ગાંધીના અવસાન પછી જન્મેલી પેઢીનો પ્રશ્ન એમ હોય છે કે અમે તો ગાંધીને નથી જોયા તેથી તેમની વાતો અને વિચારોનો અમલ શી રીતે કરવો તે સ્પષ્ટ થતું નથી. આ પ્રશ્નનો ઉત્તર આપી શકાય અને ગાંધી જીવનની ઝાંખી કરાવી શકાય તેવી શક્તિ ધરાવતું પુસ્તક એટલે ‘વેડછીનો વડલો.’
પુસ્તકના કેન્દ્રમાં જુગતરામભાઈને મૂકવાનો પ્રયત્ન છે. સંપાદકે તેમની જીવનકથા આપવાનો, અને તેમાં જુગતરામભાઈએ પોતે જે જીવનકથા લખી, તેમાં છોડી દીધું તે બધું સંશોધન કરી રજૂ કરવાનો, મહાપ્રયાસ કર્યો છે. અરે ‘છાયા’ ખંડમાં ૨૫૧ ફોટા અને ખંડે ખંડના પ્રારંભે જુગતરામભાઈ અને તેમની વિશિષ્ટ વસ્તુઓ પણ રજૂ કરવાનું સજાવટ કરવાવાળા ચૂક્યા નથી. તેમ છતાં જુગતરામભાઈની વાત કરો એટલે વેડછીની જ વાત કરવી પડે. અને વેડછીની વાત એટલે ગાંધીમય જીવનની જ વાત હોઈ શકે અને તેથી ક્યારે તમે આ વાતો કરતાં કરતાં ગાંધીજીવનના રસને પીતા થઈ ગયા તેનું ભાન જ ન રહે.
આ ગ્રંથનો સંપાદક તો એક ભક્ત છે. ‘વેડછીકરણ’ કરી રહેલો ભક્ત છે. જો કે તેથી તે મૂલ્યાંકન કરવામાં કાચો કે આંધળો નથી. ‘કટોકટી’ દરમિયાનનું જુગતરામભાઈનું વલણ જ નહિ, વિનોબા-જયપ્રકાશના મતભેદો અંગેનું તેમનું વલણ, હળપતિ ઊજળિયાત વિશેનાં વલણો તેમનાં ‘વટવૃક્ષ’નાં અને અન્ય લખાણોમાંથી મેળવીને બધાંયની તાટસ્થ્યપૂર્ણ રજૂઆત કરી જ છે. અલબત્ત, નારાયણ દેસાઈ વેડછીનો દીકરો છે. જુગતરામભાઈનો પહેલા ખોળાનો દીકરો છે, એવું પણ કહી શકાય તેવું તેમનું પરસ્પરનું સ્નેહબંધન છે. તેથી જ અંતતોગત્વા મૂલ્યાંકન પણ વેડછીની ઢબે જ કરે તે સ્વાભાવિક છે.
શાથી વેડછી, વેડછી બન્યું (અમારા બૂચભાઈએ – ન.પ્ર. બુચે – ‘વેદ-શ્રી’ એવું એનું મૂળ ગણાવી આપ્યું છે. સહેજે આકર્ષક છે, સુયોગ્ય પણ છે !) એ નવા ગોત્રના ઋષિ જુગતરામભાઈ છે એવું કહો તો ભલે કહી લો પણ તેમણે તો તેમની આખી જિંદગીના વર્તન અને વ્યવહારથી એવું પુરવાર કર્યું જ છે કે ‘ભાઈ ! મારે કંઈ વિશેષ જશ લેવા જેવો હોય, તો આ ખેતરની આજુબાજુ વાડ છે તેના જેટલો. તેના પર જાતજાતના વેલાઓ ઊગે છે અને તેના ટેકાથી ઊગે છે પણ એ બધાંનું મૂળ તો પોતાનું. જે કોઈ ફળ કડવાં કે મીઠાં આવતાં હશે તે વેલાનાં પોતાનાં જ ગણાય, તેમાં વાડે કંઈ જશ લેવાપણું નથી. વળી આવા વેલાનો બોજ ભારે હોતો નથી. એ તો પોતાના જોરથી ઊગી ગયો. વાડે એને ટેકો આપ્યો, એટલું જ … આ આશ્રમોમાં જે કામ થઈ રહ્યું છે તેમાં જશ મને મળે છે પણ ખરી રીતે અનેક વિવિધ ગુણ અને શક્તિઓવાળાં કાર્યકર્તાઓ ભેગાં થયાં છે તે સૌ ભક્તિપૂર્વક વળગી રહ્યાં છે તેના કારણે છે.’ (‘વેડછીનો વડલો’ પાન – ૧૧૧)
આ વાત તેમની નમ્રતા ગણવાની છૂટ નથી. તેઓ તેના સર્જક કે વિકાસમાં નથી જ નથી તેવો તેમણે વિશ્વાસ પેદા કરાવ્યો છે. એક એવો વિરલ પ્રયોગ કર્યો છે કે જેમાં જે કાંઈ થાય છે તે ‘અમે કરી શક્યાં ! આપણે આમ કેવાં ખીલી ઊઠ્યાં !’ એવી સમજણો ઉત્પન્ન કરાવી આપવાની કાર્યપદ્ધતિ આ ઋષિની છે.
પ્રકાશનની દૃષ્ટિએ આ ‘વેડછીનો વડલો’ એક પરંપરામાં આવ્યો છે. ‘મૂઠી ઊંચેરો માનવી’, ‘જયપ્રકાશ’ અને હવે આ ‘વેડછીનો વડલો’. ક્યાં મૂકશું આને ? સંપાદકે ઠીક જ કહ્યું છે કે “આ ગ્રંથ એક ઇતિહાસ-જીવનચરિત્ર, સ્મૃતિગ્રંથ, સમીક્ષા અને સંસ્થા પરિચયનો સમન્વય છે તેથી તે કોઈપણ એક શ્રેણીમાં મૂકી શકાય એમ નથી.” (સંપાદકીયમાંથી)
છતાં, સજાવટમાં ઉપરના ત્રણેયમાં ‘વડલો’ ચઢે છે એમ કહી શકાય તેમ છે. અલબત્ત આગળના બે ગ્રંથોનો અનુભવ ખપમાં આવ્યો છે. મૂળે, હકીકત તો એ છે કે પ્રકાશક, સંપાદક અને મુદ્રક ત્રણેય વેડછી પ્રત્યેની ભક્તિ અને આદરથી ભીંજાયેલા છે.
ગ્રંથ પરિચયનો પ્રારંભ પ્રથમ ખંડ ‘ઘટા’ ખંડની એક સ્મરણાંજલિથી કરીએ. ઘેલુભાઈ નાયકે દશ પ્રેરક પ્રસંગો આપ્યા છે. તેમાંનો આ છઠ્ઠો છે, …. ‘મેં એક (ગુનેગાર) કેદીને પૂછ્યું, ભાઈ, આ જાજરા પાસે જ બેસીને તમે રોટલા ખાવ છો, તેના કરતાં અમારી બેરેકના ઓટલા પર બેસીને રોટલા ખાતા હો તો ?’ પેલા કેદીની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કહે ‘ભાઈ એવું શી રીતે બને ? બેરેકમાંથી કાંઈક જાય તો અમારે માથે પડે. અને જમાદારનો ત્રાસ અમારા પર વધી પડે.’ ત્યાર પછી મેં કહ્યું, ‘મારી શેતરંજી પર બેસો, તો અમને કંઈ વાંધો નથી.’ તે દિવસે તો એ ભાઈ અમારી સાથે બેઠો નહિ પણ બીજે દિવસે તે અમારી પાસે બેઠો. પછી જ્યારે હું જુગતરામભાઈના વર્ગમાં જઈને બેઠો ત્યારે એ પણ મારી સાથે આવીને બેઠો. મેં જુગતરામભાઈની એને ઓળખાણ આપી. જુગતરામભાઈને પણ એને વિશે થોડી વાત કરી. પછી તે કેદી સાથે જુગતરામભાઈએ ખૂબ પ્રેમથી કેટલીક વાતો કરી. મને લાગે છે કે એમાં અડધો કલાક ગયો. પેલો કેદી તો વારંવાર હાથ જોડે ને માથું હલાવે. પછી ધીરે ધીરે અમારામાંથી એકાદનો રેંટિયો કે એકાદની ધનુષતકલી લઈને કાંતવા લાગ્યો. હવે એની વારી બદલાતી હતી. એટલે અમને કહે કે ભાઈ, આપણા ગાંધીએ તો આવા જુગતરામભાઈ જેવા કેટલા બધા ગાંધી ઘડ્યા હશે ! હવે તો સ્વરાજ આવવાનું જ’. (પાન-૨૮)
સૌથી છેવાડે – અસ્પૃશ્યથીયે બેત એવા criminalનેય – પ્રતીતિ થઈ ગઈ કે સ્વરાજ તો આવશે જ. આ જુગતરામભાઈ જેવો ગાંધીજન પ્રગટ્યો પછી હવે શંકાને સ્થાન જ નથી. ધ્યાન પર લઈએ કે જેલમાં ! અને સજા થયેલ સ્થિતિમાં એવાં સત્યાગ્રહી તેજ અને ખમીર જુગતરામભાઈનાં પ્રગટ્યાં કે આવા સમાજના ઉતાર ગણાતા માનવીને ય ખાતરી જ થઈ કે અન્યાયકારી અંગ્રેજો જશે જ !
‘ઘટા’ ખંડમાંના કાવ્યાંજલિનું પ્રથમ કાવ્ય ભાઈ યોગેશનું ‘લિયો પ્રણામો જુ. કાકા’ તો આપણે વાંચીને ધન્ય જ થઈએ. લો, આ એમાંની કેટલીક પંક્તિઓ : (પાન ૯૭-૯૮)
‘હરિપુરા’ની હદમાં સ્થળની સફાઈથી જે આરંભ્યો…
સ્વયં મૂર્તિમંત હજી પ્રજ્વલે શુદ્ધિ યજ્ઞ આ જુ. કાકા.
ઉપનિષદ-ગીતા-ગાંધીજી ને કર્મ-કાવ્યમાં મગ્ન સદા,
અનિકેત રહી શાંતિનિકેતન બની રહ્યા આ જુ. કાકા.
આ બનાવટોના યુગમાં સાચા ઘીનો દીવો જુ. કાકા,
અવ ત્રસ્ત-ગ્રસ્તનું સ્વમાન-ગાણું થઈને જીવો જુ. કાકા.
તમે ચિરાયુ; નવતરુણોને દિયો આશિષો જુ. કાકા,
અમ અંતરમાં રહેવાના તોયે લિયો પ્રણામો જુ. કાકા.’
વેડછી એ કાંઈ આશ્રમ નથી. નથી આ કોઈ પારાયણ સ્થળ. આ તો જંગી સત્યાગ્રહનો માંડવો છે. સમાજના ‘સૌથી દલિત પતિત, પાછામાં પાછાં ને નીચામાં નીચાં’ને આત્મગૌરવભેર જીવવાની આવડત આપવા માટે માંડેલો સત્યાગ્રહ છે. વેરવિખેર અને અંધેરથી વ્યાપ્ત એવી પરિસ્થિતિને આનંદ, ઉલ્લાસ અને સાત્ત્વિક કામોનાં સર્જનોથી ભરી દેવાને ઊંચો ને અડીખમ વડલો છે ! એક સુરમ્ય એવી સંપૂર્ણ કળાકૃતિ કરવાને માંડેલો યજ્ઞ છે.
છેક ૧૯૨૫ અને ૨૭ની વાતો છે. આ બે રાનીપરજ પરિષદોમાં ગાંધીજી પધારેલા – સાથે મહાદેવભાઈ હોય જ. તેમણે નોંધ્યું છે : ‘નિરાશાને ક્ષણવારમાં ઉડાવી દેવા માટે જાણે તા. ૧૬મીનાં દૃશ્યો ગોઠવાયાં હોય ! એ કોઈએ હેતુપુર:સર ગોઠવેલાં નહોતાં. એ તો ઈશ્વરની જ રચના હતી. ખાનપુર ગામે રાનીપરજનું ગરવું નામ ધારણ કરનારા ભાઈઓ ભેગા થયા હતા. એમનાં દર્શન કરીએ તે પહેલાં એમનામાં પ્રાણ રેડનારા, એમનામાં રાતદિન વાસો કરી એમના જ દાસ બનવામાં પ્રભુનું દાસત્વ માનીને બેઠેલા સેવકોના આશ્રમની મુલકાત લઈએ. આ નાનકડું ઝૂંપડું – આસપાસના પ્રદેશમાં વીજળી રેલાવનારું ‘પાવરહાઉસ’ – શક્તિ ભંડાર છે એમ કહીએ તો ચાલે. એમાં કામ કરી રહેલા ભાઈ ચૂનીલાલ મહેતા, અને એમનાં ધર્મપત્ની તથા આ આખા પ્રદેશના લોકોમાં ઓતપ્રોત થઈ એમની સેવામાં જ રામની મૂર્તિ ભાળતા ભાઈ જુગતરામ, વેડછીના આશ્રમમાં હાજર હતા. વણાટ આશ્રમનો પાયો એમણે વેડછીમાં નંખાવ્યો. જુગતરામે પોતાના પ્રિય શિષ્ય એક ચૌધરી યુવક અને ચૌધરી કોમની બહેનના ધાર્મિક વિધિથી ગાંધીજીની સમક્ષ વિવાહ કરાવ્યા અને ગાંધીજીએ તેમને આશીર્વાદ દીધા બલકે આશીર્વાદ દીધા પહેલાં તેમને દીક્ષા આપી એમ કહું તો ચાલે, કારણ એમણે તો એ બંને જણનું પાણિગ્રહણ કરાવતાં પહેલાં તેમને વિવાહનો આદર્શ સમજાવ્યો; સંયમને માટે જ વિવાહ કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા – ભોગને અર્થે નહિ પણ પ્રજા સેવાર્થે આ સહચર્ય કરીએ છીએ એવી પ્રતિજ્ઞા – લેવડાવ્યા પછી જ તેમને આશીર્વાદ આપ્યા.
