રાજકારણીઓને થૂંકેલું ચાટવાની નવાઈ નથી હોતી. અગાઉ જે વાતો માટે સામેના પક્ષોની ટીકા કરી હોય એ જ વાતો પોતે કરવાની આવે તો જરા ય સંકોચ વગર શાસકો કરતાં હોય છે. એક સમયે આમ આદમી પાર્ટી સહિતના પક્ષો મફત આપવાની વાત કરતા હતા, તો વડા પ્રધાન તે પક્ષોની ‘રેવડી’ કહીને ઠેકડી ઉડાડતા હતા ને ભા.જ.પ. રેવડીમાં માનતો નથી એવો પ્રચાર કરતા હતા ને હવે સરકાર 81 કરોડ લોકોને મફત અનાજની થાળી પીરસે છે તેનો વાંધો આવતો નથી. રાજકારણમાં તો એવું બધું જ હોય અથવા એવું હોય તેને જ રાજકારણ કહેવાતું હોય તો ભલે, પણ મહેનતુ પ્રજાને મફતનું ખવડાવીને હરામ હાડકાંની કરવામાં કયું ગૌરવ છે તે નથી સમજાતું. ખરેખર તો ગરીબોને રોજગારી અપાય ને તે સંદર્ભે આવી મદદ થાય તે અપેક્ષિત છે. રાજકીય પક્ષો જાણે છે કે મત મફતમાં મળતા નથી. બીજી તરફ પ્રજા પણ હવે ભોળી અને મૂરખ રહી નથી, તે પણ સામે શું મળે છે તે જુએ છે ને પછી મત ઢીલા કરે છે.
કોરોના આવ્યો ત્યારે 2020માં વડા પ્રધાને ગરીબોને મફત અનાજ આપવાનું ઠરાવ્યું એ ખરેખર આવકાર્ય પગલું હતું. કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા આપવાનું શરૂ કર્યું, પણ કોરોના ગયો પછી પણ એ યોજના આજ સુધી ચાલુ રહી છે, ત્યારે તેના રાજકીય હેતુઓ સ્પષ્ટ થતા આવે છે. કેન્દ્ર સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ મફત અથવા સબસિડીવાળું રેશન પૂરું પાડે છે, પણ જેમની પાસે કાર્ડ નથી એવા પરિવારોને એનો લાભ મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ કરીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના કાળ વખતે સ્થળાંતરિત ગરીબ પરિવારોને રેશન કાર્ડ આપવાની તાકીદ કરી છે, જેથી મફત અન્ન યોજનાનો લાભ તેને પણ મળી રહે. કોર્ટે એવો આદેશ પણ આપ્યો છે કે જેમની પાસે કાર્ડ નથી, પણ જે શ્રમિકો ઇ- શ્રમિક પોર્ટલ પર નોંધાયેલા છે તેમને પણ મફત રેશનનો લાભ મળે.
સુપ્રીમ કોર્ટે એ નોંધ્યું છે કે રોજગારીની તકો ઊભી કર્યા વગર 81 કરોડ લોકોને સરકાર મફત અનાજનો લાભ આપી રહી છે તે ઠીક નથી, તે સાથે જ એવી ટકોર પણ કરી છે કે આટલા લોકોને યોજનાનો લાભ અપાઈ રહ્યો હોય તો તેનો મતલબ એ જ થાય કે કરદાતાઓ જ આ યોજનાથી વંચિત છે. છે ને કમાલ ! જેમના કરમાંથી મફત યોજનાનો લાભ અપાઈ રહ્યો છે, તે જ એ યોજનાની બહાર છે. સુપ્રીમે સોંસરું પૂછ્યું છે કે આ મફતનું ક્યાં સુધી ચાલવાનું છે? એના કરતાં વધુ સારું એ નથી કે રોજગારીની વધુ તકો ઊભી થાય તે જોવાય?
કેન્દ્રે કોર્ટને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા સબસિડીવાળું અનાજ અપાય છે. સુપ્રીમ સુધી વાત પહોંચવાનું કારણ છે એક એન.જી.ઓ.ની અરજી ! અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે એવી માંગણી કરી કે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતરિત કામદારોને પણ મફત અનાજનો લાભ મળે. સુપ્રીમની અગાઉની બેન્ચે 4 ઓક્ટોબરે એવો આદેશ આપ્યો હતો કે NFSA મુજબ જે રેશન કાર્ડ-અનાજ માટે લાયક છે અને જે સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઓળખ પામેલા છે, તેઓને 19 નવેમ્બર પહેલાં રેશન કાર્ડ આપવામાં આવે. એનો 26 નવેમ્બરે સરકારે એવો જવાબ દાખલ કર્યો કે તેની જવાબદારી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013ની ફરજિયાત જોગવાઈ હેઠળ જ રેશન કાર્ડ પ્રદાન કરવાની છે, એટલે કાયદામાં આપેલી મર્યાદાની ઉપરવટ જઈને રેશન કાર્ડ ન આપવા સરકાર વિવશ છે. એની સામે અરજદારની દલીલ એવી હતી કે 2021માં વસ્તી ગણતરી થઈ હોત તો સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા પણ વધી હોત, પણ સરકાર અત્યારે જે ડેટાનો આધાર લે છે તે 2011ની વસ્તી ગણતરીનો છે. આ કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થવાની છે, ત્યારે જે ચુકાદો આવે તે ખરો.
સુપ્રીમે મફતનું ક્યાં સુધી ચાલવાનું છે એવો સવાલ ભલે પૂછ્યો હોય, પણ કેન્દ્ર સરકાર કોર્ટનું સાંભળવાના મૂડમાં ન હોય તેમ, મફત અનાજની યોજના વધુ પાંચ વર્ષ ચાલુ રાખશે તેવી જાહેરાત કરી ચૂકી છે. 2023ના નવેમ્બરમાં છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ખુદ વડા પ્રધાને એવી જાહેરાત કરી હતી કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બીજાં પાંચ વર્ષ, 81 કરોડ લોકોને સરકાર મફત રેશન આપશે. આ જાહેરાત પાછળનો છૂપો હેતુ તો એ હતો કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા ભા.જ.પ.ને મત આપે. એ જુદી વાત છે કે આટલી મફત યોજનાઓ છતાં કેન્દ્રમાં સ્પષ્ટ બહુમત મળ્યો નહીં ને થોડા ટેકાથી ટકી જવાનું આવ્યું. એમ લાગે છે કે ચૂંટણીઓ ચાલશે, ત્યાં સુધી મફતની યોજના પણ ચાલશે.
વડા પ્રધાનને તો 81 કરોડની જનતાના ‘આશીર્વાદ’ જ જોઈએ છે. આ આશીર્વાદને કારણે જ તેઓ ‘પવિત્ર’ નિર્ણયો લઈ શકે છે એવું તેમનું માનવું છે. નિર્ણયો પવિત્ર છે કે કેમ તે તો વડા પ્રધાન જાણે, પણ પ્રજાના પવિત્ર મત તો તેમને મળે જ છે એ સ્વીકારવું પડે. વડા પ્રધાન પ્રજાહિતને મામલે ખાસા ઉદાર છે. 5 કિલો અનાજથી તેમને સંતોષ નથી, એટલે ઘઉં, ચોખા ઉપરાંત અન્ય ખાદ્ય ચીજો પણ રેશનમાં મફત આપવાનું ઠરાવ્યું છે. નવાં વર્ષથી જ સરસવનું તેલ, બાજરી, મસાલા જેવી 10 વસ્તુઓ મફત અપાશે એવી જાહેરાત થઈ ચૂકી છે. આમ કરવા પાછળનો હેતુ પ્રજાનું પેટ ભરવાનો જ નહીં, પણ પોષક તત્ત્વો પણ મળી રહે એ જોવાનો પણ છે, તે સારી વાત છે. પૂરતી આવકને અભાવે ઘણી ચીજ વસ્તુઓ પ્રજા ખરીદી ન શકતી હોય ત્યારે તેને પોષક તત્ત્વો યુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે એ જોવાનો ઉપક્રમ ઉમદા જ ગણાય. અહીં ખૂટે છે તે સ્વમાન ! પ્રજા આ બધું મફતમાં મેળવે એના કરતાં મહેનત કરીને, કમાઈને જરૂરી ચીજ વસ્તુઓ મેળવે એ સ્થિતિ ઊભી થાય તે જરૂરી છે.
વડા પ્રધાન કે ભા.જ.પ.ના નેતાઓ ભલે એ વાતે ગર્વ અનુભવે કે સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ આપે છે, પણ એ સિદ્ધિ કરતાં શરમની વાત વધુ છે. જે દેશની 81 કરોડ જનતા એટલી પાંગળી હોય કે તે પોતે માનભેર ખરીદીને ખાઈ ન શકે તો તેનો ક્ષોભ સરકારને થવો જોઈએ. એ ખરું કે સરકાર પ્રજાની દશા જોઈને બેસી રહેવાને બદલે તેનું પેટ પાળવા થઈ શકે તે બધું જ કરે છે. સુપ્રીમ કોર્ટ કરદાતાઓ જ આ યોજનાથી વંચિત છે એવું ભલે સંભળાવે કે રોજગારી ઊભી કરવાનું કહે, પણ સરકાર આ યોજના બંધ કરે એ શક્ય નથી. મત હશે, ત્યાં સુધી મફત પણ હશે જ એમ માનવામાં નથી લાગતું કે અતિશયોક્તિ છે. સુપ્રીમની ટકોર વાજબી જ છે, પણ સરકાર અનુદાર રહે તો પણ ટીકાને પાત્ર બને એ પણ એટલું જ સાચું છે. ખૂટે છે તે એટલું જ કે મફત, મતનો ભાગ બને છે એટલું, મહેનતનો ભાગ નથી બનતું. એ થાય તો કરદાતાઓના નાણાંનો દુર્વ્યય થતો અટકે. કમ સે કમ કરદાતાઓ આટલી ઉપેક્ષાને પાત્ર તો નથી જ!
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ડિસેમ્બર 2024