દીકરાના અને દીકરાની વહુના આગ્રહથી નિરંજન દાદા બે વર્ષથી અમેરિકામાં આવ્યા છે. પૌત્રની પાંચમી વર્ષગાંઠ ઉજવવા ! દીકરા અને વહુના અતિ આગ્રહથી કોરોનાની બંને વેક્સીન લઈને આવ્યા છે. નિરંજનભાઈ શરૂ શરૂમાં કોરોનાના ડરથી બહાર ઝાઝું નીકળતા નહીં. પણ નજીકના એરિયામાંથી બે-ત્રણ જૂના મિત્રોની સંગત મળી એટલે સહુની સાથે મોર્નીગ કે ઇવનિંગ વોક કરવા નીકળી પડતા. કયારેક પાંચ વરસનો અરવ એમની સાથે થઈ જતો.
હવે નિરંજન દાદાને અમેરિકામાં ગમતું હતું. ધીરે ધીરે ચાર -પાંચ સિનિયર મિત્રોની દોસ્તીનો રંગ ચઢવા લાગ્યો.
એક બીજાની ખબર અંતર પૂછવાથી માંડીને દિલમાં ઢબૂરાયેલી કેટલીક વાતો એકબીજાને કહેવા લાગ્યા હતા.
નિરંજનભાઈની સાથે જ કોલેજમાં ભણતા દામોદરભાઈ સાથેની નિકટતા વધતી ગઈ. તેઓ આ દેશમાં ખાવા -પીવાથી માંડીને અહીંની રહેણી કરણીની વિસંગતતા અને ભૌતિક સુખ સગવડની વાતો કરતા, ને ક્યારેક દિલને દુભવતી વાતો પણ થઈ જતી. એક દિવસ દામોદરભાઈએ નિરંજન ભાઈને પૂછયું, ‘કેમ આમ ઉદાસ થયો છે ?’
‘ના રે ના’, નિરંજનભાઈ બોલ્યા.
‘તો પછી ઉદાસ કેમ છે ?’
‘ખાસ કાંઈ નથી, વહુને એમ થાય છે કે હું બહુ બેદરકાર માણસ છું. આજે એના ચાઇના કેબિનેટના દરવાજાનો કાચ તૂટી ગયો ! એટલે કે એમાં મોટી તિરાડ પડી !’
બીજા બે સાથીદારો એકદમ બોલી ઉઠ્યા, ‘ભાઈ આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ ! વહુનું મન સાચવી લેવાનું.’
‘જેથી કરીને દીકરાના મનને ક્લેશ ના કરાવે. બીજા બોલી ઉઠ્યા, ‘તમે એવું શું કરતા હતા ?’
નિરંજનભાઈ બોલ્યા, ‘અરે ભાઈ, હું તો કશું નહોતો કરતો, અરવ બોલ રમતો હતો ને ઘા ચુકી ગયો ! પણ પછી એની પનિશમેન્ટ અટકાવવા મેં મારે માથે લીધું.’ દામોદરભાઈ નિરંજન ભાઈની નજીક જઈને બોલ્યા, ‘આ પહેલા પણ તારાથી કાચની કોઈ વસ્તુ તૂટી હતી યાદ છે ?’
ભાઈ, આ દેશમાં આપણે સંભાળીને રહેવું. જ્યારે મિત્ર મંડળીનો શિખામણનો બોજ ઉપાડવો અઘરો થઈ પડ્યો, ત્યારે નિરંજન ભાઈ બોલ્યા, ‘અરે ભાઈ, એ પણ મારા સુપૌત્રનું જ કામ ! મારી દેખતા જ એ લોકો અરવને વઢે ને એ પોતાને બચાવવા માટે મારી સામે આશાભરી નજરે જુએ અને હું કશું કહી ન શકું ને લાચારીથી જોયા કરું? મારાથી કશું એમને અણગમતું થઇ જાય, તો એ લોકો મારા પર નારાજ થાય. મને એનો વાંધો નથી. તેઓ મને પનિશ નથી કરતા !!’ એમ કહેતા કહેતા દાદાજીના ચહેરા પર પ્રસન્નતા ફરીવળી !!
સહુ સિનિયર મિત્રો દાદાની વાત સાંભળી ખુશ થયા. પછી દાદા ગંભીર સાદે બોલ્યા, ‘પણ હવે અરવ ઘરે આવીને તોફાન નથી કરતો, મને જોઈને રાજી થાય છે ને મને ભેટી પડતા કહે છે, “આખી દુનિયામાં તમે સહુથી બેસ્ટ દાદા છો!!” – ને પછી વહુ ને દીકરાની નારાજગી હું ભૂલી જવું છું.’
સહુ સિનિયર મિત્રોના ચહેરા પણ મંદ મંદ હાસ્યથી ઝળકી ઉઠ્યા !!
સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com