Opinion Magazine
Number of visits: 9863356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 May 2026

ચંદુ મહેરિયા

ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષની એફિડેવિટમાં ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવાને એક દુર્લભ અને અપવાદરૂપ બિના ગણાવી છે. પંચે તેની દલીલના સમર્થનમાં જણાવ્યું છે કે ૧૯૫૧થી ૨૦૨૪ સુધીની ૧૮ સામાન્ય ચૂંટણીઓમાં કેવળ નવ જ વખત અને ૧૯૯૧ પછી માત્ર એક જ વખત આવું બન્યું છે. આઝાદી પછીના બે દસકામાં ૩૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા છે. એક અન્ય અભ્યાસમાં ૨૯૮ ધારાસભ્યો વગર ચૂંટણીએ જીત્યા હોવાનું જણાવાયું છે. 

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. સુરત લોકસભા બેઠક પરના  ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા એટલે તે બેઠક પર મતદાન થયું નહોતું. એ જ વરસે લોકસભા સાથે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી હતી. અરુણાચલની આ ચૂંટણીમા ૧૦ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરની ગુજરાતની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ૭૦૦ કરતાં વધુ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. તેમાંથી મોટા ભાગના ઉમેદવારો સ્વાભાવિક જ બી.જે.પી.ના છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કાઁગ્રેસના ૧૨ ઉમેદવારો અને ૩ અપક્ષો પણ બિનહરીફ થયા છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બી.જે.પી.ની રાજવટ હોય અને કાઁગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમતી હોય ત્યારે તેને એક ડઝન બેઠકો તેની સામે કોઈ ઉમેદવાર જ ન હોવાથી વગર ચૂંટણી લડે મળે તે આશ્ચર્યજનક સમાચાર નથી શું? વળી આ બાબત બિનહરીફ ચૂંટણી(Uncontested Election)ના મુદ્દાને ઓર પ્રાસંગિક બનાવે છે. 

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૫૩(૩)માં બિનહરીફ ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. તે મુજબ જો કોઈ ચૂંટણીમાં ભરવાપાત્ર બેઠકોની સંખ્યા જેટલા જ ઉમેદવારો હોય, દા.ત. એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય, તો કોઈ મતદાન કરાવવાનું રહેતું નથી. વગર મતદાને ચૂંટણી અધિકારી ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરે છે. આ જોગવાઈ અને તેની અસરો સંબંધે અદાલતો સમક્ષ રજૂઆતો થઈ છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ નિર્વિરોધ ચૂંટણી અંગે કેટલાક આકરા નિરીક્ષણો કર્યા છે. 

સુપ્રીમ કોર્ટે બિનહરીફ ચૂંટાવા બાબતે થયેલી જાહેરહિતની અરજીઓ પર સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. દરમિયાનમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વગર ચૂંટણીએ કોઈ ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવો તે લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે. બિનહરીફ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરતાં પહેલા તેણે અમુક લઘુતમ મતો તો મેળવ્યા જ હોવા જોઈએ તેવી જોગવાઈ થવી જોઈએ તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નિર્વિરોધ વિજેતા માટે લઘુતમ મતોની અનિવાર્યતાની જોગવાઈ લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને મજબૂત બનાવી શકે છે. 

નાગરિકોના મતદાનના અધિકાર(Right to Vote)ની સુરક્ષા માટે જરૂરી છે કે બિનહરીફ ઉમેદવાર મતદારોનું પર્યાપ્ત સમર્થન મેળવે. મતદારોને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જે મૂળભૂત અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા જ તે વ્યક્ત કરે છે. જો વગર મતદાને તેમનો લોક્પ્રતિનિધિ ચૂંટાઈ જાય તે ભલે કાયદેસર કે બંધારણીય હોય પણ મતદારોનું તે સાચું પ્રતિનિધિત્વ કરતો નથી તેમ કહી શકાય. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર મતદાન થકી મળે તે પહેલાં જ તે ચૂંટાયેલો જાહેર થઈ જાય તેનાથી મતદારોની લાગણી અને લોકતાંત્રિક ભાવના આહત થાય છે. 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત તો કહે છે કે જો કોઈને ૫ ટકા મતદારોનું પણ સમર્થન નથી અને તે પૈસાના જોરે કે સત્તાના બળે બધા ઉમેદવારોને મનાવી લે છે તો આવા ઉમેદવારને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનગૃહમાં પ્રવેશવાનો કોઈ અધિકાર જ નથી. 

