‘Gandhi’s Hinduism’ નામનું હાલમાં પુસ્તક આવ્યું છે. આ પુસ્તક સંપાદિત કર્યું છે તે ગાંધીજીના પૌત્ર અને વિદ્વાન, રાજદૂત અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ. આ પુસ્તકમાં ગાંધીજીના હિંદુ ધર્મ વિશેના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. એવું નથી કે હિંદુ ધર્મ સંદર્ભે અગાઉ ગાંધીજીના વિચારો રજૂ ન થયા હોય. આ વિશેનું એક પુસ્તક છે તે વિશ્વાસ ખેર દ્વારા સંપાદિત થયેલું ‘હિંદુ ધર્મનું હાર્દ’ છે. બીજું પુસ્તક ભારતન કુમારપ્પાએ સંપાદિત કરેલું ‘હિંદુ ધર્મ’ છે. ‘ધર્મમંથન’, ‘વ્યાપક ધર્મભાવના’ પણ અન્ય એવાં પુસ્તકો છે જેમાં હિંદુ ધર્મ વિશે ગાંધીજીના વિગતે વિચાર મૂકવામાં આવ્યા છે. ‘ધર્મમંથન’ પુસ્તકમાં ‘સનાતની હિંદુ એટલે?’ નામના મથાળે જે વિચારો ગાંધીના છે તેમાં તેઓ લખે છે કે, ‘શાસ્ત્રોનો મેં ઊંડો અભ્યાસ કર્યો છે એમ મને કોઈ પૂછે, તો હું તેને કહું કે મેં નથી કર્યો અને કર્યો છે. વિદ્વાનની દૃષ્ટિએ નથી કર્યો. મારું સંસ્કૃત જ્ઞાન નહીં જેવું જ ગણાય, પ્રાકૃતમાં રહેલા તરજુમા પણ મેં થોડા જ વાંચ્યા છે. એકે વેદ મેં પૂરેપૂરો વાંચ્યો છે એવો દાવો હું ન કરી શકું. છતાં મેં શાસ્ત્રોને ધર્મદૃષ્ટિએ જાણ્યાં છે. તેમાંનું રહસ્ય હું જાણી ગયો છું, વેદ વાંચ્યા વિના માણસ મોક્ષ મેળવી શકે એ હું જાણું છું, વેદ વાંચ્યા વિના માણસ મોક્ષ મેળવી શકે એ હું જાણું છું. શાસ્ત્રો વાંચવાની – સમજવાની – ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યો હોય છતાં તે અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપણે પડતાં મેલી શકીએ છીએ. ઉપનિષદો માત્ર હું વાંચી ગયો છું. એવાં પણ ઉપનિષદો મેં વાંચ્યાં છે કે જેમાંનાં કેટલાંક મને બુદ્ધિગ્રાહ્ય નથી લાગ્યાં. તેથી તેમને મેં આધારભૂત નથી માન્યાં. શાસ્ત્રના અક્ષરને વળગ્યો તે વેદિયો છે એમ ઘણા કવિઓએ ગાયું છે.’
જીવન દરમિયાન અનેક વખત ગાંધીજીએ હિંદુ ધર્મ વિશે પોતાના વિચારો લખાણ કે વક્તવ્યો દ્વારા રજૂ કર્યા છે. જીવનના આખરના સમયમાં તેમણે આપેલું વક્તવ્ય નવેમ્બર-1947માં ‘હરિજનબંધુ’ સામયિકમાં પ્રકાશિત થયું હતું, તેનો એક હિસ્સો ‘હિંદુ ધર્મનું હાર્દ’ પુસ્તકના વિભાગ-1માં આપ્યો છે. તેમને જ્યારે ‘હિંદુ કોણ? અને તે મૂળ શબ્દ ક્યાંથી આવ્યો? અને હિંદુ ધર્મ જેવી કોઈ બાબત ખરી?’ તેવું જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે : ‘હું કોઈ ઇતિહાસવેત્તા નથી; ઝાઝા પાંડિત્યનો અથવા ભારે વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી, પણ મહાન સિંકદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવવામાં આવતા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુને ‘ઇન્ડસ’ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના ‘સ’નો ‘એચ’ એટલે ‘હ’ થઈ ગયો. તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાના વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ આર્યવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી.’
હિંદુ ધર્મને સહિષ્ણુ અને આશ્રય આપનારો ધર્મ ગાંધીજી ગણાવે છે; અને એ રીતે જ દુનિયાભરના લોકો હિંદુસ્તાન આવ્યા. પરંતુ આજે વિશ્વમાં સર્વત્ર ધર્મોમાં કટ્ટરતા દેખાઈ રહી છે અને તેમાંથી હિંદુ ધર્મ પણ અભડાયો છે. ગાંધીજીએ હિંદુ ધર્મમાં કોઈ બદી છે તો તે પણ ખુલીને દર્શાવી છે અને હિંદુ ધર્મ અંગેનો કેટલોક તેમનો સ્વીકાર તો આજના સમયમાં આશ્ચર્ય લાગે તેવાં છે. જેમ કે તેમને કોઈ પત્રલેખક એવું પૂછે છે કે ‘હિંદુ ધર્મમાં સેતાન છે?’ આ પ્રશ્નનો ઉત્તર ગાંધીજી આપે છે તે વાંચવા જેવો છે. તેઓ 1925ના ‘યંગ ઇન્ડિયા’માં લખે છે કે, ‘મારી માન્યતા પ્રમાણે હિંદુ ધર્મની ખૂબી એની સર્વગ્રાહી સમાવેશ કરવાની વૃત્તિમાં રહેલી છે. મહાભારતના આર્ય દૃષ્ટિવાળા લેખકે પોતાની મહાન કૃતિ વિશે જે કહ્યું છે તે હિંદુ ધર્મ બાબતમાં પણ એટલું જ સાચું છે. કોઈ પણ અન્ય ધર્મમાં જે કાંઈ મહત્ત્વનું હોય તે હિંદુ ધર્મમાં મળે છે. એમાં જે નથી હોતું તે બિનમહત્ત્વનું અગર બિનજરૂરી હોય છે. હિંદુ ધર્મમાં સેતાનને અવકાશ રહેલો છે એમ હું જરૂર માનું છે. બાઇબલમાંની કલ્પના નવી અગર તો મૌલિક નથી. બાઇબલમાં પણ સેતાન કોઈ વિશિષ્ટ વ્યક્તિ નથી. અથવા હિંદુ ધર્મમાં જેટલે અંશે રાવણ અથવા તો રાક્ષસોની આખી જાતિ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે તેટલે જ અંશે બાઇબલમાં એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. દસ માથાંવાળા અને વીસ હાથવાળા રાવણના ઐતિહાસિક અસ્તિત્વમાં જેમ હું માનતો નથી તેમ સેતાનના ઐતિહાસિક અસ્તિત્વમાં પણ હું માનતો નથી. વળી, જેમ સેતાન અને એના સાથીઓ પતન પામેલા દેવદૂતો છે તે જ રાવણ અને તેનાથી સાથીઓ પતન પામેલા દેવદૂતો છે અગર તમને કહેવાનું રુચે તો પતન પામેલા દેવો છે. જો દુષ્ટ વિકારો અને ઉન્નત ભાવોને વ્યક્તિનું રૂપ આપવામાં ગુનો થતો હોય તો કદાચ હિંદુ ધર્મ એવા ગુના માટે સૌથી વધારે જવાબદાર છે.’
હિંદુ ધર્મ પ્રત્યેના ગાંધીજીના વિચારો સૌ કોઈને ગ્રાહ્ય હોય એવું ન બને. ગાંધીજીએ વર્ણાશ્રમ અને પુર્નજન્મ સંબંધે જે કહ્યું-લખ્યું છે તેનાથી સહમત થઈ શકાય એવું નથી. 1927ના અરસામાં ‘નવજીવન’ સામયિકમાં પ્રશ્નોત્તરીમાં ગાંધીજીને જે કંઈ હિંદુ ધર્મ વિશે પૂછવામાં આવ્યું તે સંદર્ભે તેઓ લખે છે કે, ‘વર્ણાશ્રમ ધર્મ એ જ હિંદુ ધર્મ જગતને ચરણે ધરેલી એક અદ્વિતિય ભેટ છે. હિંદુ ધર્મે આપણને માયામાંથી એટલે કે સંકટમાંથી ઉગારી લીધા છે. હિંદુ ધર્મે જો મને ઉગારવા ન ધાર્યો હોત તો મારે માટે આપઘાત એ એક જ રસ્તો હતો. હું હિંદુ રહ્યો છું. કારણ હિંદુ ધર્મ એક એવી વસ્તુ છે જે પોતાની સુવાસ સર્વત્ર ફેલાવીને દુનિયાને મનુષ્યને વસવા યોગ્ય બનાવે છે.’ આ જ વર્ષમાં એ રીતે તેમણે ‘હું હિંદુ શા માટે છું?’ લેખ લખ્યો છે. આ લેખ તેમણે અમેરિકન બહેનની હિંદુ ધર્મ અંગેની ટિપ્પણી સંદર્ભે લખ્યો છે. ગાંધી લખે છે કે, ‘કુળની અસરમાં હું માનું છું એટલે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઈ પણ વિરુદ્ધ વસ્તુ હિંદુ ધર્મમાં મેં જોઈ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથી લાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીં પણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે.’ હાલમાં પ્રકાશિત થયેલું ગોપાલકૃષ્ણ ગાંધીનું ‘Gandhi’s Hinduism’ પુસ્તકમાં ચોક્કસથી ગાંધીના હિંદુ ધર્મ વિશેના વિચારોને વધુ બૃહદ્ રીતે મૂક્યા હશે. પણ નવા વર્ષે હિંદુ ધર્મ અંગેના ગાંધીજીના વિચારો ચોક્કસથી ધર્મ વિશેની સાચી સમજણ આપે તેવાં છે અને કેટલેક અંશે તેની ધર્માંતધાથી આપણને મુક્ત રાખે છે.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2026
![]()

