મારી ભરત ભરેલી સાડી ફૂલ ગુલાબી,
એના રેશમ તારે યાદો મસ્ત ગુલાબી.
એની દરેક સળની સાથે આશા દોરી,
એને ટાંકે ટાંકે મોહકતા હીરકોરી.
રે પગની પાયલ પ્રીતમ સંગત ઘેલી,
હરખે હાલી, ભૂલી સંગ સહેલી.
એ નજર લહર મન લાગી’તી સુનેરી,
હું સોળ કળાએ ખીલી હતી એ પહેરી.
ઉન્મત પાલવ ફરકે, હવા હઠીલી,
છાયલ પહેરી તે દિન બની નવેલી.
સુરખી સંતાયેલી સ્મિત પહેલી,
ના બોલું, મ્હાલું અંતરની રંગરેલી.
આજ, સોડ તાણીને આહ્લાદક સુંવાળી,
હું સૌમ્ય સુકોમળ ખોળામાં હૂંફાળી!
દીપ જલાવી, આજ મને શણગારી,
એ જ ચીરમાં, ચિન્મય ચિર સમાણી.
e.mail : saryuparikh@yahoo.com