બિનહરીફ ચૂંટાતો ઉમેદવાર મતદારોનો નોટા કે નકારનો મત, જેના દ્વારા મતદારો મતપત્રમાં જણાવેલ પૈકીનો એકેય ઉમેદવાર તેના મતને પાત્ર નથી, તેવી જે જોગવાઈ છે તેનો ઉપયોગ કરે છે,  તેને રોકે છે. બિનહરીફ ચૂંટાવાથી મતદારને નોટાનો અધિકાર વ્યક્ત કરવાની તક મળતી નથી. ૨૦૧૩નો સુપ્રીમ કોર્ટનો એક આદેશ જણાવે છે તે પ્રમાણે નોટા પસંદ કરીને નકારાત્મક મત આપવાનો મતદારનો હક બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ સંરક્ષિત છે. આ અધિકાર ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે માત્ર એક જ ઉમેદવાર હોવાથી ચૂંટણી ન કરાવવી તે મતદારોના નોટાના અધિકારનું હનન છે. જો કે સરકારનો મત છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૭૯(બી) હેઠળ નોટાને ઉમેદવાર માનવામાં આવતો નથી. એટલે બિનહરીફ વિજેતાના કિસ્સામાં મતદાન કરાવવાની માંગણી કરવી અને નોટાના ઉપયોગની છૂટ આપવી તે વાજબી નથી. 

વગર ચૂંટણીએ લોકસભા કે ધારાસભાના સભ્ય થઈ જવાનું આ વલણ જો વધે તો તેના માઠા પરિણામો આવી શકે છે. ૨૦૨૪માં સુરત લોકસભા સીટ પર કુલ ૨૯.૪૦ લાખ મતદારો હતા. બિનહરીફ ચૂંટણીને કારણે આશરે ત્રીસ લાખ મતદારોના પ્રતિનિધિ એક પણ મત મેળવ્યા સિવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ બેઠકોના આશરે ૧૦ ટકા પણ બિનહરીફ ચૂંટાયા છે તો તેમણે પણ લાખો મતદારોનું મતદાન દ્વારા કોઈ સમર્થન મેળવ્યું નથી. એ દૃષ્ટિએ વિચારતાં આ બાબત મતદારોની પસંદગીની તકને છીનવે છે, તેમની મતદાન થકી લોકશાહીમાં ભાગીદારીને સીમિત કરે છે. કેમ કે મતદાન નહીં થવાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને ચૂંટી શકતા નથી કે બિનહરીફ જાહેર થયેલને નકારનો મત પણ આપી શકતા નથી. 

ગાંધીજીએ સર્વસંમતિ આધારિત શાસનની પરિકલ્પના કરી હતી. પરંતુ સમરસ પંચાયતો કે બિનહરીફ ચૂંટણી  ન તો ગાંધીની પરિકલ્પના પ્રમાણે છે કે ન તો લોકતંત્રના સિદ્ધાંતો પ્રમાણે છે. આ તો નિષ્પક્ષ પ્રતિનિધિત્વનો છેદ ઉડાડે છે. ભારતમાં લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પોણી સદી વટાવી ગઈ છે અને ખાસ્સી પુખ્ત થઈ ગઈ છે. આજે દેશમાં રાજકીય પક્ષો વધ્યા છે તો ચૂંટણી લડવાની મહત્ત્વાકાંક્ષા સેવનારા લોકો પણ વધ્યા છે એટલે ઉમેદવારોની સંખ્યા અને હરીફાઈ વધવી જોઈએ. બિનહરીફ ચૂંટણી તો અતિ દુર્લભ કે ભાગ્યે જ બનતી ઘટના બનવી જોઈએ. તેના બદલે તેનું ચલણ વધી રહ્યું છે. 

“વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી” અને અન્યની જાહેર હિતની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. બિનહરીફ ચૂંટણી સંદર્ભમાં લઘુતમ લોક સમર્થનની અનિવાર્યતા લાગુ પાડવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભૂમિકા અને મહત્ત્વ જરૂર વધશે. લોકતાંત્રિક આદર્શોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બિનહરીફ ચૂંટણી પર લગામ લગાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

21 May 2026 Vipool Kalyani
← ‘ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ’થી ઉફરાટે  કેરલમાં સતીશન મુખ્યમંત્રીપદે 

Search by

Opinion

  • ‘ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ’થી ઉફરાટે  કેરલમાં સતીશન મુખ્યમંત્રીપદે 
  • વીરાંગના વિનેશ ફોગટ : મલ્લ અને માતાએ છેડ્યો નવો જંગ
  • અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધે લોકો માટે ભલે આફત નોતરી હોય પણ સરકાર માટે તો આ ચીજવસ્તુઓના ભાવ વધારવાનો સોનેરી અવસર છે! 
  • માણસ સિવાય બધું મોંઘું થઈ રહ્યું છે …
  • ટ્રમ્પની બેઈજિંગ મુલાકાતઃ અમેરિકાના માનસિક વર્ચસ્વના અંતનું સ્પષ્ટ થતું ચિત્ર

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved