દિલ્હીનાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના રિપોર્ટમાં એવું આવ્યું છે કે વિષમ હવામાનને કારણે નવ મહિનામાં દેશમાં 3,238 મોત થયાં છે. આખા દેશે 274માંથી 255 દિવસ વિષમ હવામાનનો સામનો કરવાનો આવ્યો છે, જેની ટકાવારી કાઢીએ તો 93 ટકાથી વધુ આવે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર, 2024 સુધીમાં પૂરને કારણે 1,376 લોકો અને વીજળી પડવાને કારણે 1,021 લોકોનાં મોત થયાં છે. ખેતીની 32 લાખ હેક્ટર જમીન ખરાબ હવામાનથી પ્રભાવિત થઈ છે અને 2,35,862 મકાનો કે ઇમારતોનો નાશ થયો છે. આ હવામાનને લીધે જ 9,457 પશુઓનાં મોત થયાં છે. હવામાનની અસરને લીધે જાનહાનિ મધ્ય પ્રદેશ, કેરળ, આસામ જેવાં રાજ્યોમાં વધુ થઈ છે, જ્યારે મકાનો સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં નષ્ટ થયાં છે. વિષમ હવામાનને કારણે પાકનું સૌથી વધુ નુકસાન મહારાષ્ટ્રમાં થયું છે. દિલ્હીમાં દર વર્ષે શિયાળો ગૂંગળાવનારો આવે છે, પણ તેનો કાયમી ઉકેલ જડતો નથી, તેનું મુખ્ય કારણ રસ્તાઓ પર ખાનગી વાહનોની વધતી જતી સંખ્યા છે. તેની સામે બસ પ્રવાસીઓ ઘટ્યા છે. 2022-2023માં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં રોજ 25 લાખ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા, તેમાં છેલ્લા દાયકામાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે ને તેની સામે ખાનગી વાહનોની સંખ્યામાં બેફામ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે. આનો ઘોંઘાટ શિયાળા પૂરતો ચાલશે ને પછી આવતા શિયાળામાં ફરી તેમાં જીવ આવશે.
આમાં કુદરતી આફતો જેટલી જ જવાબદારી માનવ સર્જિત આફતોની પણ છે.
ગયા મે મહિનાની 26 તારીખે રાજકોટના કાલાવડ રોડ પરના ટી.આર.પી. ગેમ ઝોનમાં ત્રણેક હજાર લિટર પેટ્રોલે જે સર્વનાશ વેર્યો તેણે નિર્દોષ બાળકો સહિત કેટલાક જીવોનો ભોગ લીધો. તે એટલી હદે ભડથું થયાં કે અગ્નિસંસ્કારની જરૂર જ ન રહી. એ પછી આખા રાજ્યમાં તપાસના જે નાટકો ચાલ્યાં તેણે નિર્દોષોને ભેરવવાનું અને જવાબદારોને રક્ષવાનું કામ કર્યું. આવી ઘટનાઓ ક્યારેક મિશનની સાથે કમિશનનું બજાર પણ ઊભું કરી આપે છે. અઠવાડિયામાં માંડ બે ત્રણ અગ્નિશમન યંત્રો ખપતાં હતાં તેમાં એવી ખરીદી સુરતમાં નીકળી કે બે જ દિવસમાં 10 કરોડનાં 50,000 અગ્નિશમન યંત્રો ખપી ગયાં.
સુરતની જ વાત કરીએ તો બે ગેમ ઝોનના 8 માલિકો સામે ગુનો નોંધાયો. સુરતની તમામ 1,650 સ્કૂલોમાં 124 ટીમો ફાયર સેફટીની તપાસ માટે કામે લાગી. ત્રણ જ દિવસમાં 224 મિલકતો સીલ થઈ. 4 મલ્ટિપ્લેક્સ લાઇસન્સ વગર જ ચાલતાં હતાં તે ધંધે લાગ્યાં. કાપડ માર્કેટોને ફાયર સેફટીની વ્યવસ્થા કરવાની તાકીદ કરાઈ. લગભગ અડધા શહેરને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ મારી દીધું. વલસાડ, બારડોલી એમ બધે જ તપાસ તપાસ થઈ રહ્યું. એમ લાગ્યું કે હવે ફાયર સેફટીને મામલે સુરતને કહેવું નહીં પડે.
પણ, સિટીલાઇટ ખાતે આવેલાં શિવપૂજા બિલ્ડિંગના ત્રીજા માળે ગયા બુધવારની રાત્રે સાડા સાતના સુમારે જિમ ઇલેવન અને સ્પાની મીટર પેટીમાં આગ લાગતાં સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ. ફાયરની ગાડીઓએ આગને તો કાબૂમાં લીધી, પણ ત્યાં સુધીમાં ગૂંગળામણથી બે યુવતીઓનાં મોત નીપજી ચૂક્યાં હતાં. સ્પામાં ચાર મહિલા અને એક વોચમેન, એટલાં જ હતાં, કારણ દિવાળીને લીધે બધું બંધ હતું. બીજો કોઈ દિવસ હોત તો જાનહાનિ મોટી થઈ હોત. ધુમાડા નીકળતા સિક્કિમની બે મહિલાઓ અને વોચમેન તો ભાગી છૂટ્યાં, પણ બે મહિલાઓ જીવ બચાવવા બાથરૂમમાં ભરાઈ. ધુમાડો વધવાને કારણે ગૂંગળામણને લીધે બંને મહિલાઓ મૃત્યુ પામી. બાથરૂમમાં, સ્પા અને સલૂનમાં વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા જ ન હતી.
આ મામલે જિમના સંચાલક શાહનવાઝ વસીમ અને સ્પા સંચાલક દિલશાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ગમ્મત એ છે કે લાઇસન્સ વગર જ દિલશાન સ્પા ચલાવતો હતો. જિમ સંચાલક વસીમ વિરુદ્ધ તો 2023માં ઉધના ખાતેના જિમ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. ‘શિવપૂજા’ મામલે પોલીસને એ જાણવા મળ્યું કે આરોપીએ ફાયર વિભાગની એન.ઓ.સી. ન હોવા અંગેની બબ્બે નોટિસો છતાં તેની ધરાર અવગણના કરી હતી અને ફાયર એન.ઓ.સી. લીધું જ ન હતું. વાત એટલી જ નથી, સ્પા ચલાવવા માટેનું ગુમાસ્તાનું લાઇસન્સ પણ લેવાયું નથી ને લાઇસન્સ અંગે પોલીસે પૂછ્યું તો એ જૂઠાણું ચલાવાયું કે લાઇસન્સ આગમાં બળી ગયું છે. શિવપૂજા શોપિંગ સેન્ટરને તો અગાઉ પણ સીલ મારવામાં આવ્યું હતું, પણ રાજકીય વગ કામે લાગતાં સીલ ખોલી દેવાયું હતું. સવાલ એ છે કે પાંચેક મહિના પહેલાં ફાયર સેફટીને નામે જે ઝુંબેશ ચાલી ત્યારે શિવપૂજા તરફ કોર્પોરેશનની નજર ગઈ હતી કે રાજકીય રહેમ નજર જ સર્વોપરી રહી હતી? કોર્પોરેશનને એ પણ ખબર હશે જ કે શિવપૂજા સેન્ટરની ટેરેસ પર પતરાંના શેડમાં બીજું જિમ પણ ચાલે છે. આ મામલે જિમ અને સ્પાના સંચાલકો તો જવાબદાર છે જ, પણ ફાયર વિભાગ થોડો સજાગ હોત અને તેણે આ બિલ્ડિંગમાં ફાયર સેફટી અને વેન્ટિલેશનની વ્યવસ્થા ઊભી કરાવી હોત તો થોડા દિવસ પર જ નોકરીમાં જોડાયેલી સિક્કિમની બે મહિલાઓના જીવ બચી ગયા હોત. જો કે, જીવની કોઈને જ હવે બહુ પડી નથી. જીવ હવે એટલા સસ્તા થઈ ગયા છે કે તે આવે કે જાય, બહુ ફરક પડતો નથી. આ બધાંમાં એટલું થયું કે જિમ સંચાલકની ધરપકડ થઈ.
સાચું તો એ છે કે હવે જીવ બચાવવા કરતાં પૈસા બચાવવાનો ચસ્કો કમાણીખોરોમાં વધ્યો છે. ઓછી સગવડે વધુ નફો એ મંત્ર છે. બને ત્યાં સુધી સગવડો ન આપવી ને લોકોને ખંખેરીને હોજરી કેમ ઠાંસવી એ બહુ કમાતા દગાખોર લોકોનો હેતુ હોય છે. સ્પા, ગેઇમ ઝોન, હોટેલ્સ કે જિમ ગમે ત્યાં ઊભાં કરી દેવાં ને લાઇસન્સ વગર જ શરૂ કરી દેવાનો સંકોચ માલિકો કે સંચાલકોને ખાસ થતો નથી. કોઈ તપાસ આવે તો પતાવીને કે પટાવીને કામ કાઢી લેવાય છે. તપાસ અધિકારીઓ એટલા વેચાઉ હોય છે કે એવી તો બજારુ સ્ત્રીઓ પણ નથી હોતી. તેને જેટલું સ્વમાન વહાલું છે, એટલું પણ આ વેચાઉ અધિકારીઓને નથી હોતું. એનું પરિણામ ગ્રાહકો ભોગવે છે. તેની પાસેથી ઓછું લેવાતું નથી, પણ ઓછું અપાય છે ખરું. આગ લાગે તો મરે કે બળે છે ગ્રાહકો. કોઈ સંચાલક બળતો નથી. પૈસા લઈને ગ્રાહકોને ફૂંકવાનું કામ સંચાલકો કરે છે. એ એટલે બને છે કે લાઇસન્સ આપવામાં કે ફાયર સેફ્ટીમાં, જવાબદાર અધિકારીઓ કન્સેશન આપીને કમિશન ચાટે છે. અધિકારીઓ સંચાલકો જેટલા જ જવાબદાર છે ને તેમની સામે કાનૂની રાહે કામ લેવાવું જોઈએ, પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે?
ઉપરાઉપરી ઘટનાઓ બનતી રહે તો તેનો અર્થ એટલો કે સ્વાર્થ જ એટલો છે કે સંવેદનને સ્થાન જ નથી. ‘શિવપૂજા’ની બુધવારની ઘટના પછી બીજે જ દિવસે – ગુરુવારે સુરતનાં ઝાંપાબજારમાં દેવડી સ્થિત નૂરમહોલ્લાના નૂરપુરા એ.સી. હોલમાં સિઝલરનો એટલો ધુમાડો ઊઠયો કે ઓક્સિજન લેવલ ઘટી ગયું ને વીસ મહિલાઓ ચક્કર આવતાં બેહોશ થઈ ગઈ ને તેમને ટાવર રોડની બુરહાની હોસ્પિટલે ખસેડવી પડી. તેમાંથી દસને તો પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી.
હોલમાં એક એક ટનનાં પાંચ એ.સી. લગાવવામાં આવ્યાં છે, પણ વેન્ટિલેશનની સગવડ નથી કે નથી તો ફાયર સેફટીની, એટલે એક સાથે ગરમ સિઝલર્સ પીરસવાની શરૂઆત થતાં જ આખા હોલમાં ધુમાડો છવાઈ ગયો. વેન્ટિલેશનનાં ઠેકાણાં ન હોવાને કારણે ઓક્સિજન લેવલ ઘટી ગયું ને ત્યાં ભેગી થયેલી મહિલાઓને ચક્કર આવતાં બેહોશ થવા માંડી. અહીં પણ હોલના સંચાલકોની બેદરકારી જ સામે આવી. આ હોલ નૂરપુરાના બેઝમેન્ટમાં છે. હોલમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાને કારણે કોર્પોરેશને નોટિસ આપી હતી, પણ નોટિસને ઘોળીને પી જવાતાં છેવટે સીલ મારી દેવાયું છે.
સાધારણ રીતે બે પ્રકારની ગુનાહિત બેદરકારી જોવા મળે છે. એકમાં પાલિકાના અધિકારીઓ ભીનું સંકેલે છે, તો સાવચેતીનાં પગલાં લેવાય છે, ત્યાં સંચાલકો એ પગલાંને ધરાર અવગણે છે ને સરવાળે ભોગ ગ્રાહકોનો લેવાય છે. તે પૈસા ખર્ચીને જીવનું જોખમ ખરીદે છે. હવે એવું થયું છે કે અગાઉની ઘટનામાંથી કોઈ બોધપાઠ લેતું નથી, પણ એક દુર્ઘટના, બીજી નવી ઘટનાનું મૂરત કાઢી આપે છે ને એમ જોખમોની પરંપરા સર્જાય છે …. ને સૌથી ચિંતાજનક બાબત કોઈ હોય તો તે એ છે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 નવેમ્બર 2024