જૂની મૂડી : ૨
ખાસ નોંધ :-
૧. જહાંગીરજીનો ફોટો આ પુસ્તકમાં નથી. બીજેથી મેળવીને અહીં મૂક્યો છે. બાકીનાં ચિત્રો લેખકે પોતે દોરેલાં છે અને આ પુસ્તકમાંથી જ લીધેલાં છે.
૨. ‘બુદ્ધિપ્રકાશ’માં લેખ સાથે આ ચિત્રો છપાયાં નથી. અહીં લેખ મૂકતી વખતે ઉમેર્યાં છે.
પારસી ગુજરાતી સાહિત્યના માર્ક ટ્વેન તરીકે ઓળખાતા જહાંગીર બેહરામજી મર્ઝબાન (૧૮૪૮-૧૯૨૮)ની કલમે લખાયેલા પ્રવાસ વર્ણનના પુસ્તક ‘મુંબઈથી કાશ્મીર’ને એક હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન તરીકે ઓળખાવી શકાય. આ હાસ્યપ્રધાનતાને કારણે આ પુસ્તક ૧૯મી સદીનાં જ નહિ, આજ સુધીનાં બધાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં અલાયદી ભાત પાડે છે.
ઓગણીસમી સદીમાં મુંબઈ ઇલાકામાં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું. તેને પરિણામે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા. તેમાંના કેટલાકે અંગ્રેજી સાહિત્યની કૃતિઓને મોડેલ તરીકે નજર સામે રાખીને ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ગદ્યમાં આવી પહેલ કરનાર મોટે ભાગે પારસીઓ હતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘણાખરા ગદ્ય પ્રકારો અંગ્રેજી સાહિત્યમાંથી પ્રેરણા લઈને ૧૯મી સદીમાં લખાતા થયા. આવો એક પ્રકાર તે પ્રવાસ વર્ણન. આજે જે પ્રવાસમૂલક પુસ્તકો લખાય છે તેના કરતાં ૧૯મી સદીનાં પુસ્તકો થોડાં જૂદાં પડે છે. વીસમી સદીમાં પ્રવાસકથા અને પ્રવાસ નિબંધના પ્રકાર લલિત સાહિત્યના એક પ્રકાર તરીકે વિકસ્યા. પ્રવાસ વર્ણનના જહાજનો આ રીતે મોરો ફેરવવાનું કામ કર્યું કાકાસાહેબ કાલેલકરે.
ઓગણીસમી સદીનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો વાંચતી વખતે આપણે કેટલીક વાત યાદ રાખવી જોઈએ. ઉજળિયાત હિંદુઓમાં સાગર-ઉલ્લંઘનનો જેવો નિષેધ હતો તેવો પારસીઓમાં નહોતો. એટલે પરદેશની મુસાફરી કરવામાં તેમણે પહેલ કરી, અને તે અંગે લખવામાં પણ તેઓ પહેલા હતા. બીજું, એ વખતે આપણા દેશમાંથી ઘણા ઓછાને પરદેશ જવાની તક મળતી. એટલે ૧૯મી સદીના ઘણાખરા લેખકોનો હેતુ પોતે વિદેશમાં જે જોયું, જાણ્યું, તે અહીંના લોકોને જણાવવાનો હતો. એટલે ઘણી વાર તેઓ અંગ્રેજી પુસ્તકોનો માહિતી માટે આધાર લેતા કે સીધે સીધા તેમાંથી ઉતારા પણ આપતા. લલિત ગદ્યનું લેખન એ તેમનો ઉદ્દેશ જ નહોતો. એટલે આજના ધોરણે તેમનાં પુસ્તકોને મૂલવવાં યોગ્ય ન ગણાય.
કાવસજી સોરાબજી પટેલનું ‘ચીનનો અહેવાલ’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક. લગભગ ૯૦૦ પાનાંનું આ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયેલું. પહેલો ભાગ ૧૮૪૪માં અને બીજો ભાગ ૧૮૪૮માં. ધ્યાનપાત્ર વાત એ કે નર્મદ અને દલપતરામનાં ગદ્યનાં પુસ્તકો પ્રગટ થયાં તે પહેલાં આ પુસ્તક પ્રગટ થયેલું. આ ઉપરાંત ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો : ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ડોસાભાઈ ફરામજી કરાકા (૧૮૬૧), અમેરિકાની મુસાફરી, એક પારસી ઘરહસ્થ (૧૮૬૨), ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન, મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૬૪), ઇન્ગ્લન્ડમાં પ્રવાસ, કરસનદાસ મુલજી (૧૮૬૬), દક્ષિણ હિન્દુસ્તાનમાં મુસાફરી, દીનશાહ અરદેશર તાલેયારખાં (૧૮૭૦), ઈરાનમાં મુસાફરી, ફરામજી દીનશાજી પીટીટ (૧૮૮૨), કાશ્મીરનો પ્રવાસ અને સંવાદો, સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ (૧૮૯૨), પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ ૧, હાજી સુલેમાન શાહમહમ્મદ (૧૮૯૫) અને ભરતખંડનો પ્રવાસ, શેઠ શમ્ભુપ્રસાદ બેચરદાસ લશ્કરીની નોંધ પરથી રચનાર કવિ ગિરધરલાલ હરકિસનદાસ (૧૮૯૭).
આ પુસ્તકના લેખક જહાંગીરજી એટલે ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખનાર ફરદુનજી બહેરામજી મર્ઝબાનના બેટાના બેટા. વ્યવસાયે પત્રકાર. વધુ જાણીતા હાસ્ય લેખક તરીકે. ૧૮૬૯માં મેટ્રિક થયા પછી થોડો વખત મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા. ૨૫ વરસની ઉંમરે ‘રાસ્તગોફતાર’ અઠવાડિકના સબએડિટર. ત્યાર બાદ આઠ વરસ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના મદદનીશ મેનેજર. ૧૮૮૭થી ‘જામે જમશેદ’ અખબારના માલિક અને તંત્રી. તેમણે આ અખબાર ખરીદ્યું ત્યારે તેનો ફેલાવો ૨૦૦ નકલનો હતો. પોતાના અનુભવ અને કુશળતાથી થોડા જ વખતમાં તેમણે એ આંકડો ૧,૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. તેમનાં ૩૦ જેટલાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં મુખ્યત્વે હાસ્ય-રમૂજનાં પુસ્તકોનો અને પારસી કુટુંબજીવનને લગતી હાસ્યપ્રધાન નવલકથાઓનો સમાવેશ થાય છે.
આ પુસ્તકમાં પણ તેમનો ઈરાદો પ્રવાસ વર્ણનને બને તેટલી હળવી શૈલીમાં રજૂ કરવાનો છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે : (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) “મારી મકસદ આ કીતાબ કાઈ મુસાફરીના અહેવાલ દાખલ લખવાની નથી. કેમ જે એવા અહેવાલના પુસ્તકો તો ઘણા મળે છે. પણ અડધું ખારું, અડધું મીઠું, અડધું ખાટું વગેરે પચરંગ મેળવણી કરી મારા મિત્ર વાચનારને હસાવતાં રમાડતાં કાશ્મીર લઈ જવાની મારી ઇચ્છા છે.” આ પુસ્તક આજે પણ હસતાં-રમતાં વાંચી શકાય એવું છે.
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; નવેમ્બર 2023