વિશ્વમાં ભારતની જે પ્રતિષ્ઠા છે એ માત્ર પૌર્વાત્ય દર્શન, ગાંધી અને નેહરુના કારણે નથી, બીજાં પણ કેટલાંક કારણો છે, જેની આજે અહીં વાત કરવી છે.
૧૯૪૭માં ભારતને આઝાદી મળી પણ એ લોહિયાળ હતી. ભારતનું કોમી વિભાજન થયું હતું. ભારત અને પાકિસ્તાનમાં કુલ મળીને અંદાજે વીસ લાખ લોકો કોમી હુલ્લડોમાં માર્યા ગયા હતા અને લગભગ દોઢ કરોડ લોકોએ પોતાનું વતન ગુમાવ્યું હતું. બન્ને દેશોમાં અંદાજે એક લાખ મહિલાઓ સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યાં હતાં. ભારત અને પાકિસ્તાનમાં કોમી ઝનૂન તેની ચરમસીમાએ હતું ત્યારે ભારતની બંધારણસભા તેનાથી જરા પણ વિચલિત થયા વિના બંધારણ ઘડતી હતી. ભેદભાવ વગર પ્રત્યેક નાગરિકને એક સરખું સ્થાન, એક સરખા અધિકારો, એક સરખી બંધારણીય સુરક્ષા આપવામાં આવ્યા હતાં. સાર્વભૌમત્વ ભારતના નાગરિકને આપવામાં આવ્યું હતું. બંધારણસભામાં એક પણ સભ્યે કહ્યું નહોતું કે મુસલમાનોએ ઇસ્લામના નામે પાકિસ્તાન બનાવ્યું છે તો ભારતે હવે હિંદુ ધર્મના નામે હિન્દુસ્તાન બનાવવું જોઈએ જેમાં હિંદુઓનો હાથ ઉપર હોય. કોઈએ એવું કહ્યું નહોતું કે મુસલમાનોને દ્વિતીય નાગરિકત્વ આપવું જોઈએ. એવું નથી કે આવું માનનારા અને કહેનારા લોકો નહોતા, પણ તેઓ બંધારણસભામાં નહોતા. તેમની એટલી હેસિયત જ નહોતી કે તેઓ બંધારણસભા સુધી પહોંચે. હિંદુ મહાસભાના નેતા અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ બંધારણસભામાં અલગ હિન્દુત્વવાદી સૂર નહોતો કાઢ્યો. બાજુમાં પાકિસ્તાન મહમ્મદ અલી ઝીણાના પ્રયાસ પછી પણ આધુનિક સેક્યુલર રાષ્ટ્ર બની શક્યું નહોતું. મહમ્મદ અલી ઝીણાની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવું પડ્યું હતું જેમાં સાર્વભૌમત્વ પ્રજાનું નહોતું, અલ્લાહનું હતું.
જગત વિસ્મિત થઈને જોઈ રહ્યું હતું કે આવું કેમ બની શકે! દેશમાં ઊભી કોમી તિરાડ પડી હતી, લોકો એકબીજાનાં ગળાં કાપતાં હતાં, જે ભારતમાતાની કલ્પના વિકસાવી હતી અને તેને પ્રેમ કર્યો હતો તેનું વિભાજન થયું હતું, લોકોએ પોતાનું વતન ગુમાવ્યું હતું, અનેક લોકો બેહાલ થઈ ગયા હતા અને તેની વચ્ચે આટલો વિવેક! આટલી સહિષ્ણુતા! આટલી ધીરજ! આટલી દૂરંદેશી! આવું કેમ બની શકે? ક્યાંથી આવી છે આ શક્તિ? આ પ્રજા કઈ માટીની બનેલી છે?
આ હું નથી કહેતો, ત્યારે ભારત વિષે આમ કહેવામાં આવતું હતું અને તેનાં અનેક પ્રમાણ ઉપલબ્ધ છે.
બીજું આશ્ચર્ય રજવાડાઓનું વિલીનીકરણનું હતું. દેશ આઝાદ થયો ત્યારે તે ૫૬૨ રિયાસતોમાં વહેંચાયેલો હતો. કાનૂની રીતે અને ટેકનીકલી રજવાડાંઓને પણ ભારતની સાથે અંગ્રેજોથી આઝાદી મળી હતી. તેઓ સ્વતંત્ર હતાં. રિયાસતોનો ઉપયોગ કરીને ભારતને તેના જન્મ પહેલાં જ વીખી નાખવાની કેટલાક લોકોની યીજના પણ હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, અંગ્રેજ સરકારના પોલિટિકલ ડિપાર્ટમેન્ટના વડા સર કોનરાડ કૉરફિલ્ડ અને મહમ્મદ અલી ઝીણા અને રાજવીઓ આ માટે આતુર હતા. એની વચ્ચે રજવાડાંઓની વિલીનીકરણ કરી નાખવામાં આવ્યું. કેબિનેટ મિશન પ્લાન મુજબ સ્વાયત્તતા આપ્યા વગર. ૧૯૫૦ના જાન્યુઆરી મહિનાની ૨૬મી તારીખે ભારત પ્રજાસત્તાક બન્યું અને ત્યાં સુધીમાં ભારતનું એકીકરણ પણ થઈ ગયું. આ બીજી એવી ઘટના હતી જેણે જગતને સુખદ (કેટલક લોકો માટે દુખદ) આંચકો આપ્યો હતો. ભારતનાં કોમી ટૂકડા થયા પછી રિયાસતો દ્વારા હજુ વધુ ટૂકડા થવાના છે એની ખાતરી ધરાવનારાઓને ધક્કો લાગ્યો હતો.
આટલી ઝડપથી કોમી આગ બુઝાવવામાં આવી, આટલી ઝડપથી શરણાર્થીઓને થાળે પાડવામાં આવ્યા, આટલી ઝડપથી બંધારણ ઘડવામાં આવ્યું અને લાગુ પણ કરવામાં આવ્યું અને આટલી ઝડપથી ભારતનું એકીકરણ થયું.
જગત માટે હજુ એક આશ્ચર્ય બાકી હતું.
જ્યારે વિશ્વને જાણ થઈ કે ભારતે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઈઝ એટલે કે પ્રત્યેક પુખ્ત વયના ભારતીયને મત આપવાનો બિનશરતી અધિકાર આપ્યો છે ત્યારે વિશ્વમાં બે પ્રકારની પ્રતિક્રિયા પેદા થઈ હતી. વિરોધીઓને અને વાંકદેખા લોકોને એમ લાગતું હતું ભારતના લોકતંત્રનો પહેલી સામાન્ય ચૂંટણીમાં જ ખાત્મો થઈ જવાનો છે. ત્યારે ભારતની ૮૬ ટકા પ્રજા અશિક્ષિત હતી અને લગભગ ૮૦ ટકા પ્રજા ગરીબીરેખાની નીચે હતી. આ સિવાય ગ્રામીણ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામનું હતું. એમ પણ માનવામાં આવતું હતું કે ભારતીય સમાજ સામંતશાહી માનસ ધરાવે છે જે આધુનિક રાજ્ય અને મૂલ્યોને અપનાવી શકે એમ નથી. તેઓ કાગડોળે રાહ જોતા હતા કે ક્યારે ભારતમાં ચૂંટણી યોજાય અને ક્યારે ભારતના લોકતંત્રની કસુવાવડ થાય.
આવું માનનારાઓમાં કેટલાક ભારત માટે સહાનુભૂતિ ધરાવનારાઓ પણ હતા અને સહાનુભૂતિ ધરાવાનારાઓએ ભારતનું બંધારણ ઘડતું હતું ત્યારે ભારતના નેતાઓને સલાહ પણ આપી હતી કે ભારતની પ્રજાને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ આપવાની ભૂલ ન કરવી જોઈએ. વિશ્વના પ્રગતિશીલ સમૃદ્ધ દેશોએ પણ ધીરે ધીરે મતદાનનો અધિકાર વિસ્તાર્યો છે. ઇંગ્લેંડમાં મહિલાઓને મતદાનનો અધિકાર ૧૯૧૮માં આપવામાં આવ્યો હતો અને પ્રત્યેક નાગરિકને મતદાનનો અધિકાર છેક ૧૯૨૮માં આપવામાં આવ્યો હતો. પહેલાં પ્રજાને આધુનિક લોકતંત્ર તેમ જ આધુનિક મૂલ્યોને પચાવી શકે એ રીતે તૈયાર કરવી જોઈએ અને એ પછી જ મતદાનનો અધિકાર આપવો જોઈએ.
પણ બંધારણ ઘડનારાઓએ કોઈની ય વાત સાંભળી નહોતી અને એક ઝાટકે દરેકને મતદાનનો અધિકાર આપ્યો હતો એટલે પહેલી કસોટી ચૂંટણી વખતે થવાની હતી. ભારત લોકતંત્ર બનશે તો એ પ્રજાસત્તાક હશે અને એમાં દરેક એક સરખા ભાગીદાર હશે. શિક્ષણ અને સંપત્તિના ધોરણે કોઈનેય બહાર રાખવામાં આવશે.
દેખીતી રીતે ભારતનું અહિત ઇચ્છનારાઓ અને વાંકદેખાઓ પહેલી સામાન્ય ચૂંટણીની રાહ જોતા હતા, કે ક્યારે ચૂંટણી યોજાય અને ક્યારે ભારતનાં લોકતંત્રનું બાળમરણ થાય. સહાનુભૂતિ ધરાવનારાઓ ફાલ સાથે કુતૂહલ ધરાવતા હતા.
અને ભારતનાં લોકતંત્રની કસોટીનો એ દિવસ આવી ગયો. ૨૫મી ઓક્ટોબર ૧૯૫૧ના દિવસે સવારે આઠ વાગે અત્યારના હિમાચલ પ્રદેશના ચીની તાલુકાના પાંગી નામના ગામમાં શ્યામ શરણ નેગી નામના નાગરિકે મત આપીને ભારતના પ્રજાસત્તાક લોકતંત્રનાં શ્રીગણેશ કર્યાં. ચૂંટણી સંપન્ન કરવામાં ચાર મહિના લાગ્યા હતા, કારણ કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું અને શાસકોનો સંકલ્પ હતો કે દરેક ગામે અને દરેક નાગરિક સુધી લોકતંત્ર પહોંચવું જોઈએ. ભારતનાં ૪૪.૮૭ ટકા નાગરિકોએ મતદાન કર્યું હતું. માત્ર અઢાર ટકા સાક્ષરતા ધરાવતા દેશમાં એ પ્રમાણ ઓછું નહોતું.
ભારતે આધુનિક રાજ્યવ્યવસ્થા અને મૂલ્યવ્યવસ્થાનો ચોથો કોઠો પણ પાર કરી લીધો એ જોયા પછી દુ:શ્મનોને છોડીને જગત ભારતમુગ્ધ હતું. પ્રારંભમાં કહ્યું એમ ભારતની પ્રતિષ્ઠા ગાંધી અને નેહરુના કારણે સ્થાપિત નથી થઈ, આ ચાર ચમત્કારોના કારણે સ્થાપિત થઈ છે. એ ચમત્કારો કરવામાં ભારતીય દર્શન, દાર્શનિકો, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુનો ફાળો જરૂર છે, પણ મોટો ફાળો ભારતીય પ્રજાનો છે. તેણે એ સંસ્કારો વગર પ્રયાસે સહજ રીતે આત્મસાત કર્યા છે. અહીં પાંચમો ચમત્કાર પણ નોંધવો જોઈએ. અંગ્રેજોના વખતમાં ભારતમાં વખતોવખત ભૂખમરાની (ફેમિન) ઘટનાઓ બનતી હતી, પણ આઝાદી પછી આવી એક પણ ઘટના બની નહોતી. બે દાયકા પછી ભારત અન્નની બાબતમાં આત્મનિર્ભર બની ગયું.
પણ દેશના અંદરના દુ:શ્મનોને આ બધું રાસ નહોતું આવતું. તેમને માણસાઈ સામે વાંધો હતો. હિંદુઓના દેશમાં વિધર્મીઓને સમાન અધિકાર અને ન્યાયની બાંયધરી આપવામાં આવે? મહાન હિંદુ સંસ્કૃતિમાં હરિજનોને, અન્ય અવર્ણોને, વન્યજાતિઓને અને સ્ત્રીઓને ભાગીદાર બનાવવામાં આવે? વ્યક્તિગત અધિકારોના નામે ધર્મ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, વર્ણવ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં આવે? દ્રવિડોને આર્યોની બરોબરીના ગણાવામાં આવે? દેવભાષા સંસ્કૃતમાંથી પેદા કરવામાં આવેલી હિન્દીમાં મ્લેચ્છોની ભાષાના શબ્દો ઘૂસાડવામાં આવે? અકિંચન રહીને દેવભાષા સંસ્કૃતની, આર્યધર્મની અને આર્યસંસ્કૃતિની સેવા કરનારા બ્રાહ્મણોની કોઈ વિશેષ કિંમત નહીં? બ્રાહ્મણો અને દલિતો એક પંગતમાં બેસે? તેમની અસૂયા તેમના માટે અસહ્ય હતી, પણ લાચાર હતા.
તેમણે ઘડવામાં આવેલા આધુનિક મૂલ્યો આધારિત ભારતીય રાષ્ટ્રને અંદરથી કમજોર કરવાનું શરૂ કર્યું. તેમણે પહેલું મહોરું પહેર્યું દેશપ્રેમ અને દેશભક્તિનું. બીજું મહોરું પહેર્યું રાષ્ટ્રવાદનું. ત્રીજું મહોરું પહેર્યું મહાન આર્ય સંસ્કૃતિનું. ચોથું મહોરું પહેર્યું આ બધા માટે નિસ્વાર્થ સમર્પિત રક્ષકનું. આર્યસંસ્કાર, વર્ણસંસ્કાર, કુટુંબસંસ્કારના નામે તેઓ ભારતીય રાષ્ટ્રમાં જેને પ્રવેશ આપવામાં આવ્યો હતો એવા એક સમયના વંચિતોને તેઓ પાછા વંચિત કરવા માગતા હતા. આ સિવાય તેમણે ગાંધી અને નેહરુ માટે પણ મોહરાં બનાવ્યાં હતાં, જે રાક્ષસ જેવાં હતાં. કાનાફૂસી કરીને ગાંધી-નેહરુની એટલી બદનામી કરો કે લોકોને ખરેખર તેમાં રાક્ષસ નજરે પડે. સરદાર પટેલ જેવા થોડાક લોકોને નોખા તારવીને ગાંધી-નેહરુથી દૂર કરો અને એ રીતે ગાંધી-નેહરુને એકલા પાડો કે જેથી તેમને નિશાન બનાવી શકાય.
ભારતીય રાષ્ટ્રના અંદરના દુ:શ્મનોને આગળ કહ્યું એમ સૌથી મોટો વાંધો માણસાઈ સામે હતો. જ્યાં સુધી લોકશાહી હશે, પ્રજાસત્તાક રાજ્ય હશે, બંધારણ હશે, સ્વતંત્ર ન્યાયતંત્ર હશે, કાયદાનું રાજ હશે, મુક્ત શિક્ષણ હશે, નાગરિક વિચારવાની, શંકા કરવાની અને પ્રશ્નો પૂછવાની આવડત ધરાવતો હશે, મુક્ત વિર્મશ હશે, અસંમત થવાની આઝાદી હશે અને અસંમતિનો મહિમા કરવામાં આવશે ત્યાં સુધી આપણને જે જોઈએ છે એ હાથ લાગવાનું નથી. અને તેમને શું જોઈએ છે એ મેં તેમને શું નથી જોઈતું એ બતાવીને મેં આગળ કહ્યું છે.
ભારતની સ્થાપનાકીય સફળતા જોઇને જગત વિસ્મિત હતું અને આ લોકો દુઃખી હતા. ભારતીય રાષ્ટ્રને નિષ્ફળ બનાવવા તેઓ આઠ દાયકાથી દિવસ રાત મથી રહ્યા છે. ૨૦૧૪માં કેન્દ્રમાં બહુમતી સાથે સત્તા મળ્યા પછી પહેલાં તેઓ ભારતીય રાષ્ટ્ર કબજે કરવા અને કબજે કર્યા પછી તેને બદલવા પ્રયત્નશીલ હતા. દરેક લોકશાહી સંસ્થામાં બેસાડવામાં આવેલા જ્ઞાનેશ કુમારો ભારતીય રાષ્ટ્ર કબજે કરવામાં સાથ આપી રહ્યા છે.
પણ એની વચ્ચે પ્રજાની આંખ ઊઘડી ગઈ. ઊઘડી ગઈ એમ કહેવામાં થોડી ઉતાવળ લાગતી હોય તો ઊઘડવા માંડી કહો. ભારતના બાહ્ય દુ:શ્મનો જે ન કરી શક્યા એ આ લોકો કરી રહ્યા છે એ પ્રજાને સમજાવા લાગ્યું. ભારતીય શાખને તેઓ કલંકિત કરી રહ્યા છે.
અત્યાર સુધી ભારતીય રાષ્ટ્ર પર સંકટ હતું હવે તેની હત્યા કરવા માંગનારાઓ સામે પણ સંકટ પેદા થયું છે. તેમની સામેનું સંકટ વધારે મોટું છે, કારણ કે ભારતીય રાષ્ટ્રને તો નવપલ્લવિત કરી શકાશે, તેમનું ભવિષ્ય ધૂંધળું છે. તેમની હોવાપણાની પ્રાસંગિકતા સંકટમાં છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 નવેમ્બર 2026
![]()

