Opinion Magazine
Number of visits: 9856392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ સિવાય બધું મોંઘું થઈ રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 May 2026

રવીન્દ્ર પારેખ

ગાજ્યા મેહ વરસતા નથી એમ કહેવાય છે, પણ ગાજતી સરકાર વરસે છે તે પુરવાર કરવા જવું પડે એમ નથી. ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધની અસર ઈરાન કે ઇઝરાયલ કે અમેરિકાને થાય એથી વધુ કદાચ ભારતમાં વર્તાઈ રહી છે. બીજા કોઈ દેશમાં યુદ્ધનો એટલો બૂમાટો નથી, જેટલો ભારતમાં છે. અન્ય દેશોને પણ યુદ્ધની અસર છે જ, પણ આપણે ત્યાં એનો પૂરેપૂરો લાભ કેમ લેવાય એવી ગણતરીથી કારભાર ચાલે છે. એવું હોય તો તે ખોટું છે. તેલ, ગેસની કટોકટી વૈશ્વિક છે, પણ ભાવ નહીં વધારવાનું કહી કહીને સરકાર બધું જ મોંઘું કરતી જઈ રહી છે.

ભારતની તેલ કંપનીઓ યુદ્ધને કારણે એટલી ગરીબ થઈ ગઈ છે કે અગાઉના તોતિંગ નફા છતાં, જન્મથી જ ખોટમાં ચાલતી હોય એવો કકળાટ કરે છે. એ લાચારીને પેટ્રોલિયમ મંત્રી કંપનીઓની રોજિંદી ખોટ આગળ કરીને વટાવી રહ્યા છે. વાસ્તવિક ચિત્ર સારું ન હોય ને પગલાં લેવાં પડે તે સમજી શકાય, પણ જે તે પરિસ્થિતિનો કેવી રીતે લાભ ઉઠાવાય તે સરકારથી લઈને પ્રજા સુધીમાં જોવા મળે છે. ઇંધણના ભાવ વધારવા જ પડશે એવી વારંવારની જાહેરાત છતાં ન વધારીને લોકોની સહાનુભૂતિ ઉઘરાવવાનો સસ્તો કીમિયો સરકારે કરી લીધો ને છેવટે તો એ લટકતી તલવાર પ્રજાને માથે પડી જ છે. થોડો પણ સમય આપ્યા વગર સરકારે મધ્યરાત્રિની ભાવ વધારવાની પેટર્ન બદલીને હવે સવારના ત્રણની કરી છે ને 15મીની વહેલી સવારથી પેટ્રોલ, ડિઝલની કિંમત વધી ગઈ છે.

પેટ્રોલ-ડિઝલ લિટરે લગભગ ત્રણ ત્રણ રૂપિયા વધી ગયું છે. પેટ્રોલ, ડિઝલની સાથે સી.એન.જી. પણ કિલોએ 2 રૂપિયા વધી ગયો છે. તેમાં અદાણીનો વધારો તો કિલોએ 2.25નો છે. પેટ્રોલમાં લિટરે 2.99 અને ડિઝલમાં લિટરે ૩.09 વધ્યા છે. પેટ્રોલનો નવો ભાવ 94.51થી વધીને 97.50 થયો છે, તો ડિઝલનો નવો ભાવ 90.20થી વધીને 93.29 થયો છે. એ સાચું છે કે યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલમાં બેરલ દીઠ 100થી વધુ ભાવ થતાં ભાવ વધવાની શક્યતાઓ હતી જ, પણ સરકારે ભાવવધારા માટે પ્રજાને માનસિક રીતે એવી તૈયાર કરી કે જોર કા ઝટકા ધીરે સે લગે.

ઓઈલની તંગી માટે ને ભાવ વધારા માટે સરકારે ગેસ, પેટ્રોલ, ડિઝલનો ઉપયોગ સંયમથી કરવાનું કહ્યું, બીજી બાબતોમાં પણ કરકસર કરવાનું, સોનું ન ખરીદવાનું, વાહનને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું ને એવું ઘણું ઘણું કહેવાયું, ત્યારે પણ સૂચન તો એ જ મળતું હતું કે ભાવ વધશે ને વધ્યા. આ ભાવ વધારો સરકારે તેલ કંપનીઓની જંગી ખોટમાં થોડો નફો કરાવવા કર્યો હોવાનો વહેમ પડે છે. બાકી, કંપનીઓ જે ખોટ કરે છે એ હિસાબે તો નહીં નફો, નહીં નુકસાન માટે પેટ્રોલ લિટરે 28 અને ડિઝલ લિટરે 30 વધવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કંપનીઓની જંગી ખોટ પૂરવા હજી ઇંધણના ભાવ વધે એની પૂરી તૈયારી પ્રજાએ રાખવાની છે.

એ ખરું કે સરકારે તેલના ભાવ ન વધે એ માટે સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. એટલે ડ્યૂટી 13થી ઘટીને ૩ અને 10થી ઘટીને ૦ થઈ ગઈ હતી. એટલે ભાવ ન વધે તે માટે પ્રયત્નો નથી થયા એવું નથી, ભાવ સ્થિર રાખવા સરકાર તો મથામણ કરે જ છે, તાજેતરમાં જ પેટ્રોલ-ડિઝલની યુ.એ.ઈ. સાથે ૩ કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ વડા પ્રધાને કરી. પણ, સવાલોનો સવાલ એ છે કે સરકારની ચારે કંપનીઓ 2024-‘25 સુધી અબજો રૂપિયાનો નફો રળતી હતી તે નફો, ખોટની ગણતરીમાં કેમ ન લેવાયો? કંપનીઓ ખરેખર ખોટમાં ચાલે છે કે તે નફામાં ખોટ ખાઈ રહી છે, તેનો ખુલાસો થવો ઘટે.

પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહેવા જ જોઈએ, કારણ એ વધે છે તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે. એ મોંઘું થાય છે તો ચીજવસ્તુઓની હેરાફેરી પર એની અસર પડે છે ને એ ચીજવસ્તુઓ મોંઘી થાય છે ને  મોંઘવારી વધે છે. એપ્રિલમાં જ મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે. ફુગાવાનો દર માર્ચમાં ૩.88 ટકા હતો તે એપ્રિલમાં 8.૩ ટકા થયો છે. એક જ મહિનામાં મોંઘવારી દર 4.45 ટકા વધી ગયો છે. એ સાથે જ એક્સપર્ટ ધમકી આપતા હોય તેમ પૂરી શરમ છોડીને કહેતા ફરે છે કે મોંઘવારી 8.૩થી વધીને 9 ટકા સુધી જઈ શકે છે.

હજી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી ચીજવસ્તુઓનો ભાવ વધારો તો બાકી જ છે, તે પહેલાં અમુલે દૂધમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ વખતે સરકાર, ગેસના ભાવમાં વધારો નથી કર્યો એવું આશ્વાસન લેવા પ્રજાને પ્રેરી શકે. ગેસના દાંડિયા તો ઓલરેડી ઠોકાઈ ચૂક્યા છે. એ ખરું કે ઘરેલું ગેસના સિલિન્ડરમાં કોઈ વધારો નથી થયો, પણ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રણ વાર વધારો ઝીંકાવાથી ભાવ 3,071 પર પહોંચી ગયો છે અને નાના સિલિન્ડરના ભાવમાં પણ 261 રૂપિયા વધી ગયા છે, એટલે ગેસમાં વધારો આ વખતે જ થયો નથી, પણ તે તો મેની શરૂઆતમાં જ થઈ ચૂક્યો છે.

અત્યારનું સરકારી વલણ કરકસરનું અને નવા ભાવો જનતા જીરવતી રહે એ પ્રકારનું છે. બધું જ વધે છે ને માણસ ‘ઘટતો’ જાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પછી, પરિવહનમાં અને અન્ય આનુષાંગિક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો તો થતા થશે, પણ તે પહેલાં જ એટલી ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે જેનો પાર નથી. ટીન અને મેટલ કન્ટેનર પેકેજિંગમાં પણ 15 ટકાનો વધારો થયો છે. કેટલીક કંપનીઓનાં કુલ ખર્ચના 20 ટકા આવાં પેકેજિંગમાં ખર્ચાય છે. આ બધો જ બોજ ખરીદનાર પર પડે છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને લીધે ઊર્જા કટોકટી તો વધી જ છે ને તે પહેલાં પણ ભાવ વધારો તો થતો જ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ખાદ્યતેલ, મસાલા, સૂકો મેવો, સૂકી ચા, સાબુ, શેમ્પૂ ને અન્ય ચીજ વસ્તુઓમાં 10 ટકાથી લઈને 30 ટકા સુધી ભાવો વધી ચૂક્યા છે. આમાં રમત એ રીતે પણ થાય છે કે ઉત્પાદનની માત્રા ઘટાડાય છે ને પછી કિંમતો વધારી દેવાય છે. ક્યાંક ક્યાંક ભાવ નથી વધતા, પણ પેકેજમાં આવતી વસ્તુનું વજન ઘટાડી દેવાય છે.

છેલ્લા બે મહિનામાં ખાદ્યતેલમાં લિટરે 30 રૂપિયા વધી ચૂક્યા છે ને આ વધારો પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સંદર્ભે ચાલુ રહેવાનાં એંધાણ વર્તાયા કરે છે. ખાદ્યતેલ અને પેટ્રોલ-ડિઝલ મોંઘુ થાય તેમાં નવાઈ નથી, કારણ બંને આયાત કરવા પડે છે. ઇંધણ આયાત કરવું પડે તે સમજાય, પણ ખાદ્યતેલ પણ આયાત કરવું પડે એ કેવું ?આઝાદીના આટલાં વર્ષ પછી પણ એ સ્થિતિ કેમ નથી કે ખાદ્યતેલને મામલે આપણે આત્મનિર્ભર બનીએ કે ‘આત્મનિર્ભર ભારત’ ખાલી સૂત્ર જ છે?

એ દુખદ છે કે કોરોના વખતે દુનિયાએ ભારે કટોકટીનો સામનો કર્યો, તે પછી યુદ્ધો ફાટી નીકળ્યાં છે ને હવે ઊર્જા સંકટ આવ્યું છે. આમ જ ચાલ્યાં કરશે તો વિશ્વે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે-એવું વડા પ્રધાન મોદીનું કહેવું છે. દેખીતું છે કે આમને આમ ચાલ્યા કરશે તો પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનો પણ કોઈ અર્થ રહેશે નહીં. એકંદરે આ દાયકો આપત્તિઓનો દાયકો બની રહે એમ બને. આ પરિસ્થિતિ ન બદલાય તો છેલ્લા ઘણાં દાયકામાં જે મેળવ્યું છે, તે નિરર્થક થઈ જશે.

આમ યુદ્ધની પરિસ્થિતિએ ક્રૂડ ઓઈલના ભાવ વધાર્યા ને ભારતને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો છે એ સાચું છે, પણ તે સાથે જ સરકારની કમાઈ લેવાની વૃત્તિ માઝા મૂકતી નથી તે વધુ દુખદ છે. નવી ટેકનિક એ છે કે ઇંધણના ભાવ વધવા પહેલાં જ બધું મોંઘુ કરી દેવાય છે જેથી ઇંધણના ભાવ વધારાને કારણે ફરી બધું આપોઆપ જ મોંઘું થઈ શકે ને તેનો બચાવ પણ હોય કે ઇંધણ મોંઘુ થયું, તો શું કરીએ? પ્રજા અને સરકાર, બંને, છેતરવામાં એકબીજાની સ્પર્ધામાં છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 મે 2026

Loading

18 May 2026 Vipool Kalyani
← ટ્રમ્પની બેઈજિંગ મુલાકાતઃ અમેરિકાના માનસિક વર્ચસ્વના અંતનું સ્પષ્ટ થતું ચિત્ર

Search by

Opinion

  • ટ્રમ્પની બેઈજિંગ મુલાકાતઃ અમેરિકાના માનસિક વર્ચસ્વના અંતનું સ્પષ્ટ થતું ચિત્ર
  • હિંદુ ફાસીવાદનું વારણ ગાંધી-નેહરુ-વિનોબા
  • ચલ મન મુંબઈ નગરી—341
  • ऐसी न्यायपालिका किसे चाहिए ? 
  • ચંદુભાઈ મહેરિયાના લેખનનું ગૌરવ : દેશના અગ્રણી અભ્યાસીઓના શબ્દોમાં

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved