જન્મ : 28-5-1883 — મૃત્યુ : 26-2-1966
સાવરકરે ઈતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદગુણ વિકૃતિ’ એક મુદ્દો છે
ગોધરા-અનુગોધરાના દુર્ભાગી ઘટનાક્રમને તેવીસ વરસ પૂરાં થવામાં છે, અને બેસતે ફેબ્રુઆરીએ (પહેલી તારીખે), ઝકિયા આપા ગયાં. છેલ્લા બે’ક દાયકામાં, રાજધર્મના પરિપાલન વિષયક સવાલિયા દોરને અંગે ન્યાયની લડતના એક અણનમ ચહેરા તરીકે એ ઉભર્યાં હતાં. આવી લડતો સફળતા-નિષ્ફળતાને ધોરણે નહીં એટલી ખુદ લડત થકી જ ઓળખાય છે.

પ્રકાશ ન. શાહ
ઝકિયાની પોતાની આ જે ઓળખ બની, ઝુઝારુ જણ તરીકેની તેનું સ્વતંત્ર મૂલ્ય અલબત્ત છે જ. પણ જાફરી એ જે એમનું કુલનામ એ તો 1977ની શકવર્તી ચૂંટણીમાં યશસ્વી રહેલા કાઁગ્રેસમેન અહેસાનની ભેટ હતી. ધારાશાસ્ત્રી અહેસાન જાફરી, ઉર્દૂની પ્રગતિશીલ ધારાના એક અચ્છા શાયર પણ હતા. 1969માં રમખાણ ફાટી નીકળ્યું ત્યારે પૂર્વ અમદાવાદમાં ડો. ગાંધીની ચાલના એક ટેનામેન્ટમાં આ પરિવાર રહેતો હતો અને જાન બચાવવા વાસ્તે ખાસ્સું બે-ત્રણ કિલોમીટર દોડ્યા પછી અસારવા-ઉદયપુર રેલવે લાઈન ક્રોસ કરી પોલીસ સ્ટેડિયમમાં આશરો લીધો હતો. 1969ના આ અમંગલ અનુભવ પછી પણ પ્રજાસત્તાક સ્વરાજ લાયક જાહેર જીવન માટેની ગડમથલમાં એ કટુતા વગર સક્રિય હતા. 1977માં એમની સામે હારેલા બ્રહ્મકુમાર ભટ્ટ પાસેથી સાંભળ્યું છે કે અમે પોલીસ સ્ટેડિયમમાં શાતા પૂછવા ને સહાય જોગવવા ગયા ત્યારે હાથમાં ડબલું ઝાલી ચા વાસ્તે ઊભેલા અહેસાનનો ચહેરો હજુ નજર સામેથી ખસતો નથી, અને એ લાગણી પણ – કે છતે જુલમે આ માણસમાં કટુતા નથી.
દફતર ભંડારના અખિલ હિંદ વડા પ્રો. તીરમીઝી નિવૃત્ત થઈ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એમની પહેલથી રચાયેલ મૌલાના આઝાદ સેન્ટરની કાર્યવાહક સમિતિમાં અહેસાન જાફરીને મળવાનું થતું. તે વખતે એમની રચનાઓનોયે કંઈક પરિચય થયો હતો. એક વાર વસંત-રજબ શહાદત સ્મૃતિની પૂર્વ રાત્રિએ મુશાયરો યોજાયો હતો એમાં અહેસાનભાઈએ ઉચ્ચારેલી પંક્તિઓ આ લખતાં મનમાં ગૂંજે છે, અને એમના સંગ્રહ ‘કંદીલ’(દીવો, ફાનસ)ના નાગરી પાઠમાંથી ઉતારવાનું મન થઈ આવે છે : ‘હર દિલ મેં મુહબ્બત કી, ઉખુવ્વત કી લગન હૈ, યે મેરા વતન, મેરા વતન, મેરા વતન હૈ.’ આ વતન તે કેવું ને કોનું એ પણ એમણે બીજી એક રચનામાં અચ્છું વ્યાખ્યાયિત કરેલું છે : મીરાંબાઈના ભજને સોહતું, ગૌતમ બુદ્ધ – ગુરુ નાનક – અમીર ખુશરોના પ્રેમસંદેશ થકી આશીર્વાદપ્રાપ્ત, આ મારું વતન!
2002ની 28મી ફેબ્રુઆરીએ ગુલબર્ગ, ચમનપુરામાં બોંતેર વરસના અહેસાન સહિત 69 જણા જે રીતે ગયાં એમાં જવાબદાર કરવૈયાઓની ખુદની વીરગાથા શી સાહેદી ‘તહલકા’ની ટેપમાં અંકિત છે, પણ … ખેર છોડો એ ચર્ચા, હિંદુ કે મુસ્લિમ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે જ્યારે જ્યારે ગોધરા-અનુગોધરા દિવસો સંભારીએ છીએ ત્યારે શું કહેવાનું બને છે? રાજધર્મ ન ચુકાયો હોત, એટલે કે કાયદાનું શાસન પળાયું હોત, શાસન એ ધોરણે ચુસ્તદુરસ્ત અનુશાસનમાં રહ્યું હોત તો જે ન થવાનું થયું તે નિ:શંક ન થયું હોત, શું ગોધરામાં કે શું તે પછી. શાસનની કામગીરીની જે પણ વિગતો સામાન્યપણે સમજાય છે તે કાં તો નિ:શાસનની છે, કે પછી દુ:શાસનની. અપવાદરૂપ કિસ્સાઓમાં, ‘કંદીલ’ લઈને શોધ્યે કાયદાનું શાસન જોવા મળે છે, એ આંખમાથા પર.
1965થી સંઘ પરિવારમાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનની કંઈક ચર્ચા શરૂ કરી ત્યારે એમણે ‘ધર્મરાજ્ય’ એ પ્રયોગ સરસ સમજાવ્યો હતો કે આ તો ‘રુલ ઓફ લો’ કહેતા કાયદાના શાસનની વાત છે. કંઈક ક્ષીણદુર્બળ પણ એ તંતુ વાજપેયીએ ઝીલવાની કોશિશ કરી હશે તે 2002ના એમના રાજધર્મ ઉદ્દગારોથી સમજાય છે. આ ઉદ્દગારો પરત્વે તત્કાળ એમને જે આશ્વસ્તકારી વેણ સાંભળવા મળ્યાં હશે એને વિશે એમને કોઈ પતીજ નહીં હોય તેમ એમણે બેત્રણ મહિનાને આંતરે વળી તત્કાલીન મુખ્ય મંત્રી જોગ લખેલ પત્રમાં કરેલી ઝીણી પૃચ્છા અને આપેલી સાફ સલાહ પરથી જણાઈ આવે છે. 1 જૂન 2002નો આ પત્ર ત્યારે તો અપ્રકાશિત રહ્યો હતો. પણ પછી આર.ટી.આઈ.ને પરિણામે તે પ્રકાશમાં આવ્યો હતો.
ગમે તેમ પણ, ગોધરા-અનુગોધરા ઘટનાક્રમને કાયદાના શાસનની રીતે નહીં નિપટાવતા સામસામી છાવણીના ચશ્મે જોવાની અને હિંસ્ર વલણો પરત્વે અનુમોદનાની આ ‘નીતિ’નું સમર્થન એક અણચિંતવ્યે છેડેથી મળી શકે એમ છે. એ છેડો સાવરકરનો છે જે શાસનકૃપાએ શરૂ થયેલી અને વિક્રમ સંવતથી માંડી ઉદય માહુરકર સહિતના લેખો થકી ખાસી ઊંચકાયેલ નવ્ય દેવપ્રતિમા (ન્યૂ આઈકોન) પરત્વે શૌરિના વળતા સપાટે ચર્ચાની વંડી ઠેકી ચકચારના ચોકમાં ખાબકી છે.
સાવરકરે ઇતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદ્દગુણ વિકૃતિ’ એક મુદ્દો છે. શત્રુઓ સામે હિંદુ રાજાઓ નીતિના પાલનપૂર્વક લડતા એવી જે છાપ છે એ ‘છાપ’ સાવરકરને મન ‘વિકૃતિ’ સૂચક છે. હિંદુપત પાદશાહતના સ્વપ્નશૂરા શિવ છત્રપતિ નિમિત્તે સાવરકરના ‘ધન્ય ઉદ્દગારો’ સાંભરે છે. શિવાજીએ કલ્યાણની લૂંટમાં હાથ આવેલ સુબેદારની પત્નીને સબહુમાન પાછી મોકલી એમાં સાવરકરને કશું ‘ખાસ પ્રચાર’ યોગ્ય કે ‘આદરણીય’ જણાતું નથી; કેમ કે “જુવાનજોધ તરુણીને પરત મોકલવી એટલે જ શત્રુના વેતર વધારવામાં મદદ કરવા સમાન હતું. … એકાદ મોટા સરદારને આ આપી દેવી હતી. એ ય ન કરવું હતું તો તેમનો એકાદ નિકટનો હજુરિયો તો હતો ને ? એણે એ સુંદર છોકરી આનંદભેર સ્વીકારી હોત …”
નહીં કે આ અધિકૃત અવતરણ ટાંકવું ગમે છે. માત્ર, રાજધર્મની શિથિલતાનો ઉત્તર, નાગરિક ધર્મની શિથિલતામાં નથી, એટલું જ એક નમ્ર નિવેદન, આજે સાવરકર સ્મૃતિ દિવસે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 ફેબ્રુઆરી 2025