અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ગુરુ’માં તેના પાત્ર ગુરુકાંત દેસાઈનો એક સંવાદ છે. ગુરુકાંત પર કાનૂનોના ઉલ્લંઘન અને અનુચિત રીતે વેપાર કરવાનો આરોપ મુકવામાં આવે છે, ત્યારે તે કહે છે;
“દો કમીઝ એક બીવી ઔર એક સાલે કો લેકર બૉમ્બે આયા થા. સોચા થા બિઝનેસ કરૂંગા. યહાં પહુંચા તો દેખા કી ધંધે કરને કે સારે દરવાજે બંધ થે. વો ખુલતે થે તો સિર્ફ અમીરોં કે લિએ. સરકારી દરવાજે થે યે આપ કે બનાયે હુએ, યા તો લાત માર કે ખુલતે થે યા જી હજુરી કરકે. મૈંને દોનો કિયા. જહાં લાત માર સકતા થા, લાત મારી. જહાં બોલા સલામ દો, મૈંને કહા સલામ લો … મૈં બાપુ નહીં હૂં, મૈં બસ અપના ધંધા કરના જાનતા હૂં. અગર પૈસા બન સકતા થા, તો મૈંને બનાયા હૈ.”
નિર્દેશક મણિરત્નમે, વેપાર-ધંધાનાં મૂલ્યોમાં આવેલા બદલાવને બતાવવા માટે આ ફિલ્મ બનાવી હતી. તે એ વાતને ચિત્રિત કરવા માંગતા હતા કે કેવી રીતે સામાજિક હિત હાંસિયામાં જતાં રહ્યાં છે અને વ્યક્તિગત હિત કેન્દ્રમાં આવી ગયાં છે. મૂડીવાદ અથવા બજારવાદની એક ટીકા એ થાય છે કે તેમાં પૈસા બનાવવા તે એક માત્ર સૌથી મહત્ત્વનો હેતુ ગણાય છે અને તેના માટે જે પણ કરવું પડે તે ઉચિત મનાય છે.
તાજેતરમાં જેમનું અવસાન થયું તે ઉદ્યોગપતિ રતન તાતા આનાથી સામેના છોર પર ઉભા હતા. તેમણે મૂડીવાદનો સમાજવાદી ચહેરો બતાવ્યો હતો. તેમણે એ સાબિત કર્યું હતું કે ઉદારતા, માનવતા અને નૈતિકતા સાથે પણ પૈસા બની શકે છે.
ઘણા લોકો એવી દલીલ કરે છે કે બિઝનેસ અને નૈતિકતા વચ્ચે મનમેળ શક્ય નથી. ભારતનો એક મોટો વેપારી વર્ગ માને છે કે આ દેશમાં ચોખ્ખા રહીને ધંધો ન થઇ શકે. ‘ગુરુ’ ફિલ્મનો કેન્દ્રિય વિચાર પણ એ હતો કે પૈસા નિયમોને આધિન રહીને નથી બનતા. પરંતુ રતન ટાટાએ એ સાબિત કર્યું હતું કે નૈતિકતા બિઝનેસમાં સુસંગત છે એટલું જ નહીં, સફળતાપૂર્વક બિઝનેસને જાળવી રાખવા માટે તે અનિવાર્ય પણ છે.
ભારતીય મૂડીવાદી વર્ગમાં, રતન ટાટાને નૈતિકતા અને સચ્ચાઈના ઠેકેદાર ગણવામાં આવતા હતા. તેમના અવસાનથી જે લાખો લોકોએ દુઃખ અનુભવ્યુ હતું તેની પાછળ મૂળ કારણ તેમનો ‘એથિકલ બિઝનેસ’ હતો. તેમના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે એક મિત્રએ મેસેજ કર્યો હતો, જેમાં લાખો લોકોના દિલની વાત હતી:
“છઠ્ઠી પેઢીએ પણ જેની સાથે લેવાદેવા નથી, જેને કદી સપનાંમાં પણ મળ્યા નથી, માત્ર તેમના વિશે વાંચ્યું અને જોયું હોય તેવા રતન ટાટાના જવાથી કેમ ‘કંઈક સારું ન થયું’નો ભાવ લાખો લોકોમાં જોવા મળતો હશે? શું ભલમનસાઈ, ઉદારતા, માનવતા, સાદાઈનો આ પ્રભાવ હશે?”
એક શાયરની પંક્તિ છે : હર જગહ ઈત્ર હી નહીં મહકા કરતે, કભી કભી શખ્સિયત ભી ખુશ્બૂ દે જાતી હૈ. ટાટા માટે આ લાઈન એકદમ બંધ બેસે છે. ઉદ્યોગપતિઓ અને અમીરો તો ઘણા છે, પણ 140 કરોડ લોકોના દેશમાં, જેમના જવાથી સામાન્ય લોકો વ્યથિત થઈ જાય તેવા કેટલા? ટાટાના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે મુંબઈ-ગુજરાતના અનેક ગરબા સ્થગિત થઈ ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આવું માન કેટલાને?
બહુ ઓછા ઉદ્યોગપતિઓ લોકોનાં જીવનને, સીધી કે આડકતરી રીતે, પ્રભાવિત કરી શકે છે. ટાટા એમાંથી એક હતા. તેનું કારણ એ હતું કે તે સુદૂર સ્વર્ગમાં બેઠેલા કોઈ અમીર સેલિબ્રિટી નહોતા, પણ લોકોની વચ્ચે રહેતા અને પોતીકા લાગતા ઇન્સાન હતા. ઉદ્યોગ જનતાનું, જનતા દ્વારા અને જનતા માટેનું સાહસ છે એવું પ્રતીત કરવાના ટાટા પહેલા ઉદ્યોગપતિ હતા.
તે મોટા માણસ નહોતા, બલ્કે તેમણે લોકોને મોટા હોવાનો અહેસાસ કરાવ્યો હતો. એકવાર તે કોઈને કહ્યા વગર બે વર્ષથી બીમાર કર્મચારીની ખબર જોવા માટે પૂણે પહોંચી ગયા હતા. એકવાર તે નેનો કાર લઈને હોટેલ તાજના એક કાર્યક્રમમાં ગયા હતા. એકવાર ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ છોડીને ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરી હતી.
તેમની અંગત અને વ્યવસાયિક ફિલોસોફી ચાર બાબતો પર ટકેલી હતી : નિષ્ઠા, નૈતિકતા, કરુણા અને સેવા. આ એક જ બાબત તેમને બીજા ઉદ્યોગપતિઓ કરતાં જુદા પાડતી હતી. ટાટા જેવી કેટલી બ્રાન્ડ વિશ્વાસ સાથે જોડાયેલી છે?
રતન આધ્યાત્મિક ગુરુ નહોતા. પરંતુ તેનાથી ઉતરતા પણ નહોતા. તેમની વાતોમાં, કિસ્સા-કહાનીઓમાં પ્રેરણાદાયી વાતો હતી. ભારતમાં એવા કેટલા ઉદ્યોગપતિ છે, જેમણે અછડતાં કહેલી વાતો અવતરણો બનીને લોકોમાં લોકપ્રિય થઇ હોય! તેઓ અચ્છા બિઝનેસમેન હતા, પરંતુ બીજા જેવા નફાખોર નહોતા. કદાચ આ જ કારણ છે કે જ્યારે રાજકીય ઝપાઝપીમાં ઉદ્યોગપતિઓ પર કાદવ ફેંકવામાં આવે છે, ત્યારે રતન ટાટાનું દામન શુદ્ધ રહ્યું હતું.
મૂડીવાદ ખરાબ છે એવું જે કહે છે (જે મહદ્દ અંશે સાચું પણ છે), તેમણે રતન ટાટાનો અભ્યાસ કરવો જોઈએ. મૂડીવાદનો સમાજવાદી ચહેરો જોવા મળશે. તેમને “પર્સનલ વેલ્થ”માં દિલચશ્પી નહોતી. તેમની 65% કમાણી સમાજ સેવામાં જતી હતી. આ કારણથી જ, તેમનું નામ ક્યારે ય “સૌથી અમીર” ઉદ્યોગપતિઓની સૂચિમાં આવ્યું નહોતું.
તેમણે સંપત્તિનું વરવું પ્રદર્શન નહોતું કર્યું. તે પોતાને ટાટા ગ્રુપના માલિક નહીં, ટ્રસ્ટી ગણતા હતા. આ વાત નાનીસૂની નથી, કારણ કે પૈસા કમાવાનો આપણે એક જ અર્થ કરીએ છે; મને મન થાય તેમ વાપરું, મારા છે. એટલા માટે ટાટા કહેતા ગયા હતા કે મારું અવસાન થાય ત્યારે ગ્રુપ કંપનીઓમાં રજા જાહેર ના કરતા, કારણ કે લાખો પરિવારો કામ પર નભે છે.
અબજોનું સામ્રાજ્ય હોય, છતાં “આ મારું નથી” એવી ભાવના સાથે જીવવું (અથવા કંપનીના હેડક્વાટર “બોમ્બે હાઉસ”માં મુંબઇનાં રખડતાં કૂતરાં માટે આશ્રય સ્થાન બનાવવું) એ કેવી મોટી સમૃદ્ધિ હશે! વિશ્વના છ ખંડોમાં 100થી વધુ દેશોમાં તેમની 30થી વધુ કંપનીઓ ફેલાયેલી હતી, પરંતુ તેઓ સાદું જીવન જીવતા હતા.
દુનિયાની સૌથી સસ્તી ટાટા નેનો કાર, ભલે નિષ્ફળ ગઈ, પણ ભારતના સામાન્ય માણસો અને તેમની ભાવનાઓને કેન્દ્રમાં રાખવાની ટાટા ગ્રુપની નીતિનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. તેને લઇને, ટાટાના આ શબ્દમાં એ વાતની પ્રતિતી છે કે કેમ તેમના જવાથી લાખો લોકોને ઉદાસી મહેસૂસ થઈ:
“મને યાદ છે, મેં એકવાર મુંબઈના ભારે વરસતા વરસાદમાં, ૪ લોકોના એક પરિવારને મોટરસાઇકલ પર બેસીને જતો જોયો હતો. ત્યારે મને થયું કે જે પરિવારો વિકલ્પોના અભાવે જીવનનું જોખમ ઉઠાવે છે, તેમના માટે માટે કંઈક કરવું જોઈએ. અમે નેનો લૉન્ચ કરી, ત્યારે અમારી કોસ્ટ વધી ગઈ હતી, પરંતુ મેં સસ્તી કારનું વચન આપ્યું હતું, અને અમે એ પાળી બતાવ્યું. પાછળ વળીને જોઉં છું તો, મને આજે પણ તે કારનું અને તેને બનાવાના નિર્ણયમાં આગળ વધવાનું ગૌરવ છે.”
જો ભારતના નિર્માણમાં ઋષિ-મુનિઓ અને સંતોના યોગદાનને શ્રેય આપવામાં આવતું હોય, તો રતન ટાટા જેવા ઉદ્યોગપતિનું પણ તેમાં એવું જ યોગદાન છે. જેમણે મૂલ્ય આધારિત મૂડીવાદને નવી રીતે પરિવર્તિત કરીને સમાજમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે પોતાના બિઝનેસ સ્વચ્છ અને પારદર્શક સિદ્ધાંતોની એવી રેખા દોરી, જેને ભૂંસી નાખવી મુશ્કેલ છે. તેમના જવાથી ભારતમાં “એથિકલ બિઝનેસ”નો એક યુગ પૂરો થયો છે. ભ્રષ્ટાચાર અને અમીર-ગરીબની વિકરાળ ખાઈમાં જીવતા આ દેશના સામાન્ય લોકોને એ નૈતિકતાની કમી સાલી રહી છે.
(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 ઑક્ટોબર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર