હિન્દી સિનેમા જગતમાં એક ફિલ્મ સર્જકની જોઈએ એટલી કદર નથી થઇ. તેમનું નામ આસિત સેન છે (એક બીજા બંગાળી બાબુ આસીત સેન હિન્દી સિનેમામાં કોમેડિયન તરીકે લોકપ્રિય થયા હતા). કદાચ એનું કારણ એ હશે કે હિન્દીમાં આવીને છવાઈ ગયેલા અન્ય નિર્દેશકોની જેમ આસિત સેને બહુ ફિલ્મો બનાવી નથી. 79 વર્ષ જીવેલા આસિત સેને કુલ મળીને માત્ર 17 જ ફિલ્મો બનાવી હતી. તેમાં 5 બંગાળીમાં અને 12 હિન્દીમાં. હિન્દીમાં તેમની 4 ફિલ્મો જ યાદગાર સાબિત થઇ હતી; મમતા (1966), ખામોશી (1969), અનોખી રાત (1968) અને સફર (1970).
સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેની ઝળહળતી કારકિર્દીમાં, અમુક લો-બજેટની, પણ સંવેદનશીલ ફિલ્મો આપી હતી તેમાં ખામોશી અને સફર મોખરે છે. એમ તો આસિત સેને બે મોટી ફિલ્મો બનાવવાનું પણ સાહસ કર્યું હતું, પણ બંનેનો ધબડકો થયો હતો; 1976માં, તેમણે દિલીપ કુમારની ત્રેવડી ભૂમિકામાં ‘બૈરાગ’ બનાવી હતી અને 1982માં રાજ કપૂર અને તેમના ભાઈ શશી કપૂરને લઈને ‘વકીલ બાબુ’ બનાવી હતી. હીરો તરીકે દિલીપ કુમાર અને રાજ કપૂરનો સૂરજ ત્યારે આથમી ગયો હતો એટલે બંને ફિલ્મોને ચાહકોનો પ્રેમ ન મળ્યો.
ઢાકામાં જન્મેલા આસિત સેનને, તેમના સિનેમેટોગ્રાફર કાકા રામાનંદ સેનગુપ્તાની દેખાદેખી ફોટોગ્રાફીમાં રસ પડ્યો હતો. બંગાળી ફિલ્મોમાં સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર આસિત સેને સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકે પહેલીવાર મહાત્મા ગાંધીની નોઆખલી અને પટનાની યાત્રાની ડોક્યુમેન્ટરી બનાવી હતી.
આપણે અગાઉ, લોહીના કેન્સરથી પીડાતા દર્દી (રાજેશ ખન્ના) અને તેની સારવાર કરતી ડોકટર(વહીદા રહેમાન)ની અધૂરી પ્રેમ કહાની પરની ફિલ્મ ‘સફર’ની વાત કરી ગયા હતા. આજે આપણે આસિત સેનની પહેલી હિન્દી ફિલ્મ ‘મમતા’ની વાત કરીએ. એ પછી ‘ખામોશી’ અને ‘અનોખી રાત’ની વાત પણ માંડીશું.
‘મમતા’ આસિત સેનની સફળ બંગાળી ફિલ્મ ‘ઉત્તર ફાલ્ગુની’ (ઉત્તર એટલે ‘પછી’ અને ફાલ્ગુની એટલે ‘વસંત ઋતુ’)ની હિન્દી રીમેક હતી. 1963માં બનેલી સ્ત્રી-કેન્દ્રિત આ ફિલ્મમાં બંગાળી સુપરસ્ટાર સુચિત્રા સેનનો ડબલ રોલ હતો. બંગાળીમાં આ ફિલ્મને લોકોએ સારો આવકાર આપ્યો હતો અને તેને શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો. ત્રણ વર્ષ પછી આસિત સિને તેની હિન્દી રીમેક બનાવી હતી. તેમાં પણ સુચિત્રા સેન હતી અને હીરો તરીકે ધર્મેન્દ્ર અને અશોક કુમાર હતા.
‘મમતા’ માતૃત્વની કહાની હતી અને સુચિત્રા સેને તે ભૂમિકા બખૂબી નિભાવી હતી. ફિલ્મમાં, અમીર પરિવારનો મોનીષ (અશોક કુમાર) વકીલાતનું ભણવા પરદેશ જાય છે એટલે તેની ગરીબ પ્રેમિકા દેવયાની(સુચિત્રા)ને તેના પિતાની સારવાર માટે થઈને ગામના ઉતાર સમા રાખાલ સાથે પરણાવી દેવામાં આવે છે. તેનાથી તેને એક દીકરી સુપર્ણા (સુચિત્રા) થાય છે.
શરાબી અને ઐયાશ પતિથી બચવા માટે દેવયાની ઘર છોડીને જતી રહે છે અને ગુજરાન ચલાવવા માટે પન્નાબાઈ નામની તવાયફ બની જાય છે. રાખાલ ત્યાં પણ આવીને તેને પરેશાન કરે છે એટલે તે દીકરીને એક ઈસાઈ મિશનમાં મૂકી દે છે જેથી તેની પર દેવીયાનીના જીવનની છાયા ન પડે.
એ પછી મોનીષ ભણીને પાછો આવે છે અને દેવીયાનીને શોધે છે પણ પન્નાબાઈ બની ગયેલી દેવીયાની તેને તેની સાથે શું બન્યું હતું તે જણાવીને તેના જીવનથી દૂર રહેવા વિનંતી કરે છે. જો કે તે મોનીષને સુપર્ણાનું ધ્યાન રાખવા કહે છે. પન્નાબાઈ તેના નાચ-ગાનમાં વ્યસ્ત થઇ જાય છે અને મોનીષ સુપર્ણાનો કાકો બની જાય છે. સુપર્ણા પણ મોટી થઈને વકીલનું ભણે છે.
સમય વીતે છે અને એક ઇન્દ્રનીલ (ધર્મેન્દ્ર) નામનો એક યુવાન વકીલ નોકરી માટે સુપર્ણાના ભલામણ પત્ર સાથે મોનીષની ઓફીસમાં આવે છે. પન્નાબાઈની હવે ઉંમર થઇ ગઈ છે. મોનીષ સુપર્ણાનો પત્ર તેને બતાવે છે. બંનેને લાગે છે કે સુપર્ણા અને ઇન્દ્રનીલ પ્રેમમાં છે. બંને ખુશ થાય છે. મોનીષ હવે દેવીયાનીને આગ્રહ કરે છે કે તે સુપર્ણાને તેની અસલી ઓળખાણ આપી દે, પણ દેવીયાની ના પાડે છે કારણ કે રાખાલ હજુ પણ તેને ત્રાસ આપે છે અને તેને ય ખબર પડે છે કે સુપર્ણા તેની જ દીકરી છે એટલે તે દેવીયાનીને બ્લેકમેલ કરે છે.
વર્ષોથી ત્રાસેલી દેવીયાની તેની દીકરીને આ ગંદકીથી બચાવવા માટે જોશમાં આવીને એક દિવસ રાખાલનું ખૂન કરી નાખે છે. દેવીયાની પર હત્યાનો ગુનો નોંધાય છે અને તેની પર કેસ ચાલે છે. કોર્ટમાં સરકાર તરફથી સુવર્ણા વકીલ છે અને દેવીયાનીના બચાવમાં મોનીષ વકીલ છે. સરકારી વકીલ સુપર્ણા દેવીયાની પર ખૂનનો આરોપ સિદ્ધ કરવા મહેનત કરે છે અને મોનીષ તેને બચાવવા પ્રયાસ કરે છે અને એમ જ એક દિવસ તે સુપર્ણાએ અસલી હકીકતની જાણ કરે છે.
વર્ષો પછી, ‘દીવાર’ ફિલ્મના વિજયે (અમિતાભ બચ્ચને) જેમ ભગવાન શિવના મંદિરમાં જઈને મરણ પથારીએ પડેલી તેની માતાનું જીવન માગ્યું હતું, તેવી રીતે ‘મમતા’ ફિલ્મમાં સુપર્ણાએ અદાલત સમક્ષ મા-દીકરીની અસલ ઓળખાણ આપીને કાલાવાલા કરે છે કે ‘મુજે મેરી મા દે દો.’ કોર્ટરૂમનું એ દૃશ્ય યાદગાર છે. સુપર્ણા જજ સમક્ષ તેની માતાનું જીવન માંગે છે અને દીકરીને તેની અસલિયત ખબર પડી ગઈ છે તેના આઘાતમાં દેવીયાની કઠેડામાં ફસડાઈ પડે છે અને અંતે દીકરીના જ ખોળામાં દમ તોડી દે છે.
દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતી માતા દેવીયાની / પન્નાબાઈ અને એક આદર્શવાદી વકીલ સુપર્ણાની ભુમિકામાં સુચિત્રા સેને ‘મમતા’ને એકલા હાથે ખભા પર ઊંચકી લીધી હતી. સેનની આ એકમાત્ર બંગાળીમાંથી રીમેક હતી એટલે ભૂમિકા અને વાર્તામાં તેનો આત્મવિશ્વાસ પડદા પર દેખાય છે.
ફિલ્મનું બીજું જમા પાસું તેનું સંગીત છે. રાકેશ રોશન – રાજેશ રોશનના સંગીતકાર પિતા રોશન લાલ નાગરાથે ગીતકાર મજરૂહ સુલતાનપૂરીનાં ગીતો પર યાદગાર સંગીત આપ્યું હતું. તેનું એક ગીત આજે પણ યાદગાર છે. રોશને 1954માં બી.આર. ચોપરાની ફિલ્મ ‘ચાંદની ચોક’માં ‘તેરા દિલ કહાં હૈ’ ગીત માટે એક મધુર ધૂન બનાવી હતી. એ જ ધૂનમાં થોડા ફેરફાર કરીને તેમણે ‘મમતા’માં એક કર્ણપ્રિય ગીત રચ્યું હતું; રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગ-એ-વફા મેં.’
ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે. પહેલીવાર તે લતા મંગેશકરના અવાજમાં છે અને સુચિત્રા સેન અશોક કુમાર માટે ગાય છે અને બીજી વાર મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના અવાજમાં સુચિત્રા અને ધર્મેન્દ્ર પર શૂટ થયું હતું. મોનીષ અને દેવીયાનીના અધૂરા પ્રેમની યાદ અપાવવા માટે આ જ ગીતની ધૂન બેકગ્રાઉન્ડમાં પણ વાગતી રહે છે. અત્યંત સંવેદન વાર્તા, તમામ કલાકારોના ઉત્કૃષ્ઠ અભિનય, રોશનનું મધુર સંગીત અને આસિત સેનનું સક્ષમ નિર્દેશન ‘મમતા’ને એક સીમાચિન્હ રૂપ ફિલ્મ બનાવી ગયું હતું.
આસિત સેનની જેમ, સુચિત્રા સેને પણ બહુ હિન્દી ફિલ્મો કરી નહોતી (કદાચ હિન્દી ભાષા તેમને અનુકૂળ નહોતી). તેમની ડેબ્યુ ફિલ્મ બિમલ રોયની ‘દેવદાસ’ હતી (જેમાં તેમણે પારોની ભુમિકા કરી હતી), પણ તે દિલીપ કુમારની ફિલ્મ હતી. એ સિવાય ગુલઝારની ‘આંધી’ ફિલ્મમાં સેનને ઇન્દિરા ગાંધીની સશક્ત ભૂમિકા મળી હતી. એ બે વચ્ચે ‘મમતા’ જ એવી ફિલ્મ હતી, જેમાં એક અદાકારા તરીકેની તેમની પૂરી આવડતનો ભરપૂર ઉપયોગ થયો હતો.
1981માં આવેલી, રાજેશ ખન્ના અને હેમા માલિનીની ફિલ્મ ‘દર્દ’ની પ્રેરણા ‘મમતા’ હતી. એમાં રાજેશ ખન્ના પર એક તવાયફની હત્યાનો આરોપ છે અને તેની વકીલ હેમા માલિની (જે તેની ભૂતપૂર્વ પ્રેમીકા છે) તેને આજીવન સજા અપાવે છે. આ ફિલ્મમાં ખય્યામનું સંગીત બહુ લોકપ્રિય થયું હતું.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 29 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર