જાડી ચામડી તો ઘણાંની હોય, પણ ગેંડાને શરમાવે એવી ચામડી ગુજરાતનાં શિક્ષણ વિભાગની છે. તેને સંભળાય છે બધું, પણ બહેરાશ કેળવેલી છે એટલે ન સાંભળવાનો અભિનય કરે છે. વિભાગમાં શેખચલ્લી કોણ નથી એની તપાસ કરાવાય તો કદાચ કોઈ બાકી ન રહે. વિભાગને રોજ જ શિક્ષણલક્ષી, પરીક્ષાલક્ષી એટેકો આવે છે ને એનો ભોગ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ બને છે. આ વિભાગ ઘડીકમાં અભ્યાસક્રમ બદલે છે, તો ઘડીકમાં પ્રશ્નપત્રનું પ્રારૂપ બદલે છે. કાલના જ સમાચાર છે કે વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી પ્રથમનું પરિરૂપ બદલાયું. એમ.સી.ક્યૂ.માં કાવ્યના 20 ગુણના પ્રશ્નોને બદલે હવે 12 ગુણના પ્રશ્નો પુછાશે. આવું તો લગભગ રોજ થતું હોય છે ને તે પણ ચાલુ ટર્મમાં. વેકેશનમાં તો શિક્ષણ વિભાગ પણ રજા પર હોય છે એટલે ત્યારે તો કૈં થતું નથી. કાલની જ વાત છે કે સૂરતની શિક્ષણ સમિતિએ એક જ માલિકની જુદી જુદી ચાર કંપનીને કોન્ટ્રાક્ટ આપી કરોડોની લહાણી કરી. આખી સમિતિનો નિકાલ કરવાની જરૂર છે, પણ કરવાનું સરકારથી થતું નથી ને ન કરવાનું બધું જ થાય છે. આ ઓછું હોય તેમ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ-NCERTને રામાયણ-મહાભારત સ્કૂલોમાં ભણાવવાનો તુક્કો સૂઝ્યો છે ને તેની, ઉચ્ચ સ્તરીય સામાજિક વિજ્ઞાનની પેનલે ભલામણ કરી છે. પેનલે એવો પ્રસ્તાવ પણ મૂક્યો છે કે ભારતીય બંધારણની પ્રસ્તાવના વર્ગોની દીવાલો પર પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે. કેટલા ય વર્ગોને તો દીવાલો જ નથી તે NCERT જાણે છે? ભલામણ તો એવી પણ છે કે પાઠ્યપુસ્તકોમાં હવે ઇન્ડિયાની જગ્યાએ ભારત છપાય. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પ્લાસીના યુદ્ધ પછી ‘ઇન્ડિયા’નો ઉપયોગ વધ્યો એ ખરું, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત આવે તો તેનું ‘પૂર્વ ભારત કંપની’ એમ કરીશું કે અંગ્રેજોનો, મોગલોનો ઇતિહાસ જ ભણવાનો નહીં આવે એવું આયોજન છે? ભવિષ્યમાં ‘ઇન્ડિયા ગેટ’, ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ ‘તાજમહાલ’ કે ‘લાલ કિલ્લા’ જેવું કોર્સમાં જ નહીં હોય એમ બને.
સમિતિનાં ચેરપર્સન સી.આઈ.આઇઝેકે ધોરણ 7થી 12નાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવા પર ભાર મૂક્યો છે. એમનું માનવું છે કે આ ઉંમરે સ્વમાન, દેશભક્તિ અને રાષ્ટ્ર માટે ગૌરવના સંસ્કાર વિકસે છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ભારત છોડીને અન્ય દેશનું નાગરિકત્વ મેળવવા મથે છે. તે એટલે કે તેમનામાં દેશભક્તિનો અભાવ છે. તેમનામાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વિકસે તો વિદેશી નાગરિકત્વ મેળવવાનો લોભ ઘટે. આઇઝેકે પ્રાચીન ઇતિહાસને બદલે ભવ્ય ઇતિહાસ દાખલ કરવાની ભલામણ પણ કરી છે. સમિતિએ વેદ, આયુર્વેદને સામેલ કરવાનું પણ સૂચવ્યું છે. આ પ્રસ્તાવ અગાઉ પણ NCERTએ મૂક્યો હતો, પણ હજી સુધી તેને મંજૂરી મળી નથી.
રામાયણ, મહાભારત, વેદ, આયુર્વેદ ભણાવાય તેની સામે તો શો વાંધો હોય, પણ સમિતિ સ્વતંત્ર નિર્ણયો લે એ અપેક્ષિત છે. આ બધું તે સરકારની ગુડબુકમાં રહેવા કરતી હોવાની શંકા પડે છે. ‘ઇન્ડિયા’નું ‘ભારત’ કરવાનું તેને વિપક્ષોએ I N D I A અપનાવ્યું તે પહેલાં સૂઝ્યું કે પછી, તેનો ખુલાસો થવો જોઈએ. આઇઝેકે પ્રાચીન ને બદલે ભવ્ય ઇતિહાસ દાખલ કરવાની ભલામણ કરી છે. ભવ્ય ઇતિહાસ અગાઉથી નક્કી કરીને રચાતો નથી ને પ્રાચીન ઇતિહાસમાં ભવ્ય કશું હતું જ નહીં એમ તો કોણ કહે?
રહી વાત રામાયણ-મહાભારત ભણાવવાના હેતુની, તો એ ભારોભાર શંકાસ્પદ છે. સમિતિનું માનવું છે કે વિદેશી નાગરિકત્વ માટે અરજી કરતાં ભારતીયોમાં દેશપ્રેમ નથી એટલે તેઓ વિદેશ સ્થાયી થવા મથે છે. તેમને રામાયણ-મહાભારતની ખબર હોય તો તેઓ આ દેશ છોડીને વિદેશ વસવાનું ન વિચારે. આ બરાબર નથી. શક્યતાઓ તો એવી વધુ છે કે રામાયણ-મહાભારત જાણે છે તે આ દેશ છોડવાનું વહેલું વિચારે. મહાકાવ્યોનાં જે આદર્શો, મૂલ્યો સ્થપાયાં છે, એનાથી ઊલટી દિશામાં દેશ અને શિક્ષણ ચાલતાં હોય એવી સ્થિતિ વધારે છે. શિક્ષિત યુવાનોમાં અગાઉ ક્યારે ય ન હતી એવી હતાશા અત્યારે છે. દેશને માટે કોઈ જ લાગણી ન થાય એ રીતે આજનું શિક્ષણ વિદ્યાર્થીઓ સાથે વર્તે છે. બધી યોગ્યતા છતાં શિક્ષણ પ્રવેશ કે નોકરીમાં અન્યાયની જે ભૂમિકામાં ભારત છે એવી ભૂમિકા, ભાગ્યે જ કોઈ દેશની હશે. જે દેશ તેનાં યુવાનો માટે યોગ્ય તક ઊભી ન કરી શકે, તે દેશ માટે યુવાનોને કેટલીક લાગણી બચે તે સમજી શકાય એવું છે. સ્વમાન, દેશભક્તિ ને રાષ્ટ્રગૌરવ વિકસે એવી ઉંમરમાં યુવાનો ડગલે ને પગલે જે રીતિનીતિઓનો સામનો, શિક્ષણમાં ને રોજ બ રોજની જિંદગીમાં કરે છે એ રહી સહી દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો છેદ ઉડાડે એમ છે. તેમાં પણ ગુજરાત, તેની સૌથી વરવી ભૂમિકામાં છે.
એમાં તથ્ય છે જ કે વધુ કમાણીના લોભમાં યુવાનો વિદેશ ભાગે છે, પણ બધા જ એવા નથી. કેટલાકને એમ લાગે છે કે બધી યોગ્યતા છતાં અહીં ભવિષ્ય જ નથી, તો લાચારીથી, ઉધારઉછીનું કરીને તેઓ દેશ છોડે છે. ત્યાં પણ બધું સામે કરી રાખ્યું નથી, સ્ટ્રગલ તો ત્યાં પણ છે જ ! ગુજરાતનાં જ હજારો વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. એમને વતન અકારું લાગે છે ને જાય છે, એવું નથી, પણ અહીં તકો જ ઓછી છે. માત્ર શિક્ષણની જ વાત કરીએ તો કેટલા ય વાલીઓ તેમનાં સંતાનોને પેટે પાટા બાંધીને ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી અપાવે છે. એટલાથી નોકરી ન મળે એવું લાગતાં બી. એડ્. કરાવે છે, એ પણ ઓછું લાગતાં ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરાવે છે. પચીસ-છવ્વીસ વર્ષનાં ભણતર પછી પ્રવાસી શિક્ષક, વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકની કામચલાઉ નોકરી પણ માંડ મળતી હોય તો તે ‘ગરવી ગુજરાત’ ગાશે કે ‘વરવી ગુજરાત’ ગાશે? આવી સ્થિતિ કદાચ કોઈ રાજ્યની નહીં હોય. આવી રમત પણ ગુજરાતનો શિક્ષણ વિભાગ જ કરી શકે. ગમ્મત તો એ છે કે બીજી બધી કેટેગરીઓ કેન્સલ કરીને, જ્ઞાન સહાયકની 21 હજારની ફિક્સ પગારની નોકરી, કોન્ટ્રાક્ટ પર, સરકાર દાનમાં આપતી હોય તેમ આપે છે ને એનો તેને જરા જેટલો પણ સંકોચ નથી. આવી નોકરી એવા મંત્રીઓ અને અધિકારીઓ આપે છે, જેમાંનું કોઈ કોન્ટ્રાક્ટ નોકરીમાં નથી. એ બધાં પોતાનું તળિયું પાકું કરીને બેઠાં છે ને આપવાનું આવે છે તો કંજૂસને સારા કહેવડાવે છે.
