આ દેશમાં જેમને હું સમાજવાદી તરીકે ઓળખું છું તેમણે સમાજવાદ અંગીકાર કર્યાનું જાહેર કર્યું તે અગાઉથી હું પોતે સમાજવાદી હોવાનો દાવો કરતો આવ્યો છું. પણ મારો સમાજવાદ મારામાં સ્વાભાવિકપણે વિકસ્યો છે, કશાં ગ્રંથકિતાબોમાંથી ગ્રહણ કરેલો નથી. અહિંસા વિષેની મારી અવિચળ શ્રદ્ધામાંથી તે આવ્યો છે. કોઈ પણ માણસ સક્રિય અહિંસાની સાધના કરતો હોય તે સામાજિક અન્યાય સામે માથું ઊંચક્યા વિના રહી જ ન શકે, પછી એવો અન્યાય ગમે ત્યાં થતો હોય.
— મહાત્મા ગાંધી

સોનલ પરીખ
આર્થિક અને સામાજિક વ્યવસ્થા સંદર્ભે આપણે દુનિયામાં સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ જેવી વ્યવસ્થાઓ પ્રવર્તતી જોઈએ છીએ. સમાજવાદ એટલે ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા આદાનપ્રદાન પર સમગ્ર સમાજની સામૂહિક માલિકીની તરફેણ કરતી વિચારસરણી. તેનો જન્મ કાર્લ માર્ક્સની વિચારધારામાંથી થયેલો હોવાથી તેને માર્ક્સવાદ પણ કહેવામાં આવે છે. સામ્યવાદ એટલે સમાજવાદનું કટ્ટર સ્વરૂપ. સમાજવાદ મર્યાદિત ખાનગી મિલકત રાખવાની છૂટ આપે છે, સામ્યવાદમાં ખાનગી મિલકતનો સંપૂર્ણ અંત લાવવામાં આવે છે અને વર્ગવિહીન તેમ જ રાજ્યવિહીન સમાજની કલ્પના કરવામાં આવે છે.
સમાજવાદ એ મૂડીવાદની વિચારસરણીની વિરોધી વિચારધારા છે. પહેલી વાત એ કે મૂડીવાદમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી તથા તેના ઉપયોગ અને વિનિમય પરનો કાબૂ વ્યક્તિ કે સંસ્થા હસ્તક હોય છે જ્યારે સમાજવાદમાં તે રાજ્યહસ્તક હોય છે. બીજું, મૂડીવાદમાં આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નફો કમાવાનો હોય છે અને એમ કરવા માટે મૂડીપતિઓ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે, જ્યારે સમાજવાદમાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી અને રાજ્ય એ સમાજકલ્યાણના ધ્યેયને વરેલી સંસ્થા હોવાથી આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ સામુદાયિક કલ્યાણ સાધવાનો હોય છે. ત્રીજું, મૂડીવાદમાં ખાનગી મિલકતના અધિકારો અબાધિત હોય છે, જ્યારે સમાજવાદમાં તેમના પર અંકુશો મૂકવામાં આવતા હોય છે. ચોથું, મૂડીવાદમાં સંપત્તિના કેન્દ્રીકરણ પર કોઈ મર્યાદા હોતી નથી, જ્યારે સમાજવાદમાં રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણી પર ભાર મૂકવામાં આવતો હોય છે.
આમ છતાં, સમાજવાદ એ એક સંદિગ્ધ ખ્યાલ છે અને તેના અર્થ અંગે વિચારકોમાં મતમતાંતર જોવા મળે છે. સમાજવાદના જન્મ પછીના ગાળામાં જુદા જુદા વિદ્વાનોએ તેની જુદી જુદી સેંકડો વ્યાખ્યા આપી છે. પાશ્ચાત્ય વિચારક સી.ઈ.એમ. જોડ તો એટલે સુધી કહે છે કે ‘સમાજવાદ એ એક એવી પાઘડી છે જે બધા જ પહેરતા હોવાથી તેનો કોઈ ચોક્કસ આકાર રહેલો નથી.’ સમાજવાદનો ખ્યાલ સમજવામાં બીજી મુશ્કેલી એ છે કે સમાજ શબ્દનો કોઈ ચોક્કસ અર્થ પકડી શકાતો નથી. જેમ કે ઉત્પાદનનાં સાધનોની માલિકી સમગ્ર સમાજની હોય છે એમ કહીએ તો કયો સમાજ અથવા તો તેના કયા ઘટકો? વિશ્વના જુદા જુદા સમાજવાદી દેશોમાં તેની જુદી જુદી પેટર્ન જોવા મળી છે.
