પ્રસ્તાવના

અદમ ટંકારવી
બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટે ઝઝૂમનારાંની યાદી ખાસ્સી લાંબી થાય, પણ એમાં બે નામ મોખરે : વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકર. બેઉ વચ્ચેના ભેરુબંધના મૂળમાં ભાષાપ્રીતિ અને માતૃભાષા પ્રત્યેનો અનુરાગ. અંગ્રેજી સામેની હુતુતુતુમાં બંને ભિલ્લુ. આમ તો રમત tough-હંફાવનારી, પણ બંનેમાં નર્મદી જોસ્સો, રમવાનું જિગર, અને ટકી રહેવાની જિદ. માન્ચેસ્ટરમાં મેં આ બેઉને પૂરા તાદાત્મ્યથી રૂડી ગુજરાતી વાણીની વાત કરતા સાંભળેલા ત્યારે વર્જિનિયા વુલ્ફ[૧૮૮૨•૧૯૪૧]ના આ કથનનું તાત્પર્ય સમજાયેલું : લૅંગ્વિજ ઇઝ વાઈન અપોન ધ લિપ્સ – ભાષા એટલે હોઠે સુરા.
બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે. આ બે વિભૂતિઓ એમની સામેના પડકારથી સભાન હોય જ. છેક ૧૯૮૭માં રઘુવીર ચૌધરીએ કહેલું : આ કામ નેવાંનું પાણી મોભે ચઢાવવા જેવું છે, અને જ્યાં ઢાળ વધુ છે એવા બ્રિટનમાં તો ગુજરાતી ભાષા-સાહિત્યના સેવનને સીધા ચઢાણ સાથે જ સરખાવી શકાય. પણ આ બે ભાષાપ્રેમીઓએ આ પડકાર ઝીલ્યો, અને પૂરા ખમીરથી એની સામે ઝૂઝ્યા. વિપરીત પરિણામથી એમણે કરેલ પુરુષાર્થનું મૂલ્ય જરી ય ઓછું થતું નથી.

દીપક બારડોલીકર
દીપકસાહેબ ૧૯૯૦માં બ્રિટનસ્થિત થયા, પણ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સાથેનો એમનો નાતો તો કરાંચીવાસી હતા ત્યારથી. ઑગસ્ટ ૧૯૮૬માં અકાદમીએ દશાબ્દી મહોત્સવ ઉજવ્યો ત્યારે કરાંચીના ‘ડૉન ગુજરાતી’ કાર્યાલયમાંથી સંદેશ પાઠવી અકાદમી ‘યુ.કે.માં ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસ માટે જે નક્કર કાર્યો કરી રહી છે’ તે માટે એને બિરદાવેલી, અને “આપના પ્રયાસોમાં સમ્પૂર્ણ સફળતા મળો” એવી શુભેચ્છા દર્શાવેલી. ત્યારે કોને ખબર હતી કે ચારેક વરસ પછી ‘આપના પ્રયાસો’માં ખભો દેવા એ સ્વયં હાજર થશે, અને ‘આપના’ પ્રયાસો ‘આપણા’ પ્રયાસો બનશે!
ગુજરાતી વાણી રાણીની તહેનાતમાં વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકરની સહોપસ્થિતિ સહજ છે, કેમ કે બંનેની ભાષાપ્રીતિ ઉત્કટ અને પ્રતિબદ્ધતાની વેવ-લૅન્થ સરખી. આવું હંમેશાં બનતું નથી. અમૃત ‘ઘાયલ’ કહે છે :
મિલનસાર દાના જવલ્લે મળે છે
મનુષ્યો મજાના જવલ્લે મળે છે
નથી એમ મળતા અહીં જીવ, ઘાયલ
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.
વિપુલભાઈ તો બ્રિટનની ગુજરાતી ભાષા-સાહિત્યની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હતા જ, અને દીપકને એ વગર ચાલે નહીં. આને પ્રમાણતાં ૧૯૯૪માં ચિનુ મોદીએ કહેલું : “આ શખ્સ સો એ સો ટકા શાયર છે. પાકિસ્તાનમાં, એ પૂર્વે હિન્દુસ્તાનમાં, અને હવે ઇંગ્લિસ્તાનમાં આ શખ્સને ગઝલ વિના ચાલ્યું નથી. આ વાત એટલી સરળ નથી. ગઝલ જો શ્વાસ જેટલી સ્વાભાવિક ન હોય તો ના બને આવું.”
દીપકનો જન્મ નવેમ્બર ૧૯રપમાં બારડોલીમાં. બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કૂલના અભ્યાસકાળ વિશે એમણે કહ્યું છે, “આ શાળાએ ‘વિદ્યા આપી, માનસઘડતર કર્યું, અને શબ્દ સાથે નાતો જોડી આપ્યો.” આમ, શબ્દ તો શૈશવમાં જ જડ્યો. યૌવનકાળમાં મહાગુજરાત ગઝલ મંડળના પરિવેશમાં એમના ગઝલસર્જનનો પ્રારંભ થયો. ૩૬ વર્ષની વયે પાકિસ્તાનના કરાંચીમાં જઈ વસ્યા. ત્યાં પણ ગઝલસર્જન ચાલતું રહ્યું. ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત ઉર્દૂ શાયરો અને સિંધી કવિઓની સંગત રહી. એ દિવસોને યાદ કરતાં દીપકે કહેલું કે ઉમદા માહોલ હતો, ખુશગવાર ફિઝા હતી, અને સાહિત્યિક ચેતનાનો જુવાળ હતો.
૧૯૯૦માં બ્રિટન આવી વસ્યા ત્યારે અહીં પણ યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગુજરાતી સાંભળીએ-બોલીએ-વાંચીએ-લખીએ-જીવીએ-નો નાદ હવામાં ગુંજતો હતો. દીપકે આવતાં જ એમાં સૂર પુરાવ્યો, અને તે પણ પૂરજોશથી. દીપક પોતાના ભાષા-સાહિત્ય સાથેના સંબંધને ‘મહોબત’ કહે છે. એવો સંબંધ રાખનાર અન્યોને પણ ચાહે છે, અને એ ચાહના ક્યારેક એમની કાવ્યપંક્તિઓમાં વ્યક્ત થાય છે. અદબપૂર્વક અમૃત ‘ઘાયલ’ને યાદ કરતાં કહે છે :
માર ના ડંફાસ દીપક, કે ગઝલ
એ છે અમૃતલાલ ઘાયલનો પ્રદેશ
ગઝલકાર તરીકે ઘાયલને પોતાનાથી ઊંચેરા આસને બેસાડવામાં નાનમ અનુભવતા નથી. એ જ રીતે દૂર દેશાવરમાં હોવા છતાં શૂન્ય પાલનપુરી સાથે નિકટતા અનુભવતાં કહે છે :
શૂન્યનો ડાયરો છે ખ્યાલોમાં
યાદ કરશું ને સાંભળી લેશું.
બ્રિટનનિવાસી થતાં વેંત ગુજરાતી ભાષા-સાહિત્યના મતવાલાના કાફલાના સહયાત્રી મળ્યા વિપુલ કલ્યાણી અને દીપકની કલમ ઊપડી. ભાવવ્યંજક શૈલીમાં સર્જાઈ એક નઝમ. અભિધાના સ્તરે જુઓ તો વિષય વિપુલ કલ્યાણી. વ્યંજના પકડો તો અર્થચ્છાયામાં મળે નિતાંત ભાષાપ્રીતિ અને માતૃભાષાની સાચવણ માટેની ખેવના. ૧૯૯૩માં ચંદ્રકાન્ત બક્ષીએ ઇંગ્લૅન્ડના ગુજરાતી સમાજનાં ‘પ્રતિબદ્ધ, કર્મઠ, સમર્પિત’ નામોની યાદી બનાવેલી, તેમાં પ્રથમ નામ વિપુલ કલ્યાણી. એ જ લેખમાં બક્ષીબાબુએ તારસ્વરે ફરિયાદ કરતાં કહેલું : “ગુજરાતી ભાષા માટે ઇંગ્લૅન્ડમાં એક માણસે જે કામ કર્યું છે એનું મૂલ્યાંકન થયું નથી, અને હવે મર્દનું કૃતિત્વ મૂલ્યાંકનથી પર ચાલ્યું ગયું છે. નામ : વિપુલ કલ્યાણી.” પણ દીપક બારડોલીકરે બ્રિટન વસવાટના આરંભે જ વિપુલ કલ્યાણીની ન્યોછાવરીનું ધિંગું કાવ્ય રચીને આ મહેણું ભાંગ્યું. આ કાવ્ય વિપુલ કલ્યાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વને આબાદ ઉજાગર કરે છે :
કેવો માણસ છે, શું કહું, લોકો
ગુર્જરીનું છે છાપરું, લોકો
એ તો યુ.કે.માં કક્કો ઘૂંટાવે
કાના-માતરનો ફેર સમજાવે
હા, અટંકી અને એ છે બંકો
હા, વગાડે ઉસૂલનો ડંકો
…
એ સભાઓમાં ખૂબ ગાજે છે
ભાષા માટે તો જીવ કાઢે છે
ઘરને ઑફિસ કરીને બેઠો છે
પોતે સંસ્થા બનીને બેઠો છે
એનો થેલો ય એક દફતર છે
એ જ તકિયો ને એ જ બિસ્તર છે
…
લોકો એને કહે છે કલ્યાણી
સ્નેહે સોંપી છે એને સરદારી
એના યત્નોને યશ મળો, દીપક
એના અરમાન સૌ ફળો, દીપક.
આ કાવ્ય યશોગાન નથી. આ ગુજરાતી ભાષાનુરાગીના હૃદયનો ઉદ્દગાર છે, અને એમાં પોતાની ભાષા માટે અવિરત ઝૂઝનાર સમર્પિત શખ્સ પ્રત્યેનો ઓશિંગણભાવ છલકાય છે. દીપક જે દુઆ દઈને ગયા તે આજે ફળે છે. વિદેશમાં આપણી ભાષાને જીવ પેઠે સાચવનાર અને એનાં અછોવાનાં કરનાર બે વિભૂતિઓ – વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકર –ને એમનાં જીવનકાર્ય માટે યશ આપવા આપણે અહીં ભેગાં થયાં છીએ.
સાચું પૂછો તો, અંગત રીતે મારા માટે પુસ્તક વિમોચનની આ ઘટના એક કૌતુક છે, અજાયબી છે, અચરજ છે. બારડોલીનો માણસ કરાંચી થઈ બ્રિટન આવે છે, જીવનની ઉત્તરાવસ્થામાં માન્ચેસ્ટરમાં બેઠાં ગુજરાતી ભાષામાં પુસ્તકો સર્જે છે, યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમી એનું પ્રકાશન કરે છે, અમદાવાદના ‘એન્હાન્સર ઓન્લી’ના કેતન રૂપેરા એનો પ્રકાશન-પ્રબંધ કરે છે, અને સર્જન થયું ત્યાંથી પાંચ હજાર માઈલ દૂર અબીહાલ પ્રકાશ ન. શાહ અને ભેળો હું, અમે સાથે એનું વિમોચન કરીએ છીએ! ગુજરાતી વાણી રાણીની આ બધી લીલા છે.
દીપકના સાહિત્યસર્જન દ્વારા ‘દીપક’ ઉપનામ સાર્થક થયું. દીપક શબ્દનું ઓજસ મૂકીને ગયા, અને એ રોશની વિલાયતથી ગુજરાત સુધી પથરાયેલી છે. દીપક સાહેબના એક શેરથી સમાપન :
હજી પણ રોશની છે આ નગરમાં
હજી પણ આપનો દીપક બળે છે.
***
e.mail :ghodiwalaa@yahoo.co.uk
‘ધૂળિયું તોફાન’ (૨૦૦૩-૦૫), ‘બખ્તાવર’ (૨૦૧૨-૧૩) ‘પરવાઝ’, ‘… અને કવિએ છેલ્લે કહ્યું’ તેમ જ ‘બુલંદીના વારસ’ પુસ્તકો ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ પ્રાકાશિત કર્યાં તે માટેની પ્રસ્તાવના