ફેસબૂક પર પ્રીતમ લખલાણીની કલમથી વધારે પરિચિત થવાયું. રસવંતી, જોબનવંતી, નિર્ભીક અને બે રેખાની વચ્ચે સ્પષ્ટ થઈ જે કહેવું હોય તેવી સહજ લેખિની. ત્રેવીસ પ્રકરણોમાં એકવીસ વ્યક્તિઓ-સાહિત્યકારોની નિકટતા કેળવીને જે લખાયું તેને સરળ, શબ્દોમાં સહજતાથી એમણે એકસો છપ્પન પાનાંઓનાં ફલક પર વિસ્તાર્યું છે. આમ પણ આજકાલ મારો રસ મૂળ ભારતીય પરંતુ પરદેશ-ખાસ કરીને અમેરિકા સ્થિત લેખકો, મિત્રો, સ્વજનો એમનાં ૪૦-૫૦-૬૦ વર્ષોની અનુભવકથાને કઈ રીતે જુએ છે, મૂલવે છે તેમાં વધ્યો છે. આજ સુધી તો રંગૂન (બર્મા), આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જઈને વસેલાં લોકો માટે મનોમન પ્રભાવિત થવાનો જ સીલસીલો રહેલો. છેલ્લા બે-પાંચ વર્ષથી એનો ‘મોહભંગ’ થયો છે, છતાં હાલમાં જ વાંચેલાં સુચિબહેનનાં ‘આવો આવો’, અનિતા અને રમેશ તન્ના સંપાદિત ‘માતૃભાષા મોરી મોરી રે…’, રેખા સિંધલ અને કિશોર દેસાઈ સંપાદિત-પ્રકાશિત ‘સ્મૃતિ સંપદા’, વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’માંથી મળતી જાણકારી, નટવર ગાંધીની આત્મકથા, પન્નાબહેન અને અન્ય લેખક-લેખિકાઓનાં લખાણોનાં કારણે ખાસ્સું સમજવાની સામગ્રી મળી. બાકીનું ભાથું દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન આવતાં સ્વજનોનાં કારણે પૂરેપૂરું મળતું જ રહે.
યોગાનુયોગે પ્રીતમભાઈએ પોતાની કલમે દોરેલા શબ્દચિત્રોમાં આકારિત પંદર-સત્તર વ્યક્તિઓથી તો હું પણ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ખાસ્સી પરિચિત એટલે પણ એમને વિશે પ્રીતમભાઈનું મંતવ્ય કે અનુભવ જાણવાનું ગમે. ‘નાયગરાનો પાડોશી – પ્રીતમ લખલાણી’ શીર્ષક હેઠળ વિપુલ કલ્યાણીએ હળવી શૈલીમાં એમની મહેમાનનવાજીની પ્રશંસા અને પોતાની મૈત્રીના પરિચય સમેત ચરિત્રચિત્રણની સ્વાદિષ્ટ દુનિયામાં પ્રવેશ કરાવ્યો સાથે પ્રીતમભાઈએ ‘શબ્દનું આલબમ’ ધરી દીધું. મુંબઈમાં પ્રીતમભાઈનો નાતો ઘાટકોપર, રાજાવાડી, સૌમૈયા કોલેજ વિસ્તાર સાથે. મારો દીકરો સોમૈયા એંજિનિયરિંગ કોલેજમાં ચાર વર્ષ ભણેલો એટલે મારા માટે પણ પરિચિત ભૂમિ. ઔપચારિક કાર્યક્રમ કરતાં અનૌપચારિક બેઠકો અને આગળપાછળ થતી વાતચીત કે માહિતીની આપ-લેની ‘રંગત’ જુદી જ હોય. એ જમાવટ પ્રીતમભાઈની કલમ કરી શકી છે. અલબત્ત, એમનો ઝોક લેખકો તરફ વધારે લાગ્યો એટલે કુન્દનિકાબહેન, પન્નાબહેન, ગીતાબહેન, ડો. જીનલ તો સહેજ જ ડોકિયું કરી ગયાં. દીકરી કરિશ્મા અને અર્ધાંગિની બીનાબહેનની યજમાન-ભૂમિકા ખાસ્સી નક્કર હોય તો પણ પ્રીતમભાઈએ ભારે સંયમ જાળવીને એમનો ઉલ્લેખ કર્યો છે. મુદ્રારાક્ષસે ‘ઘ’ અને’ધ’ની ભેળસેળ ઠેકઠેકાણે કરી છે, પરંતુ હવે સોફ્ટવેર જે કરે તે એ જાણે એવું મન કેળવવું પડે ! બાકી પ્રીતમભાઈની દૃષ્ટિએ સાહિત્યકારો વિષયક સ્મરણિકાપોથીનાં પાનાંઓમાંથી પસાર થવાનું ગમ્યું. સાહિત્યકારોની ભાવવાહી તસવીરો અને એમનાં કાવ્યો કે અવતરણો તો ‘મોરપિચ્છ’ જેવી આભા ઊભી કરે છે.
(૧) સરસ મજાના પ્રકૃતિ નિબંધથી શરૂઆત, પાનાં ૧૯ પર સાહિત્ય જગતના સંબંધો વિશે પ્રીતમભાઈના સવાલના જવાબમાં સાંઈનું પિષ્ટપેષણ, ગઝલ અને ઘાયલને યાદ કરતા સાંઈ મકરન્દ અને આ રમતિયાળ વિધાન : “ભાઈ, જુવાનીનો પણ કેવો મજાનો કેફ હોય છે!”
કવિશ્રીના મર્માળુ કાવ્યની લહાણી. (૧૭-૨૨).
“કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?…….
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયા મારગે ચાલ”
(૨) વેણીભાઈની વાણીમાં નાયગરાનો ધોધ વહેતો. પોતાના વિશે વેણીભાઈ :
”હું તો શયનખંડની પ્રિયતમા, જાહેરમાં હાથ ન ઝાલું.” (૨૭).
“તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો …..”
(૩) અસ્મિતાના નિર્માતા : કનૈયાલાલ મુનશીજીના સદ્વ્યવહારનું આગવું ચરિત્ર ચિત્રણ.
“જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેના માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ.”(૨૯)
(૪) હરીન્દ્ર દવે એટલે પ્રીતમભાઈને મન ‘માધવ ક્યાં ય નથી મધુવનમાં’ના માધવ_ દવે! હરીન્દ્રભાઈની મુલાકાત વખતે આ વાત ખબર પડી એટલે હરીન્દ્રભાઈએ કહેલું, “માધવને પામવા કરતાં તો તેને શોધવામાં વધારે મજા છે. એ જો એક વાર આપણને મળી જાય તો પછી માધવ પ્રત્યે જે એક પ્રેમનું અદ્ભુત રહસ્ય છે તે પૂર્ણ થઈ જાય. મારી દૃષ્ટિએ માધવના મિલન કરતાં તેના વિરહમાં ઝઝૂમવામાં જ વધારે આનંદ છે.” (૩૮).
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.”
(૫) સુરેશ દલાલને ખૂબ ઓછી વ્યક્તિ સાથે બંધાયો હોય એવો નિર્ભેળ પ્રેમસંબંધ પ્રીતમ લખલાણી દંપતી પ્રત્યે હતો એનું રમ્ય ચિત્રણ. (૪૩-૪૬).
“તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતાં આકાશનો ઉજાસ છે : તું મૈત્રી છે”(૪૧)
(૬) ચંદ્રકાંત બક્ષી : ”દોસ્તો, તમારે આ બાબતમાં દુ:ખી થવાની કોઈ જરૂર નથી. મારો ચહેરો જ એવો છે. કદાચ આ કારણે તમે મને ઓળખવામાં ભૂલ કરો જ, પરંતુ આજની તારીખમાં મને ગુજરાતી સાહિત્ય જગતમાં પણ કોઈ ઓળખી કે સમજી શક્યું જ છે ક્યાં?”
વિદ્યાર્થી તરીકે પ્રીતમભાઈ બક્ષીબાબુને ઓળખી ન શકેલા તેના જવાબમાં બક્ષીબાબુનું વિધાન. (૪૯)
(૭) ગુણવંત શાહ વિશે પ્રીતમ લખલાણીનું મંતવ્ય : અમેરિકા આવતા કેટલાક ગુજરાતી સાહિત્યકારોને સંસ્કૃતિ કે સાહિત્ય સાથે બહુ ઓછી લેવાદેવા હોય છે. આ વાત ગુણવંતભાઈને લાગુ પડતી નથી. એ જુદી માટીના માણસ લાગે છે. (૫૭)
(૮) ચિનુ મોદી : પ્રીતમ લખલાણીની સાથે સુસંગત આદતના બંધાણી ચિનુ મોદીના પ્રેમ અને એમનાં સર્જનની દિલફાડ પ્રશંસા કરતો લેખ. (૬૧-૬૫). ઈચ્છે ત્યાં સોમરસપાન કરી શકે તે ચિનુકાકાને પ્રગટ કરવામાં પ્રીતમભાઈની કલમ ખંચકાઈ નથી!
“સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ? જીવવા માટે બહાનું જોઈએ.
એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ?
(૯) આદિલ મન્સૂરી : પ્રીતમ લખલાણીને લઘુ કાવ્ય સર્જન માટે પ્રેરણા અપનાર સર્જક.
આદિલનું લઘુકાવ્ય :
“એક પનિહારી
બેડું વઈને આવી :
કૂવો ભરી ગઈ.”
પ્રીતમનું લઘુકાવ્ય:
“એક દીવો
રાત આખી અંધકાર
બાળતો રહ્યો.” (૬૦-૭૦)
(૧૦) રમેશ પારેખ : મનપાંચમના મેળામાં અમરેલી, અમેરિકા, ઘરઝુરાપો, નાનકી કરિશ્મા સાથે દોસ્તી અને અમરશીબાપુનો હાસ્ય મસાલાની ઘટના સાથે પ્રકરણ પૂરું! (૭૭-૮૦) પછી એનું અનુસંધાન વિનુભાઈ મહેતા પ્રકરણમાં થાય છે તે છોગામાં!
“આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.” (૭૫)
(૧૧) પ્રેમની દીવાનગીનો શાયર : બસસ્ટેન્ડ પર અનાયાસ ‘મરીઝ’નો પ્રીતમ અને એમના મિત્રને સાક્ષાત્કાર થઈ ગયો અને મહેફિલનો માહોલ સર્જાઈ ગયો એની રોચક સ્મૃતિકથા.((૮૩-૮૪)
“મીઠા તમારા પ્રેમનાં પત્રો સમય જતા,
નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે.”
(૧૨) પુરસ્કારની ખેવના રાખ્યા વગર દિલના દરવાજે દસ્તક દેતા વિદ્યાર્થીઓ માટે હરહંમેશ ઉપલબ્ધ સૈફ પાલનપુરી : પ્રીતમને મન મુક્તકનો સ્વામી.
“દિલને ગમતીલો કોઈ ઘાવ ઘેરો ન મળ્યો
માત્ર એકાંત મળ્યું, ઉમેરો ન મળ્યો,
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે!
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો. (૮૮)
(૧૩) શેખાદમ : એક ઘટના : અમદાવાદની માથું ફાડી નાખે તેવી ગરમીમાં હિમાલયના બરફ સમી શીતળતા સાથે શબ્દોનાં મિષ્ટાન્નની મિજબાની કરાવનાર ગઝલકાર અને દિલાવર શાયર (૯૧-૯૨).
“સંકલ્પ વિના એ શક્ય નથી, તું રોક નયનના આંસુ મથી,
તું હાથની મુઠ્ઠી વાળી જો, રેખાઓ બધી બદલાઈ જશે.” (૮૯)
(૧૪) શ્યામ સાધુ : સર્જક અને ચાહક મળે ત્યારે સપ્રેમ ભેટની જે આપ-લે થાય તેના રૂપરંગ આ હોય!
“સેંકડો રસ્તા હતા સૂનકારના,
કેમ કરશો ભાગવાની પેરવી?”
“સાવ બાળકનાં સમું છે આ નગર
કોઈપણ આવીને બોલાવી જુઓ.” (૯૮)
(૧૫) કૈલાસ પંડિત : પ્રીતમભાઈની કલમે મૂળ મધ્ય પ્રદેશના વતની જેમની મા_સી ભાષા ગુજરાતી છે તે કૈલાસ પંડિત પલાંઠીસ્થ થઈને રહે છે. કૈલાસભાઈની આ અદ્ભુત રચના :
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.” (૯૯).
“ મિત્રો, મારું માનવું ન માનવું એ તમારી મરજી! બાકી આ કવિતા મારી જ છે.
અને મારું નામ કૈલાસ પંડિત છે.( ૧૦૨).
(૧૬) મનહર ઉધાસને ઉચ્ચ કોટિના ગાયક એવા જ વાચકની શબ્દનવાજી કરતા પ્રીતમભાઈ ટોરાન્ટોમાં એમને બેફામની ગઝલ ગાતા આ રીતે યાદ કરે છે,
“નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે.” (૧૦૯).
(૧૭) “વિશ્વના હોઠો પર કરેલું ચુંબન”ની સાર્થકતા : “આખું અમરેલી ગામ મારી ફઈ” અને “મને તેડ્યો અમરેલીએ કેડમાં”ના સ્વથી સમષ્ટિની પહોંચ ધરાવતા દમદાર સર્જક રમેશ પારેખ આ પુસ્તકમાં બે વખત પોતાની બેઠક જમાવે છે.( ૧૧૪-૧૧૫).
(૧૮) પ્રીતમની કલમને વળગી પડેલા, ડોસી-ડોસાના પ્રેમની દુહાઈ ગાતા કવિ સુરેશ દલાલ અનેક વાર લીલાં-ભીનાં સ્મરણોમાં ડોકિયું કરે છે સાથે પ્રીતમ એમનું હ્યદયગંમ વ્યક્તિચિત્ર પણ બે વખત આલેખે છે. (૧૧૯-૧૨૦).
(૧૯) મહેન્દ્રભાઈ મેઘાણીને મન સંપાદન એક સાધના છે તેમાં તે કોઈની ખોટી દખલગીરી ચલાવી ન લે! (૧૨૩). મહેન્દ્રભાઈ મેઘાણીના માતબર કામના ગુણગાન ગાતી નોંધ લઈને પ્રીતમભાઈ એમની સાહિત્યસેવાને બિરદાવે છે. (૧૨૩-૧૨૬).
(૨૦) ‘ફાંટુ ભરીને પ્રેમ કરવા સમો માણસ’ શીર્ષક સમેત પ્રીતમ વિપુલ કલ્યાણીની ઓલિયો, સાહિત્યપ્રેમી, મસ્તરામની ઓળખને તાજી કરે છે (૧૨૯). મા અને માસી ઉપરાંત તમામ સગપણોની ખેવના રાખીને તમામ ભાષાઓનો આદર કરનાર વિપુલ કલ્યાણીના ભાષા માટેના વિધાનોમાં માતૃભાષા માટેનું મંતવ્ય, ”જો આપણે પરિવાર અને સમાજમાં આપણી માતૃભાષા પ્રત્યે જાગ્રત નહીં રહીએ તો ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણે છિન્નભિન્ન થઈ જઈશું. જો ભાષા હશે તો સમાજ અને પરિવાર સ્વસ્થતાથી ટકશે. આપણે આ પ્રમાણે પ્રયાસ ચાલુ રાખીશું તો આવતી કાલે આપણે બે સંસ્કૃતિઓનો લાભ મેળવી શકીશું. (૧૩૧).” આ પુસ્તક કુંજબહેન અને વિપુલભાઈને અર્પણ કરવામાં આવ્યું છે.
(૨૧) મહેશ દવે : માનવ અધિકાર અને કેળવણી તેમ જ શિક્ષણના પ્રખર અભ્યાસી તેમ જ હિમાયતી હતા. કુદરતી આપત્તિ માટે નાગરિક પહેલ મંચ દ્વારા સક્રિય રહેતા. તેઓ ‘પૂર્વ ન્યાયમૂર્તિ, ગુજરાત રાજ્ય શિક્ષણ ટ્રિબ્યુનલ’ આટલું લખીને પોતાનો પરિચય આપતા.(૧૩૭-૧૩૯)
(૨૨) વિનુભાઈ મહેતા વિધાન : ”જે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ફેલ જાય એ શહેરને ડુક્કરો ચોખ્ખું કરે છે.” સ્પષ્ટ વક્તા વિનુભાઈના ઉદ્ગારો તો પુસ્તકમાં વાચકે જાતે જ વાંચી લેવા પડે! (૧૪૩-૧૪૫). વિનુભાઈની ‘હૈયે તે હોઠે’ની લઢણ અનાવિલત્વની યાદ અપાવે છતાં તેઓ બોલતી વખતે બેફામ થઈ જતા હશે એવી છાપ તો પડે.
(૨૩) ઊંચી મેડી મારા સંતની : ગુણવંત ઉપાધ્યાય : ”ગુણવંતભાઈનું ઘર તો પંખીનો માળો, આ માણસનો રોટલો અને ઓટલો એક સંતના ઘરની જેમ મોટો. ફક્ત કવિ જ નહિ તેમનાં ધર્મપત્ની, દીકરો અને દીકરાની વહુ, ગુજરાતીનાં પ્રાધ્યાપક ડો. જીતલ ઉપાધ્યાયની વાત જ શું કરું? ઉત્સાહનું લીલું તોરણ!” ગુણવંત ઉપાધ્યાયની દિલદાર મૈત્રીનું વર્ણન માણવા જેવું મસ્ત! (૧૪૭-૧૫૬).
પુસ્તક ગમ્યું તેનું કારણ કાલ્પનિક કથા કરતાં વાસ્તવિક અને જિવાતી જિંદગીઓ વિશે જાણવાનું મને વધારે ગમે છે. ક્યાંક કઠ્યું પણ ખરું. અંતે સમાપન :
“સાવ રમકડા જેવો કૃત્રિમ માણસ છે, ભાઈ સાચવજે!
ધોળે દિવસે બળબળ બળતું ફાનસ છે, ભાઈ સાચવજે”. : પ્રીતમ લખલાણી.
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર