મારો ન્યાય, મારી ભાષામાં
બંધારણ મુજબ જે તે રાજ્યની વડી અદાલતને પ્રદેશભાષામાં કામકાજ માટે વૈકલ્પિક છૂટ અપાયેલી છે. આ છૂટને અમલી જામો ન પહેરાવાય તે લોકશાહીના છડેચોક ભંગ રૂપ છે.

પ્રકાશ ન. શાહ
હવે તરતમાં આપણું પ્રજાસત્તાક અમૃતવર્ષોમાં પ્રવેશશે. સ્વરાજનું આ અઠ્ઠોતેરમું વરસ છે, અને ભાષાવાર પ્રાંતરચનાને અન્વયે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પણ કે’દીનું સાઠી વટી ગયું છેઃ આટલે વરસે, સ્વરાજ ને સ્વભાષા, પ્રજાસત્તાક ને પ્રજાની ભાષા, એ સાદો હિસાબ અને બુનિયાદી લોકશાહી સમજ છતાં ગુજરાતની ચેતના આ મુદ્દે કણસી રહી છે. ખબર નથી, ‘મારો ન્યાય, મારી ભાષામાં’ એ કણસાટ સંબંધકર્તાઓને સંભળાય છે કે કેમ.
દેશની બંધારણીય જોગવાઈ મુજબ હાલ સર્વોચ્ચ અદાલતે અને રાજ્યોની વડી અદાલતોની કાર્યભાષા અલબત્ત અંગ્રેજી છે. કંઈક કોલોનિયલ હેંગઓવર, કંઈક લાંબી અંગ્રેજ રાજવટ થકી ઊભો થયેલ કાર્યસુવિધાનો ખયાલ. ભલે ભાઈ. પણ આ જ બંધારણે એ દ્વાર પણ લોકશાહી ધોરણે બેલાશક ખુલ્લાં રાખ્યાં છે કે પ્રજાની પોતાની ભાષામાં સર્વોચ્ચ ને વડી અદાલતોમાં કામ ચાલી શકે તેવી વૈકલ્પિક જોગવાઈ શક્ય છે. ચાર રાજ્યોની વડી અદાલતોમાં એ રીતે હિંદીમાં કામકાજની સોઈ થઈ પણ છે.
પ્રશ્ન આ છેઃ જો આ ચાર રાજ્યોમાં સ્વભાષાને ધોરણે ન્યાયિક પ્રક્રિયાનો વિકલ્પ ખૂલી શકતો હોય તો ગુજરાતમાં કેમ નહીં? સ્વરાજ પછી શરૂનાં વર્ષોમાં એ ટોણો મારી શકાતો હતો કે રાજ્યકર્તાઓ જે ભાષામાં રાજ કેમ ચાલી ન શકે. સદ્ભાગ્યે એ હિંસામાં કંઈક લોકહિલચાલ અને કંઈક શાસકીય સંકલ્પે ઠીક ભોં ભાંગી છે.
આ લખું છું ત્યારે સાંભરે છે કે 1977માં ‘બીજા સ્વરાજ’ની હવામાં ગુજરાતમાં બાબુભાઈ જશભાઈની સરકારે રામલાલ પરીખના વડપણ હેઠળ એક સમિતિ (જેના પર આ લખનારને પણ કામ કરવાનું બન્યું હતું) નીમી હતી, રાજ્યના વહીવટમાં સર્વ સ્તરે ગુજરાતીમાં વહીવટ શક્ય બને તે દૃષ્ટિએ. સરકારે સમિતિની ભલામણોનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો એટલું જ નહીં પણ પોતાના કાર્યકાળમાં તંત્ર જોગ એક પછી એક સત્તાવાર પરિપત્ર મારફતે ઘટતી ચોંપ પણ દાખવી હતી. (સચિવાલયની સ્ટેનો મંડળીએ અંગ્રેજી સિવાય કામ કરવા બાબતે અદાલતી દ્વાર ખખડાવેલાં એવું આછું સ્મરણ છે.)
વચ્ચે જાણે રાજ્ય સરકાર ઝોકું ખાઈ ગઈ હોય તેમ છેક બે’ક વરસ પર જ એ દોર પાછો સાહ્યો. જો કે વચમાં એણે એક મોટી વાત ચોક્કસ કરી હતી, અને તે એ કે 2012માં વડી અદાલતમાં વૈક્લિપક ગુજરાતી અમલી બનાવવા સારુ વિધાનસભાના નિર્ણયને પગલે રાજ્યપાલે યોગ્ય સ્તરે ભલામણ મોકલી આપી હતી.
તેમ છતાં, જો આ મુદ્દે આગળ ન વધાતું હોય તો એનું રહસ્ય એ લાંબો સમય ગોપિત રહેલી બીનામાં છે કે 1965માં દેશના સઘળા વડા ન્યાયમૂર્તિઓની કૉન્ફરન્સમાં એવો નિર્ણય લેવાયો હતો કે જે તે રાજ્યભાષાને વૈકલ્પિક ધોરણે સ્વીકૃતિ માટે સર્વોચ્ચ અદાલતનના વડા ન્યાયમૂર્તિની રજા જરૂરી છે. કેન્દ્ર સરકાર તે સિવાય નિર્ણય નહીં લે. આ ચોક્કસ જ એક મોટો અવરોધ છે અને બંધારણની ભાવનાથી તે તદ્દન વિપરીત છે.

અસીમ પંડ્યા
હવે એ સમય નિશ્ચે પાકી ગયો છે કે સર્વ સ્તરેથી ‘મારો ન્યાય, મારી ભાષામાં’ એ નાદ બુલંદ બને. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ ઝંડો સાહ્યો છે તે જરૂર અભિનંદનપાત્ર છે. હમણાં અસીમ પંડ્યાએ ઉલ્લેખ પૂર્વપ્રમુખ તરીકે કર્યો એ આપણી દુર્દૈવ અનવસ્થાની દ્યોતક બીના છે. એમણે એસોસિયેશનના પ્રમુખ તરીકે પરબારું લખ્યું જ કેમ એવી ફરિયાદ એસોસિયેશનમાં ઊઠી એથી એમણે પત્ર પાછો ખેંચ્યો અને વ્યક્તિગત ધોરણે નવેસર લખ્યું. આ વિવેક પણ એસોસિયેશનનાં કેટલાંક વર્તુળોને સોરવાયો નહીં ત્યારે એમણે વળતું રાજીનામું ધરી દીધું.
હવે 21મી ફેબ્રુઆરીએ, માતૃભાષા દિવસે, લડત વેગવતી બનાવવાની યોજનાની વિચારાઈ છે.
દેખીતી રીતે જ આ લડત કોઈ એક પક્ષની નહીં પણ સર્વ પક્ષો સહિત નાગરિક સમાજ સમસ્તની છે. એડવોકેટ્સ એસોસિયેશન પણ એમાં ભળી શકે તો શોભીતું થશે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025