાજ્યોમાં શિક્ષકોની કાયમી ઘટ જેવી કોઈ સમસ્યા જ નથી. ઘટનો આ આખો ખેલ ગુજરાત સરકારની આગવી નીપજ છે.
વિદ્યાર્થીઓ ઓછા થાય તો શિક્ષકોની સંખ્યા ઘટે એ સમજી શકાય, પણ વિદ્યાર્થીઓ વધતા હોય, તો પણ શિક્ષકો ઘટે એ ચમત્કાર કેવળ ગુજરાત સરકાર જ કરી શકે. સંસદમાં ગયા સોમવારે રજૂ થયેલ રિપોર્ટમાં 2019થી ’22 સુધીમાં સરકારી સ્કૂલોમાં 1.23 કરોડ વિદ્યાર્થીઓ વધ્યા, જ્યારે ખાનગી સ્કૂલોમાં એ ત્રણ વર્ષોમાં 99.37 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા. ગુજરાતની વાત કરીએ તો એ ત્રણ વર્ષો દરમિયાન સરકારી સ્કૂલોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા અને ખાનગી સ્કૂલોમાં 5.53 લાખ વિદ્યાર્થીઓ ઘટયા. આ આંકડાઓ એટલું તો સૂચવે છે કે સરકારી સ્કૂલોમાં છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં વધ્યા છે. જો આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, તેને બદલે ઘટ્યા. 40,000 શિક્ષકો ઘટાડવા છતાં, શિક્ષકોની ખાલી જગ્યા તો 22 હજારથી વધુની રહી જ ! આ આખી કસરત 32 હજાર શિક્ષકોની ઘટ, કાગળ પર 22 હજારની બતાવવા તો નથી થઈને એવો વહેમ પડે. બીજી વાત નોંધવા જેવી એ છે કે આ આંકડા સાચા હોય તો ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દેશમાં અને રાજ્યમાં લાખોની સંખ્યામાં ઘટ્યા છે. સરકારી સ્કૂલો બંધ કરવા છતાં ને ખાનગી સ્કૂલોને ભરપૂર લાઇસન્સ આપવા છતાં, સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધ્યા છે અને ખાનગીમાં ઘટ્યા છે તે સૂચક છે. શિક્ષણનું ખાનગીકરણ સરકારને માફક આવતું હોય તો પણ, દેશને અને ગુજરાતને માફક આવ્યું નથી તે સ્વયં સ્પષ્ટ છે. ખરેખર તો સરકારે આ સંકેતોની નોંધ લઈને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવાની રહે.
એટલું છે કે ભાવિ શિક્ષકો અને કાર્યરત સરકારી શિક્ષકો સરકારની ગતિવિધિથી સંતુષ્ટ નથી. અન્ય રાજ્યોમાં કાયમી જગ્યાઓ ખાલી નથી, તો ગુજરાતમાં કાયમી જગ્યા ભરવાને બદલે કામચલાઉનો ચાલતો ખેલ લાંબો ચાલવાનો નથી તે સરકારે સમજી લેવાનું રહે. શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પણ, હવે તો જૂની થવા આવી છે, પણ સરકાર તે તરફ ધ્યાન આપતી નથી. એ માંગ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે 9 ડિસેમ્બરે શિક્ષકોએ વિરોધ પ્રદર્શિત કરવા રાજ્યમાં જુદા જુદા 11 શહેરોમાં એક લાખ શિક્ષકોની પદયાત્રા યોજી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મેગા પદયાત્રાનું આયોજન કર્યું, જેમાં શિક્ષકો સહિત 70થી વધુ સંગઠનો જોડાયાં. આ વિરોધનું મુખ્ય કારણ એ છે કે 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા સરકારી શિક્ષકો સહિતના કર્મચારીઓનો ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ થયો નથી. સરકાર સમાવેશ કરવાને મામલે સંમત તો થઈ, પણ તેનો ઠરાવ કરવાની તેને આજ સુધી ફુરસદ મળી નથી. અમદાવાદ, સૂરત, નવસારી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અન્ય વિસ્તારના હજારો શિક્ષકોએ પ્લેકાર્ડ અને બેનર્સ સાથે પદયાત્રાઓ અને મહાપંચાયતો યોજી, જેમાં પેન્શન ઉપરાંત બદલીના નિયમો, શિક્ષકોની કાયમી ભરતી, 4,200 ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નોની વાત મુખ્ય હતી. શિક્ષકોનાં આ આંદોલનની અનિવાર્યતા સામે કોઈ પ્રશ્ન જ નથી, પણ શિક્ષણની ગુણવત્તા અંગેની ચિંતા પણ શિક્ષકોએ કરવાની રહે જ છે. NCERT કે GCERT દ્વારા અભ્યાસક્રમોમાં કે પાઠ્યપુસ્તકોમાં મનસ્વી ફેરફારો સામે પણ શિક્ષકો સજાગ અને સભાન રહે એ અપેક્ષિત છે. શિક્ષકોને સોંપાતી શિક્ષણેતર જવાબદારીઓને લીધે વર્ગશિક્ષણ ખોરંભાય છે તે વાતો પણ આંદોલનનું એક કારણ છે – એવી પ્રતીતિ સરકારને કરાવવાની હજી બાકી છે.
સરકારને કદાચ એમ હશે કે શિક્ષકોનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસેથી લેવામાં આવે તો તેમની જરૂર જ ન રહે, પણ એ ભૂલવા જેવું નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર તો ઇન્ટેલિજન્સનું પરિણામ છે. ઇન્ટેલિજન્સ જ ન હોત તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સપનું ય પડે એમ ન હતું. એકલવ્યે ગુરુ વગર જ્ઞાન મેળવ્યું, પણ પ્રેરણામૂર્તિ તો ગુરુ જ હતા. ટૂંકમાં, શિક્ષણ માટે શિક્ષક અનિવાર્ય છે, એ વાત સરકાર સુધી પહોંચે તે જરૂરી છે. કમનસીબી એ છે કે શિક્ષક, કારકૂની માટે નહીં, પણ શિક્ષણ માટે અનિવાર્ય છે – એ વાત સરકારને સમજાવવી પડે એ હદે શિક્ષણનું ધોવાણ થયું છે, વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ડિસેમ્બર 2023