જ્ઞાન સહાયકોની નોકરી લેવાનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો એટલે વિરોધ કરે છે, કારણ એ 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી નોકરી છે. 11 મહિના પછી એ જ નોકરી ફરી મેળવવાની રહે. પચીસ-છવ્વીસ વર્ષ ભણ્યા પછી આ હાલત હોય તો રામાયણ જાણતા હોય તેમને અસુરોનો સંહાર કરવાનું જ મન થાય કે બીજું કૈં? ને NCERT કહે છે કે આજના યુવાનોમાં દેશભક્તિ નથી ! દેશભક્તિ બચે એવું રાખ્યું છે કૈં? એવું નથી કે જ્ઞાન સહાયકોની નોકરી, કાયમી જગ્યાઓ ભરાઈ ગઈ છે તેથી ઊભી કરાઇ છે. એવું બિલકુલ નથી. 2017થી કાયમી શિક્ષકોની ભરતી જ થઈ નથી. 32,000 કાયમી શિક્ષકોની ઘટ છે, તે ભરાતી નથી ને કોન્ટ્રાક્ટ નોકરીનો વેપલો કરવા સરકાર બેઠી છે. આજે તો અનેક શહેરોમાં જ્ઞાન સહાયકની નોકરીનો વિરોધ ઊઠ્યો છે. ગાંધીનગરમાં પણ એકથી વધુ વખત દેખાવો થયા છે. ગયા જુલાઈમાં પણ ગાંધીનગરમાં આંદોલન કરાયું હતું ને 200ની અટકાયત કરવામાં આવી હતી. એ પછી સપ્ટેમ્બરમાં પણ વિરોધ થયો હતો. ગઈ 21 નવેમ્બરે ફરી આંદોલન થયું તો પોલીસ ટીંગાટોળી કરીને આંદોલનકારીઓને લઈ ગઈ, કેમ જાણે એ બધાં આતંકવાદીઓ હતાં ! ટેટ પાસ ઉમેદવારો જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા હતા ને શિક્ષણ સચિવને કાયમી ભરતી કરો – એ મતલબનું આવેદનપત્ર આપવા માંગતા હતા, પણ તેમની વાત સાંભળવાનું તો દૂર, તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર થયો. ખરેખર તો ટેટ-ટાટની પરીક્ષાનો હેતુ જ કાયમી ભરતી કરવાનો છે, તો એ પરીક્ષા પાસને કામચલાઉ નોકરીની ઓફર થાય જ કેવી રીતે? પાંચ વર્ષે પરીક્ષા લેવાય ને એ પાસ કર્યા પછી પણ, કામચલાઉનું લેબલ મરાય એ સરાસર અન્યાય છે. આ અન્યાય કરી કરીને સરકાર રીઢી થઈ ગઈ છે. એને એટલી શરમ પણ નડતી નથી કે આંદોલનકારીઓ સાથે વાત કરે કે તેમની વાત સાંભળે.
એક વાહિયાત વાત સરકાર એ કર્યા કરે છે કે જ્ઞાન સહાયક તો વૈકલ્પિક છે. કાયમી જગ્યા ભરાય ત્યાં સુધીની જ આ વ્યવસ્થા છે, પણ સરકાર એ કહેતી નથી કે કાયમી ભરતી ક્યારે થવાની છે? 6 વર્ષમાં કાયમી ભરતી કરવાની ફુરસદ સરકારને નથી, પણ પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકોની હજારોની સંખ્યામાં ભરતી કરવાની નવરાશ સરકારને છે. હકીકત એ છે કે સરકારની જ દાનત કાયમી ભરતી કરવાની નથી. કાયમી ભરતી કરે તો પૂરો પગાર આપવો પડે, નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરે લાભો આપવા પડે. શિક્ષણ વિભાગમાં બધા જ પૂરો પગાર લે છે, પણ શિક્ષકને પગાર આપતાં તેનો હાથ ખેચાય છે. મંત્રીઓ, વિધાયકો એકથી વધુ પેન્શન પાકું કરીને બેઠાં હશે, પણ શિક્ષકને પેન્શન આપવું ન પડે એટલે મદદને નામે કાવતરાં કરતાં અચકાતા નથી. બીજું કોઈ શોષણ કરે તો સરકારને રાવ થાય, આ તો સરકાર જ શોષણખોર હોય તો કહેવું ય કોને?
NCERT વિદ્યાર્થીઓની દેશભક્તિને મામલે ચિંતિત છે. એને સરકાર, તેમાં ય ગુજરાત સરકાર, કેટલી દેશભક્ત છે, એ મામલે કોઈ ચિંતા નથી. એ તો એવું છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. અહીં તો કૂવો જ ખાલી છે તો એનું ક્યાં જઈને રડવાનું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 નવેમ્બર 2023