સેવાગ્રામ-વર્ધાને પોતાની કર્મભૂમિ બનાવીને જીવનપર્યન્ત તેના વિકાસ માટે કાર્યરત નિર્મળાબહેન વિશે રામનારાયણ ના. પાઠકે કહેલું કે ‘નિર્મળાબહેન ગાંધીજીનાં આદર્શો – ભાવનાઓને સંપૂર્ણપણે જીવનમાં ઉતારીને ચરિતાર્થ કરનારાં તેમનાં સાચાં સંસ્કારવારસ છે.’
નિર્મળાબહેનને પ્રત્યક્ષરૂપે મળવાનું તો બહુ ઓછું થયું છે, પણ તેમની પ્રથમ મુલાકાતથી જ અમારાં કુટુંબ સાથે તેમનો વર્ષો જૂનો સંબંધ હોય તેવો અનુભવ અમે કર્યો. નિર્મળાબહેનનાં ભાઈ-ભાભી નવનીતભાઈ વોરા અને શારદાબહેન ભાવનગરમાં રહેતાં હતાં. એવા જ બીજા ભાઈ ગુણવન્તભાઈ વડોદરિયા જેમના કારણે નિર્મળાબહેન સાથેનો અમારો સંબંધ વિશેષ ગાઢ બન્યો. આ બધાંની સાથે અમારે સ્નેહભર્યા કૌટુંબિક સંબંધો રહ્યા.
નિર્મળાબહેન રામદાસભાઈ ગાંધી – મહાત્મા ગાંધીના ત્રીજા પુત્ર રામદાસભાઈનાં પત્ની. ગાંધીજીનાં પુત્રવધૂ અમારે ઘેર આવવાનાં છે તે જાણીને અમારું મન ખૂબ જ ઉત્તેજના અનુભવતું હતું. ભાવનાત્મક અર્થમાં ગાંધી-પરિવાર તો વિશાળ છે, પરંતુ ગાંધીજીનાં જ એક કુટુંબીજનને મળવાનું થશે એ અમારે માટે અનેરો લ્હાવો હતો.
પેટી રેંટિયા પર કાંતણ કરતાં નિર્મળાબહેન
નિર્મળાબહેનનો જન્મ સપ્ટેમ્બર, ૧૯૧૦માં સૌરાષ્ટ્રના સુખી સંપન્ન વોરા પરિવારમાં થયેલો. તેમનું વતન લખતર, જિ. સુરેન્દ્રનગર. તેમના પિતા ડૉક્ટર અને વકીલ હતા. મોસાળ પણ સમૃદ્ધ અને સમાજમાં પ્રતિષ્ઠિત હતું. બાળપણ ખૂબ લાડકોડમાં વીત્યું. તેઓ બે બહેનો અને એક ભાઈ હતાં. નિર્મળાબહેનની નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં બાળકોના ઉછેરની જવાબદારી તેમની માતાએ ઉપાડી લીધી. તેઓ પરિશ્રમી અને હિંમતવાન હતાં. પુત્ર નવનીતભાઈને એન્જિનિયર બનાવ્યા. બન્ને પુત્રીઓને સુઘડ અને કુશળ ગૃહિણીરૂપે કેળવણી આપી.
નિર્મળાબહેન નાનપણથી તેમનાં ફઈબા કાશીબહેન (ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીનાં પત્ની) પાસે આશ્રમમાં રહેતાં હતાં. નાનકડી નિમૂને ફઈબા અને ફુઆની પાસે સાબરમતી આશ્રમમાં રહેવાનું ખૂબ ગમતું હતું. આશ્રમના મુક્ત વાતાવરણમાં અભ્યાસની સાથે આશ્રમી જીવનના સંસ્કાર પ્રાપ્ત કર્યા. આશ્રમમાં રહેવાને કારણે તેમને વિનોબાજી, બાળકોબાજી, કાકાસાહેબ કાલેલકર જેવા વિદ્વાન મહાનુભાવોના સાંનિધ્યનો લાભ મળ્યો. આશ્રમનિવાસ દરમ્યાન જ્યારે તેઓ તેમને ઘેર જતાં ત્યારે ત્યાં બાળકોને એકત્ર કરીને પ્રભાતફેરી કાઢતાં હતાં. તેમનો કંઠ મધુર હતો. અને સહજ રીતે જ સૂરતાલની સમજ હતી. તેઓ પ્રભાતફેરીમાં ગીત ગાતાં-ગવરાવતાં રસ્તા ઉપરથી નીકળતાં ત્યારે આવતાં-જતાં સૌ તેમને સાંભળવા ઊભાં રહી જતાં.
તેમનું પ્રિય ભજન હતું :
હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને,
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.
નિર્મળાબહેનને ખૂબ ભણવાની ઈચ્છા હતી, શરૂઆતમાં સાત ધોરણ સુધી જ ભણી શક્યાં પણ આજીવન વિદ્યાર્થી બની રહ્યાં. નવું નવું શીખવાનો પણ તેમને બહુ શોખ હતો. જ્ઞાન મેળવવું અને પોતાનું અનુભવ જ્ઞાન બીજામાં વહેંચવું તેમને બહુ ગમતું. તેઓ એ રીતે કુશળ શિક્ષક પણ હતાં.
તેમની ભણવાની આકાંક્ષા કંઈક અંશે સંતોષાઈ ૧૯૩૭માં કેલનબેક રામદાસભાઈ ગાંધીને આફ્રિકા લઈ ગયેલા ત્યારે. એ વખતે કસ્તૂરબાએ તેમનાં બાળકોને સંભાળ્યાં અને નિર્મળાબહેનને દહેરાદૂન કન્યા ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યાં. ત્યાં તેઓએ હિન્દી કોવિદ અને વિશારદની પરીક્ષા પાસ કરી. પછીથી જરૂર પૂરતુ અંગ્રેજી પણ શીખી લીધું હતું.
નિર્મળાબહેનનાં લગ્ન ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસભાઈ સાથે ૨૭ જાન્યુઆરી ૧૯૨૮, વસંતપંચમીના રોજ થયાં હતાં. રામદાસભાઈ સરલ, નિર્મલ, કર્મઠ અને સંતસમાન વ્યક્તિ હતા. તેમનો લગ્નવિધિ ગાંધીજીની ઉપસ્થિતિમાં ગુરુજનો અને અગ્નિની સાક્ષીએ ફક્ત ૯૦ મિનિટમાં પરસ્પર પ્રતિ સચ્ચાઈ અને નિષ્ઠા તથા સેવામય જીવનની પ્રતિજ્ઞા સાથે સંપન્ન થયેલો.
લગ્નના દિવસે વર-કન્યાએ ઉપવાસ કર્યો, ગૌશાળા અને કુવાની આસપાસ સફાઈ કરી. ઝાડપાનને પાણી પાયું. રેંટિયો કાંત્યો, ગીતાના બારમા અધ્યાયનું વાંચન કર્યું. બંનેએ ખાદીનાં સફેદ વસ્ત્રો ધારણ કર્યાં હતાં. બાપુએ આશીર્વચન સાથે શ્રીમદ્દ ભગવતગીતા, આશ્રમ ભજનાવલિ અને બે તકલીઓ ભેટમાં આપી. નિર્મળાબહેનનાં માતુશ્રીએ તેમને રેંટિયો ભેટમાં આપ્યો. વર-વધૂએ એકબીજાને મંગલમાળાઓ પહેરાવી.
બાપુએ આશીર્વાદ આપતા કહેલું કે “ગીતા મારે માટે તો રત્નોની ખાણ રહી છે. તમારે માટે પણ એમ જ રહે. તમને જીવનમાં સદાયે સહાયરૂપ અને માર્ગદર્શનરૂપ બની રહે. ખૂબ ખૂબ જીવો અને સેવા કરતાં રહો.”
લગ્ન પછી તેઓએ બારડોલી આશ્રમમાં પોતાનું સ્વતંત્ર ઘર વસાવ્યું. મર્યાદિત આવકમાં પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવાની અને સ્નેહપૂર્વક જમાડવાની અતિથિસત્કારની ભાવના તેમનામાં હતી. બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ વગેરે દેશનેતાઓ સત્યાગ્રહીઓ નિર્મળાબહેનના હાથની રસોઈ જમવા અચૂક આવી જતા.
દલાઈ લામા અને અન્ય ગાધીજનો સાથે નિર્મળાબહેન, સેવાગ્રામ–વર્ધા
સત્યાગ્રહમાં ભાગ લેવાને કારણે રામદાસભાઈ ૧૯૨૮થી ૧૯૩૨ના સમયગાળામાં ત્રણ વાર જેલમાં ગયા. ત્રણેય વાર તેમની ઘરવખરી જપ્ત થઈ. અને દરેક વખતે નિર્મળાબહેન ફરીવાર ઘર વસાવતાં રહ્યાં. તેમને સહજરીતે અપરિગ્રહની તાલીમ મળતી રહી. રામદાસભાઈ જેલમાં હતા તે સમયે તેઓ સાબરમતી આશ્રમમાં જઈને રહેલાં. એ વખતે ખાદીભંડાર ચલાવવાની જવાબદારી સંભાળેલી. જયાબહેન શાહે તેમનાં વિશે લખ્યું છે કે “ભણેલાં ઓછું પરંતુ ગણેલાં વધુ. ચીવટ, પ્રમાણિકતા, સ્ફૂર્તિથી ધાર્યું કામ પાર પાડવું ને પ્રેમાળ સ્વભાવ. તેથી તેમણે પારકાંને પોતાનાં કરી લીધાં.”
૧૯૩૪ સુધીમાં નિર્મળાબહેન અને રામદાસભાઈનાં પરિવારમાં ત્રણ સંતાનોનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. સુમિત્રાબહેન, કનુભાઈ અને ઉષાબહેન. બાળકો નાનાં હોવાને કારણે તેઓ સત્યાગ્રહમાં ભાગ લઈ શકેલાં નહિ, પરંતુ બહાર રહીને બહેનોની સભાનું આયોજન કરતાં, રેંટિયાવર્ગ ચલાવતાં. જરૂર પડે ત્યારે રાજદ્વારી કેદીઓને ટિફીન મોકલતાં.
૧૯૩૬માં ગાંધીજી વર્ધાથી દસ કિલોમીટર દૂર ‘સેગાઁવ’ ગામે રહેવા ગયા. અહીંના ‘સેવાગ્રામ’ આશ્રમમાં વાંસ અને ગારમાટીની પર્ણકુટીનું નિવાસસ્થાન. અહીં જ ગાંધીજીએ નઈ તાલીમના વિચારને ગ્રામકેળવણીના સંદર્ભમાં વિશિષ્ટ ઘાટ આપ્યો. તેમનું લક્ષ્ય દરેક ગામને સ્વાયત્ત અને સ્વાવલંબી બનાવવાનું હતું. પ્રજાકીય ઉત્થાન માટેનું તેમનું આ મહત્ત્વનું વિરાટ પગલું હતું.
સંતાનોના યોગ્ય અભ્યાસ અને ઉછેર માટે રામદાસભાઈએ નાગપુરમાં નોકરી લીધી. સ્વાશ્રયીજીવન શરૂ કર્યું. નાગપુરથી વર્ધા નજીક હોવાને કારણે તેઓ બાપુ અને કસ્તૂરબા પાસે જઈ શકતા હતા.
રામદાસભાઈ સેવાગ્રામથી નાગપુર જઈ રહ્યા હતા ત્યારે બાપુએ તેમને બે વાત કહેલી. (૧) તેમના નામનો ઉપયોગ કર્યા વિના નોકરી શોધવી (૨) સંતાનોનો અભ્યાસ પૂરો થયા પછી પાછા સેવાગ્રામ આશ્રમમાં આવીને રહેવું. તેઓએ આ બન્ને વચનોનું અક્ષરશઃ પાલન કરેલું.
નાગપુર નિવાસનો એ સમય દંપતી માટે કઠોર પરિશ્રમ અને આર્થિક ભીડનો હતો. તેઓએ ધીરજ અને સમતાથી સંતાનોને યોગ્ય શિક્ષણ આપ્યું. સંસ્કાર-સિંચન કર્યું. નિર્મળાબહેને આદર્શ ગૃહિણી તરીકે તેમનું ગૃહસ્થજીવન અપાર સ્નેહથી હર્યુંભર્યું રાખ્યું હતું. કુદરતી ઉપચાર પર તેમને વિશ્વાસ હતો. સંતાનોના આરોગ્યની સંભાળ માટે ભોજનમાં શાકભાજી-ફળનો વિશેષ વપરાશ રહેતો. અને ઔષધિમાં ઈસબગુલ, આમલીનું પાણી કે પછી એરંડિયું (દિવેલ). કરકસરથી પણ વ્યવસ્થિત રીતે જીવનનિર્વાહ કરતાં હતાં. અતિથિસત્કાર તો તેમની પોતાની આગવી વિશેષતા હતી.
દાદા ધર્માધિકારીના પુત્ર જે પછીથી ન્યાયાધીશ પણ થયા એવા ચંદ્રશેખર ધર્માધિકારી સુમિત્રાબહેનની સાથે અભ્યાસ કરતા હતા. નાગપુરમાં તેમનો કૌટુંબિક સંબંધ હતો. તેમણે સંસ્મરણોમાં લખ્યું છે કે “આદરણીય ભાઈ (રામદાસભાઈ) અપને-આપમેં અનોખા વ્યક્તિ થા. સ્થિરપ્રજ્ઞ, ફિર ભી સ્નેહભરા. તટસ્થ હોકર ભી સંવેદનશીલ. ઘર તો ‘બા’ હી સંભાલતી થી. વહ સહી અર્થમેં ‘મા’ ભી, ‘ગૃહિણી ભી’, ‘સખી ભી સબકુછ’ બાપૂને જો ‘વ્રત’ અપને જીવનસાધના કે અભિન્ન અંગ માને થે, ઈન સારે વ્રતોં કો ‘બા’ સ્વેચ્છાપૂર્વક પાલતી થી.”
નાગપુરમાં ઘરની જવાબદારીની સાથે સામાજિક સેવા પણ કરતાં હતાં. જરૂર પડે ત્યારે રાજદ્વારી કેદીઓને જેલમાં ટિફિન મોકલતાં, ક્યારેક તો ટિફિન આપવા માટે તેમનાં નાનાં પુત્રી ઉષાબહેનને મોકલતાં. બહેનોની સભાઓ–વાર્તાલાપો કરતાં. રેંટિયા વર્ગો ચલાવતાં અને સૌથી મોટી વાત તો એ હતી કે સેવાગ્રામ આશ્રમમાં કોઈ બીમાર પડે અને સારવાર માટે નાગપુર આવવું પડે તો તેમને પોતાને ઘેર રાખીને સેવા-સુશ્રૂષા કરતાં હતાં.
પુત્ર કનુ ગાંધી અને આશ્રમ વ્યવસ્થાપક કનકમલ ગાંધી સાથે
આ બધી જવાબદારીઓ સહજતાથી ઉઠાવી શકતાં હતાં. તેનું કારણ તેમનો સહજ વિનોદ અને સૌમ્ય સ્વભાવ. તેમનાં પુત્રી ઉષાબહેન ગોકાણીએ લખ્યું છે કે “ઘરમાં સાદાઈ હતી, પરંતુ બધાં સંતુષ્ટ હતાં. ત્યાગ, સેવા અને શ્રમની પ્રતિષ્ઠા હતી. ‘બા’માં વિનોદ પણ ખૂબ હતો તેના મુક્ત હાસ્યથી ઘરનું વાતાવરણ આનંદમય રહેતું.”
તેમનાં મોટાં પુત્રી સુમિત્રાબહેન કુલકર્ણી વિદુષી છે. તેઓ રાજ્યસભાનાં સદસ્ય રહી ચૂક્યાં છે. પહેલાં અમદાવાદ રહેતાં હતાં. અત્યારે બેંગલુરુ રહે છે. તેમણે ‘અણમોલ વિરાસત’ નામે ત્રણ ભાગમાં પ્રકાશિત પુસ્તકમાળામાં ગાંધી પરિવારની વિરાસતનો પરિચય અને વિશ્લેષણ સુંદર રીતે કર્યાં છે. નાનાં પુત્રી ઉષાબહેન ગોકાણી મુંબઈમાં અગ્રગણ્ય સામાજિક કાર્યકર હતાં. પુત્ર કનુભાઈ ગાંધી અમેરિકામાં રહેતા હતા. છે. જુહુ દરિયાકિનારે લાકડી પકડીને બાપૂને ખેંચતા જે બાળકની તસ્વીર છે તે કનુ રામદાસભાઈ ગાંધી. કનુભાઈ (2016) અને ઉષાબહેન(2023)નાં અવસાન થયાં છે.
ગૃહસ્થાશ્રમની અને સંતાનોની જવાબદારી પૂર્ણ કરીને નિર્મળાબહેન સેવાગ્રામ આશ્રમમાં જઈને વસ્યાં. રામદાસભાઈ તો આશ્રમના સેવાકાર્ય સાથે જોડાયેલા હતાં. જ. ગાંધીજીએ આ દંપતીને લગ્ન સમયે આશીર્વાદ આપતા કહેલું કે “તમારું જીવન માતૃભૂમિની સેવામાં વીતે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી તમારે સેવાકાર્યમાં લાગ્યા રહેવું જોઈએ.”
૧૯૪૭માં સ્વરાજ્ય આવ્યું તે પહેલાં જ નિર્મળાબહેન સેવાગ્રામ આશ્રમ-વર્ધા જઈને રહ્યાં હતાં અને આશ્રમની વ્યવસ્થા-સેવાકાર્યમાં જોડાઈ ગયાં હતાં. રામદાસભાઈ સ્થિતપ્રજ્ઞ, સ્નેહાળ અને તટસ્થ વૃત્તિના એટલે ગૃહસ્થાશ્રમ નિભાવ્યો નિર્મળાબહેને. સેવાગ્રામ આશ્રમમાં આવ્યાં પછી સ્વેચ્છાપૂર્વક ઓછામાં ઓછા ખર્ચથી તેઓ બંને આનંદસભર જીવન જીવ્યાં. અનુશાસન, અપરિગ્રહ, આત્મસંયમ અને તપશ્વર્યા તેમની વિશેષતા હતી. તેમણે જીવનમૂલ્યોના પાલનમાં ક્યારે ય બાંધછોડ કરી નહોતી. સંતાનો પાસે નિવૃત્તિ અને આરામભરી જિંદગી પસાર કરવાને બદલે તેઓ સંપૂર્ણપણે સેવાકાર્યને સમર્પિત બની ગયાં. સુમિત્રાબહેન અને ઉષાબહેનને મળવા જાય તેઓ પણ નિર્મળાબહેન પાસે આવીને રહે, બન્ને બહેનો સામાજિક સેવાકાર્ય સાથે પણ જોડાયેલાં હતાં.
વિનોબાજીએ તેમને આજીવન સેવાગ્રામ આશ્રમની જવાબદારી સોંપી. તેઓ સર્વસંમતિથી આશ્રમનાં અધ્યક્ષ રહ્યાં. અંતિમ વર્ષોમાં અધ્યક્ષપદ છોડ્યું, પણ આશ્રમની જવાબદારી તો નિભાવતાં રહ્યાં.
૧૯૬૯માં રામદાસભાઈની ચિરવિદાય પછી નિર્મળાબહેને ગાંધીજીના સવાયા પુત્રરૂપે તેમના આદર્શોને પૂરી શ્રદ્ધા સાથે સંપૂર્ણપણે સમર્પિત ભાવથી સેવાગ્રામ આશ્રમની પૂરી જવાબદારી વહન કરી. સેવાગ્રામમાં તેમને સૌ ‘માતાજી’ કહીને સંબોધતાં હતાં. સંસ્થાનાં સંચાલનમાં તેમને ચીમનલાલભાઈ, અણ્ણા સાહેબ, રામભાઉ, કનકમલ ગાંધી, રણજિતભાઈ વગેરેનો સાથ મળેલો. સહકાર્યકર્તાઓ પર તેમને પૂરો વિશ્વાસ હતો.
લોકસેવા અને લોકસંપર્ક દરમિયાન નિર્મળાબહેન ગાંધી
ગાંધીજી પછી વિનોબાજી અને ત્યારબાદ નિર્મળાબહેન ‘ગાંધીકુટીર’માં સાદાઈથી રહ્યાં. આશ્રમમાં દલાઈ લામા, શ્રીલંકાના રાષ્ટ્રપતિ પ્રેમદાસોજી, રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માજી, પ્રધાન મંત્રી રાજીવ ગાંધી અને બીજા દેશવિદેશના અગણિત મુલાકાતીઓ માટે માતાજી પ્રેરણાસ્રોત હતાં. મૂલ્યો પ્રત્યે અત્યંત સજાગ માતાજી કાર્યકર્તાઓને પણ એ રીતે જ કાર્ય કરવા પ્રેરતાં હતાં.
માતાજીના મનમાં સ્ત્રીજાગૃતિ અને બાલકલ્યાણ પ્રત્યે ઊંડી ભાવના હતી. મહિલાઓને સમાજની કુરુઢિઓ, દહેજપ્રથા, નિરક્ષરતા વગેરે વિશે સમજાવતાં રહેતાં. કુદરતી ઉપચારમાં તેમને ઘણી શ્રદ્ધા હતી.
પવનાર બ્રહ્મવિદ્યામંદિરમાં યોજાતાં સંમેલનો અને દેવનાર ગૌરક્ષા સત્યાગ્રહમાં તેમનો સક્રિય સહકાર રહેતો હતો. વર્ધાની અન્ય સામાજિક સંસ્થાઓ અને કસ્તૂરબા ટ્રસ્ટના મહિલા કેન્દ્રો સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં.
દેશ અને દુનિયાથી પૂરા અવગત રહેનારાં માતાજીનું વાંચન ઘણું હતું. દેશનેતાઓ સાથે બાપુના આદર્શ પ્રમાણે કાર્યો થતાં રહે એ માટે પત્રવ્યવહાર કરતાં રહેતાં.
માતાજીએ શ્રીમદ્દ ભગવદ ગીતા અને રામાયણને આત્મસાત કર્યાં હતાં. તદુપરાંત, પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોનું પણ અધ્યયન-વાંચન કર્યું હતું. દેશ-દુનિયાના સમાચાર રેડિયો, દૂરદર્શન અને વર્તમાનપત્રો દ્વારા મેળવી લેતાં હતાં. સભા-સંમેલનોમાં વ્યાખ્યાન, ટી.વી., મીડિયામાં મુલાકાત વખતે પણ ગંભીરતાપૂર્વક પોતાના વિચાર રજૂ કરતાં હતાં.
મધ્યમ કદનાં, ગૌરવર્ણા, જાતે કાંતેલાં સૂતરની સફેદ ખાદીની સાડીમાં શોભતાં, માતાજીનું સાદું સરળ વ્યક્તિત્વ, ઉજ્જવળ હાસ્ય, વાત્સલ્ય નીતરતી આંખો અને સ્નેહસભર વાણીથી સૌને પોતાનાં કરી લેનારું હતું. સૌનાં સુખદુઃખ સમજવાની સ્ત્રીસહજ સંવેદના અને હસતાં-હસતાં પોતાના વિચારો રજૂ કરવાની આગવી સૂઝ તેમનામાં હતી.
રામનારાયણ નાગરદાસ પાઠકે ગાંધી જન્મશતાબ્દી વર્ષ (૧૯૬૯) નિમિત્તે ગાંધીજીનું સંપૂર્ણ જીવનચરિત્ર ‘ગાંધીગંગા’ લખેલું. નિર્મળાબહેનને તે બહુ ગમેલું અને તેઓ તેનો હિન્દીમાં અનુવાદ કરે તે માટે પિતાશ્રી સાથે તેમનો પત્રવ્યવહાર ચાલતો હતો.
નિર્મળાબહેનના તેમનાં તથા ભાઈ-ભાભી નવનીતભાઈ વોરા અને શારદાબહેન, ગુણવન્તભાઈ વડોદરિયાને મળવા ભાવનગર આવેલાં અને તેઓની સાથે અમારે ઘેર આવ્યાં. એ પ્રથમ મુલાકાતે જ તેમણે અમારાં દિલ જીતી લીધાં. મારા પિતાશ્રી સાથે ‘ગાંધીગંગા’ના અનુવાદ અંગે ઔપચારિક વાત પૂરી કરીને તેમણે અમારી સાથે જ વધારે વાતો કરી.
નિર્મળાબહેનનાં પુત્રી ઉષાબહેન ગોકાણીએ ‘ગાંધીગંગા’નો હિન્દીમાં અનુવાદ કરવાનું કામ શરૂ કરેલું, પણ તે અધૂરું રહ્યું, ‘નિર્મળા માતાજી-સ્મરણાંજલિ’ પુસ્તકમાં રામપ્રવેશ શાસ્ત્રીએ નોંધ્યું છે કે ભવાની પ્રસાદ મિશ્રજીએ તેમને એક પત્રમાં ‘ગાંધીગંગા’ પુસ્તક વિશે જણાવેલું. “મૈંને સેવાગ્રામમેં નિર્મલા ગાંધી કે પાસ ઉસે દેખી થી. વહ બાપુ કે આત્મચરિત્ર પર હી આધારિત હૈ. ઇસમેં લેખકને બડે પરિશ્રમ કે સાથ ઉનકે જીવન કી ઐસી ઘટનાયેં પિરોઈ હૈ જો આમતૌર સે હમ લોગ નહીં જાનતે.”
