વીરા મારા! પાંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો જી
વીરા! એની ડાળિયું અડી આસમાન : મુગતિના ઝરે ફૂલડાં હો જી
વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીર : ઇંધણ તો ય ઓછાં પડ્યાં હો જી
વીરા મારા! સતલજ નદીને તીર પિંજર પૂરાં નો બળ્યાં હો જી
વીરા! તારી ચિતામાં ધખધખતી વરાળ નવનવ ખંડે લાગિયું હો જી
વીરા! તારી નહીં રે જંપે પ્રાણઝાળ : ઠારેલી ભલે ટાઢિયું હો જી
વીરા! તારા પંથડા વિજન ને અઘોર : ઓરાણો તું તો આગમાં હો જી
વીરા! તારાં વસમાં જિગરનાં જોર : લાડકડા! ખમા ખમા હો જી
વીરા! તારે મુખડલે માતાજી કેરાં દૂધ ધાવેલાં હજી ફોરતાં હો જી
વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત જાણ્યું તેં, જોગી, ચોળતાં હો જી
વીરા! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ દુનિયાથી દૂરે દોડવા હો જી
વીરા! તારે અચળ હતા વિશ્વાસ જનમીને ફરી આવવા હો જી
વીરા! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ તરસ્યોયે નો’તો રક્તનો હો જી
વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ માભૂમિ કેરા ભક્તનો હો જી
વીરા! એ તો ફાંસી રે નહીં, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો જી
વીરા! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો જી
— ઝવેરચંદ મેઘાણી
(ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી અપાઈ તેની વેદનામાં લખાયેલું કાવ્ય)
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ – ભારતભૂમિનાં આ પનોતાં સંતાનોને 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ. માંડ 23-24 વર્ષના આ ત્રણે દૂધમલ યુવાનો હસતાં મોઢે ફાંસીને માંચડે ચડી ગયા. સરકારે ભગતસિંહને દયાની અરજી કરવા સૂચવ્યું ત્યારે ભગતસિંહે કહ્યું, ‘શા માટે દયાની અરજી કરીએ? અમે ચોરડાકુ નથી, અમે તો જેની નસોમાં સ્વાતંત્ર્યપ્રેમ વહી રહ્યો છે એવા બહાદુર સૈનિકો છીએ. ફાંસીથી અમે ડરતા નથી, બલકે અમને તો ફાંસીના માંચડે ચડવા કરતાં તોપના મોઢે બંધાઈને મરવું વધારે પસંદ છે.’
આઝાદ ભારતમાં જન્મેલા અને આઝાદ હવામાં શ્વાસ લેતા આપણે આ અને આવા અનેક યુવાનોના બલિદાનને સહેલાઈથી વિસારે પાડી દીધું છે. આપણને એ પણ ખબર છે કે ફાંસી અપાયા પછી આ વીરોના અંતિમ સંસ્કાર ક્યાં થયા હતા? શહીદોનું આ સ્મારક પાકિસ્તાનની સરહદે આવેલા ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ગામમાં આવેલું છે. સતલજ નદીને કિનારે આવેલા આ સ્થળે ત્રણે વીરોના મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અહીં ભગતસિંહની મા વિદ્યાવતી અને સાથી બટુકેશ્વર દત્તની પણ સમાધિ છે. આ બંનેની ઈચ્છા ભગતસિંહ જ્યાં અંતિમ સંસ્કાર પામ્યા ત્યાં છેલ્લું શયન પામવાની હતી.
હુસૈનીવાલા ગામ ભારત-પાકિસ્તાનની સરહદથી એક જ કિલોમીટર દૂર છે. આ સ્થળ પાકિસ્તાનમાં જતું રહ્યું હતું, પણ 1961માં જ્યારે ભારતનાં બાર ગામડાં પાકિસ્તાનને આપવાનાં થયાં ત્યારે આ સ્થળ મેળવી લેવામાં આવ્યું હતું. 1968માં સ્મારક બનાવવામાં આવ્યું. 1971ની લડાઈમાં પાકિસ્તાની લશ્કરે અહીં તોડફોડ કરી હતી. 1973માં જ્ઞાની ઝેલસિંહ પંજાબના મુખ્ય પ્રધાન હતા, તેમણે સ્મારક ફરીથી બંધાવ્યું. દર વર્ષે 23 માર્ચે ત્યાં શહીદમેળો થાય છે. હજારો લોકો શહીદોને પ્રણામ કરવા આવે છે. ભારતમાં, ખાસ કરીને પંજાબમાં 23 માર્ચે શહીદ દિન ઊજવાય છે.
ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદ અને અન્ય પક્ષના સભ્યો સાથે મળીને, ભગતસિંહે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શક્તિશાળી બ્રિટિશ સરકાર સામે હિંમતભેર લડત આપી હતી. તેઓ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ભગત સિંહનું સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ખૂબ પ્રખ્યાત છે. આ સૂત્રે દેશવાસીઓને ઉત્સાહથી ભરી દેવાનું કામ કર્યું. તેનો અર્થ છે ‘ક્રાંતિની જય હો’. સુખદેવ થાપરનો જન્મ પણ એ જ વર્ષે થયો હતો. ભગતસિંહ અને સુખદેવના પરિવારો લાયલપુરમાં પાડોશી હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને લાહોર નેશનલ કોલેજના સ્ટુડન્ટ પણ હતા. સુખદેવે કોલેજમાં સ્ટડી સરકલ્સ શરૂ કર્યાં હતાં, જેમાં ભારતની મહાન સંસ્કૃતિ અને વિશ્વની મોટી ક્રાંતિઓની વાતો થતી. ભગતસિંહ યુવાનોને અસ્પૃશ્યતા-કોમવાદનો ત્યાગ કરવાની, બુદ્ધિવાદી-વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાની અને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવાની પ્રેરણા આપતા. સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું. શિવરામ હરિ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડા ખાતે થયો હતો. રાજગુરુ વારાણસીમાં સંસ્કૃત ભણતો. શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત હતા. હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં જોડાયા પછી પંજાબ અને યુ.પી. તેનું કાર્યક્ષેત્ર બન્યું હતું.
ચૌરી-ચૌરા પછી મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન પાછું ખેંચ્યું ત્યાર પછી ભગતસિંહ, ચંદ્રશેખર અને બિસ્મિલ જેવા હજારો યુવાનો અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ તરફ વળ્યા. 30 ઓક્ટોબર 1928ના રોજ, લાહોરમાં સાયમન કમિશન વિરુદ્ધ સરઘસ કાઢવામાં આવ્યું, જેના પર લાઠીચાર્જ કરવાનો હુકમ પંજાબ પોલિસના અધિક્ષક, જેમ્સ એ. સ્કોટે આપ્યો. આ લાઠીચાર્જમાં લાલા લજપત રાય ખરાબ રીતે ઘાયલ થયા અને 18 દિવસ પછી સારવાર પછી 17 નવેમ્બર 1928ના રોજ તેમનું મૃત્યુ થયું.
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ લાલાજીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. બરાબર એક મહિના પછી, 17 ડિસેમ્બર 1928ના રોજ ત્રણેય યોજના મુજબ લાહોરમાં પોલિસ હેડક્વાર્ટરની બહાર પહોંચ્યા. જો કે, સ્કોટની જગ્યાએ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલિસ જોન પી સોન્ડર્સ બહાર આવ્યા અને ઠાર થયા. પછીના વર્ષે વિધાન સભામાં ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ અને ‘પબ્લિક સેફ્ટી બિલ’ પર ચર્ચા થઈ રહી હતી. ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ પહેલેથી જ પસાર થઈ ચૂક્યું હતું, જે અંતર્ગત કામદારોની હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે, ‘પબ્લિક સેફ્ટી બિલ’ દ્વારા, બ્રિટિશ સરકાર શંકાસ્પદોને સુનાવણી વિના કસ્ટડીમાં રાખી શકતી હતી.
ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ગૃહની ખાલી જગ્યામાં બે બોમ્બ ફેંક્યા. વિસ્ફોટ સમયે ગૃહમાં સર જોન સિમોન, મોતીલાલ નેહરુ, મોહમ્મદ અલી ઝીણા, આર.એમ. જયકર અને એન.સી. કેલકર પણ હાજર હતા. બોમ્બ ધડાકા પછી પેમ્ફલેટ ફેંકવામાં આવ્યાં, ‘બહેરાઓને સાંભળવા માટે જોરથી ધડાકાની જરૂર છે.’ ભગતસિંહ અને બટુકેશ્વર ધરપકડ વહોરી લેશે તે અગાઉથી નક્કી હતું.
લાહોર જેલમાં પહોંચતાની સાથે જ ભગતસિંહે પોતાને રાજકીય કેદી ગણવા અને અખબારો અને પુસ્તકો આપવાની માગણી કરી. માગ નકારી કાઢવામાં આવી. ભગતસિંહ અને તેમના સાથીઓએ જેલમાં લાંબી ભૂખ હડતાલ કરી.
જુલાઈમાં સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ. 7 ઓક્ટોબર 1929ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી.
ફાંસીના બે કલાક પહેલા તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા આવ્યા. ભગતસિંહને ફાંસીની ખબર હતી, પણ તેમણે મહેતાને પૂછ્યું કે તમે મારું પુસ્તક ‘રિવોલ્યુશનરી લેનિન’ લાવ્યા છો કે નહીં? મહેતાએ પુસ્તક આપ્યું ત્યારે તેમણે એ જ સમયે વાંચવાનું શરૂ કર્યું. મહેતાએ પૂછ્યું કે તમે દેશને કોઈ સંદેશ આપવા માંગો છો? ભગતસિંહે પુસ્તકમાંથી મોં ઊંચું કર્યા વિના કહ્યું, ‘માત્ર બે સંદેશ … સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઈન્કલાબ ઝિંદાબાદ!
ભગતસિંહની ફાંસીની વાત આવે ત્યારે મહાત્મા ગાંધી તેમની સજા માફ કેમ ન કરાવી એ સવાલ મનમાં આવ્યા વિના રહેતો નથી. ફાંસીના દિવસે વહેલી સવારે તેમણે વાઇસરૉયને એક ભાવસભર પત્ર લખ્યો હતો જેથી વાઈસરૉય પર સજા માફ કરવાનું સારું એવું દબાણ આવ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિરોધી લોકલાગણીના પ્રચંડ ઊભરા વચ્ચે ગાંધીજીએ ભગતસિંહની બહાદુરીને પ્રમાણવા છતાં, તેમના રસ્તાનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો અને તેના ગેરફાયદા બતાવ્યા. એક નેતા તરીકે ગાંધીજીની આ નૈતિક હિંમત હતી, જે યાદ રાખવી જોઈએ.
ભગતસિંહ પોતે સજામાફી માટે પત્ર લખવા તૈયાર ન હતા. તેમના પિતાએ આવી રજૂઆત કરી ત્યારે ભગતસિંહે તેમને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો. ગાંધીજી સજા માફ ન કરાવી શક્યા, એ મુદ્દે ભગતસિંહને કશો કચવાટ હતો કે નહીં એ જાણવા મળતું નથી. પણ તેમની પ્રકૃતિ જોતાં, એવો કચવાટ હોવાની સંભાવના નહીંવત છે.
ઉર્વીશ કોઠારી કોમવાદ અને રાષ્ટ્રવાદની ભેળસેળનાં મૂળિયાં કેટલાં જૂનાં છે તેનો ખ્યાલ આપતી હકીકત નોંધે છે કે ભગતસિંહની ફાંસી પછી ફરજિયાત શોક પળાવવાની લ્હાયમાં કાનપુરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં, જે ઠારવા જતાં ગણેશશંકર વિદ્યાર્થી મોતને ભેટ્યા. આપણા દેશનું આ કમનસીબ છે.
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી અપાઈ ત્યારે ઝવેરચંદ મેઘાણીએ રુંવાડાં ઊભાં થઈ જાય એવું કાવ્ય લખ્યું હતું, જેની અંતિમ પંક્તિઓ હતી,
‘વીરા! એ તો ફાંસી રે નહીં, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો જી
વીરા! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો જી’
રાષ્ટ્રીય શાયર જ આવું લખી શકે …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 માર્ચ 2025