યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-UGC દ્વારા દેશની ભાષાકીય વિવિધતાની ઉજવણી કરવા તથા એકતા અને વિવિધતાનો અનુભવ કરવા 25 સપ્ટેમ્બર, 2023થી 75 દિવસીય ભારતીય ભાષા ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો. તેની યુનિવર્સિટીઓને તો કદાચ ખબર હોય, બાકી સામાન્ય પ્રજાને તેની જાણકારી હોય તો આઘાત લાગે, કારણ ભાષા બાબતે ગુજરાતી પ્રજા સૌથી વધુ ઉદાસીન છે. આ ઉદાસીનતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અપાવે તો નવાઈ નહીં. જો કે, આ ભાષા ઉત્સવ 11 ડિસેમ્બરે તો સંપન્ન થવા જઈ રહ્યો છે, એટલે પ્રજાકીય ઉદાસીનતાને ઊની આંચ આવે એમ નથી. એ જુદી વાત છે કે યુનિવર્સિટીઓ, કોલેજો એની રીતે માતૃભાષાને લગતા કે બહુભાષી કાર્યક્રમો ઇચ્છાથી કે પરાણે કરશે ને એમ 11મી તારીખ પૂરી કરશે.
જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતીનો, ગુજરાતીઓ જ સંહાર કરશે. એ મામલે ગુજરાતીઓ પૂરતા સ્વાવલંબી છે. ગુજરાતીઓ જેટલી ઉદાર ને ઉડાવ પ્રજા બીજી નથી. તે નકલખોર છે અને મૌલિક નથી. તેનો ખોરાક, તેનો પોષાક, તેની ભાષા તેનાં નથી. તે બીજાનું જોઈને સીધું જ અપનાવે છે. તેનું પોતાનું યોગદાન નહિવત્ છે. તેને અંગ્રેજીની છે, એટલી ચિંતા ગુજરાતીની નથી. વધારે સાચું તો એ છે કે એવી ચિંતા ગુજરાત સરકારને મુદ્દલે નથી. સંતાનો અંગ્રેજી જોડણી ખોટી કરે તો તે સુધારવાની કાળજી લેવાય છે, પણ ગુજરાતી જોડણી સાચી ન થઈ જાય એની કાળજી રખાય છે. ગુજરાતમાં અંગ્રેજી, અંગ્રેજો આવ્યા પછી આવી. ગુજરાતી તો છસો વર્ષથી છે, પણ તેનાં તરફ પહેલેથી જ દુર્લક્ષ સેવાયું છે. એમાં અંગ્રેજો ઓછા જવાબદાર છે. એમણે તો ગુજરાતી સ્કૂલો પણ સ્થાપી છે ને જરૂર પડી ત્યારે ગુજરાતી શીખ્યા પણ છે. ગુજરાત સરકાર અસ્તિત્વમાં આવી ત્યારથી ગુજરાતીનો મહિમા ઘટ્યો છે. તેમાં પણ છેલ્લાં થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓ નથી મળતાં એ બહાને ગુજરાતી સ્કૂલો બંધ કરવામાં આવી ને અંગ્રેજી સ્કૂલોની સ્થાપનાઓ થવા માંડી. સવાલ એ થાય કે ગુજરાતમાં, ગુજરાતીના વિદ્યાર્થીઓ ન મળે તો તે કર્ણાટક કે બંગાળથી મળવાના હતા?
એક જમાનામાં સાક્ષરવર્ય ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નર્મદ સાહિત્ય સભાને ઉપક્રમે દુકાનોનાં પાટિયાની જોડણી સુધારવાની ઝુંબેશ ચલાવેલી. ત્રિવેદી સાહેબ તો હવે રહ્યા નથી કે નથી તો નર્મદ સાહિત્ય સભાની કોઈ ભાળ મળતી. નર્મદ સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે 1923માં સ્થપાયેલી. એ જોતાં તો નર્મદ સાહિત્ય સભાનું આ શતાબ્દી વર્ષ ગણાય. એની ઉજવણીની વાત તો બાજુ પર રહી, સંસ્થા જ આથમી ગઈ હોય તેમ ક્યાં ય કોઈ સંચાર નથી. કમ સે કમ સંબંધિતોએ સંજીવની મંત્ર ફૂંકી શતાબ્દીની રંગેચંગે ઉજવણી કરવી જોઈએ. આજે દુકાનોનાં પાટિયાં વંચાય છે ખરાં, પણ તે ખરાં છે કે ખોટાં તે જોનારું કે કહેનારું કોઈ નથી. સાહિત્ય, કલાને ક્ષેત્રે આ શહેરનો શતમુખી વિનિપાત અક્ષમ્ય છે. આ શહેરે સાહિત્યમાં પહેલું પહેલું ઘણું આપ્યું. પહેલો નિબંધકાર, પહેલો નવલકથાકાર, પહેલો વિવેચક, પહેલો આત્મકથાકાર એવા ઘણા પહેલા સર્જકો સાહિત્યમાં સૂરતે આપ્યા. એ શહેર હવે વૈધવ્ય ભોગવતું ખૂણે પડ્યું છે ને કોઈને એની ચિંતા નથી. સાંઠ લાખની વસ્તી ધરાવતાં આ શહેરમાં મહાનગરપાલિકા છે, અનેક ક્ષેત્રે તેની પ્રગતિ છે, પણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કલાને ક્ષેત્રે આ શહેરને પ્રોત્સાહન પૂરું પાડવાની તેની ઈચ્છા નથી એ દુ:ખદ છે. આ સ્થિતિ આખા ગુજરાતની છે.
એની સામે મહારાષ્ટ્રની સ્થિતિ ધ્યાનાકર્ષક છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈની હદમાં આવેલી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવાનું ફરજિયાત છે. જે દુકાનોનાં નામ મરાઠીમાં ન હોય તેની સામે 28 નવેમ્બર, 2023થી પાલિકા આકરી કાર્યવાહી કરવાની હતી. પાલિકા કમિશનર અને પ્રશાસક ઇકબાલસિંહ ચહલે તે અંગે બેઠક બોલાવી સુપ્રીમના આદેશનું સખ્તાઈ પૂર્વક પાલન કરવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે જે દુકાનોનાં નામ મરાઠીમાં નહીં હોય તેને નોટિસ પણ નહીં, સીધો બે હજારથી 1 લાખ સુધીનો દંડ કરવો. 28મી નવેમ્બરે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને પહેલે જ દિવસે 176 દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠી દેવનાગરી લિપિમાં બોર્ડ નહીં રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી. પહેલે દિવસે 24 વોર્ડની 3,269 દુકાનો પાલિકાની ટીમ દ્વારા ચેક કરવામાં આવી અને તેમાં 3,093 દુકાનોનાં બોર્ડ મરાઠીમાં હતાં. મહારાષ્ટ્ર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ નિયમ, 2018 અને સંશોધિત નિયમ 2022ની કલમ 35 અને 36-સી મુજબ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવા માટે 28 નવેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી હતી.
ભાષાની આટલી કાળજી પ્રશાસન લે એનો આનંદ થાય. એમાં પ્રજાની પણ ભાષા પ્રીતિ નોંધનીય છે. 3,269 દુકાનો તપાસવામાં આવી, એમાંથી 3,093ને મરાઠી ભાષામાં બોર્ડ હતાં ને 176ને જ નિયમ પ્રમાણેનાં બોર્ડ ન હતાં. આપણે ત્યાં આવી તપાસ થાય તો 176નાં જ નિયમ પ્રમાણેનાં બોર્ડ નીકળે એમ બને. જો કે, આપણે ત્યાં સુપ્રીમ કોર્ટનો આવો કોઈ નિયમ લાગુ પડે છે કે કેમ તે નથી ખબર. સુપ્રીમનો આદેશ મુંબઈ પૂરતો જ સીમિત હોય એનું આશ્ચર્ય છે. બને કે ગુજરાતમાં એવો કોઈ કાયદો જ ન હોય ને ગુજરાતને તો માતૃભાષાનો એવો ઉમળકો પહેલેથી નથી, ત્યાં ગુજરાતીમાં જ બોર્ડ હોવાં જોઈએ એવો આગ્રહ તો હોય જ ક્યાંથી?
રહી વાત માતૃભાષાની તો તેની ઘોર ઉપેક્ષા સરકાર અને પ્રજા જ કરે છે. આજે તો એ સ્થિતિ છે કે સરકારી સ્કૂલોમાં અંગ્રેજી કે ગુજરાતીમાં શિક્ષણ ચાલે જ નહીં. કોઈ પણ વિષય ભણાવનારા શિક્ષકોની જ કાયમી ખોટ છે. ગુજરાતના શિક્ષણ વિભાગને એ સમજાતું જ નથી કે નવી શિક્ષણ નીતિ ભણાવવા પણ જોઈએ તો શિક્ષકો જ ! પ્રાથમિક શિક્ષણ બાળકો જાતે જ મેળવી લેતાં હોત તો એમને સ્કૂલે આવવાની જ જરૂર ન હતી, પણ શિક્ષણ મંત્રીઓ એવા ભ્રમમાં છે કે શિક્ષકો વગર પણ પ્રાથમિક શિક્ષણ શક્ય છે, એટલે જ ત્રીસ હજાર કાયમી શિક્ષકોની ઘટ હોવા છતાં 2017થી કાયમી શિક્ષકોની જગ્યા ન ભરવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે. શિક્ષણ વિભાગને કામચલાઉ શિક્ષકો હજારોની સંખ્યામાં મળે છે, પણ એક કાયમી શિક્ષક મળતો નથી. ટેટ-ટાટ પાસ શિક્ષકો હજારોની સંખ્યામાં કાયમી જગ્યાએ આવવા તૈયાર બેઠાં છે, પણ એમને જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખવા સરકાર તૈયાર છે ને કાયમી જગ્યા કાયમી ધોરણે ખાલી રાખવા માંગે છે, જ્યારે હકીકત એ છે કે સરકારે ટેટ-ટાટની પરીક્ષાઓ લીધી છે જ કાયમી જગ્યા માટે –
રાજ્યમાં 30,000 શિક્ષકોની ઘટ છે તે છતાં શિક્ષણ વિભાગે ફરી એક વાર શાળા બહારની કામગીરી શિક્ષકોને સોંપવાનું નક્કી કર્યું છે. ગઈ 15 જૂને 352 આચાર્યો-શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની કામગીરીમાંથી મુક્ત કરી શિક્ષણ કાર્યમાં મૂકવામાં આવ્યા હતા. એ વાતને છ મહિના પણ નથી થયા ને 384 આચાર્ય-શિક્ષકોને ડિસેમ્બરમાં ફરી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી શાળાઓનું સ્તર સુધારવા ગુણોત્સવ 15 વર્ષથી ચાલે છે. એમાં આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવાઓને મૂલ્યાંકનની કામગીરી સોંપાતી હતી, પરંતુ લાખો શિક્ષકોનું તટસ્થ મૂલ્યાંકન શક્ય ન બનતાં 2019થી ગુણોત્સવ-2ની શરૂઆત કરવામાં આવી, જેમાં આચાર્યો અને શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે જોતરવામાં આવ્યા. આ કામગીરી લગભગ આખું વર્ષ ચાલતી ને એ દરમિયાન જે તે આચાર્ય કે શિક્ષક શિક્ષણકાર્યથી દૂર રહેતા. આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થતું ને ગુણવત્તા જ દાવ પર લાગતી. જૂનમાં 352 આચાર્યો-શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની કામગીરી છોડાવી શિક્ષણમાં જોડ્યા ને નવેમ્બરમાં ફરી ફતવો બહાર પાડી 384ને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે મૂક્યા એમાં થૂંકેલું ચાટવા જેવું જ થયું છે કે બીજું કૈં? એકતરફ શિક્ષણ અટકે ને મૂલ્યાંકન શિક્ષણનું જ થાય એનો કોઈ મતલબ ખરો? શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઊભો જ હોય, નવું સત્ર 30મીથી હજી શરૂ થયું હોય, જ્ઞાનશક્તિ સ્કૂલ્સ જેવા પ્રોજેક્ટ્સ રદ્દ કરવા પડ્યાં હોય, ત્યારે પ્રાથમિક શિક્ષણ કેવા હાથોમાં જઇ પડ્યું છે તે સમજવાનું અઘરું નથી. આ પરિસ્થિતિમાં ભાષા શિક્ષણ કે ભાષા ઉત્સવો નબળાં નાટકથી વધારે કૈં નથી. આખું પ્રાથમિક શિક્ષણ સર્વનાશને માર્ગે છે, પણ આટલા શિક્ષકો, આટલા આચાર્યો, આટલા વાલીઓને કોઈ તકલીફ નથી એ વધારે આઘાતજનક છે. એમ લાગે છે કે શિક્ષકોને પગારથી અને વાલીઓને મફતથી કે ફીથી જ મતલબ છે. હા, ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરે છે, પણ એને સાંભળનારું કોઈ નથી. ખબર નથી એમનો વિરોધ કેટલો ટકશે? ટૂંકમાં, પ્રાથમિક શિક્ષણ મરી ગયું છે ને આખું શિક્ષણ જગત શોકસભા ભરીને બેઠું હોય તેમ ચૂપ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ડિસેમ્બર 2023