ગાંધી જન્મશતાબ્દી વર્ષ દરમ્યાન સાબરમતી આશ્રમ-અમદાવાદમાં, સાબરમતી આશ્રમનાં બાપુનાં આશ્રમવાસીઓના સ્નેહમિલનનો એક કાર્યક્રમ મોહનભાઈ પરીખ અને ગાંધી સ્મારક ટ્રસ્ટના સંચાલકોએ ગોઠવ્યો હતો. મારા બા (નર્મદાબહેન) સાબરમતી આશ્રમમાં બાપુ પાસે રહીને બે વર્ષ ભણેલાં. ત્યાંથી જ આશ્રમનાં બહેનો સાથે સત્યાગ્રહમાં ભાગ લઈને જેલમાં ગયેલાં. એટલે બા અને બાપુજી, બંને આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ગયેલાં. જૂનાં આશ્રમવાસીઓને મળ્યાં. સ્મરણો તાજાં કર્યાં. સાબરમતી આશ્રમમાં પ્રેમાબહેન કંટક, કન્યાછાત્રાલયનાં ગૃહમાતા હતાં. વિદ્યાર્થિનીઓનાં ગુરુ હતાં.
બીજી વાર નિર્મળાબહેન અમારે ત્યાં આવ્યાં ત્યારે તેમની સાથે પ્રેમાબહેન કંટક પણ આવેલાં. મારી બાને મન તો આશ્રમવાસીઓ તેમનાં પિયરિયાં. પ્રેમાબહેન અને નિર્મળાબહેનને મળીને તેઓ તો ભાવવિભોર બની ગયાં. પ્રેમાબહેન ધીરગંભીર અને ઓછું બોલનારાં, નિર્મળાબહેન સૌમ્ય, મધુર અને મુક્ત રીતે વાત કરનારાં. બન્નેની આગવી પ્રતિભા. થોડી પ્રાસ્તાવિક વાતચીત પછી ‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે.’-ની ગોષ્ઠી શરૂ થઈ. યાદ કરી કરીને મારી બાએ આશ્રમવાસીઓના ખબરઅંતર પૂછ્યાં. મારી બા ભાવુક, વાતચીતમાં પ્રેમાબહેન થોડાં તીક્ષ્ણ અને વ્યક્તિ કે પ્રસંગોની કડક આલોચના પણ કરી લે. જ્યારે નિર્મળાબહેન સમભાવથી જ વાત કરે. પ્રસંગોપાત મુક્ત હાસ્ય વેરતાં જાય. બન્ને પૂર્ણપણે ગાંધીના આદર્શોને સમર્પિત. મારા પિતાશ્રી અને બા સાથે ગાંધીજીવન સંકીર્તન વખતે બંનેએ પોતાનાં અંગત સંસ્મરણો કહ્યાં. તો પ્રેમાબહેને આશ્રમમાં મારી બાના વિદ્યાર્થીકાળને સહજ રીતે યાદ કરીને અમને તેની વાત કરી. ‘નર્મદા બહાદુર, કામગરી અને થોડી તોફાની પણ ખરી.’
નિર્મળાબહેન પુત્રવધૂ તરીકે ગાંધીકુટુંબમાં પ્રવેશ્યાં. ગૃહસ્થાશ્રમના પ્રારંભે જ સત્યાગ્રહ. જેલયાત્રાની પરંપરા શરૂ થઈ. એ જ વાતાવરણમાં તેમનું જીવનઘડતર થયું. તે અતીતને તેમણે આર્દ્ર બનીને યાદ કર્યો. આ વખતે પ્રેમાબહેન અને નિર્મળાબહેન આખો દિવસ અમારે ઘેર રોકાયાં. મેં નિર્મળાબહેનના જીવનની કેટલીક વાતો પણ નોંધી લીધી. તેઓ સાંજે નવનીતભાઈને ત્યાં ગયાં. પ્રેમાબહેન અમારે ત્યાં રોકાયાં, અને બીજે દિવસે મારાં બા-બાપુજી સાથે અમારી વાડીએ (શબરીવાડી-વાળુકડ) બે દિવસ રહેવા માટે ગયાં.
અમે ગાંધીજીનાં દર્શન તો નથી કર્યાં. પરંતુ આ ગાંધીજનોના શ્રદ્ધાપૂર્ણ સત્સંગમાં અમને ગાંધીજીના પ્રભાવી અને વત્સલ વ્યક્તિત્વની ઝાંખી થઈ.
⁕ ⁕ ⁕
નિર્મળાબહેન અમારાં કુટુંબનાં આદરણીય સ્વજન બની ગયાં હતાં. તેના એક-બે પ્રસંગો કહી દઉં.
એક વખત નિર્મળાબહેન મારા પિતાશ્રીને મળવા આવ્યાં ત્યારે હું અને મારાં ભાભી ઊર્મિલા રસોડામાં હતાં. મારા પિતાશ્રીને મળીને, ‘કેમ છો બધાં ?’ એમ કહેતાં તેઓ સીધાં રસોડામાં અમારી પાસે આવીને ઊભાં રહ્યાં. એમનો સ્નેહાળ અવાજ અમને વીંટળી વળ્યો. ઊર્મિલા રોટલી કરતી હતી. તેને કહ્યું, “લાવ, આજે હું તને અમે આશ્રમમાં સાતપડી રોટલી બનાવતાં હતાં તે શીખવું.”
ઊર્મિ પાસેથી પાટલી-વેલણ લઈને તેમણે સાતપડી રોટલી બનાવી. અમે તો આશ્ચર્યચકિત બનીને તેમની સામે જોઈ રહ્યાં. તેમણે કહ્યું, “તમને એમ કે મને રસોઈ કરતાં આવડતી હશે કે નહિ, પણ તારી બાને પૂછી જોજે, આશ્રમમાં રસ્ડોમાં કામ કરવાના સૌના વારા રહેતાં.”
એ દિવસોમાં મારી બા, હૃદયરોગનો હુમલો આવી ગયા પછી ડૉક્ટરની સારવાર હેઠળ હતાં. નિર્મળાબહેન મારી બા પાસે જઈને બેઠાં. અને કહ્યું : “બાપુની નર્મદાને પથારીમાં સૂતેલી જોવી ગમતી નથી. જલદી સાજાં થઈ જાઓ.”
મારી બાએ કહ્યું : “મને તો સારું છે. એકવાર મારી વાડીએ જવા દ્યો.”
હમણાં વાડીએ ન જવાય. “બાળકો એ પણ વાડી જ છે ને !” નિર્મળાબહેને ધીમેથી કહ્યું.
ઊઠતી વખતે તેમણે મારી બાના માથે, વાંસે હાથ ફેરવ્યો. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. ધીમે પગલે રૂમમાંથી બહાર નીકળ્યાં.
એ પ્રસંગે અમને નિર્મળાબહેનનાં માતૃસદૃશ વાત્સલ્યનાં દર્શન થયાં.
મારી બાના અવસાન પછી નિર્મળાબહેન મારા પિતાશ્રીને, અમને સૌને મળવા ઘેર આવેલાં.
સવારનો સમય મારા નાનાભાઈ સતીશભાઈની મોટી પુત્રી કવિતા છ વર્ષની નાની બન્ને બેલડાંની તોરલ-રાજલ બબ્બે વરસની. ત્રણેય દાદાજીના રૂમમાં જ રમે. તેમની પાટ ઉપર પોતાનાં રમકડાં ગોઠવે. ઢીંગલીઓને પણ ત્યાં સુવડાવે.
નિર્મળાબહેન આવવાનાં છે એ સંદેશો મળતાં અમે ત્રણેય દીકરીઓનાં રમકડાં એકઠા કરીને અંદરના રૂમમાં મૂકી દીધાં. બેઠકમાં બધું સરખું ગોઠવવા માંડ્યા. કવિતા અંદર જઈને રમવા માંડી. પણ રાજલ-તોરલને દાદાજીની પાટ છોડવી નહોતી. તેમણે રડવાનું શરૂ કર્યું. એ જ સમયે નિર્મળાબહેને રૂમમાં પ્રવેશ કર્યો. “નમસ્તે, રામભાઈ!” સૌમ્ય, મધુર અને સ્નેહભર્યો અવાજ. મેં પ્રણામ કર્યા તો મારો હાથ પકડીને પાસે લીધી. ઊર્મિલાને પણ સ્નેહથી પાસે લીધી. તેમણે સોફા ઉપર બેસતાં બેસતાં ઊર્મિલાને કહ્યું, “નાની દીકરીઓ રડે છે તેને અહીં લઈ આવો.” ઊર્મિલાની સાથે રાજલ-તોરલ અને પાછળ કવિતા આવી. અને સંકોચાઈને મારી પાસે ઊભી રહી.
તેમણે મારા પિતાશ્રી સામે જોઈને કહ્યું : “રામભાઈ, પાંચ મિનિટ આ લોકો સાથે વાત કરી લઉં.” અમારી સામે જોઈને કહેવા લાગ્યા : “બહુ વર્ષો પહેલાંની વાત છે. એક વખત કાકાસાહેબ કાલેલકર અમારે ત્યાં આવેલા. તેમના આગમન પહેલાં અમે ઘરને ખૂબ ગોઠવ્યું. તેઓ આવ્યા ત્યાં સુધી કામ ચાલતું હતું. કાકાસાહેબ સૌને મળ્યા. ઘણી વાતો કરી. પછી કહે “મારે એક વાત કરવી છે. તમે બહેનો ઘરને સુઘડ અને સ્વચ્છ રાખો એ તો બરાબર પણ રોજ ને રોજ એ બધું ગોઠવવામાં તમારો કેટલો બધો સમય ખર્ચી નાખો છો. તેનો ક્યારે ય વિચાર કર્યો છે! એ સમયનો તમે તમારે પોતાને માટે, તમારાં બાળકો માટે ઉપયોગ કરી શકો.” આટલું કહીને તેમણે હળવેથી કવિતાને તેમની પાસે સોફામાં બેસાડી. તેના વાંસે હાથ ફેરવવા માંડ્યાં. અમને કહ્યું : “જો, ઉષા, કાકાસાહેબનાં આ વચનોને મેં મારી રીતે મારા જીવનમાં ઉતાર્યાં, ઘરને સુઘડ, સ્વચ્છ, વ્યવસ્થિત રાખીએ પણ તેની પાછળ આગ્રહથી ખેંચાઈને આપણો કિંમતી સમય વેડફીએ નહિ. વળી, કોઈ પણ મહેમાન આવે ત્યારે તેમની સાથે હળવા મને મળવાનું તો જ શક્ય બને. એમાં જ જીવનનો સાચો આનંદ છે.” નિર્મળાબહેનનાં એ વચનોએ અમને પણ ઘરની વ્યવસ્થા અંગે નવી દૃષ્ટિ આપી. એટલું જ નહિ બહુ જ સ્વાભાવિક રીતે ત્રણે ય દીકરીઓ રમવા લાગી. અને તેઓ નિરાંતે મારા પિતાશ્રી સાથે વાત કરતાં રહ્યાં.
તેમના સ્વભાવની એ વિશેષતા હતી કે તેમના પરિચયમાં આવનારાં હરકોઈ તેમના નિકટના સ્વજન બની જતાં હતાં. સૌની આગતા સ્વાગતા કરવી, બિમાર હોય તેમના આરોગ્યની દેખભાળ કરવી, આ બધું તેમને માટે જાણે કે સહજ કામ હતું. એટલું જ નહિ પણ વ્યવહારું પણ એવાં જ, લગ્ન પ્રસંગ હોય કે શિશુ જન્મનો પ્રસંગ હોય. નાના-મોટા પ્રસંગે શુકનરૂપે ખાદીનું કંઈક ભેટમાં આપે જ.
પોતે તદ્દન સાદું ભોજન કરતાં. નિર્મળાબહેનનું વ્યક્તિત્વ ‘યથા નામ તથા ગુણ’ જેવું નિર્મળ અને ગૌરવાન્વિત હતું.
‘અહિંસા ક્યારેય નિષ્ક્રિય નથી હોતી’ અને ‘અહિંસા એટલે કે પ્રેમની પર્યાપ્તતા’ બાપુનાં આ બન્ને વચનોને માતાજીએ અક્ષયદીપકની જેમ પોતાના જીવનમાં પ્રજ્વલિત રાખેલાં. નિર્મલ વેદે કહ્યું છે તેમ “માતાજીનું જીવન બાપુની આધ્યાત્મિક ઊંચાઈના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક અથાક અને અનુપમ પ્રયાસ હતો.”
સેવાગ્રામ આશ્રમના સંચાલનની સાથે તેઓ ગાંધીજી અને ગાંધીયુગીન સંસ્મરણોથી સૌને અવગત કરતાં રહેલાં. પરંતુ પોતાની જાતને પ્રસિદ્ધિથી હંમેશાં અલિપ્ત રાખે. નિર્મળાબહેન અને સમગ્ર ગાંધી પરિવાર પરિચિત જનોનો ભરપૂર સ્નેહ પામ્યાં, પરંતુ સંપૂર્ણ જાગ્રત રહીને લોકપ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહ્યાં.
નિર્મળાબહેન જીવનના અનેક ઝંઝાવાતો વખતે પણ સ્વસ્થ રહી શકતાં હતાં તેનું કારણ ઈશ્વર પરની તેમની ઊંડી શ્રદ્ધા. અંતિમ બિમારી વખતે અસહ્ય વેદના થતી ત્યારે પણ તેઓ પ્રભુભજનમાં મનને પરોવી દેતાં.
નિર્મળાબહેને વર્ધા આવવાનું વારંવાર કહેલું પણ જઈ શકાયું નહિ. તેનો રંજ રહી ગયો છે. છેલ્લે હું કૉલેજના કાર્યમાંથી નિવૃત્ત થઈ છું એ વાત ગુણવન્તભાઈ વડોદરિયા પાસેથી જાણ્યા પછી, તેમણે મને વર્ધા જઈને રહેવાનો તેમના કાર્યમાં મદદરૂપ થવાનો સંદેશો મોકલ્યો. કેટલીક કૌટુંબિક જવાબદારી અને બંધાઈને હવે કોઈ કામ નથી કરવું એવી માનસિક સ્થિતિને કારણે હું તેમના આમંત્રણનો સ્વીકાર કરી શકી નહીં. કદાચ સેવાકાર્યને સંપૂર્ણપણે સમર્પિત થવાનું મારે માટે નિર્માયેલું નહિ હોય ! તેમના કર્મિષ્ઠ, સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વની મારા ચિત્ત પર અમીટ છાપ ઝિલાયેલી છે. એટલું જ નહિ તેમણે તો અમને અપાર સ્નેહ આપ્યો પરંતુ તેમનાં બંને પુત્રીઓ સુમિત્રાબહેન અને ઉષાબહેનને જ્યારે મળવાનું બન્યું ત્યારે એવા જ પ્રેમ અને ઘરવટથી અમને મળ્યાં છે.
૨૧ ઓગસ્ટ, ૨૦૦૦ના દિવસે માતાજીએ સેવાગ્રામમાં અંતિમ શ્વાસ લીધા.
* * *