ગાંધીવાદી સમાજવાદની વાત કરીએ તો એનો વિચાર ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ અને ‘મારા સપનાનું ભારત’ પુસ્તકોમાં જોવા મળે છે. એમાં તેઓ આદર્શ સમાજનું વર્ણન કરે છે – જેમાં કોઈ શ્રીમંત કે ગરીબ, વર્ગના આંતર-સંઘર્ષ નહીં હોય, જ્યાં સંસાધનોની સરખી વહેંચણી હોય અને કોઈપણ શોષણ કે હિંસા વિના અર્થતંત્ર આત્મનિર્ભર હોય. આમ, ગાંધીવાદી સમાજવાદ પશ્ચિમી સમાજવાદથી જુદો છે. ગાંધીવાદી સમાજવાદની મુખ્ય લાક્ષણિકતાઓ ત્રણ છે. એક તો રાજકીય અને આર્થિક શક્તિનું સંયોજન, બીજું ટેકનોલોજી, આધુનિકીકરણ અને મોટા પાયે ઔદ્યોગિકીકરણ પ્રત્યે પરંપરાગત વલણ, અને ત્રીજું સ્વ-રોજગાર અને આત્મનિર્ભરતા પર ભાર. ગાંધીજીના મતે રાષ્ટ્રની નૈતિક સુખાકારીને નુકસાન પહોંચાડનારું અર્થશાસ્ત્ર અનૈતિક છે અને તેથી પાપી છે. ગાંધીવાદી સમાજવાદના મૂળમાં આર્થિક-સામાજિક ન્યાય છે. ગાંધીવાદી સમાજવાદ સ્વ-રાજની આસપાસ કેન્દ્રિત છે. સ્વ-રાજ આર્થિક સ્વતંત્રતામાંથી ઉદ્દભવે છે. આર્થિક સ્વતંત્રતા સ્વાવલંબન અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે. ગાંધીવાદી સમાજવાદ દરેકને તેના શ્રમનો યોગ્ય હિસ્સો મળે એવા આર્થિક વર્ગો વિનાના સમાજની હિમાયત કરે છે. ગાંધીજી જેને સર્વોદય કહેતા તે આ જ છે.
‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું 1904માં, જ્યારે રસ્કિનનું પુસ્તક ‘Unto this Last’ ગાંધીજીના હાથમાં આવ્યું ત્યારે. તેના વિશે આત્મકથામાં એમણે લખ્યું છે : ‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.’
રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ મૂળ દર્શનના મુખ્ય સિદ્ધાંતો એમણે આ રીતે તારવી બતાવ્યા: (1) સહુના ભલામાં આપણું ભલું છે (2) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે (3) સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.
બીજા દિવસથી જ એમણે પોતાના જીવનને વળાંક આપવાનું શરૂ કરી દીધું. દક્ષિણ આફ્રિકામાં જૉહાનિસબર્ગ શહેર છોડી ગ્રામવિસ્તારમાં જઈ ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ત્યાં તેમની ગહન ને ઉદાત્ત જીવન-સાધના ચાલી. ગાંધીજીએ રસ્કિનના શબ્દને પ્રત્યક્ષ જીવનમાં નાણી જોયો, માણી જોયો. ધરતીને ખોળે સાદું ને પરિશ્રમયુક્ત જીવન જીવી જોયું. રસ્કિનની સ્વનિયમન વાતને વ્યક્તિગત તેમ જ સામુદાયિક કાર્યમાં ઉતારી જોઈ. આમ, રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું. એક જીવન-દર્શનરૂપે જ્યારે એ પરિપક્વ થયું, ત્યારે ‘સર્વોદય’ના મંત્રરૂપે પ્રગટ થયું.
ગાંધીજી કહે છે, ‘આ દેશમાં જેમને હું સમાજવાદી તરીકે ઓળખું છું તેમણે સમાજવાદ અંગીકાર કર્યાનું જાહેર કર્યું તે અગાઉથી હું પોતે સમાજવાદી હોવાનો દાવો કરતો આવ્યો છું. પણ મારો સમાજવાદ મારામાં સ્વાભાવિકપણે વિકસ્યો છે, કશાં ગ્રંથકિતાબોમાંથી ગ્રહણ કરેલો નથી. અહિંસા વિષેની મારી અવિચળ શ્રદ્ધામાંથી તે આવ્યો છે. કોઈ પણ માણસ સક્રિય અહિંસાની સાધના કરતો હોય તે સામાજિક અન્યાય સામે માથું ઊંચક્યા વિના રહી જ ન શકે, પછી એવો અન્યાય ગમે ત્યાં થતો હોય. કમનસીબે પશ્ચિમના સમાજવાદીઓએ સમાજવાદી સિદ્ધાંતોની બજાવણી કરવામાં હું જાણું છું, ત્યાં સુધી હિંસાને જરૂરી માની છે.
‘મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીચલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય અપાવવાનું અશક્ય છે. મેં વધુમાં એમ પણ માન્યું છે કે, સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેનામાં પોતાનાં દુઃખો ફેડવાની અને અન્યાયોની સામે લડવાની તાકાત આવે. એ માર્ગ અહિંસક અસહકારનો છે.
‘આપણા સમાજવાદી બિરાદરોની ત્યાગની ભાવનાની પૂરેપૂરી કદર કરવા છતાં, તેમની અને મારી પદ્ધતિ વચ્ચે રહેલો ચોખ્ખો ભેદ મેં હંમેશ સ્પષ્ટપણે બતાવ્યો છે. તેમનો આખો મદાર અને તેમની શ્રદ્ધા હિંસા પર અને હિંસામાં જે કંઈ સમાયેલું છે, તે બધાં પર છે. હું નિર્ભેળ અહિંસા પર શ્રદ્ધા રાખનારો ને તેને જ આધારે ચાલનારો છું …
‘મારા સમાજવાદમાં નિરાધાર, દીન, હીન સર્વનો સમાવેશ થાય છે, બલકે એમનો સૌ પહેલા સ્વીકાર અને સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂંગા અને બહેરાં વગેરે અપંગોને ભોગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. પશ્ચિમના લોકોના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુંયે સ્થાન નહીં હોય. દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું, એ તેમની એકમાત્ર નેમ છે.
‘દાખલા તરીકે, અમેરિકાની નેમ પોતાના એકેએક વતનીને મોટરગાડી મેળવી આપવાની છે. મારી એવી નેમ નથી. મારી નેમ મારો, મારા વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ સાધવાની ને તેને વ્યક્ત કરવાની છે. આકાશમાં ઝગમગતા વ્યાધના તારા સુધી નિસરણી ઊભી કરવાની મારી મરજી હોય, તો તેમ કરવાની મને છૂટ હોવી જોઈએ. એનો અર્થ એવો નથી કે, મારે એવું કશુંક કરવા માંડ્યું છે. પશ્ચિમી પ્રકારના સમાજવાદમાં વ્યક્તિને કોઈ જાતની સ્વતંત્રતા કે છૂટ નથી. તેમાં તમારું પોતાનું એવું કશું નથી, તમારું શરીર પણ તમારું નથી.’
ગાંધીજીનો સમાજવાદ એક જીવનશૈલી બની શકે. સામાજિક અને આર્થિક સમસ્યાઓ તરફનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બની શકે.
અસ્તુ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 સપ્ટેમ્બર 2026
![]()

