જ્યોતિબા ફૂલે
(11/04/1827- 28/11/1889)
ઇસુની ચૌદમીથી સોળમી સદી સુધીનો સમય યુરોપનો નવજાગરણકાળ ગણાય છે. આ નવજાગરણ આંદોલને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સાહિત્યિક અને ધાર્મિક દૃષ્ટિકોણમાં પરિવર્તન આણ્યું. ભારતમાં નવજાગરણની શરૂઆત બંગાળથી થઇ. બંગાળમાં રાજારામ મોહનરૉયે શરૂ કરેલા આ સંઘર્ષને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે આગળ ધપાવ્યો, જ્યારે મહારાષ્ટ્રમાં આ સંઘર્ષના અગ્રણી હતા, મહાત્મા પૂર્વેના મહાત્મા “જ્યોતિબા ફૂલે”.

વિરાગ સૂતરિયા
પૂણે શહેરમાં ગોવિંદરાવ અને ચિમણાબાઇને ત્યાં 1827ની 11 એપ્રિલે તેમનો જન્મ થયો. તે સમયે સમાજમાં રૂઢિવાદીઓ, પરંપરાવાદીઓ, ધાર્મિક અંધશ્રદ્ધાળુઓનો દબદબો હતો. તથાકથિત પછાત ગણાતી, દલિત ગણાતી માળી જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો. જ્યોતિરાવના પૂર્વજો ફૂલોની ખેતી કરતા હતા. જ્યોતિરાવના પિતા અને સંબંધીઓ પણ ફૂલોની માળા બનાવીને વેચવાનું કામ કરતા હતા, તેથી તેઓ ‘ફૂલે’ તરીકે ઓળખાતા. જ્યોતિરાવ માત્ર નવ મહિનાના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મોટા પુત્ર રાજારામ અને માત્ર નવ મહિનાના જ્યોતિરાવના ઉછેરની ચિંતા પિતાને કોરી ખાતી હતી. પણ, જ્યોતિરાવની માસિયાઇ બહેન સગુણાબાઇએ જ્યોતિરાવના પાલન-પોષણ-ઉછેરની જવાબદારી ઉપાડી લીધી, ત્યારે ગોવિંદરાવે હાશ અનુભવી.
ઔપચારિક શિક્ષણની દૃષ્ટિએ અભણ એવી સગુણાબાઇ સ્વભાવે સાહસિક હતી. જ્હોન નામના અંગ્રેજના ઘેર કેરટેકર તરીકે કામ કરતી સગુણાબાઇ થોડુંઘણું અંગ્રેજી પણ શીખી ગઇ હતી. જ્હોનનાં બાળકોની સાથે – સાથે સગુણાબાઇએ જ્યોતિરાવનો પણ સરસ ઉછેર કરવા માંડ્યો. એની ઇચ્છા તો જ્યોતિરાવને ભણાવી-ગણાવીને ખ્રિસ્તી ફાધર બનાવવાની હતી.
1833માં જ્યોતિરાવને વિનાયકરાવ જોશી નામના બ્રાહ્મણ શિક્ષક પાસે ભણવા માટે મૂકવામાં આવ્યા. વિનાયકરાવ પણ ઇચ્છતા હતા કે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ જ્યોતિરાવ ‘ચર્ચ ઑફ સ્કૉટલેન્ડ મિશન’ નામની અંગ્રેજી શાળામાં આગળ ભણે. જ્યોતિરાવ અંગ્રેજી શાળામાં વધુ ભણવાના હોવાની જાણ સગાં-સંબંધીઓ-પરિચિતોમાં થતાં તે બધાં એ જબરજસ્ત વિરોધ કર્યો અને કહ્યું કે, ‘અંગ્રેજી શાળામાં ભણીને જ્યોતિરાવ બગડી જશે.’ આ દબાણ આગળ પિતાને ઝૂકવું પડ્યું અને જ્યોતિરાવને ભણવામાંથી ઉઠાડી મૂક્યા. અને પરંપરાગત ફૂલોની ખેતી કરવા જોતરી દીધા. એ જ પરંપરામાં આગળ વધી તેર વર્ષની વયે તેમનાં લગ્ન આઠ વર્ષની સાવિત્રી સાથે કરી દેવામાં આવ્યાં.
જ્યોતિરાવનું શિક્ષણ બંધ થવાથી પિતા ગોવિંદરાવ તો દુઃખી હતા જ પણ જ્યોતિરાવને શિક્ષિત કરવાનું સપનું જોનારી સગુણાબાઇ તો એથી પણ વધુ દુ:ખી હતાં. રોજ રાતે ઘરમાં દીવાના અજવાળે વાંચન-અધ્યયનમાં રત જ્યોતિરાવની પૂંઠે પ્રેરણા તો સગુણાબાઇની હતી. લિજિટ નામના એક ખ્રિસ્તી સજ્જન સાથે સગુણાબાઇનો પરિચય થયો. મુનશી ગફ્ફારબેગ લિજિટ સાહેબના મિત્ર હતા, વળી તેઓ ગોવિંદરાવને પણ ઓળખતા હતા. સગુણાબાઇએ લિજિટ સાહેબ દ્વારા ગફ્ફારબેગને જ્યોતિરાવનું શિક્ષણ આગળ વધે તે માટે ગોવિંદરાવને સમજાવવા માટે મોકલ્યા. અને પરિણામ સ્વરૂપ ઇ.સ. 1841માં ‘સ્કૉટિશ મિશન હાઇસ્કૂલ’માં જ્યોતિરાવનું શિક્ષણ પુનઃ આરંભાયું. સ્કૂલમાં જ્યોતિરાવની મિત્રતા સદાશિવ ગોવંડે નામના ઉદાર બ્રાહ્મણ સાથે થઇ જે આજીવન ટકી.
આધુનિક શિક્ષણ મેળવનાર ઘણા લોકો તે સમયે કુસંસ્કારોથી દૂર થઇ ગયા હતા. જ્યારે આધુનિક શિક્ષણ-વિચારથી દૂર કેટલાયે લોકો જાતિભેદ, અસ્પૃશ્યતા, ઊંચ-નીચ વગેરેથી ગ્રસિત હતા. સૈકાઓથી અસ્પૃશ્ય ગણાતા તેમ જ પછાત ગણાતા લોકોએ મજબૂરીવશ પોતાનો અમાનવીય દરજ્જો સ્વીકારી લીધો હતો. અન્યાય સામે ઊંચી આંખે જોવાનું પણ તેઓ ભૂલી ગયા હતા. પેશવા રાજમાં તો સ્થિતિ એટલી બદતર હતી કે કથિત અસ્પૃશ્યનો પડછાયો પણ ઉચ્ચ ગણાતી બિન અસ્પૃશ્ય જાતિના માણસ પર પડે તો પણ અભડાઇ જવાતું. એટલે તો અસ્પૃશ્યોને ગામ-નગરમાં આવવું હોય તો તેઓ સવારે બપોર પહેલાં કે નમતી સાંજે પડછાયો ટૂંકો પડતો હોય ત્યારે આવતા કે જેથી તેમનો પડછાયો કોઇને અભડાવે નહીં. વળી, રસ્તા પર થૂંકાય પણ નહીં. થૂંક રસ્તા પર પડવાથી કે પગલાંથી અભડાયેલ ધરતીને શુદ્ધ કરવાના ઉપાયો પણ ત્યારે મોજૂદ હતા અને કડક રીતે તેનો અમલ પણ થતો હતો. આ સિવાય અનેક હ્રદયવિદારક રિવાજો, નિયમો અને પરંપરાઓ હતી. વળી, સ્ત્રીઓની સ્થિતિ પણ એવી જ દયનીય હતી. એ સમયે કેટલાક નવશિક્ષિતો પત્રિકાઓમાં કામ કરતા હતા. કેટલીક પત્રિકાઓમાં સ્ત્રીઓ અને અસ્પૃશ્યોની રૂંવાડાં ઊભાં કરી દે એવી સ્થિતિની ચર્ચાઓ પણ છપાતી હતી.
જ્યોતિરાવે પણ જાતિપ્રથા અને ધાર્મિક કુરિવાજો સામે સંઘર્ષ કરવાનું નક્કી કર્યું. જ્યોતિરાવના બ્રાહ્મણ મિત્ર સખારામ યશવંત પરાંજપેના ભાઇના લગ્નની જાનમાં જોડાવા ગયેલા જ્યોતિરાવને માત્ર એમની કથિત નિમ્ન જાતિના લીધે જાનમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા. આ ઘટનાએ જ્યોતિરાવના મનમાં જાતિપ્રથાને દૂર કરવાના સંઘર્ષના નિર્ણયને વધુ પાકો કર્યો. સામાજિક- જાતિગત અન્યાય, શોષણથી પીડીત, અન્યાયપૂર્ણ આદેશો માનવા મજબૂર, ગુલામો કરતાં પણ બદતર સ્થિતિમાં સબડતા દલિત વર્ગની પીડાને વાચા આપતાં લખાણો એમણે હિંમતભેર લખ્યાં.
ઇ.સ.1846-47માં લહુજીબુઆ નામના ધાર્મિક વ્યક્તિ પૂણેમાં રહેતા હતા અને ગુરુજી તરીકે ઓળખાતા હતા. જ્યોતિરાવ એકવાર જ્યૉર્જ વૉશિંગ્ટનની જીવની લેવા એમના ઘેર ગયા. ત્યારે પુસ્તકની આપ-લે વખતે એમણે દસ વર્ષની અને માત્ર આઠ દિવસના લગ્નજીવન બાદ વિધવા થયેલી એમની દીકરી જોઇ. જ્યોતિરાવ એના પુનઃલગ્ન વિષે ગુરુજીને વાત કરે છે, લાંબી ચર્ચા થાય છે. ગુરુજી ઉત્તર આપે છે કે,’છી! આવી અધર્મની વાત બીજીવાર ભૂલથી પણ ના કરતા.’ જ્યોતિરાવ ચર્ચા અટકાવી ત્યાંથી નીકળી ગયા પણ એ સમયની પ્રમુખ સમસ્યા વિધવાઓની સ્થિતિ, બાલવિધવાઓની સ્થિતિ અંગે કંઇક નક્કર કામ કરવાનો અંકુર મનમાં ફૂટ્યો.
એકવીસ વર્ષની વયે જ્યોતિરાવનું વિદ્યાલયીન શિક્ષણ પૂર્ણ થયું. એમણે અભ્યાસક્રમની સાથે ગીતા, ઉપનિષદ, પુરાણકથાઓ, કેટલાક ધાર્મિક પુરુષોનાં જીવન ચરિત્રોની સાથે સાથે પશ્ચિમી સાહિત્ય, મિલ, સ્પેન્સર, થોમસ પેન વગેરે દાર્શનિકોના સાહિત્યનું પણ અધ્યયન કર્યું. થોમસ પેનના ‘મનુષ્યના અધિકારો’થી તો તે ખૂબ જ પ્રભાવિત હતા.
આ દરમિયાન તેઓ અહમદનગરમાં નોકરી કરતા તેમના મિત્ર સદાશિવ ગવાંડેને મળવા જાય છે. ત્યાં મિશનરી સ્વયંસેવિકા તરીકે કામ કરતી કુમારી ફર્રારને મળવાનું થાય છે. તેમની વચ્ચેની ચર્ચામાં નિષ્કર્ષ નીકળે છે કે, સ્ત્રીઓના વિકાસ વગર સમાજનો વિકાસ શક્ય નથી અને એ માટે શિક્ષણ પાયાની શરત છે, જ્યોતિરાવ સ્ત્રી શિક્ષણ માટે પૂણેમાં વિદ્યાલયની સ્થાપનાનો નિર્ણય લે છે. આ અગાઉ અંગ્રેજોએ 1821માં પૂણેમાં હિંદુ (સંસ્કૃત) કૉલેજની સ્થાપના કરી હતી. ત્યારની સરકારે 1825માં મુંબઇમાં બુનિયાદી શિક્ષણ આપવાનું કાર્ય આરંભ્યું હતું. વળી મિશનરી શાળાઓ પણ ચાલુ થઇ હતી. આધુનિક શિક્ષણની આ સુવિધાઓ માત્ર ઉચ્ચ વર્ણો સુધી સિમિત હતી. વળી, રૂઢિચુસ્તો તો આધુનિક શિક્ષણને ધર્મ વિરુદ્ધનું કાવતરું માનતા હતા. ચામડાની બાંધણી ધરાવતાં પુસ્તકો, શાહી વગેરેના સ્પર્શથી ધર્મ ભ્રષ્ટ થવાની માન્યતા હતી. વળી શાળામાં કથિત નીચી જાતિનાં બાળકો સાથે ઊંચી જાતિનાં બાળકો અડ્યાં હોય તો અભડાઇ જવાય એટલે બાળક ઘેર આવે એટલે સ્નાન કરાવીને શુદ્ધ કરીને જ ઘરમાં પ્રવેશ અપાતો. આ સમયે અતિ દલિત વર્ગોને તો શિક્ષણનો અધિકાર જ નહોતો.
આવા માહોલમાં પણ કેટલીક પ્રગતિશીલ વ્યક્તિઓએ 1830માં અંગ્રેજોની મદદથી પૂણેમાં સ્ત્રીઓનાં શિક્ષણ માટે ગુપ્તરાહે પ્રયત્નો આદર્યા હતા. પણ એ આગળ વધી ના શક્યા. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા બાલશાસ્ત્રી જામ્બેકર ધાર્મિક કુરિવાજો, અંધશ્રદ્ધા, વિધવા પુનઃલગ્ન વિશે ખૂલીને બોલતા હતા. તેઓ સુધારાઓ માટે આગળ આવ્યા હતા. આ જ સમયે ધાર્મિક સુધારાથી સામાજિક સુધારાની દિશામાં કામ કરવા માટે દાદા વયાતર ખાદકરે ‘પરમહંસ સભા’ની સ્થાપના કરી. અને 1848ની પહેલી જાન્યુઆરીએ જ્યોતિરાવે પૂણેમાં સ્ત્રીઓ માટે પ્રથમ સ્કૂલની શરૂઆત કરી. અંધવિશ્વાસથી મુક્ત એવા તાત્યાસાહેબ જે ખુદ એક બ્રાહ્મણ પરિવારના હતા, એમણે શાળા માટે જમીન તો આપી સાથે સાથે શાળા ચાલુ રાખવા માટે દર મહિને પાંચ રૂપિયાની મદદ આપવાનું પણ કહ્યું હતું.
શાળા તો ખૂલી ગઇ, પણ છાત્રાઓ ક્યાં? જ્યોતિરાવે શાળામાં પહેલું નામ પત્ની સાવિત્રીનું લખાવ્યું. સાથે સાથે પરિચિત ઘરોની છોકરીઓને શાળામાં લાવવા લાગ્યા. રૂઢિચુસ્તોએ આને ધર્મવીરોધી, દલિતો અને દાસોને બ્રાહ્મણ બરોબર લાવવાનું કાવતરું ગણાવ્યું પણ તેઓ જ્યોતિરાવને નમાવી ન શક્યા. એટલે એમના પિતા પર દબાણ લાવવાનું ચાલુ કર્યું. જ્યોતિરાવ શાળા બંધ કરે અથવા એને ઘરનિકાલ કરો. આવું જ ચાલશે તો તમારી ચાલીસ પેઢી નર્કમાં સબડશે,વગેરે ધમકીઓ આપવામાં આવી. પિતા પાડોશીઓના ડર આગળ પ્રતિકાર કરી શકે એમ નહોતા, પણ જ્યોતિરાવ આ ધમકીઓ સામે ન ઝૂક્યા અને શાળા – શિક્ષણ માટે થઇને એમણે પત્ની સાથે ઘર છોડી દીધું. ઘર છોડ્યા બાદ જીવન નિર્વાહ માટે એમણે કોન્ટ્રાક્ટર તરીકે કામ ચાલુ કર્યું.
શાળામાં છાત્રોની સંખ્યા વધવા લાગી, તેમાં કેટલીક કથિત અછૂત વર્ગની છાત્રાઓ પણ હતી. તે સૌને ભણાવવા શિક્ષકોની કમી હતી. જ્યોતિરાવે છાત્રાઓને ભણાવવાની જવાબદારી સાવિત્રીબાઇને સોંપી. શાળા ખૂલી એ પહેલાં જ્યોતિરાવે સાવિત્રીબાઇને ઘેર ભણાવ્યાં હતાં એટલે સાવિત્રીબાઇ એ કામ કરી શકે એમ હતાં. સાવિત્રીબાઇ ઘેરથી શાળામાં જતાં, ત્યારે રસ્તામાં રૂઢિચુસ્તો તેમને અપશબ્દો બોલતા, એમના પર ગંદકી ફેંકતા. સાવિત્રીબાઇ આ બધું સહન કરીને પણ મક્કમતાથી, ડર્યા વગર સ્કૂલે જઇ પોતાનું કામ કરતાં. તેઓ પોતાની સાથે થેલીમાં ત્રણ સાડી રાખતાં હતાં, રસ્તામાં રૂઢિચુસ્તોએ ગંદકી ફેંકીને બગાડેલી સાડી તેઓ શાળામાં જઇને બદલી નાખતાં. સાવિત્રીબાઇ સાથે બનતી આ ઘટનાઓ વધવા લાગી, ત્યારે તાત્યાસાહેબે એક પહેલવાન વ્યક્તિને સાવિત્રીબાઇ સાથે મોકલવાનું ચાલુ કર્યું. સાથે બલવંત સખારામ કોંડે પણ જવા લાગ્યા. તેનાથી આવી ઘટનાઓ બંધ થઇ. દરમિયાન કત્રે નામના બ્રાહ્મણ શિક્ષક પણ જ્યોતિરાવની શાળામાં જોડાયા. જ્યોતિરાવે બીજી પણ બે શાળાઓ રાસ્તાપેઠ અને બેતાલપેઠમાં ચાલુ કરી. 15 મે 1848માં જ્યોતિરાવે નાનાપેઠમાં નવી મિશ્ર શાળા શરૂ કરી, ભારતમાં અસ્પૃશ્યો માટેની એ પ્રથમ શાળા ગણાય છે. આ શાળાની જવાબદારી સગુણાબાઇએ ઉપાડી લીધી. પછી સાવિત્રીબાઇ ત્યાં ભણાવવા લાગ્યાં. ધીમેધીમે ચાર વર્ષમાં પૂણેમાં અઢાર શાળાઓ ખોલી. આ શાળાઓ સદીઓથી વિદ્યાથી વંચિત રહેલાઓ માટે જ્ઞાન અને મુક્તિનાં પ્રવેશદ્વારો હતાં.
જ્યોતિરાવનું કામ અને કીર્તિ ફેલાતાં જતાં હતાં. શિક્ષણ વિભાગના અંગ્રેજ અધિકારીઓની સાથે વહીવટી હોદ્દાઓ પર રહેલા અંગ્રેજ અધિકારીઓ પણ જ્યોતિરાવનાં કામથી પ્રભાવિત હતા. તેઓ એમ માનતા હતા કે સરકારે કરવાનાં કામ એકલા જ્યોતિરાવ કરી રહ્યા છે. મુંબઇ પ્રાન્તના એજ્યુકેશન બૉર્ડના પ્રેસીડેન્ટ સર એટાસ્કીન પૈરીએ મુંબઇ સરકારે જ્યોતિરાવનું સન્માન કરવું જોઇએ એવું સૂચન કર્યું અને સરકારે એ સ્વીકાર્યું. 16 નવેમ્બર 1852ના દિવસે પુણેના વિશ્રામવાડામાં આ સન્માન સમારંભ યોજાઓ. પણ, એ પહેલાં સન્માન સમારંભના સમાચાર છાપામાં છપાયા, ત્યારે રૂઢિચુસ્તો, કટ્ટર ધાર્મિકો, વર્ણવાદીઓની પ્રતિક્રિયા હતી,’ જેનો બાપ અભણ માળી છે એવા દલિતનું સન્માન!!!’ કટ્ટરપંથીઓના દુઃખ વચ્ચે પણ ત્રણેક હજાર લોકોની ઉપસ્થિતિમાં સમારંભ યોજાયો, જેમાં મુંબઇ પ્રાન્તના ગવર્નર મુખ્ય અતિથિ હતા. જ્યારે પુણે કૉલેજના મેજર કેન્ડીએ બાકીની જવાબદારી ઉપાડેલી. અનેક અંગ્રેજ અધિકારીઓ, સુજ્ઞ નાગરિકોની ઉપસ્થિતિમાં સમારંભ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પછી જ્યોતિરાવ સ્કૉટિશ સ્કૂલમાં થોડો સમય અધ્યાપક રહ્યા અને પૂણેમાં રાત્રિશાળા પણ ચાલુ કરી.
એ સમયે બાલવિવાહ અને વિધવા વિવાહનો પ્રશ્ન પણ ઘણો પેચીદો હતો. વિધવાઓની સ્થિતિ નર્કાગાર સમી હતી. આધુનિક શિક્ષણના પ્રસાર અને સામાજિક પરિસ્થિતિને કારણે વિધવા વિવાહના પ્રશ્ને એક ચોક્કસ મત પણ તૈયાર થવા લાગ્યો હતો. બંગાળમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે જેમ વિધવા વિવાહ માટે કામ કર્યું, તેમ મહારાષ્ટ્રમાં પંડિત વિષ્ણુશાસ્ત્રીએ કામ કર્યું. એના લીધે તો તેઓ ‘મહારાષ્ટ્રના વિદ્યાસાગર’ તરીકે ઓળખાયા. વિધવા વિવાહ ક્ષેત્રે કામ કરવા માટે તો તેમણે 1864માં નોકરી છોડી દીધી. પંડિત વિષ્ણુશાસ્ત્રીએ 1840માં વિધવા વિવાહ પર એક પુસ્તક લખ્યું અને 1842માં બેલગામમાં બે વિધવા વિવાહનું આયોજન થયું, ઝાઝો પ્રચાર-પ્રસાર ન થતાં આ ઘટના સમાજમાં વધુ હલચલ મચાવી શકી નહીં. વિધવાઓની અસહનીય સ્થિતિ, એની સામાજિક અસરો વિષે સતત ચર્ચાઓ ચાલતી, લેખો લખાતા હતા. 1853ની સાલમાં મુંબઇની ધારાસભામાં ‘વિધવાઓના પુનઃલગ્ન’ વિષયે એક સભા યોજાઇ હતી. પણ, કટ્ટરવાદીઓના વિરોધના કારણે એ સભા ભંગ કરવી પડી હતી. દરમિયાન ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના સતત પ્રયત્નોને લીધે અંગ્રેજોએ 25 જુલાઇ 1856ના રોજ વિધવા વિવાહનો કાયદો કર્યો જેથી એને કાનૂની આધાર મળ્યો. પરંતુ, ધાર્મિક કટ્ટરપંથીઓનો વિરોધ તો હજુ એમ જ હતો. જ્યોતિરાવે વિધવાઓના પુનઃલગ્ન સંબંધે કટ્ટરપંથીઓને આગ લાગે એવા ઘણા લેખ લખ્યા. એમણે પતિ પાછળ પત્ની સતી થાય પણ પત્ની પાછળ પતિ કેમ સતી નથી થતા? શા માટે પત્ની મૃત્યુ પામતાં તેઓ આજીવન વિધુર જીવન નથી ગાળતા ? એવા પ્રશ્નો – ચર્ચાના મુદ્દા પોતાના લેખોમાં વણી લીધા. તેમણે કહ્યું કે, વિધવાઓનાં પુનઃ લગ્ન એક સામાજિક જવાબદારી છે. સમાજે આગળ આવીને આ કાર્ય કરવું જોઇએ. એમણે વિધવાઓને અપનાવવાની, સન્માન કરવાની અને આશ્રય આપવાની જવાબદારી નિભાવવાની પણ વાત કરી. મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ અને વિષ્ણુશાસ્ત્રીના પ્રયત્નોથી વિધવા વિવાહ એક આંદોલનનું સ્વરૂપ પામ્યું.
વિધવાઓ અને બાળ વિધવાઓના જીવનની એક મોટી સમસ્યા હતી પુરુષની જબરજસ્તી કે પ્રલોભનના ભોગ બનવું. આવી રીતે ભોગ બનેલી વિધવાઓ ઘણીવાર ગર્ભવતી પણ બનતી. આવી સ્થિતિમાં તેઓ આત્મહત્યા કરતી અથવા તો ગર્ભપાત કરાવી દેતી. એકવાર બ્રાહ્મણ ઘરની એક વિધવાને આવી જ સ્થિતિમાં જ્યોતિરાવ આત્મહત્યા કરતાં બચાવીને ઘેર લાવે છે. એની આખી વાત સાંભળે છે. એને મદદ પણ કરે છે. એની પ્રસુતિ બાદ એનું નામકરણ ધામધૂમથી કરે છે. એ બાળકનો ઉછેર સાવિત્રીબાઇ કરે છે. મોટો થઇને એ બાળક ડૉક્ટર પણ બને છે. પણ, આ તો એકલ દોકલ કિસ્સો થયો. આવી સમસ્યા તો કેટલીયે વિધવાઓની હતી. જ્યોતિરાવ એના ઉકેલ માટે ‘ગર્ભગૃહો’ ચાલુ કરે છે. અને ‘શિશુ હત્યા પ્રતિરોધક સમિતિ’ પણ બનાવે છે. વિધવાઓનું શારીરિક આકર્ષણ ખતમ કરવા માટે એ સમયે વિધવાઓનું મુંડન કરવાની પ્રથા હતી. જ્યોતિરાવ એનો વિરોધ કરે છે. પણ એમાં સફળતા ન મળતાં તેઓ ‘નાઇ’ઓને સમજાવે છે. અને વિધવાઓનું મુંડન ન કરવા એમને સંગઠિત પણ કરે છે. એ સમયે બાળક ન થતાં પુરુષ બીજું લગ્ન કરતો અને એક પત્ની હયાત હોવા છતાં પણ બીજા લગ્નને સામાજિક સ્વીકૃતિ પણ હતી. ઘણા લોકો માત્ર મોજશોખ ખાતર પણ એકથી વધુ લગ્નો કરતા. જ્યોતિરાવને સંતાન નહોતું. એમણે બધાના આગ્રહ છતાં એકપત્નીત્વ જ પાળ્યું. બહુપત્નીત્વ વિષે એમણે એમના ‘સાર્વજનિક સત્યધર્મ’ પુસ્તકમાં પણ લખ્યું છે.
આ સામાજિક કુરિવાજોની સામેની લડાઇ કરતાં જુદો જ મોરચો ભારતની વર્ણ(અ)વ્યવસ્થાના કારણે ઊભી થયેલી અસ્પૃશ્યતા સામે લડવાનો હતો. અસ્પૃશ્યતા બહુવિધ સ્વરૂપે એકવીસમી સદીમાં પણ એની હાજરી પૂરાયે જતી હોય તો ઓગણીસમી સદીમાં તો એનું સ્વરૂપ કેવું અમાનવીય અને ભયંકર હશે. પ્રાણીઓ કરતાં પણ બદતર જિંદગી વેંઢારતાં દેશનાં લાખો – કરોડો અસ્પૃશ્યો કોઇ પણ સાર્વજનિક વ્યવસ્થાનો ઉપયોગ બિનઅસ્પૃશ્યો સાથે કરી શકતાં નહીં. પ્રેમચંદની’ ઠાકુર કા કુઆં’ કે શરદચંદ્રની ‘મહેશ’ વાર્તા કે ધીરુબહેનની’ ભવની ભવાઇ’, કે ‘જૂઠન’ કે અન્ય અર્વાચીન દલિત લેખકોની કૃતિઓ અસ્પૃશ્યતાનો સામાન્ય, અછડતો પરિચય આપી શકે.
દલિતો માટે એ સમયે પીવાના પાણી માટે સાર્વજનિક સ્રોતોનો ઉપયોગ સ્વપ્નવત્ હતો. ત્યારે જ્યોતિરાવ પોતાના ઘરનો કૂવો અસ્પૃશ્યો માટે ખુલ્લો મૂકે છે. સૈકાઓથી અસ્પૃશ્યતાનો ભોગ બનેલો સમુદાય પાણી લેવા જતાં અચકાય છે, ત્યારે જ્યોતિરાવ સામેથી બોલાવીને પાણી ભરી આપી તેમનો સંકોચ દૂર કરે છે. ભારતની વર્ણવ્યવસ્થા ગુલામીપ્રથા કરતાં પણ વધુ અમાનવીય છે. 1873 માં પ્રગટ થયેલા એમના પુસ્તક ગુલામગીરીમાં જ્યોતિરાવે કેવી રીતે બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ શિક્ષણ, જમીન અને સંપત્તિનાં સાધનોથી દૂર કરી શુદ્રો અને અસ્પૃશ્યોને નર્કથી પણ ભૂંડી વ્યવસ્થાના ગુલામ બનાવ્યા એનું વિશ્લેષણ છે. આ પુસ્તક આવ્યું ત્યારે અમેરિકાના ગૃહયુદ્ધને એક સદી થઇ હતી.
જ્યોતિરાવ સમાજમાં સાચા અર્થમાં પ્રતિષ્ઠિત થતા જતા હતા. લોકો એમને પ્રેમ, આદર, સન્માનની નજરે જોતા હતા. મહારાષ્ટ્રમાં વ્યક્તિને સન્માન આપવા એના નામની પાછળ ‘બા’ જોડવામાં આવે છે. લોકો જ્યોતિરાવને પણ ‘જ્યોતિબા’થી સંબોધવા લાગ્યા.
1864માં જ્યોતિબાના પિતાનું અવસાન થતાં એમની પાછળ શ્રાદ્ધ ભોજન કરાવવાનું દબાણ થયું. સામાજિક કુરિવાજોથી દૂર એવા જ્યોતિબાએ આમંત્રિત સંબંધીઓને ભોજન ન કરાવ્યું પણ ગરીબ-ભિખારીઓને ભોજન કરાવ્યું. અને પિતાની યાદમાં ગરીબ-વંચિત વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી વહેંચી. આ સીલસીલો એમણે દર વર્ષે પિતાની તિથિએ ચાલુ રાખ્યો.
જ્યોતિરાવે મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી શિક્ષિત અને પ્રગતિશીલ વ્યક્તિઓને 23 સપ્ટેમ્બર 1873ના દિવસે પૂણેમાં આમંત્રિત કર્યા. તેમનો ઉદ્દેશ હતો સમાજ સુધારણા માટે એક આંદોલન ઊભું કરવું અને એ માટે ચર્ચા કરવી. ચર્ચાના અંતે ‘સત્યશોધક સમાજ’ નામના સંગઠનની સ્થાપના થઇ. શરૂઆતમાં 48 સભ્યો વાળા આ સંગઠનના પ્રમુખ તરીકે જ્યોતિબા અને સચિવ તરીકે નારાયણરાવ ગોવિંદરાવ કડકલની વરણી થઇ. આ સભ્યોમાં સાવિત્રીબાઇ રોડે અને સાવિત્રીબાઇ ફૂલે પણ સામેલ હતાં. સત્યશોધક સમાજે સમાજ સુધારણા માટે;
1.ઇશ્વર એક છે. સર્વવ્યાપી, નિર્ગુણ, નિરાકાર અને સત્યસ્વરૂપ છે. સર્વ મનુષ્યો તેના પ્રિય પુત્ર છે.
2.ઇશ્વરની ભક્તિ કરવાનો દરેક મનુષ્યને પૂર્ણ અધિકાર છે. જેવી રીતે માતા-પિતાને સંતુષ્ટ કરવા માટે વચેટિયાની જરૂર નથી. એવી રીતે જ પરમેશ્વરની ભક્તિ માટે પણ વચેટિયાની જરૂર નથી.
3.મનુષ્ય જાતિથી નહીં પણ ગુણોથી શ્રેષ્ઠ ગણાય છે.
4.કોઇ પણ ગ્રંથ ઇશ્વર પ્રણીત નથી કે નથી એ ઇશ્વર પ્રણીત હોવાનાં પૂરતાં પ્રમાણ.
5.ઇશ્વર મનુષ્યરૂપે અવતાર લેતો નથી.
6.પુનર્જન્મ, કર્મકાંડ, જપ-તપ વગેરે વાતો અજ્ઞાનમૂલક છે, જેવા સિદ્ધાંતો અપનાવાયા.
સત્યશોધક સમાજના સભ્યો પોતાના સિદ્ધાંતોનો પ્રસાર કરતા. માથે સાફો, ખભા પર કંબલ અને હાથમાં ઢોલ લઇ તેઓ લોકોને એકત્ર કરી શિક્ષણ માટે અને કુરિવાજો વિરૂદ્ધ જાગૃત કરતા. દર રવિવારે સામૂહિક પ્રાર્થના અને સભા થતી. જેમાં મહાપુરુષોના કિસ્સા અને વિચારો મૂકાતા. સત્યશોધક સમાજની શાખાઓ ધીરેધીરે વધવા લાગી દલિત, શ્રમજીવી, ગરીબ મહોલ્લાઓમાં તેનો પ્રસાર થવા લાગ્યો. એની અસર તળે કેટલા ય લોકોએ સામાજિક પ્રસંગોમાં પુરોહિતો દ્વારા કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડો વગર પ્રસંગો ઉજવ્યા. એક કિસ્સામાં તો પુરોહિત વગર લગ્નની કાયદેસરતા ના ગણાય એવો મુકદ્દમો પુરોહિતોએ કૉર્ટમાં દાખલ કર્યો તો એની સામે કાનૂની લડાઇ લડીને પણ વિજય મેળવ્યો.
1876થી 1882 સુધી જ્યોતિબા પૂણે નગરપાલિકાના સદસ્ય રહ્યા. એ દરમિયાન એમણે અસ્પૃશ્યોને પાણી માટે પડતી હાલાકીના ઉકેલ માટે કેટલાક સ્થળોએ પીવાના પાણી અને બીજી સુવિધાઓની વ્યવસ્થા કરાવી. 1880માં એમણે પૂણેમાં દારૂની વધુ દુકાનો ખોલવા સામે વિરોધ કર્યો. એ જ વર્ષે પૂણેની મુલાકાતે આવતા વાઇસરૉય લૉર્ડ લિટનના સ્વાગત માટે કરવામાં આવનાર એક હજારના ખર્ચના પ્રસ્તાવનો પણ બિનજરૂરી કહીને વિરોધ કર્યો. નગરપાલિકાના 32 નામાંકિત સદસ્યોમાંથી આવો વિરોધ કરનાર તેઓ એકલા હતા.
અસ્પૃશ્યો, સ્ત્રીઓની સાથે ખેડૂતોની સ્થિતિથી પણ જ્યોતિબા દ્રવીત હતા. સતત મહેનત કરતો ખેડૂત ઘણીવાર પોતે પણ ભૂખ્યો રહે છે. દેશના મોટા અને મહેનતકશ એવા આ વર્ગની સ્થિતિ સુધરે તો દેશની સ્થિતિ પણ બદલાય. 1885માં જ્યોતિબાએ ‘સુધારાનું વૃક્ષ’ નામનું એક ચિત્ર બનાવડાવ્યું અને એની કેટલી ય નકલો ખેડૂતોમાં વહેંચી. ચિત્રમાં એક ખેડૂતના માથા પર એક વૃક્ષ ઊગેલું બતાવ્યું હતું. જેની ડાળીઓ પર ઊગેલાં શાકભાજી અને ફળ, પુરોહિત, શાહુકાર અને સત્તાધરીઓ ખાતા હતા, જ્યારે એના ભારથી ખેડૂત દબાતો હતો. આ ચિત્રની અસર સારી થઇ. સરકાર એ સમયે ખેડૂતો પાસેથી ‘સ્થાનિક ભંડોળ’ લેતી હતી, પણ એનો કોઇ લાભ ખેડૂતોને મળતો ન હતો. જ્યોતિબાએ તેનો પણ વિરોધ કર્યો. એક ખેડૂત સામે શાહુકારે અદાલતમાંથી આદેશ મેળવી એનું ઘર છીનવી લીધું. આ વાત પ્રસરતાં પૂણે વિસ્તારના બધા ખેડૂતો વિરોધમાં આવ્યા. ઘર, દુકાનો પર હુમલા થયા. પોલીસથી વિદ્રોહ શાંત ન થયો તો સેના બોલાવવી પડી. ઘટના તો શાંત થઇ. પણ ખેડૂતોમાં ચેતના આવી. જ્યોતિબાએ 1883માં કિસાનોની સમસ્યાઓની ચર્ચા કરતું ‘કિસાન કા કોડા’ નામનું પુસ્તક લખ્યું.
કૉંગ્રેસનું 1889નું અધિવેશન મુંબઇમાં મળ્યું. તેના પ્રવેશદ્વારે જ્યોતિબાએ ખેડૂતનું પૂતળું મૂક્યું. તેઓ ખેડૂતોની સમસ્યાઓ તરફે કૉંગ્રેસનું ધ્યાન દોરવા માગતા હતા. તેમણે લખ્યું કે, ‘જ્યાં સુધી કૉંગ્રેસમાં દેશના આ બહુમતિ લોકોનું પ્રતિનિધિત્વ નહીં હોય ત્યાં સુધી લોકોનું નેતૃત્વ કરવામાં તમે અસફળ રહેશો.’
વિચારોના પ્રચાર- પ્રસાર માટે, લોકો સુધી પહોંચવા માટે ‘પત્રિકા’ મહત્ત્વનું માધ્યમ છે. આ વાત સમજતા જ્યોતિબાએ 1 જાન્યુઆરી 1877ના રોજ સત્યશોધક સમાજનું મુખપત્ર ‘દીનબંધુ’ ચાલુ કર્યું. આ સમયે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો. ખોરાક-પાણી વગર લોકો અને પશુઓ કમોતે મરવા લાગ્યાં. જ્યોતિબાએ આની વિગતો શ્રેણીબદ્ધ રીતે ‘દીનબંધુ’માં પ્રગટ કરી. મહારાષ્ટ્રનાં બીજાં પત્રોએ પણ જ્યોતિબાને સાથ આપ્યો.આખરે સરકારને રાહતકાર્યો ચાલુ કરવાં પડ્યાં.
દેશમાં આઝાદી માટેનું આંદોલન પણ સમાંતરે ચાલુ હતું. સ્વતંત્રતા માટે લોકો જાગૃત થતા જતા હતા. વિવિધ પત્ર – પત્રિકાઓમાં જનજાગૃતિની ચર્ચાઓ ચાલુ હતી. એવામાં તિલકના અખબાર ‘કેસરી’ અને અગરકરના અખખબાર ’મરાઠા’માં સરકાર અને રાયબહાદુર મહાદેવ બર્વેની આલોચના કરતા અગ્રલેખ છપાયા. સરકારે બંને પર રાજદ્રોહનો કેસ કર્યો. બંનેને જેલ થઇ. બંનેને બચાવવા કોઇ આગળ આવ્યું નહીં. ત્યારે જ્યોતિબાએ સત્યશોધક સભાના એક સભ્ય અને પ્રભાવી દલાલ એવા રામચંદ્ર ઉરવણે પાસેથી દસ હજાર રૂપિયા લઇ બંનેના જામીન કરાવ્યા. બંનેની સજા પૂરી થયા પછી એમના ભવ્ય સ્વાગતમાં પણ જ્યોતિબા મોખરે હતા. જ્યોતિબાએ સરકારની આલોચના કરતા લેખો પણ ‘દીનબંધુ’માં પ્રકાશિત કર્યા.
દેશમાં ધીમે ધીમે મોટા ઉદ્યોગો, કારખાનાં વિકસતાં જતાં હતાં. તેમાં કામ કરતા શ્રમજીવીઓની સ્થિતિ પણ અત્યંત દયનીય હતી. જ્યોતિબાના એક મિત્ર નારાયણ મેઘાજી લોખંડે મુંબઇમાં મજૂર આંદોલનમાં પહેલેથી સક્રિય હતા. તેઓએ મુંબઇમાં ‘દીનબંધુ’ની જવાબદારી સ્વીકારી. અને તેમણે જ ભારતના પહેલા ટ્રેડ યુનિયન ‘બંબઇ મિલ મજદૂર સભા’ની સ્થાપના કરી.
પૂણેમાં ગ.બા. જોશી નામના સદ્દગૃહસ્થે ‘સાર્વજનિક સભા’ની સ્થાપના કરી હતી. જ્યોતિબા કૉંગ્રેસ અને સાર્વજનિક સભા એમ બંનેના આલોચક હતા. કારણ કે, બંનેમાં અધિકારીઓ, રાયબહાદુરો આને કહેવાતો ભદ્ર વર્ગ સભ્ય હતો. તેમાં ગરીબ, મજદૂર, ખેડૂત, દલિત વગેરે સમાજનો બહુમતી અને નીચલો વર્ગ સભ્ય નહોતો. તેમણે કૉંગ્રેસમાં આ વર્ગના પ્રતિનિધિત્વની માગ કરી.
1885માં મહારાષ્ટ્રના નવવર્ષ ‘ગુડી પડવા’ના દિવસે સત્યશોધક સભા તરફથી લાલ, લીલા, પીળા રંગના એક ઝંડા સાથે વિશાળ સરઘસ આયોજિત કરાયું. આ વિશાળ સરઘસમાં ઘણા લોકો જોડાયા, ઠેરઠેર એનું સ્વાગત થયું. સરઘસના અંતે વિશાળ સભા ભરાઇ. તેમાં ભાષણો થયાં. ‘દીનબંધુ’માં એનો અહેવાલ છપાયો. લોકોએ અનેક સ્થળોએ સત્યશોધક સભાનો વાર્ષિકોત્સવ ઊજવવાનું નક્કી કર્યું. ‘સત્યશોધક નિબંધમાળા’ નામની નિબંધ સ્પર્ધા યોજવાનું નક્કી થયું. સારા નિબંધને પારિતોષિક આપવાનું નક્કી થયું સાથે વક્તૃત્વ સ્પર્ધા યોજવાનું પણ વિચારાયું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ્યોતિબાનાં કાર્યોથી અત્યંત પ્રભાવિત હતા. જ્યોતિબાના સાથીઓ લોખંડે અને કૃષ્ણરાવ માલેકર જ્યારે મહારાજા સયાજીરાવને મળ્યા ત્યારે તેમણે લોકકલ્યાણની ઘણી યોજનાઓ ચાલુ કરવાનું વચન આપ્યું.
24 સપ્ટેમ્બર 1887ના દિવસે પૂણેમાં સત્યશોધક સભાનું ચૌદમું અધિવેશન મળ્યું જેમાં મહારાજા સયાજીરાવ પણ હાજર હતા અને એમની ઉપસ્થિતિમાં જ્યોતિબાને ‘મહાત્મા’ની ઉપાધિથી વિભૂષિત કરવાનું નક્કી થયું. 19 મે 1888ના દિવસે મુંબઇના હકડેઠઠ ભરાયેલા ‘કોલીવાડા’ હૉલમાં જ્યોતિબાને ‘મહાત્મા’ની ઉપાધિથી વિભૂષિત કરાયા. એમણે પોતાના વક્તવ્યમાં ‘ સત્ય- સમતા- સ્વતંત્રતા’ ને નહીં ભૂલવા અનુરોધ કર્યો.
1889માં ઇંગ્લેન્ડની રાણીના પુત્ર ડ્યુક ઑફ કનોટ ભારત આવ્યા હતા. એમના સ્વાગતમાં ઠેર ઠેર ભવ્ય સમારંભો આયોજિત કરાયા હતા. પૂણેમાં પણ એવો જ એક સમારંભ આયોજિત કરાયો હતો. જેમાં ઉત્તમ વસ્ત્રો પહેરીને બધા ઉપસ્થિત રહ્યા હતા. પૂણે નગરપાલિકામાં જેની જોડે જ્યોતિબાએ કામ કર્યું હતું એવા હરિરાવ ચિપલૂણકરે જ્યોતિબાને પણ આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જ્યોતિબા ફાટેલી ધોતી, ફાટેલી પાઘડી અને ફાટેલાં પગરખાં પહેરીને ગયા. દરવાન એમને અંદર ઘૂસવા દેતો નથી. જ્યોતિબા આમંત્રણ કાર્ડ બતાવે છે તો પણ નહીં. દરવાજા પર ઊહાપોહ સાંભળી ચિપલૂણકર ત્યાં જાય છે, અને જ્યોતિબાને અંદર લઇ આવે છે. ડ્યુક દંપતી સાથે તેમનો પરિચય એક મોટા સમાજ સુધારક તરીકે કરાવે છે. પરિચય બાદ ખુરશી પર બેસવાની જગ્યાએ જ્યોતિબા નીચે બિછાવેલ શેતરંજી પર બેસી જાય છે. ઉપસ્થિત સૌ કોઇ ડ્યુકના સન્માનમાં ભાષણ આપે છે. જ્યોતિબા પણ પાંચ મિનિટ માટે બોલવાની અનુમતિ માગે છે. અનુમતિ મળતાં તેઓ કહે છે, “અહીં સુંદર વસ્ત્રો પરિધાન કરીને આવેલા લોકો હિન્દુસ્તાનના સાચા પ્રતિનિધિઓ નથી. એમને જોઇને આપ હિંદુસ્તાનની પરિસ્થિતિ સારી હોવાનું અનુમાન ના કરતા. રાણીની બધી વ્યવસ્થા સારી છે. પણ અહીંની પ્રજાની અવસ્થા કેવી છે એ મારાં વસ્ત્રોથી તમે જાણી શકો છો. અહીં મૃત્યુ પર્યઁત જીવવા માટે પેટ ભરીને ખાવાનું મળતું નથી. રહેવા માટે ઘર નથી મળતું. લોકોની અવસ્થા આવી જ દીન-હીન છે. આપ જઇને રાણીને આ વાત કરજો.”
61 વર્ષની વયે 1888માં જ્યોતિબા બિમાર થયા. સારવારના લીધે જીવી તો ગયા પણ એમનું જમણું અંગ બેકાર થઇ ગયું. તેઓ નિરાશ ના થયા અને ડાબા હાથે લખવાનું અને બીજાં કામ શીખી ગયા. ડાબા હાથે જ તેમણે ‘ સાર્વજનિક સત્યધર્મ’ નામનું પુસ્તક લખ્યું.
આ બિમારીના એક વર્ષ બાદ 28 નવેમ્બર 1889ના રોજ 62 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. 1887માં કરેલા એમના વસિયતનામા પ્રમાણે એમના અંતિમ સંસ્કાર સત્યશોધક સમાજની પદ્ધતિ મુજબ કરવામાં આવ્યા. તેમના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાને બદલે જમીનમાં દફનાવવામાં આવ્યો.
જ્યોતિબાના મૃત્યુ બાદ મહારાષ્ટ્રમાં સમાજ સુધારણાની ચળવળ થંભી ગઇ. એમના વિચારોની ચર્ચા -વિચારણા પણ લગભગ બંધ થઇ ગઇ. એમના જીવનકાર્ય, એમની જીવનચર્યા વર્ણવતી એમની નાનકડી જીવની પણ છેક 1929માં ગાંધારીનાથ પાટીલે લખી.
વર્ષો પછી બાબાસાહેબે જ્યોતિબાના સમાજ સુધારણાના આંદોલનને નવી દિશા આપી. વંચિતો, દલિતોના આંદોલનને લીધે આજે જ્યોતિબા વિષે લોકો જાણતા થયા છે. પણ એ એમના પ્રદાનની વિશાળતા આગળ ખૂબ ઓછું છે. આઝાદી આંદોલનમાં સક્રિય રહેલા અને આંદોલનની ઝીણી ઝીણી વિગતોનું દસ્તાવેજીકરણ કરનાર મહાનુભવોના લેખનમાં પણ જ્યોતિબા વિષે ઝાઝું લખાયું હોય એવું જણાતું નથી. રાજારામમોહન રાયને સુધારક તરીકે આખો દેશ ઓળખે છે. એનાથી પણ વિશાળ ફલક પર સ્ત્રીઓ, વિધવાઓ, બાળવિધવાઓ, બાળલગ્ન, અસ્પૃશ્યો, ખેડૂતો, મજદૂરો એમ ઘણા મોરચે સમયથી આગળ નક્કર કામ કરનાર જ્યોતિબાના પ્રદાન વિષે રાષ્ટ્રવ્યાપી આટલી ઓછી નોંધ કેમ? આ સવાલના જવાબો મળતા નથી.
આજે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ જે સમસ્યાઓ સંપૂર્ણ નાબૂદ થઇ નથી. એના માટે પોણાબસો વર્ષ પહેલાં બાથ ભીડનાર જ્યોતિબાને જન્મ દિને વંદન.
e.mail : viragsutariya@gmail.com