તામિલનાડુના કોઈમ્બતુરની સાવ નજીક આવેલા વડીવેલાપલાયમ્ ગામના એક ઘરમાં વહેલી સવારે ગેસના ચૂલા પર ધમધમાટ ઈડલી રંધાઈ રહી છે. બધો ઘાણ તૈયાર થયા પછી એ ઈડલી / સંભાર ૧/- રૂપિયાના ભાવે ચપોચપ વેચાઈ જશે! એક મહિલા રોજ ૬૦૦ ઈડલી બનાવે છે અને ગરીબોની ભૂખ સંતોષે છે. ૮૫ વર્ષનાં કમલાતાઈ ૩૦ વરસથી આ નફા વગરની સેવા આપી રહ્યાં છે. પણ તે ઈડલી અમ્મા તરીકે વધારે જાણીતાં છે. ઘણાં વર્ષ સુધી અમ્મા લાકડાના ચૂલાથી જ કામ ચલાવતાં હતાં. પણ એમની સેવાભાવનાની જાણ થતાં કદરદાન સજ્જનોએ એમને ગેસનો ચૂલો ભેટ આપ્યો હતો.
૨૦૨૨માં મધર્સ ડેના પ્રસંગે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમને એક ખાસ ભેટ આપી છે. હવે અમ્મા પાકા ઘરમાં રહે છે.
૨૦૨૧માં અમ્માને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની સેવાની સરાહના કરી છે.
હવે તો અમ્મા ઘણી પ્રસિદ્ધિ પામ્યાં છે; પણ તેમના આરંભકાળ વિશે ખાસ કાંઈ વિગત જાણીતી નથી. કદાચ કોઈક ઘડીએ આ સાવ સામાન્ય મહિલાના દિલમાં સામાન્ય માણસોને બદલાની કોઈ અપેક્ષા વિના ઈડલી જમાડવાનો ભાવ જાગ્યો હશે અને આ યજ્ઞની શરૂઆત થઈ હશે.
આપણા મનમાં તો આ વાંચીને એક ભાવ જરૂર ઉપસી આવે – પૂણ્ય પરવાર્યું નથી.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/M_Kamalathal
https://www.youtube.com/watch?v=3YUAgpUkPrA
E.mail : surpad2017@gmail.com
![]()