‘અને પ્રતિજ્ઞા એ લોકો શા સારુ ન લે ? પ્રતિજ્ઞા લેવાનું બળ રાખનારા સદ્ભાગી તો એઓ જ આજે લાગે છે. કારણ ખાનપુરમાં જે પરિષદ ભરાઈ તેમાં સ્વાગત મંડળના સભ્યો થવાની એક આકરી કસોટી રાખી હતી અને એ કસોટીમાંથી ઊતરનારાં ૧,૧૦૦ જેટલાં સભ્યો-સ્ત્રી-પુરુષો અને બાળકો – આ લોકો જ હતાં. આ શરત એવી હતી કે જેઓ ઘરમાં કાંતેલી સૂતરની વણેલી ખાદી પહેરતાં હોય તે જ આ સ્વાગત મંડળના સભ્ય થઈ શકે. ત્રણ ચાર મહિના થયા આ શરત એમને જણાવવામાં આવેલી હતી. બે વર્ષ ઉપર એઓ વેડછી મુકામે મળેલા ત્યાં દારૂ તાડીનો ત્યાગ કરીને ગયેલાં હતાં ત્યાર પછી રેંટિયો પ્રવૃત્તિ એમનામાં ભાઈ ચૂનીલાલે ચલાવી અને પરિણામે ૧,૧૦૦ શુદ્ધ ખાદીધારી અહીં ભેગાં થયાં હતાં.’ (પાન. ૧૪૮)
આમ વેડછીના થવું એટલે ?
આકરાં વ્રતો ખરાં ! પણ સાથે પ્રેમભર્યો ઉદાર હાથે ય ખરો. ‘પત્ર પુષ્પ પમરાટ’વાળા ભાગમાંથી થોડો પરાગ વીણી લઈએ.
‘તમારા પિતાજીની મુશ્કેલી અને ઘરની સ્થિતિ જોતાં તમારે શું કરવું તે તમે જ વિચારી શકો. મોટી માતા (ભારત) અને મોટું ઘર પણ ઓછું દુ:ખી નથી એટલે તમારો પોતાનો ઉત્સાહ હોય તે પ્રમાણે કરશો … વેડછીમાં ગેનાબહેન આમંત્રણ આપે છે. પણ એ તો પગારબંધ કામ નથી. એમાં તો ભૂખ્યાં પણ મરવું પડે અને બીજાં પણ આકરાં દુ:ખો ભોગવવાં પડે. ખાદીના કારકુનને ખાતું રોકે એટલે પગાર આપે, પણ ખાદીનો સૈનિક પોતાની હિંમતથી બેસે છે, તેને કોણ આપે ? એ બહાદુર અને જ્ઞાની સેવકનું જ કામ છે. એવા થવાની તમને હિંમત ને સૂઝ પડે તો અમારા કરતાં તમે કંઈક ઊંચું કામ કરો છો એમ હું માનું છું. હું તો મારા મનના ભાવો જુદી જુદી રીતે ઉથલાવીને સમજાવું છું. તમે તમારું ગજું જોઈને હિંમત ચાલે તેટલું કરશો. ઘેર રહી કામ કરશો અથવા અભ્યંકર પાસે જશો તો પણ હું નારાજ છું એમ ન માનશો. શું ઠરાવો છો તે લખજો.’ (પાન. ૨૪૪)
અન્નપૂર્ણાબહેનને જે ટેકો કર્યો છે તે જુઓ :
‘સેવામાં જ જીવન સમર્પણ કરવું છે, એવો નિશ્ચય કરી શકે તો પણ એમની ચિંતા મટશે. ગમે ન ગમે તે જુદી વાત, પણ ચિંતા તો થાય. ચિંતા અનિશ્ચયની સ્થિતિમાં હોય છે. કોઈપણ દિશામાં નિશ્ચય થાય એટલે મન હેઠું બેસે છે. તમારે માટે પણ હવે, અનિશ્ચયમાં લાંબો વખત રહેવું શા સારુ ? હું સલાહ આપવામાં બહુ મક્કમ વલણ રાખતો નથી તેનું કારણ એ છે કે આવી બાબતમાં અંત:સ્ફૂર્તિથી જ નિશ્ચય થવો જોઈએ. બીજું અને મોટું કારણ એ છે કે આપણો મહાન દેશ આજે નીતિમાં, વીરતામાં, ત્યાગમાં છેક તળિયે બેસી ગયો છે. કોઈ વીર દેશની દા.ત. રશિયાની છોકરી હોય, તમારા જેવું શિક્ષણ મળ્યું હોય, તમારા જેવી સત્સંગતિ પામી હોય અને તમારા જેવી તબિયત હોય તો તેણે ક્યારનો પોતાનો રસ્તો આંચકી લીધો હોય. મનને નિશ્ચયના ખડક ઉપર બેસાડી દીધા પછી નકામી મથામણ મટી જાય છે એનો અનુભવ મને ઉપવાસમાં થયો. અન્નનો વિચાર જ આવ્યો નથી. ભૂખનું કશું જ કંઈ લાગ્યું નથી.’
આમ ‘નિર્ણય અંત:સ્ફૂર્તિથી જ’ કરવાને વેડછીમાં આમંત્રણ છે અને એક વાર નિશ્ચયના ખડક પર બેસો એટલે અન્યથા મથામણનો અંત જ ! (પાન. ૨૪૫)
આ છે વેડછીનો વડલો ! અને ‘વેડછીકરણ’ કરવું હોય તો કેવી રીતે કરશો ? ચોથા ‘ડાળ’વાળા ખંડમાં આવો તેની વાત સમજીએ, ‘જેમની સુગંધે આ વાડી મહેકે છે.’
‘વેડછીકરણ’ મકનજીબાબા, ગોરધનબાબા, ઝવેરભાઈ, છોટુભાઈ એમ એક એકની ખૂબીઓ અને ખંતોની વાત કરતાં કરતાં આવી પહોંચે છે કોલકની આનંદમયી આનંદી અને એના ઉમંગી ભાઈ દેવેન્દ્રની વાત પર. અન્નપૂર્ણાબહેન કેમ ભુલાય ? લખે છે, એ પણ ‘વેડછીકરણ’ નહિ તો બીજું શું કરી રહ્યાં છે ? તેઓ આત્મકથાઓ લખે કે ન લખે, તેમનાં કામ જોઈને કોઈપણ કબૂલ કરશે કે એ બધું જે તરફથી જુઓ તે તરફથી શુદ્ધ વેડછીકરણ અને વેડછીકરણ જ છે. પણ તેમણે પણ ક્યારેક પોતાના એ અનુભવો શબ્દબદ્ધ તો કરવા જ પડશે. તેઓ હજુ નાનાં છે અને કલમના રંગે હજુ બહુ રંગાયાં દેખાતાં નથી. પણ વહેલી મોડી તેમની આંખ ઊઘડશે જ કે વેડછીકરણની ક્રિયા એના વગર પૂરી ગણાશે નહિ. ગુલાબનું ફૂલ માત્ર રૂપ અને રંગે જ પૂર્ણ ગુલાબ ગણાશે નહિ. તેમાં સુગંધ પણ પ્રગટ થવી જ જોઈશે. હું આશા રાખું છું અને ત્રણેયને આશિષ આપું છું કે આ કસોટીમાં તેઓ જરૂર પાસ થશે. જીવનને શબ્દબદ્ધ કરવું અને કલમરસ વહેવડાવવો એના સાંકડા અર્થ કરવાના નથી. તે આત્મકથા રૂપે દેખાઈ શકે, ગીતો, કાવ્યો, નૃત્યો અને નાટકોને રૂપે પણ દેખાઈ શકે. સુંદર બાગ-બગીચાઓ અને બાલવાડીઓ અને પવિત્ર આશ્રમરૂપે પણ તે પ્રગટ થઈ શકે.’ (પાન. ૨૦૪)
આમ કોઈપણ રૂપે પ્રગટ થનાર અમારું વેડછી એ વેડછી છે.
રાષ્ટ્ર આખાયને ખુદ શુદ્ધ, સ્વચ્છ અને ખિલખિલ હસતા આહ્લાદક વાતાવરણથી ભરી દેતું કોઈપણ કાર્ય ઉપકારક જ છે. આપણે સમગ્ર રાષ્ટ્રને કેવળ આધ્યાત્મિક પાવિત્ર્ય કે સાત્ત્વિક શક્તિથી જ નથી ભરી દેવો, એને ઉત્સાહ અને ઉમંગના મંગળમય વાતાવરણથી છલકાવી દેવો છે. એવી માનવીમાત્રને ઊંચે ચઢાવનારી પ્રત્યક્ષ પ્રવૃત્તિ એ જ વેડછીકરણ.
જુગતરામભાઈએ ક્યારે ય ‘હું વેડછી રહું છું, હું કામ કરું છું તે સંસ્થાનું નામ છે સ્વરાજ્ય આશ્રમ, કે સરનામું મુ. વેડછી કરજો,’ એવું નહિ કહ્યું હોય. એ તો એમની ‘વ્હાલુડી વેડછી અને વેડછીના.’
અક્ષરશ: જેમણે જીવનભર સત્યાગ્રહ જ કર્યો અને જે પરાક્રમી ભૂમિને પ્રેમ કરીને પૂરા દિલથી ચૂમી તે જ વેડછી. માટે જ વેડછી એમ બોલતાંની સાથે જુગતરામભાઈનું નામ એકબીજાના પર્યાય રૂપે રજૂ થાય છે. આ અહીં ગુજરાતમાં જ નહિ જ્યાં ક્યાંક ગાંધીજન કે ખાદીના અથવા સર્વોદય સમાજના મિત્રો મળે ને વાત કરીએ, એથી ય વધુ ક્યારેક તો અજાણ્યા એવા મંડળમાં ય કે સ્થળે ય ‘વેડછી’- હા, નામ સાંભળ્યું છે. કોઈક જૂના બુઝુર્ગ કાર્યકર્તા ‘જ’ ઉપરથી નામ છે એવું પુછાય જ – સાંભળીને હૈયું ભરાઈ આવે – કેટલું બધું identification !
એવા આ વેડછીના વડલાની ડાળે હીંચવા કે તેની શીળી છાંયે બેસવા નથી મળ્યું કે જેમને ટેટા પણ નથી પહોંચ્યા તેને આ ગ્રંથ હૈયા-ધરપત આપવા આવ્યો છે અને હવે નારાયણભાઈની મહેનત થઈ છે એટલે ભાવિ પેઢી માટે દરવાજો ખૂલી ગયો છે. આવી પહોંચો આ વડલાને વિસ્તારવા ને રાષ્ટ્રભરમાં ફેલાવી દેવા !
આ વેડછીની શાળાને મહાત્મા ગાંધીનું પ્રમાણપત્ર તો જુઓ !
‘આ શાળામાં ઉદ્યોગ પ્રધાનપદ ભોગવે છે. અક્ષરજ્ઞાન બાળકો રમતમાં પામી લે છે. ભાઈ જુગતરામનો કુશળ હાથ તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એમની કળા આપણને ન આવડે, પણ એમના જેવો પ્રેમ કેળવીએ તો એવી શાળા આખા દેશમાં વ્યાપક થઈ શકે અને આ ખેતી- પ્રધાન દેશનાં બાળકોનો ઉદ્ધાર થાય ને તેઓ જોઈતી કેળવણી પામે. આ શાળામાં રાનીપરજનાં બાળકો સંસ્કાર પામે છે, આચાર શીખે છે. આરોગ્યના નિયમો જાણે છે ને પાળે છે. સ્વાશ્રયી બને છે અને સ્વતંત્રતાનો મંત્ર સાધે છે. આ શાળામાં રાનીપરજનાં બાળકો જ શીખી શકે ને કરોડપતિનાં બાળકોને કંઈ જ ન મળે એવી મિથ્યા ભ્રમણામાં કોઈ ન રહે. કરોડપતિનાં બાળકોને અર્થે જે શાળાઓ આજે ચાલે છે, તેમાં રાનીપરજનાં બાળકો ગૂંગળાઈ જ જાય. એ વાત સિદ્ધ કરી શકાય એવી છે. એ જ રાનીપરજનાં બાળકો જ્યાં ગૂંગળાઈ જાય ત્યાં દેશ ગૂંગળાયો સમજવો, પણ વેડછીની મજકૂર શાળા કરોડપતિનાં બાળકોને સદ્ભાગ્યે પ્રાપ્ત થાય તો તેઓ રાષ્ટ્રીયતાના શુદ્ધ પ્રાણવાયુનું પાન કરે.’ (પાન. ૪૫)
મહાદેવભાઈનું આવું જ કદાચ, ચડિયાતું પ્રમાણપત્ર છે. મૂળમાં વાંચવા ભલામણ કરવાની છૂટ લઈએ. (પાન. ૪૬)
આવું વેડછી વિશે લખાય છે. કારણ ત્યાં કેવળ કાંતવાનું કે ખાદી ઉદ્યોગનું અને પ્રાર્થનાના મંત્ર રટણનું શુષ્ક વાતાવરણ નથી. જીવન ચરિતાર્થ કરવાને ત્યાં ઉત્સાહ પૂરો પાડવામાં આવે છે.
અમલસાડીમાં ગાંધીમેળો થયેલો. અમારી સ્નાતક અધ્યાપન મંદિરની બહેનો કાંઈક ગળામાં, કોઈ નાકમાં અને કાનમાં માળા, નથ ને એરિંગ પહેરીને ગયેલી. વેડછીનાં અમારાં ગેનાબહેન ત્યાં સાથે થઈ ગયાં. તેમણે કહ્યું, ‘ઓ બહેનો ! આ ગાંધીમેળો છે. અહીં આપણને આવું શોભે નહિ; સાદાઈથી જ રહેવાનું !’ અમારી ગ્રેજ્યુએટ થયેલી, યુનિવર્સિટીનાં બારણાં ખખડાવી આવેલી બહેનો કંઈ ગાંઠે : તરત દલીલ કરી, ‘તમારે હવે શું ? ઘરડે ઘડપણે આવું જ કહોને ! તમે જુવાન હતાં ત્યારે શું કરતાં ?’ ગેનાબહેને તરત ઉપાડી લીધું, ‘મારી વાત તો સાંભળો. હું ને મારી બહેન માંડ ૧૮ અને ૨૦ વરસનાં હોઈશું. ગાંધી બાપુ આપણે ત્યાં વેડછી આવેલા ત્યારે અમને સમજાવેલું કે દાગીના શા માટે પહેરો છો ? અમે તો ત્યાં જ દાગીના બધાં ઉતારીને મુક્ત થયેલાં. અમારું સાચું આભૂષણ તો અમારા જીવનના વ્યવહાર અને વર્તન. હું ને મારી બહેન બેયનાં કુટુંબો, દીકરાના ય દીકરાઓ તેમની સચ્ચાઈ અને પ્રામાણિકતાથી શોભીએ છીએ. અમારાં સૌનાં જીવનોથી વેડછી, વેડછી થાય છે. અમારા ગામની પાકી શાખ છે. બાપુજીની વાત અમે સાંભળી તે તમે ય સાંભળો ને તમારા સચ્ચાઈભર્યા મહેનતુ જીવનથી અને સાચી ભક્તિથી જીવો તો તે જ ખરા શણગારો છે. અમે અમારી આખી જિંદગી હાથે કાંતેલી આ શુદ્ધ સફેદ ખાદી અને તેને લીધે થયેલાં ઊજળાં જીવનોથી શોભતાં જ રહ્યાં છીએ.’
અમારી અણપઢ ગણાતી વેડછીની આદિવાસી બહેનો યુનિવર્સિટીનાં પ્રમાણપત્રો ધરાવતી ને માથે તેનો ભાર લઈને ફરતી બહેનોના ભ્રમો ભાંગી રહી હતી. આ જે રીતે બની શક્યું તે સમજવા આપણે વેડછીનો વડલો વાંચી જ લેવો પડશે. કારણ આ સ્વપ્નશું વેડછી આપણી સમક્ષ નારાયણ દેસાઈની મહેનતથી રજૂ થયું છે. એ વેડછીના નારાયણભાઈએ જે હૃદયસ્પર્શી વર્ણનથી પ્રારંભ કર્યો છે, તે તો આપવું જ રહ્યું. એક કાવ્ય જ છે એ વર્ણન ! કદાચ આખા ય ગ્રંથની યશકલગી છે. (પાન ૧૦૯/૧૧૦)
પર્વત ખીણ, નદી સરોવર, સાગરકાંઠો, ધોધ, પ્રાકૃતિક ફુવારા, ગીચ જંગલ, હિમાચ્છાદિત શિખરો કે હિમનદીઓ – સામાન્યપણે પ્રાકૃતિક સૌંદર્યનો વિચાર કરતાં આમાંથી કોઈ એક કે વધુ વસ્તુઓની કલ્પના આપણી આંખ આગળ ખડી થાય. વેડછીમાં આ પૈકી એકેય નથી. આસપાસ માઈલો સુધી પર્વત કે ખીણ નથી તો હિમઢાંક્યા ગિરિશ્રૃંગો કે હિમસરિતાઓ હોવાનો સંભવ જ ક્યાંથી હોય ? સરોવર તો શું, નાનું તળાવડુંયે નથી. ઘનઘોર કાનન નથી, પુષ્પવાટિકાઓ નથી. હા, દોઢ બે કિલોમિટર દૂર ઝાંખરી નદી છે ખરી, પણ વરસમાં મોટેભાગે તો એ મરવા વાંકે જીવતી હોય એવી લાગે. આમ પ્રકૃતિને રમણીય બનાવાર તમામ તત્ત્વો વેડછીમાં દેખાતાં નથી. પરંતુ બહારથી આવનાર કોઈ પણ મુસાફરના મોંમાંથી પ્રથમ શબ્દો નીકળી જાય છે, કેવું સુંદર રમણીય સ્થળ છે આ !
વેડછી એના આંતરિક સૌંદર્યથી રઢિયાળું છે. સોનમહોર, આંબા લીમડા ને બોરસલ્લીની છાયામાં ઢંકાયેલા વેડછી આશ્રમમાં સાદાં સુઘડ મકાનો એ આશ્રમને વસાવનાર લોકોની આયોજનશક્તિનો ખ્યાલ આપી જાય છે એ સાચું. એના વિશાળ રામાયણ ચોક અને મહાભારત ચોકની સ્વચ્છતા, દરેક મકાનની આગળ વ્યવસ્થિત રીતે ગોઠવેલું કચરાપાત્ર, વૃક્ષોની નીચે લીંપીગૂંપેલી ઓટલીઓ પર ને મકાનોની અંદર ને બહારની દીવાલો પર ઘરે બનાવેલ રંગોના, હાથબનાવટની પીંછીઓથી મારેલા થોડા લસરકાથી નીપજી ઊઠેલાં સુશોભન વગેરે એ સર્વ ચીજો આશ્રમની સ્વચ્છતા-સુઘડતા જાળવવા સારુ કોઈની ખંત લાગેલી છે એમ સૂચવી જાય છે એ સાચું, પણ વેડછી આશ્રમની સુંદરતા આ બધાં કરતાં પણ કાંઈ ઓર જ છે. એ સુંદરતા એના અંત:સૌંદર્યમાં વિલસે છે. એ સુંદરતા દેખાય છે એની બાલવાડીના ‘ચડપડ’ પર ધમાચકડી કરતાં ભૂલકાંઓના સંઘપ્રસ્ફુટિત કમળશા ચહેરાઓ પર, એની ગ્રામશાળાનાં બાળકોનાં ગીત-ગરબા કે નાચણાના છંદોમાં, કાળી ભોંય પર કોદાળી પાવડા લઈ ઉત્સાહભેર કામ કરતા એના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કિશોરો અને અધ્યાપન મંદિરના તરુણોનાં લમણાં પર ચળકતાં સ્વેદબિંદુઓમાં, રોજ સમી સાંજે અને વહેલે પરોઢિયે ને અવારનવાર નિશીથે આખા આશ્રમને ગુંજવતાં વિવિધ પ્રકારનાં પક્ષીઓના કલરવમાં અને એ સુંદરતા સૌથી વધુ પ્રગટ થાય છે આશ્રમના પ્રાણ સમા જુગતરામભાઈના ઉપરથી શુષ્ક દેખાતા ચહેરા પર અંદરથી ઊભરાઈને રેલાઈ જતા ખડખડાટ હાસ્યમાં….
આ કોઈ કેવળ સ્વપ્ન જ નથી. મહત્ત્વાકાંક્ષી ચિત્ર નથી. આમંત્રણ છે. જેમને કોઈને આવો લહાવો લેવો છે કે એમને ગાંધીબાપુના સમયનું વાતાવરણ નથી મળ્યું તેમને આ વેડછીના યશ કાર્યમાં જોડાઈ જવાને, જીવન સમર્પિત કરવાને આવાહન છે. ‘વેડછીનો વડલો’ એ એક મહાસ્વપ્નની ધરતી પ્રગટ કરવા રચાયેલો ભોમિયો છે. ઉત્સુક સૌને તેમાંથી માત્ર ‘વેડછીકરણ’ની જ પ્રેરણા નહિ મળે, પોતાના પ્રાપ્ત ધર્મની સૂઝ સમજ પણ મળી જશે.
ગાંધીબાપુ કહેતા કે ‘હું કોઈપણ પ્રવૃત્તિ હાથમાં લઉં તો તેને આશ્રમરૂપ અપાઈ જાય છે. એ આશ્રમ પરંપરામાંથી હવે આ ઊગી નીકળ્યું છે નવું ગોત્ર અને તે જ આ વેડછી ગોત્ર.’
સર્વોદય સમાજની વ્યાપક ધર્મભાવના ગાંધીજીએ પોતાના જીવન દ્વારા પ્રગટ કરી. હવે એ સમાજની ઝાંખી કરાવવાને જે પ્રયોગો કરવા પડે તેમાં અનેક સંનિષ્ઠ પ્રયત્નો કરવા પડશે. વેડછીનો પ્રયાસ તેવો જ એક ઉજ્જ્વલ પ્રયત્ન છે. માટે તે ગાંધી પરંપરાનું ગોત્ર જ બન્યું છે. આમ તો તેનો પ્રારંભ ૬૦ વર્ષથી થયો છે પણ આ ‘વેડછીનો વડલો’ પ્રસિદ્ધ કરીને ગોત્રની વિધિવત્ પ્રસ્થાપના થાય છે તેમ ગણવા જેટલી મહત્ત્વની ઘટના છે. આથી આ ‘વડલા’ ગ્રંથનું પ્રકાશન કેવળ પુસ્તક પ્રકાશન ગણી શકાય તેમ નથી. આ તો ઋષિકુળનું ગોત્ર પ્રસ્થાપિત થાય છે, માટે જ કહીએ કે इति वेडछी (वेद – श्री) गोत्र प्रस्थापित: ।
વેડછી, તા.૨૮-૮-૮૪
(‘વેડછીનો વડલો – ગ્રંથનું ગુણદર્શન’માંથી ટૂંકાવીને)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 31-34