ખૂબ ધર્મમંથનને અંતે ગાંધીજીને શ્રીમદ્દ ભગવદ્દગીતાના નિષ્કામ કર્મયોગમાં પોતાને સ્વધર્મ મળી ગયો હતો. તે મળ્યો તે પહેલાં તેઓ સત્ય અને અહિંસાના ધર્મસિદ્ધાન્તો સ્વીકારી ચૂક્યા હતા. એ સિદ્ધાન્તના આચરણમાં તેમણે નિષ્કામ કર્મયોગની અનાસક્તિ મેળવી પોતાના જીવનમાં ચમત્કારી કહી શકાય એવી આધ્યાત્મિક પ્રગતિ કરી અને સર્વ કોઈ અનુસરી શકે એવો શ્રેયસાધનાનો એક નવો માર્ગ ચીંધી આપ્યો.
પોતાના સેવાધર્મમાં ગાંધીજીએ રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક બધાં ક્ષેત્ર આવરી લીધાં હતાં. એમાંથી તેમને સામાજિક ક્ષેત્રે સ્ત્રીઓને એમનાં રૂઢિગત બંધનમાંથી મુક્તિ અપાવવામાં કંઈક સફળતા મળી હતી. બીજાં બધાં ક્ષેત્રોમાં એમને ખૂબ નિરાશા અનુભવવી પડી હતી. ધાર્મિક ક્ષેત્રે તેમણે હિંદુ સમાજને અસ્પૃશ્યતાના કલંકમાંથી મુક્ત કરવા મહાપ્રયાસ કર્યો, પણ તેમના આંદોલનનો એટલો વિરોધ થયો કે એક પ્રસંગે અસ્પૃશ્યો ઉપર અત્યાચારની ઘટનાના સમાચાર સાંભળી તેમને પોતાની અહિંસા સુકાઈ જતી લાગી હતી. આર્થિક ક્ષેત્રે ગાંધીજીએ દેશની અસહ્ય ગરીબીના ઉપાય માટે ખાદીનો કાર્યક્રમ આપ્યો, પણ દેશના શિક્ષિત વર્ગે તે ન અપનાવ્યો અને માત્ર રાજકીય હેતુ માટે જ તેનો ઉપયોગ થયો. તેમનો ગ્રામદ્યોગનો પ્રયોગ પણ નિષ્ફળ રહ્યો. ગાંધી સેવા સંઘની એવી અવદશા થઈ કે ગાંધીજીને તે વિખેરી નાખવાનું ઉચિત લાગ્યું. રાજકીય ક્ષેત્રે પણ ગાંધીજીને નિરાશ થવું પડ્યું, અને છેવટે સ્વરાજ આવ્યું, પણ તે માટે દેશના ભાગલા અને કોમી રમખાણોની અસહ્ય કિંમત ચૂકવવી પડી.
ગાંધીજીએ આ બધી નિરાશાઓ પૂરા અનાસક્તભાવે સહન કરી લીધી. એ નિરાશાઓથી તેઓ પોતાના સેવાધર્મમાં થાક્યા નહિ કે અટક્યા નહિ. તેમના હૃદયમાંથી વહેતું પ્રેમઝરણું ક્યારે ય ક્ષીણ થયું નહિ કે પોતાની નિરાશામાં નિમિત્ત બનાર કોઈ વર્ગ કે વ્યક્તિ પ્રત્યે તેમણે લેશ માત્ર કડવાશ અનુભવી નહિ. ઊંડામાં ઊંડા આઘાતોને ભૂલી તેમની માનવતા હંમેશાં તાજી રહી, અને જીવનના અંત સુધી તેઓ સેવામાર્ગે નવા પ્રયાણનું ચિંતન કરતા રહ્યા. કોમી રમખાણોના અમાનુષી અત્યાચારોએ પણ ગાંધીજીની સેવાઝંખનાને મોળી ન પાડી. કોમી શાંતિ માટે તેમણે દિલ્હીમાં ૧૯૪૮ના જાન્યુઆરી માસમાં છેલ્લો ઉપવાસ કર્યો તે પછી રચનાત્મક કાર્યક્રમોની જુદી જુદી સંસ્થાઓને સંગઠિત કરવા તેમણે દશેક દિવસ વર્ધા જવાનું યોજ્યું હતું, અને ત્યાંથી પાછા આવી તેઓ પાકિસ્તાન જવાને ઇરાદે રાખતા હતા. મૃત્યુના આગલા દિવસે તેમણે કાઁગ્રેસને લોક સેવક સંઘનું રૂપ આપવાના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. કવિની પ્રતિભા નવનવોન્મેષશાલિની કહેવાઈ છે. ગાંધીજીની સેવાઝંખના પણ અંત સુધી નવનવોન્મેષશાલિની રહી હતી. આનું રહસ્ય તેમની અનાસક્તિમાં હતું. ભૂતકાળ ને વર્તમાન, આશા અને નિરાશા, જય અને પરાજય, સર્વ પ્રત્યેની અનાસક્તિએ ગાંધીજીની જીવનશક્તિને અન્ત સુધી અક્ષત રાખી અને તેમના અંતરમાં સેવાધર્મની નવી નવી પ્રેરણાઓ વહેતી રાખી.
ગાંધીજીની અનાસક્તિનું એક બીજું રૂપ વ્યક્તિઓ સાથેના સંબંધોમાં પ્રગટ થતું. પરંપરાગત સંન્યાસનો આદર્શ માનવસંબંધોથી વિરક્તિનો રહ્યો છે. સંન્યાસી સમદર્શી હોય, તેને સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણા હોય, પણ તે કોઈની સાથે પ્રેમતંતુથી ન બંધાય. ગાંધીજીના સ્વભાવને આવી વિરક્તિ અનુકૂળ નહોતી. તેમનામાં સ્ત્રી-સ્વભાવની પ્રેમશક્તિનો પ્રબળ અંશ હતો. સ્ત્રીને વ્યક્તિઓમાં રસ હોય છે. તે પ્રેમસંબંધથી બંધાવા ઝંખે છે. ગાંધીજીમાં એવી રીતે પ્રેમસંબંધથી બંધાવાની અસાધારણ શક્તિ હતી. અંગ્રેજ કવિ ટેનિસનની એક કાવ્યપંક્તિ છે, It is better to have loved and lost/Than never to have loved at all. પ્રેમસંબંધથી દુઃખ થાય એ ભયે પ્રેમસંબંધ ટાળવો તે કરતાં પ્રેમસંબંધ સ્વીકારવો અને તેનું દુ:ખ સહન કરવું તે માણસના હૃદયને વધુ તૃપ્તિકર છે. ગાંધીજી એ હૃદયધર્મને અનુસરતા. કૌટુમ્બિક સ્વજનો સાથે, આશ્રમવાસીઓ સાથે, જાહેર પ્રવૃત્તિઓના સાથીઓ અને સહકાર્યકર્તાઓ સાથે, ધર્મ માર્ગના સહપ્રવાસી સાથે, એમ અસંખ્ય સ્ત્રીપુરુષો ને બાળકો સાથે તેમને પ્રેમસંબંધ બંધાયો હતો, અને સામાન્ય મનુષ્યભાવે તેઓ એવા સંબંધનાં સુખદુઃખ અનુભવતા.
પણ ગાંધીજી મુમુક્ષુ હતા, સાધક હતા. એટલે તેમણે પ્રેમસંબંધનાં સુખદુ:ખ મોહરૂપ બની પોતાની શ્રેય-સાધનામાં વિક્ષેપ ન કરે એવી અનાસક્તિ કેળવી હતી. આવી અનાસક્તિ કોઈ વ્યક્તિ સાથે પ્રેમસબંધ ન બાંધવાની અનાસક્તિ કરતાં ઘણી વધારે મુશ્કેલ છે, પણ ગાંધીજીએ તે આશ્ચર્યજનક માત્રામાં કેળવી હતી. કોઈ પ્રેમસંબંધને તેઓ પોતે માનેલા ધર્મની આડે નહોતા આવવા દેતા. કેટલાક તેમાં ગાંધીજીના હૃદયની કઠોરતા જુએ છે, પણ તે કઠોરતા નહોતી. પોતાના કોઈ વર્તન-થી સ્વજનો કે સ્નેહીઓને કલેશ કે દુઃખ થતાં એટલાં જ ગાંધીજીને પોતાને થતાં, પણ તેઓ તે અનાસક્તભાવે સહન કરી લેતા. પોતાના નિમિત્તે કસ્તૂરબા અને પુત્રોને દુઃખ થયું હતું તેની તેમણે પુત્રો પાસે ક્ષમા માગી હતી, અને એ દુ:ખ ધોવા તેમણે પ્રેમપૂર્વક પ્રયત્ન કર્યો, પણ પોતે માનેલા ધર્મમાર્ગનો ત્યાગ ન કર્યો.
પ્રેમસંબંધોમાં આવી અનાસક્તિ ગાંધીજીએ એટલા પ્રમાણમાં કેળવી હતી કે તેમને મૃત્યુના વિયોગનું દુઃખ પણ ક્ષુબ્ધ ન કરતું. એમને એવું દુ:ખ જરૂર થતું. મગનલાલ ગાંધી, મહાદેવ દેસાઈ અને કસ્તૂરબાના મૃત્યુથી તેમને ખૂબ દુઃખ થયું હતું. પણ ગાંધીજી આવા દુ:ખમાંથી તરત બહાર નીકળી આવતા અને, મૃત્યુ પામીને પડેલા ભાઈઓ અને દ્રૌપદીને પાછળ મૂકી હિમાલયનું આરોહણ ચાલુ રાખનાર યુધિષ્ઠિરની જેમ તેઓ ધર્મપંથે પોતાની યાત્રા ચાલુ રાખતા.
જીવનનાં છેલ્લાં બેત્રણ વર્ષ દરમિયાન તેમને નિકટના સાથીઓ અને સહકાર્યકર્તાઓ સાથેના પ્રેમસંબંધોમાં સારો એવો ક્લેશ થયો હતો. પણ એ બધો ક્લેશ નિર્મમભાવે સહન કરી ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુરના ‘એકલો જાને રે’ કાવ્યની સત્યનિષ્ઠાને વળગી રહ્યા. એ હૃદયબળ એમની અનાસક્તિનું સુફળ હતું. મનુષ્ય મટ્યા વિના દૈવી સંપત્તિ કેળવવાની એ અતિ લોકોત્તર સાધના હતી.
[‘વિચારતરંગ’]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 170-71