એ ખૂબ આનંદની વાત છે કે આ લખાય છે ત્યારે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનો છૂટકારો હાથવેંતમાં છે. તેમાં ‘ રૅટ હોલ માઇનર્સ’ તરીકે ઓળખાતા ખાણિયાઓ કે ખોદાણ કામ કરનારા છ શ્રમિકોની ટુકડીનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. તેઓ manually એટલે કે મશીન વિના પરંપરાગત ઓજારોથી દસ-બાર મીટર જેટલું ખોદાણ કરીને મલબો બહાર કાઢીને બચાવ ટુકડી માટે રસ્તો મોકળો કરશે.
ઝવેરચંદ મેઘાણી યાદ આવે : ‘પૃથ્વી પર રાજ કોનાં? સાચા શ્રમજીવીઓનાં – ખેડૂના, ખાણિયાના, ઉદ્યમવંતોના ….’
રૅટ-હોલ માઇનિન્ગ rat-hole mining શબ્દ સૂચવે છે કે શ્રમિકો ઉંદરના દર યાદ આવે તેવાં સાવ નાનાં વિવરો / ખાડા (pits) ખોદીને તેમાં ખૂબ દુર્ગમ જગ્યાએ પ્રવેશીને ખાણકામ કરે છે. આ કામ manually એટલે કે મશિન વિના શારિરીક મહેનતથી અને માત્ર હાથથી વાપરવામાં આવે તેવાં પરંપરાગત સાદા ઓજારોથી કરવામાં આવે છે.
આમાં એક સમયે માત્ર એક જ શ્રમિક અંદર ઊતરી શકે છે. તે કોલસાના થર સુધી પહોંચે છે. આવા વિવરો ખોદાઈ ગયા પછી ખાણિયાઓ દોરડાં કે વાંસની સીડીઓથી અંદર ઊતરીને કોલસો કાઢે છે. આખા ય કામમાં કોદાળી, પાવડા, તગાર, ટોપલા જેવાં ઓજારોનો જ ઉપયોગ થઈ શકે છે.
રૅટ હોલ માઇનિંગનો ઉપયોગ મેઘાલયની કોલસાની ખાણોમાં બહુ મોટા પાયે કરવામાં આવતો. આ અનેક રીતે ખૂબ જ જોખમકારક પદ્ધતિ છે. તેમાં જાનહાનિ અને પર્યાવરણને નુકસાન પણ થાય છે. એટલે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૅટ હોલ માઇનિંગ પર મેઘાલયમાં પ્રતિબંધ મૂક્યો હતો.
પ્રતિબંધને મેઘાલયની સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકારતા અદાલતે ખાનગી અને સામુદાયિક જમીન પર, રાજ્યના કાનૂનને આધીન રહીને, રૅટ હોલ માઇનિંગ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. પણ સાથે રાજ્યને ગ્રીન ટ્રિબ્યુનલે ફટકારેલા ત્રણસો કરોડ રૂપિયાના દંડને પણ જમા કરાવવા આદેશ આપ્યો હતો.
સિલ્ક્યારામાં બચાવ કાર્ય માટે આવેલી રૅટ-હોલ માઇનર્સની ટુકડીના પરસાદી લોધીએ કહ્યું કે એ લોકો બચાવ માટેની પાઇપોમાં પ્રવેશ કરશે અને હાથથી વપરાતાં ઓજારોનો ઉપયોગ કરીને બહાર આવવાના માર્ગમાં અવરોધ બનેલા મલબાને દૂર કરશે.
પરસાદીજીએ કહ્યું : ‘ગયાં દસેક વર્ષમાં આવા પ્રકારનું કામ અમે અમદાવાદ અને દિલ્હીમાં કર્યું છે. અમે 600 mm પહોળાં વિવરોમાં (holes) કામ કર્યું છે, જ્યારે અહીં તો 800 mmની પાઇપ છે. અલબત્ત, અહીં માણસોને બચાવવાના છે, જે અમારા માટે પહેલી વારનું કામ છે.
‘અહીં બાર મીટર જેટલા અંતરનો મલબો છે. એ જો માત્ર માટી હશે તો એમાં 24 કલાક લાગશે, પણ જો એમાં ખડકો હશે તો 32 કલાક જેવો સમય લાગશે.’
તેમની ટીમે 21 કલાકમાં 12-13 મીટર જેટલું ખોદકામ કર્યું.
પરસાદીજી અને તેમની ટીમ એક ખાનગી એન્જિનિયરિંગ કંપનીના કર્મચારીઓ છે. દિલ્હી અને અન્યત્ર પાણીની પાઇપલાઈનો નાખવા માટે સાવ નાનાં બોગદાં ખોદવાનાં કામમાં તેમણે ખૂબ કામયાબી મેળવી છે.
રૅટ-માઇનર્સના મોટા સહયોગથી 41 શ્રમિકોના જીવ બચે તેની ખૂબ ખુશી હોય. પણ આખી પરિસ્થિતિ એક દ્વંદ્વ, એક વક્રતા, વિમાસણ બતાવે છે. સહેજ પણ judgemental થયા વિના પણ આવી પરિસ્થિતિ નજરે ચઢે છે.
એકતાળીસ શ્રમિકોના જીવ બચાવવા માટે છ શ્રમિકોએ પોતાની જિંદગીને કામે લગાડી છે. રૅટ-માઇનિંગની પદ્ધતિ એટલી બધી જોખમકારક, ઇવન જાનલેવા સાબિત થઈ છે કે તેની પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. પણ તે જ પદ્ધતિનો ઉપયોગ અત્યારે દેશને શ્રમિકોનો જાન બચાવવા માટે કરવો પડી રહ્યો છે.
બીજી વક્રતા એ છે કે આ ટનલ મુખ્યત્વે ચાર ધામ યાત્રાનો માર્ગ ટૂંકો થાય એટલા માટે થઈ રહ્યો છે. સંભવત: તેનો બીજો હેતુ પ્રવાસન દ્વારા લોકોને આનંદપ્રમોદ આપવાનો છે.
શું આ રીતે મળનાર ચારધામ યાત્રાનું પુણ્ય અને આનંદપ્રમોદ દેશનો અગ્રતાક્રમ હોઈ શકે ? દેશના કરોડો નાગરિકોને પાયાની જરૂરિયાતો પૂરી ન પડતી હોય ત્યારે દેશ ચાર ધામ યાત્રાના રસ્તા જેવાને અગ્રતા શા માટે આપે ?
વિકાસની જેમ કોઈની ‘ભક્તિ’ વિશે ફેરવિચાર કરવો જરૂરી છે. સરકારો દ્વારા મજૂર કાયદાઓને શિથિલ કરવામાં આવી રહ્યા છે તેના વિશે ફેરવિચાર કરવાની જરૂર છે.
અત્યારે આખું રાષ્ટ્ર એક એક બૉલ, એક એક રન, એક એક વિકેટ, એક-એક મિનિટની નહીં; પણ એક એક કલાક, એક એક મીટર, એક એક શ્રમિકની ચિંતામાં છે, ટેલિવિઝન સામે મીટ માંડીને બેઠું છે. ખરું ને?
મહેનતકશો ઝિંદાબાદ !
સૌજન્ય : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’
Image is only representative
e.mail : sanjaysbhave@yahoo.com