
ઉમાશંકર જોશી
એક વખત તો મનમાં એમ થઈ આવે છે કે આ આખું વરસ એ નામ ઉચ્ચારવું નહીં. કવિ શેલીએ કહ્યું છે : One word is too often profaned for me to profane it – એક શબ્દ એટલી બધી વાર ભ્રષ્ટ કરવામાં આવે છે કે મારે તો એ ભ્રષ્ટ ન કરવો જોઈએ.
એ નામ જીભથી રટવાને બદલે હૃદયમાં રાખીને એનો પ્રકાશ ક્ષણેક્ષણે જિવાતા જીવન દ્વારા પ્રગટ થવા દેવો એ જ શતાબ્દી ઉજવણીનો ઉત્તમ પ્રકાર નીવડે.
શો છે એ પ્રકાર ? આમ તો એ સદાનો પ્રકાશ છે. એમણે કહ્યું છે : મારે કશું જ નવું કહેવાનું નથી. સત્ય અને અહિંસા પર્વતો જેટલાં પુરાણા છે.
સત્યનો અને અહિંસાનો પ્રકાશ એમના સત્યાગ્રહ અને સર્વોદયના કાર્યક્રમો દ્વારા પ્રગટ થયો. એમણે કહ્યું, પરમેશ્વર સત્ય છે એમ નહીં, સત્ય જ પરમેશ્વર છે. એમણે જીવનભર બતાવ્યું કે સત્યને વળગવા જઈએ એટલે અહિંસા શ્વાસોચ્છવાસ જેવી બની જાય છે. અહિંસાને છોડીને `સત્ય’નો આગ્રહ સેવવા જતાં એનાથી આપણે દૂર પડી જઈએ છીએ. અહિંસા એ સત્યની પારાશીશી છે.
સામાજિક અન્યાયો દૂર કરવા માટેનું રાજકીય શસ્ત્ર, સત્યાગ્રહ, એમણે જગતને શોધી આપ્યું. પણ એના લક્ષ્ય તરીકે એમણે સામાજિક આદર્શ સ્થાપ્યો. સર્વોદય, – સૌ કોઈનો ઉદય, કહેવાતા વિરોધીનો પણ ઉદય, અને સમાજની છેલ્લામાં છેલ્લી વ્યક્તિનો ઉદય.
સત્ય, અહિંસા, – જુગજૂના શબ્દો, સત્યાગ્રહ અને સર્વોદયના કાર્યક્રમ દ્વારા આધુનિક ભારતની જ નહીં, જગત આખાની જનતાને માટે અમૃતસંજીવનીરૂપ બની રહ્યા.
વીરની અહિંસા એ માગતા. જીવનના છેલ્લા વરસમાં એમને લાગ્યું કે આપણે તો રાજકીય સગવડ ખાતર અહિંસાને વળગ્યા હતા, શ્રદ્ધાપૂર્વક નહીં. 1963ના ઑગસ્ટમાં વોશિંગ્ટનમાં બે લાખ હબસીઓની શાંતિકૂચને દોરવણી આપનાર અને અનેક અહિંસક કાર્યક્રમો દ્વારા પોતાની કોમને અન્યાયો સામે ઝૂઝવા પ્રેરનાર અને એમાં પ્રાણની આહુતિ આપનાર માર્ટિન લ્યૂથર કિંગમાં એ અહિંસાનો પ્રકાશ સોળે કળાએ પ્રગટ થયેલો જગતે જોયો. હિટલરનાં ધાડાં ચેકોસ્લોવાકિયા પર તૂટી પડયાં. ત્યારે એમણે ચેક પ્રજાને અહિંસક પ્રતિકાર કરવા અનુરોધ કર્યો હતો. ત્રીસ વરસે ગયા જુલાઈ માસમાં વીર ચેક પ્રજાએ રશિયાની મહાન લશ્કરી સત્તા સામે એ અહિંસક પ્રતિકારનો દાખલો જગત આગળ ધર્યો.
છેલ્લા કેટલાક મહિનાઓમાં એક હરિજનને આંધ્રમાં સળગાવી દીધાના, બીજાને વડોદરા જિલ્લામાં સીમમાં ઘસડી જઈ મારી નાખ્યાના, રાજસ્થાનમાં તળાવ ખોદતાં નરબલિ આપ્યાના પ્રસંગો બન્યા છે. એ જોઈ આપણો હિંદદેશ હજી કઈ સ્થિતિએ છે તેનો કારમો ખ્યાલ આવે છે. બંને હરિજનોની હત્યા પાછળ આર્થિક કારણ પણ છે.
શતાબ્દીવરસમાં આર્થિક-સામાજિક ન્યાય માટેની સક્રિયતાને પ્રાધાન્ય મળવું જોઈએ. જનસમુદાયની સ્થિતિ જરીક પણ સુધરી કે કેમ એ શતાબ્દી ઉજવણીના બધા કાર્યક્રમોની કસોટી રહેવાની. બહુજનસમાજ માટે કંઈ ન થઈ શક્યું તો એમનો માનવતા માટેની અપાર કરુણાથી છલકાતો ચહેરો આપણી સામે મૌન પ્રશ્ન પૂછવાનો : અરે, તમે મારું પણ આ કર્યું ?
દિવાળી ઉત્તમ રીતે ઊજવાય દિલમાં દીવો કરીને. મહાત્માની જન્મશતાબ્દી ઉત્તમ રીતે ઊજવી શકાય દિલ જરીક વધારે, હજુ વધારે, મોકળું કરતા રહીને.
(1968)
06 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 345