ગાંધીજીની આંખે ઊડીને વળગે એવી લાક્ષણિકતા એ હતી કે તેમની કરણી અને કથની વચ્ચે ભાગ્યે જ કોઈ ભેદ રહેતો. ઘણી વાર તો તેમની વાણી તેમના આચરણનું અનુસરણ કરતી. એટલે કે તેઓ પહેલાં એક કામ કરીને પછી એને વિષે કહેતા. કરણી-કથનીના અભેદને લીધે ગાંધીજીની સ્ફટિક્શી પારદર્શિતા પ્રગટ થતી. આ પારદર્શિતાને લીધે ગાંધીજી એક તરફ જેમ વિશાળ જનતાને એ ખાતરી અપાવી શકતા કે આ આગેવાન જે કહેશે તે અવશ્ય કરશે, તેમ બીજી તરફ એમના ઘણાખરા વિરોધીઓને સુધ્ધાં એ ખાતરી રહેતી કે આ માણસની પ્રામાણિક્તા અંગે શંકા કરી શકાય એમ નથી. હા, કેટલાક વિરોધીઓ એવાયે હતા, જેમને ગાંધીજીની ઈમાનદારી પર પણ શંકા જતી. એનાં કદાચ બે કારણો હોઈ શકે. પોતાની નિત્યવિકાસશીલતાને કારણે તેઓ આજે એક વાત કહેતા હોય ને કાલે બીજી વાત કહેતા હોય એમ બનતું. અલબત્ત, ગાંધીજી પોતાના બદલાયેલા વિચારોને તરત જાહેર કરી દેતા. પણ ગાંધીજીને કેવળ રાજકારણી તરીકે જોનારને એમ લાગતું કે ગાંધીજીએ ફેરવી તોળ્યું. ગાંધીજીની પારદર્શિતા વિષે શંકા કરવાનું બીજું કારણ એ હતું કે મુત્સદ્દીઓ ગાંધીજીને પોતાના અરીસામાં જોતા. તેથી બદલાયેલા ગાંધીજી તેમને છેતરતા ગાંધીજી દેખાતા! ગાંધીજીની મુત્સદ્દીગીરી સત્યની મુત્સદ્દીગીરી હતી. એ સત્ય ગતિશીલ હતું તેથી ટીકાકારોને એ ફેરવાતા સત્ય જેવું લાગતું. પણ એવા અપવાદો હોવા છતાં ય સામાન્યપણે એમ કહી શકાય ખરું કે ગાંધીજીની પારદર્શિતા શત્રુને મન પણ શંકાથી ઉપરનો વિષય હતી.
જીવનને સમગ્રતાથી જોવાની ગાંધીજીની ખાસિયત ગાંધીજીની પોતાને વિષેની આચારસંહિતા, ભાવિ દુનિયા અંગેની એમની છબી અને એમની કામ કરવાની રીત એકબીજા સાથે એવી સરખી સુસંગત રીતે સંકળાયેલાં દેખાય છે કે એ ત્રણેમાં આપણને અભેદ જ દેખાય. એ સુસંગત જીવન-દર્શનમાંથી ગાંધીજીના જીવનની ત્રણ મુખ્ય દેણ નીપજી છે. ગાંધીજીની આચાર-સંહિતા, એમના સમાજ અંગેની એમની છબી, એમણે સુઝાડેલ અને ઉત્તરોત્તર વિકાસ પામતા જતા એમના રચનાત્મક કાર્યક્રમમાં જોવા મળે છે અને એમની કામ કરવાની રીત સત્યાગ્રહના સિદ્ધાંતો ઉપર ઊભી છે. એકાદશવ્રત, રચનાત્મક કાર્ય, અને સત્યાગ્રહ ગાંધીજીના જીવનની સૌથી મોટી દેણ છે. એમાં એમનું સમગ્ર જીવન-દર્શન નિખરી ઊઠે છે.
એક વાર ગાંધીજીનો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે મિલના કાપડની હોળી કરવાના ગાંધીજીના કાર્યકમ અંગે જાહેરમાં વિવાદ થયેલો. ટાગોરે ‘મોડર્ન રિવ્યૂ’માં અને ગાંધીજીએ ‘યંગ ઇંડિયામાં’ પોત પોતાના વિચારો અંગે ચોખવટ કરેલી. એ લેખમાળા બંનેની ઉદાત્તતા અને દૃઢતા સાથે બંનેની નમ્રતા અને ઉદારતા પણ પ્રગટ કરે છે. એમાં એક ઠેકાણે ગાંધીજી એક એવી વાત કરે છે કે જે ગાંધીજીના દર્શન અંગેની ખાસિયત વ્યક્ત કરે છે. તેમણે એ મતલબનું લખ્યું છે કે મારે મારા ઘરનાં બારીબારણાં એવાં ખુલ્લાં રાખવાં છે કે જેમાં આખી દુનિયાના વિચારો છૂટથી પ્રવેશી શકે, પણ મારે મારા ઘરનો પાયો એવો પાકો રાખવો છે કે ચારે તરફથી દુનિયાનાં તોફાનો આવે તો પણ મારા ઘરને એ ઉપાડીને ફેંકી શકે નહીં. ગાંધીજીના ગયા પછી દુનિયાના વિચારકોમાં એક સૂત્ર ખૂબ પ્રચલિત અને પ્રતિષ્ઠિત થયું છે. તે છે, વિચારો વિશ્વ વિષે, પણ આચરણ ઘર આંગણથી શરૂ કરો (થિંક ગ્લોબલી, બટ એક્ટ લોકલી). ગાંધીજીના ઉપર જણાવેલ વાક્યમાં એ જ સૂત્ર પડધા પાડે છે.
ગાંધીજીએ પોતાના આશ્રમો સારુ સ્વીકારેલાં અગિયાર વ્રતોમાંથી પહેલાં પાંચ એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તો એવાં હતાં કે જેને સર્વધર્મોની માન્યતા મળેલી છે. ગાંધીજી આ વ્રતોને એક એક કરીને પૂર્ણપણે વિકસાવવા માગતા હતા. એની સાથેસાથે આ પાંચે મહાવ્રતોને તેઓ એકસામટાં પણ જોતા હતા. તેમને તે પાંચેય એક-બીજા સાથે સંબંધિત લાગતાં હતાં. તેથી અપરિગ્રહનો વિકાસ કર્યા વિના અહિંસાનો પૂરો વિકાસ ન થઈ શકે એમ માનતા હતા. એ જ રીતે સત્ય અહિંસાની દિશામાં પૂર્ણતા તરફ આગળ વધવું હોય તો બ્રહ્મચર્ય વ્રતને પણ ખંતપૂર્વક પાળવું જોઈએ એવી તેમની માન્યતા હતી. આ માન્યતાને લીધે ગાંધીજી બીજા સાધકો કરતાં જુદા તરી આવતા હતા. બીજા સાધકો આ વ્રતોનો વિચાર નોખો નોખો કરતા હોય છે તેથી એક વ્રતના પાલન સારુ બીજા વ્રતોની અનિવાર્યતા નહોતા માનતા. ગાંધીજી આ પાંચે વ્રતોને એક-બીજા સાથે સંકળાયેલા માનતા તેથી જ પોતાની અહિંસામાં પરાકાષ્ઠા સારુ બ્રહ્મચર્યમાં પરાકાષ્ઠા સુધી પહોંચવા માગતા હતા. વળી તેમને એ પણ વિશ્વાસ હતો કે સાચી સામાજિક-રાજનૈતિક શક્તિ માણસમાં શુદ્ધિથી આવે છે, અને શુદ્ધિ વ્રતોના નિષ્કપટ પાલનથી આવે છે. તેથી એવો પણ વિચાર કરેલો કે જો તેઓ બ્રહ્મચર્યના પાલનમાં પોતાના છેવટના આદર્શ સુધી (દાખલા તરીકે શુકદેવજી જેવું સહજ નિશ્છલ બ્રહ્મચર્ય પાલન સુધી) પહોંચી શકે તો જેઓ તેમને એક નંબરના દુ:શ્મન માને છે તેમનું દિલ જીતવાની તાકાત તેમનામાં આવી શકે. આમ ગાંધીજી વ્રત, શુદ્ધિ અને નૈતિક તાકાતને પરસ્પર સંકળાયેલી ગણતા. જેમને ગાંધીજીની આવી તર્કસાંકળ સમજાતી નહોતી કે માન્ય નહોતી તેમને સારુ વ્રતપાલન વિષેનો આગ્રહ મૂંઝવનારો કે અકળાવનારો થઈ પડતો. પરંતુ ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન કાળથી તપ, તેજ અને તાકાતના સંબંધને માનેલા છે.
આ બાબત એ વાત પણ સમજવા જેવી છે કે ગાંધીજીનો વ્રતો અંગેનો આગ્રહ એ ચોખલિયાપણા કે મરજાદી જીવનશૈલીમાંથી જન્મેલો નહોતો. આ એકાદશ વ્રત ગાંધીજી સારુ શક્તિ-સ્રોત સમાં હતાં. તેમને એમાં નકારાત્મક નહીં પણ સકારાત્મક શક્તિ દેખાતી હતી. આ બાબત પ્રગટ ચિંતન તેમણે પોતાની આત્મકથામાં ઝૂલુ લડાઈના પ્રસંગે કર્યું છે. ઘાયલોની ઝોળી ઉપાડીને તેમને માઈલોના માઈલોની સફર કરવી પડતી હતી. એ સમયયે પોતાના શરીરે વેઠવાના કષ્ટનો વિચાર કરવાને બદલે તેમણે પોતાની આંતરિક તાકાત વધારવા અંગે ચિંતન-મનન કર્યું. તેમણે ઝોળી ઉપાડવાનું કામ સ્વેચ્છાએ માગી લીધું હતું.
ત્યાર સુધી તેઓ દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રજા સારુ જે લડત ચલાવી રહ્યા હતા એમાં એક દલીલ એ હતી કે અમે બ્રિટિશ સામ્રાજ્યના પ્રજાજન છીએ એટલે અમને એ પ્રજાને મળે છે તેવા અધિકારો મળવા જોઈએ. આ કામ માગી લેવા પાછળ બીજું કારણ એ હતું કે ભારતીયોને નબળા અને બીકણ માનવામાં આવે છે. તે પોતાની બહાદુરી બતાવીને હિંદી કોમનું સ્વમાન જાળવવા માગતા હતા. બહાદુરી બતાવવા સુધીની વાત મનોબળની સાથેસાથે શારીરિક તાકાત બતાવવાની પણ હતી, જે હિંદીઓનો તિરસ્કાર કરનાર ગોરાઓ પણ સમજી શકે એમ હતા, સમજી શક્યા હતા. પણ ગાંધીજીનું ચિંતન એનાથી એક પગલું આગળ ચાલીને તાકાતને ભૌતિક સ્તરથી નૈતિક સ્તર પર, એટલે કે શરીરબળને બદલે આત્મબળ અથવા શસ્ત્રોથી ખેલાતા યુદ્ધને ઠેકાણે સત્યાગ્રહ પર લઈ જવા ચાલતું હતું. એ ચિંતન એમને છેલ્લાં કેટલાંક વર્ષોથી જે વસ્તુ તેઓ વિચારી રહ્યા હતા તેના અંતિમ મુકામે એટલે કે વિવાહિત જીવનમાં બ્રહ્મચર્યના સંકલ્પ સુધી લઈ ગયું હતું. આની પાછળનો શક્તિવર્ધનનો સકારાત્મક વિચાર વિશેષ નોંધપાત્ર છે. એ જ ચિંતનને તેઓ આગળ ઉપર ઊડું ને ઊંડું કરતા ગયા. તે જ ચિંતન તેમને જીવનનાં સાવ છેલ્લાં વર્ષોમાં, જ્યારે તેઓ ભારતને એક અને અખંડિત રાખવાની લડાઈમાં હારી રહ્યા હતા ત્યારે બ્રહ્મચર્યના એક ઊંચા આદર્શ એટલે કે શુકદેવજી જેવા સહજ જન્મજાત બ્રહ્મચર્યના આદર્શ સુધી લઈ ગયું હતું.
ગાંધીજીની એક વિશેષતા એ હતી કે પોતાની ક્રાંતિકારી સાધનાના પથ પર તેમણે પોતાની દૃષ્ટિએ એક બીજો વિવેક પણ સાધ્યો હતો. તે વિવેક હતો પોતાની માગણી અંગે કઈ બાબતમાં બાંધછોડ કરવી અને કઈ બાબતમાં મક્કમ રહેવું તે અંગેનો. સાદી ભાષામાં કહીએ તો ગાંધીજી યુદ્ધને અંતે વાટાઘાટોને પ્રસંગે જેને તેઓ ગૌણ કે વિગતો અંગેના મુદ્દા માનતા હતા તે બાબતમાં બાંધછોડ કરવા તૈયાર હતા. પણ જેને પાયાના, મુખ્ય કે મૂળ તત્ત્વ સાથે સંકળાયેલા મુદ્દા માનતા હતા તેને મક્કમપણે વળગી રહેતા. આ બાબત એવી હતી કે જે ગાંધીજીના પોતાના આક્લન પર આધાર રાખતી. જનરલ સ્મટ્સ સાથેની વાટાધાટો વખતે તેમણે આંગળાંનાં નિશાન આપવાની વાતને ગૌણ માનીને તે સ્વેચ્છાપૂર્વક અપાય, ફરજિયાત નહીં; એની ઉપર ભાર દીધો હતો. વળી રજિસ્ટ્રેશનનો કાયદો પાછો ખેંચી લેવામાં આવશે એવું તેમણે જનરલ સ્મટ્સ પાસે આશ્વાસન મેળવ્યું હતું. તેમણે કબૂલ્યું હતું કે જો લોકો સ્વેચ્છાએ પોતાનાં નામો નોંધાવી દેશે તો તેઓ કાયદો પાછો ખેંચી લેશે. કાયદો પાછો ખેંચાય એ હિંદી કોમ માટે અગત્યનું હતું. પહેલાં આંગળીનાં નિશાન નહીં આપીએ એમ કહ્યા પછી એ આપવાનું સ્વીકારવું એ ગાધીજીને મન ગૌણ હતું. અલબત, આ કિસ્સામાં જનરલ સ્મટ્સ વચન આપ્યા પછી, પાછળથી ફરી ગયા હતા. પણ એ અવસ્થામાં ફરી સત્યાગ્રહ ઉપાડવાનું તો હિંદીઓના હાથમાં હતું જ.
ચંપારણના ખેડૂતોની તિનકઠિયા વ્યવસ્થાએ કરેલી દુર્દશાની તપાસ પછી ગાંધીજી પાસે આશરે પચીસેક હજાર કિસ્સાની સાક્ષીના ઢગલા હતા. તપાસ પંચમાં કિસાનોના પ્રતિનિધિ તરીકે ગાંધીજી એકલા જ હતા. બાકી ગળીના કારખાનાંના માલિકો કે સરકારના પ્રતિનિધિઓ હતા. ગાંધીજી પાસે ચોકસાઈથી ભેગી કરેલી સામગ્રી એટલી બધી બોલકી હતી, કે ગોરા પ્રતિનિધિઓને એની ફિકર થવા માંડી હશે કે આ તપાસને અંતે તો એમનાં કુકૃત્યો પુરવાર થઈ જશે અને એમને પોતાને જ સજા થશે. ગાંધીજીએ ગોરાઓને સજા અપાવવાની વાતને પડતી મૂકી માત્ર તિનકઠિયાની વ્યવસ્થાને નાબૂદ કરવાનો આગ્રહ રાખ્યો. પરિણામે પોતે જે તપાસ પંચમાં એકની લધુમતીમાં હતા એ પંચે સર્વ સમ્મતિથી રિપોર્ટ તૈયાર કર્યો. સજા કોઈને ન થઈ પણ સવા સૈકાથી ચાલી આવેલી પ્રથા નાબૂદ થઈ.
ગાંધી અરવિન કરાર વખતે તો રાજાના પ્રતિનિધિ વાઈસરોય કૉંગ્રેસના પ્રતિનિધિ ગાંધીજી સાથે એક મેજ પર બરાબરીને દરજ્જે વાટાઘાટ કરે એ હકીકત જ મોટી પ્રાપ્તિ સમાન હતી. સમાધાનની શરતોમાં અહિંસક સત્યાગ્રહના સર્વ કેદીઓને છોડવાની અને આંદોલન બંધ રાખવાની શરતો સામસામે હતી. જેની ઉપર હિંસાના આરોપો મુકાયા કે સિદ્ધ થયા હોય એમને છોડવાનો ગાંધીજીએ આગ્રહ રાખ્યો નહોતો. દારૂના પીઠા પર પિકેટિંગ કરવું એ તો આધ્યાત્મિક કે નૈતિક કાર્યક્રમ છે, એ બંધ નહીં કરીએ. હા, કાયદો તોડીને જેલ નહીં ભરીએ એવી વાત ગાંધીજીએ કરી હતી. તેમાં કઈ વાત એમની દૃષ્ટિએ બાંધછોડ કરવા લાયક હતી અને કઈ નહીં તેનો નિર્ણય એમણે જાતે જ કર્યો હતો. બનતાં સુધી કૉંગ્રેસ કારોબારીમાં પણ કેટલાક સભ્યો બધા વિષયો વિષે ગાંધીજી જોડે સહમત નહોતા. પણ ગાંધીજીને જે મુદ્દો તાત્ત્વિક લાગ્યો તેને અંગે તેમણે બાંધછોડ ન કરી અને જે મુદ્દો વ્યૂહરચનાનો લાગ્યો તેને અંગે બાંધછોડ કરી.
સમગ્ર ગાંધીવિચારનો વિચાર કરતાં એમ સ્પષ્ટ જણાય છે કે એમના દર્શનમાં કેટલાંક તત્ત્વો એવાં હતાં જે મૂળ તત્ત્વજ્ઞાનને લગતાં હતાં, અને બીજાં કેટલાંક એવાં હતાં જે તે કાળની પરિસ્થિતિને લીધે પેદા થયાં હતાં. પહેલા પ્રકારને આપણે ગાંધીવિચારનું તત્ત્વ અને બીજાને એનું તંત્ર કહીશું. ગાંધીજી પોતે તત્ત્વ વિષે પાકા આગ્રહી હતા. અને તંત્ર વિષે પ્રયોગો કે પરિવર્તન કરવા તૈયાર હતા, પણ એ પરિવર્તનની દિશા તો તત્ત્વ જે મૂલ્યોનું પ્રતિપાદન કરતું હોય તેના તરફ જ હોવી જોઈએ એમ ગાંધીજી માનતા. સત્ય ગાંધીજીને ગળથૂથીમાંથી મળ્યું હતું. અહિંસાનાં બીજ એમના માનસમાં બાળપણ કે કુમાર અવસ્થામાં જ રોપાયાં હતાં. સત્ય-અહિંસા ગાંધીતત્ત્વજ્ઞાનનું તત્ત્વ હતાં.
એમાંથી નીકળતાં આનુષંગિક વ્રતોને પણ આપણે સામાન્યપણે ગાંધીવિચારના તત્ત્વમાં ગણાવી શકીએ. તે ઉપરાંત સાધનશુદ્ધિ વિષેનો એમનો આગ્રહ, જે સત્ય વિષેની એમની ખોજમાંથી નીકળ્યો છે, તેને પણ આપણે એમના તત્ત્વમાં ગણાવી શકીએ. એમણે સુઝાડેલાં ઘણાં રચનાત્મક કાર્યો એવાં હતાં કે જે દેશ કાળ મુજબ ફેરવાઈ શકે. એને ગાંધીવિચારના તંત્રમાં સમાવી લઈ શકાય. આ તંત્ર વિષે પણ ગાંધીજીનો એ આગ્રહ તો હતો જ કે તંત્ર બદલાતું ભલે રહ્યું, અને તે નિરંતર બદલાતું રહે એ જ ઈષ્ટ પણ છે; પણ એના બદલાવની આખી દિશા માનવમૂલ્યો તરફ જ હોવી જોઈએ. સત્તા અને સંપત્તિ બંનેને લાગુ પડે છે ત્યાં સુધી વિકેન્દ્રીકરણને આપણે ગાંધી દર્શનના મૂળતત્ત્વમાં ગણાવી શકીએ. એનો અમલ કરવા સારુ ખાદી ગ્રામોદ્યોગ, પંચાયતી રાજ કે એવા બીજા કાર્યક્રમો ગાંધીજીના તંત્રમાં આવી જાય. ગાંધીની છેવટની લાક્ષણિકતા આપણે એ વાતને ગણાવીશું કે તેઓ તત્ત્વ વિષે તડજોડ ન કરનારા અને તંત્ર વિષે દેશકાળની જરૂરિયાત મુજબ તડજોડ કરનારા હતા. પણ તંત્રની દિશા તો તત્ત્વ ભણી જ રહે એ વાતના આગ્રહી હતા.
(સંપૂર્ણ)
(નારાયણભાઈ દેસાઈની જન્મ શતાબ્દી નિમિત્તે ચાલેલી લેખમાળા અહીં સંપૂર્ણ થાય છે. તા. ૨૪-૧૨-૨૦૨૪ના રોજ નારાયણભાઈને સો વર્ષ પૂરાં થશે.)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2024; પૃ. 04-05