કાવડ યાત્રા : ગંગા જમના તહેજીબ વચ્ચે હિન્દુ–મુસ્લિમ રાજનીતિ
સર્વોચ્ચ અદાલતે કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારનાં નામ મોટે અક્ષરે પ્રદર્શિત કરવાના ઉત્તર પ્રદેશ સરકારના હુકમ બાબતે મનાઈ ફરમાવી તે પછીના કલાકોમાં આ લખી રહ્યો છું. મૂળે 2022થી વિધાનસભા ટિકિટના મુમુક્ષુ રહેલા યશવીર મહારાજની આ માંગ હતી.
પૂર્વે પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીથી એ પંકાયેલા છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યે સરસ કહ્યું કે આવો કોઈ આદેશ જારી કરવો હોય તો આગોતરી જાણ કરી સૌને વિશ્વાસમાં લઈને કરવો જોઈએ. આ તો એવું લાગે છે કે વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ વાટે મત ખંખેરવાની જાણે કે પેરવી ન હોય …
ઈન્ટ્રોની લાયમાં ચાલુ સમાચારની આટલી જિકર કરી. જો કે, મને બાંધવો ગમ્યો હોત એવો મુખડો આ નથી. વિવાદાસ્પદ હુકમ સામે મહુઆ મોઈત્રા, આકાર પટેલ અને અપૂર્વાનંદે સુપ્રીમની દેવડીએ ધા નાખી તે ઠીક જ થયું. પણ મૃણાલ પાંડેએ આ દિવસોમાં કરેલી નુક્તેચીની મને ઠીક લાગે છે. એમણે કહ્યું છે કે આખી વાતને લેફ્ટ લિબરલ સેક્યુલર ઢાંચામાં નહીં જોતાં પ્રજાજીવનની પરંપરા અને આસ્થાના વ્યાપક સંદર્ભમાં જોવી જોઈએ. સામસામા કોમી કુંડાળામાં ન જોતાં ગંગા-જમુના દોઆબમાં વિકસેલી મીલીજૂલી સંસ્કૃતિને સમજીને આપણે કામ લેવું જોઈએ. સેક્યુલર વલણ ખોટું નથી, પણ મૃણાલ પાંડેને એક સહૃદય સંસ્કૃતિકર્મીને નાતે એ અપૂરતું લાગે છે.
આ વ્યાપક સંદર્ભમાં જરીક તવારીખની છાનબીન કરું છું તો શું જોઉં છું? નોંધાયેલ ઇતિહાસમાં ઉપલબ્ધ માહિતી મુજબ 19મી સદીના આરંભથી કાવડ યાત્રાની હાજરી સતત વરતાતી રહી છે. આજે આપણે જેને દિલ્હી-હરદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ 58 તરીકે ઓળખીએ છીએ, મુખ્યત્વે તેના પર અને અન્યત્ર પણ હર શ્રાવણ મહિને (જુલાઈ-ઓગસ્ટમાં) હરદ્વાર, ગોમુખ, ગંગોત્રીથી કાવડમાં ગંગાજળ લઈ યાત્રીઓ નીકળી પડે છે અને એનાથી શિવને અભિષિક્ત કરી જીવનની સાર્થકતા અનુભવે છે.
શિવને ગંગાજળે અભિષિક્ત કરવાની આ પ્રણાલી પાછળ રામાયણ, મહાભારત અને બીજા પરંપરાગત સ્રોતોમાં પડેલી સમુદ્રમંથન અગર અમૃતમંથનની કથાનું નિમિત્ત રહેલું છે. મંથનમાં અમૃત પૂર્વે વિષ પ્રાપ્ત થયું તે વખતે શિવે સૌની દાઝ જાણી પોતે વિષપાન કર્યું અને એ નીલકંઠ ઓળખ પામ્યા. પણ વિષે એમને જે દાહ આપ્યો એનું શું. એ દાહના શમન સારુ સ્તો આ ગંગાભિષેક!
ભારતવર્ષની સાંસ્કૃતિક તવારીખમાં સાગરમંથનનું ચોક્કસ મહત્ત્વ રહેલું છે. આપણાં દેવસ્થાનોમાં તમને એનું અંકન જોવા મળશે. જો કે, નવાઈ પમાડે એ રીતે સમુદ્રમંથન ઘટનાનું સર્વાધિક સુવિશાળ અંકન સુદૂર અંગકોરવાટ(કંબોડિયા)માં જોવા મળે છે. નવા સંસદભવનમાં 76 ફૂટનું જે સમુદ્રમંથન-અંકન છે તે અંગકોરવાટથી પ્રેરિત છે. એમ તો, ગુજરાતમાં ઘરઆંગણે વડનગરના હાટકેશ મંદિરમાં પણ તમને તે અંકિત થયેલું જોવા મળશે. એમાં અસુરો પર્શિયન અસર તળે પશુમુખ જણાય છે. અભ્યાસીઓ આની પાછળ મુઘલ કાળનો સંસ્કાર જુએ છે.
પણ વાત આપણે કાવડ યાત્રાની કરતા હતા. જાણકારો કહે છે કે 1980નો દાયકો પૂરો થતે થતે આ યાત્રામાં ભાગ લેવાનું સહસા વધતું ચાલુ છે. આ વર્ષે લગભગ ત્રણેક કરોડ યાત્રીઓ જોડાશે અને સહેજે એકાદ હજાર કરોડ રૂપિયાનો આર્થિક વહેવાર એમની આવનજાવન થકી થશે એવો અંદાજ છે.
પ્રો. વિકાસ સિંહે યાત્રામાનસ અને એનાં પરિમાણો તેમ જ એની પાછળનાં પરિબળોનો અચ્છો અભ્યાસ કર્યો છે. સાથે ચાલ્યા પણ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રેસનું એમનું જે પુસ્તક છે એનું શીર્ષક છે : ‘અપરાઈઝિંગ ઓફ ધ ફુલ્સ : પિલ્ગ્રિમેજ એઝ મોરલ પ્રોટેસ્ટ ઈન કોન્ટેમ્પરરી ઇન્ડિયા.’ અહીં ‘ફુલ્સ’નો પ્રયોગ યાત્રીઓ એકબીજાને શિવસંભારણે ‘ભોલે’ તરીકે સંબોધે છે તે અર્થમાં સમજવાનો છે.
યાત્રામાં જે યુવજન સામેલ થાય છે એમનો ઠીક ઠીક હિસ્સો કથિત અગ્રવર્ગનો નહીં એવો છે. અહીં જોડાવાથી, વૈશ્વિકીકરણ-ઉદારીકરણના માર ને ભાર વચ્ચે, એમને કંઈક સામાજિક સધિયારો અનુભવાય છે અને પોતે પણ કંઈક કરી રહ્યા છે એવો ભાવ જાગે છે. મેં વિકાસ સિંહનો જાડો સાર જ માત્ર આપ્યો છે, તે પણ અતિસરલીકૃત. પણ એમનું કહેવું સરવાળે એમ છે કે આમ જોડાવું એમને અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. દેખીતી રીતે જ, આ કિસ્સો કોઈ ધાર્મિક કટ્ટરવાદ અગર ફંડામેન્ટલિઝમનો નથી. પણ જો આને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની રાજનીતિ ભણી ધકેલાય તો આવતી કાલે તે વિપરીત પરિણામી બની શકે અને ચૂંટણી ટિકિટના મુમુક્ષુ યશવીર મહારાજા સારુ ખાણદાણ પણ બની શકે.
અહીં થોડુંક દેવદત્ત પટ્ટનાયકની સાખે. પટ્ટનાયક અચ્છા પુરાકલ્પવિદ છે, અને ઠીક અર્થઘટન કરી આપનાર તરીકે એમની ખ્યાતિ પણ છે. એમણે સમુદ્રમંથનની વિભાવના સ્પષ્ટ કરવા સારુ ‘મંથન’ એ પ્રયોગ પર સવિશેષ ભાર મૂક્યો છે. મંથનની જે પ્રક્રિયા છે એમાં બે બાજુ સામસામે શક્તિ લડાવતી નથી. બે ય બાજુએથી વારાફરતી જોર લગાવાય છે. બે સ્પર્ધી નથી, શત્રુ નથી, સહયોગી છે.
ઊલટ પક્ષે, પટ્ટનાયક કહેશે, માનો કે રસ્સીખેંચ ચાલી રહી છે. અહીં બે બાજુએથી એકસાથે સામસામું જોર થાય છે. તો, રસ્સીખેંચ અને મંથન વચ્ચેનો આ ગુણાત્મક ભેદ છે.
યશવીર મહારાજ ને બીજાનું રાજકારણ રસ્સીખેંચનું છે. ‘ફુલ્સ મોરલ પ્રોટેસ્ટ’વાળું જે પરિબળ છે તેને જો મંથનમહિમા ન સમજાય તો?
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 જુલાઈ 2024