Opinion Magazine
Number of visits: 9906199
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?

સોનલ પરીખ|Opinion - Opinion|11 June 2026

1986ની 26મી એપ્રિલે રશિયાના ચેર્નોબિલમાં અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની. શક્તિશાળી વિસ્ફોટ, માઈલો સુધી ફેલાયેલું રેડિયેશન, લાખો લોકોનું વિસ્થાપન, હજારો મૃત્યુ, જંગલોનું બળી જવું અને સત્યને છાવરવાનું રાજકીય દબાણ. તપાસ–કમિશનના ચીફે દુર્ઘટનાના બે વર્ષ બાદ આત્મહત્યા કરી. મરતા પહેલા તેણે લોકો સામે સત્ય મૂક્યું. એમાંથી આપણે કંઈ શીખ્યા?  

બરાબર ચાલીસ વર્ષ પહેલાંની વાત – રશિયા, 26 એપ્રિલ, 1986ની વહેલી સવારે વેસિલી ઈગ્નાટેન્કો અને તેની સગર્ભા પત્ની લ્યુડમિલા બેલારુસ જવાના હતાં. રાત્રે દોઢ વાગ્યો ત્યાં પાવર પ્લાન્ટની વિરાટ ચીમનીમાંથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા નીકળવા માંડ્યા. વેસિલી ફાયરફાઈટર હતો – આગ બુઝાવવાનું કામ કરતો. તરત તેને ભાગવું પડ્યું. પત્નીને ચુંબન આપી, ‘તું સૂઈ જજે, હું આવીને તને જગાડીશ.’ કહી વેસિલી ગયો. પત્ની સૂઈ ન શકી. આગ સામાન્ય નહોતી, ચેર્નોબિલના એટમિક રિએક્ટરમાં થયેલા અકસ્માતનું પરિણામ હતી. વેસિલી અને તેના જેવા બત્રીસ યુવાનો એટમિક રેડિયેશનનો તાત્કાલિક અને પહેલો ભોગ બન્યા. તેમને સીધા હૉસ્પિટલે લઈ જવાયા.

લ્યુડમિલા દોડી. પ્રશ્નોત્તરી અને વિધિઓમાંથી માંડ પસાર થઈ પતિ પાસે પહોંચી. એક પ્રશ્ન એ પણ હતો, ‘પ્રેગ્નન્ટ છો?’ એ ખોટું બોલી કેમ કે તેને વેસિલી પાસે જવું હતું. તેને જોવો હતો. સાંત્વન આપવું હતું. છેવટે ‘તેને અડશો નહીં’ એવી ચેતવણી સાથે તેને વેસિલીના રૂમમાં જવા દેવાઈ. પારદર્શક પ્લાસ્ટિક શિટને પેલે પાર વેસિલીનું રેડિયેશને ક્ષતવિક્ષત કરી નાખેલું, ઓળખાય પણ નહીં તેવું અર્ધબેહોશ શરીર પડ્યું હતું. 

14 દિવસ પછી એ મૃત્યુ પામ્યો. તેના સાથીઓ પણ ન બચ્યા. એક મોટો ખાડો કરી જસતના કૉફિનમાં એમનાં શરીર મુકાયાં અને માટીને બદલે સિમેન્ટ-ડામરના રગડાથી ખાડો બુરી દેવાયો. લ્યુડમિલા તેને માટે લાવેલી તે કપડાં અને શુઝ એમ ને એમ જ પાછા લઈ ગઈ. શરીર એટલું સૂજી ગયું હતું કે તેને તે પહેરાવી શકાયા નહીં. 

થોડા મહિના પછી લ્યુડમિલાએ દીકરીને જન્મ આપ્યો. છોકરી માંડ ચાર કલાક જીવી શકી. 

આ હતી ચેર્નોબિલ એટમિક રિએક્ટરમાં બનેલી અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાનો ભોગ બનેલા એક જ કેસની વાત. ક્યાં છે ચેર્નોબિલ? શું થયું હતું ત્યાં? 

ચેર્નોબિલ પાવર સ્ટેશન યુક્રેનની રાજધાની કીવથી 130 કિલોમીટર ઉત્તરે પ્રિપયેટ શહેરમાં બન્યું હતું. બેલારુસથી 20 કિલોમીટર દક્ષિણમાં. એ વખતે યુક્રેન રશિયાનો ભાગ હતું. ચેર્નોબિલ પાવર સ્ટેશનમાં ચાર ન્યૂક્લિયર રિએક્ટર હતાં. રિએક્ટરમાં થતી પ્રક્રિયા ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. ઠંડા પાણીનો પુરવઠો સતત મળ્યા કરે તે માટે પ્રિપયેટ નદી પર એક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. યુક્રેનના આ વિસ્તારમાં વસતી બહુ ઓછી હતી. રિએક્ટરથી 3 કિલોમીટર દૂર નવું વસાવેલું શહેર હતું જેમાં 50,000 લોકો રહેતા. ચેર્નોબિલના જૂના શહેરમાં 12,500. પાવર પ્લાંટના 30 કિલોમીટરના ઘેરાવામાં લગભગ દોઢ લાખ લોકો રહેતા હતા. 

અકસ્માત સમયે બે રિએક્ટર ચાલુ હતાં. એક પરીક્ષણ દરમ્યાન ભૂલ થવાથી અચાનક રિએક્ટરમાં અનિયંત્રિત અણુવિભાજન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ને જોતજોતામાં કાબૂ બહાર ચાલી ગઈ. પુષ્કળ પ્રમાણમાં વરાળ ઉત્પન્ન થવાથી દબાણ ખૂબ વધી ગયું. બે શક્તિશાળી વિસ્ફોટ અને રિએક્ટરની હજારો ટન વજનની છત ઊડી ગઈ. રેડિયેશન ઝડપથી ફેલાવા લાગ્યું ને ત્યાં કામ કરતા, આગ બુઝાવવા આવેલા અને દૂર પુલ પરથી આગ જોઈ રહેલા લોકોમાંનું કોઈ ન બચ્યું.

યુક્રેન અને બેલારુસ સૌથી વધારે અસરગ્રસ્ત હતાં. જોતજોતામાં માઈલો સુધીનું આકાશ ધૂંધળું બન્યું. દૂર દૂર સુધી કિરણોત્સર્ગી વરસાદ થયો. બે દિવસ પછી, પચાસ મિનિટની નોટિસ આપી પ્રિપયેટ શહેર ખાલી કરાયું. લોકોને લેવા બસો આવી હતી. પાળેલાં પ્રાણીઓને લઈ જવાની મનાઈ થઈ. બેત્રણ દિવસમાં પાછા આવીશું એમ માનીને સૌ ગયા – કદી પાછા ફરી શક્યા નહીં. એક ટીમને ખાલી શહેરમાં ફરતાં પ્રાણીઓને મારી નાખવાનું સોંપાયું. બીજી ટીમે પ્રાણીઓનાં મૃત શરીરોના ઢગલાને મોટા ખાડામાં નાખી તે પર સિમેન્ટ-ડામરનો રગડો રેડ્યો. થોડાં પ્રાણીઓ તો પણ બચી ગયાં, તે થોડા વખતમાં ખૂબ હેરાન થઈ મરી ગયાં. 

રિએક્ટર ફાટ્યું હતું ત્યાં સેંકડો ટન રેડિયોઍક્ટિવ કાદવ થયો હતો. તેને ખસેડવા મુકાયેલાં યંત્રો ભયાનક ગરમી અને રેડિયેશનથી બગડવા માંડ્યાં એટલે ખાણોમાં કામ કરતા 400 જેટલા મજૂરોને બોલાવ્યા. આમાંના મોટા ભાગના વર્ષ-બે વર્ષમાં મરી ગયા. બીજા હજારોને પણ ‘ફરજિયાત સેવા’ આપવા રોકી લીધા હતા. 2,000 ચોરસ માઈલ સુધી રેડિયેશનની અસર થઈ, આ વિસ્તારને એક્સક્લુઝન ઝોન કહે છે. ઊભાં ઝાડ બળી જવાથી જંગલ ઘેરા લાલ રંગનું દેખાય છે, તેને રેડ ફોરેસ્ટ કહે છે. 

આવી મોટી દુર્ઘટનાની વૈશ્વિક સ્તરે તપાસ થયા વિના રહે નહીં. રશિયાએ પહેલા તો ઢાંક્પિછોડો કરવાની કોશિશ કરી. વિજ્ઞાનીઓની ટીમને ચૂપ કરી દીધી. દુર્ઘટનાની તપાસ માટે એક કમિશન રચાયું જેનો ચીફ હતો ડૉ. વેલેરી લેગોસોવ. તપાસ ચાલુ થઈ અને ભયાનક હકીકતો ખૂલતી આવી – બેદરકારી, અહમ, રિએક્ટરની ડિઝાઈનમાં મોટી ખામી – આ બધું દુનિયા સામે છતું થાય તો આબરૂ જાય. લેગોસોવ પર પુષ્કળ રાજકીય દબાણ આવ્યું. એ વખતે ઢાંકપિછોડો કરી લેવાયો, પણ દુર્ઘટનાના બરાબર બે વર્ષ બાદ 1988ની 27મી એપ્રિલે પોતાનું બયાન રેકોર્ડ કરીને 51 વર્ષના લેગોસોવે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. 

બધું બહાર આવતાં સોવિયેટ ન્યૂક્લિયર ઈન્ડસ્ટ્રી ચમકી પડી. ડિઝાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા, થોડા વખતમાં ત્રણ રિએક્ટરો ફરી કામ કરતાં થયાં. 1996માં ત્યારના પ્રમુખ બોરિસ યેલ્તસીને લેગોસોવને રશિયાનો ‘કરેજ અને હીરોઈઝમ’ માટે અપાતો સર્વોચ્ચ ખિતાબ એનાયત કર્યો. પણ જે બન્યું તે ભુલાય તેવું ન હતું. તે વખતે ગોર્બાચોવ રશિયાના પ્રમુખ હતા. એમણે 2006માં લખ્યું છે, ‘ચેર્નોબિલ પરહેપ્સ ધ ટ્રુ કૉઝ ઑફ ધ કૉલેપ્સ ઑફ ધ સોવેયેટ યુનિયન.’ 

અમેરિકાએ ચેર્નોબિલ ઘટનાને ‘માનવઇતિહાસની સૌથી મોટી પર્યાવરણીય દુર્ઘટના’ કહી છે. આ ઘટના પછી યુક્રેન-બેલારુસમાં કેન્સરનું પ્રમાણ અતિશય વધી ગયું. અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ ત્રણ લાખ માણસો વિસ્થાપિત થયા. ત્યાંના હવાપાણીમાં હજી અણુપ્રદૂષણ છે. જંગલ હજી લાલ છે. છૂટાછવાયા માણસો તો પણ ત્યાં વસે છે. મોટો વિસ્તાર પ્રતિબંધિત છે. ચેર્નોબિલ દુર્ઘટનાએ હિરોશીમા-નાગાસાકી બોમ્બવિસ્ફોટ કરતાં અનેક ગણું રેડિયેશન ફેલાવ્યું હતું એમ એક સ્રોત કહે છે. ઉત્તર અને પૂર્વ યુરોપ સુધી એની અસર ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા છે.  

2000માં ચેર્નોબિલ પાવર સ્ટેશન બંધ થયું. 2017માં બે રિએક્ટરો પર અબજોના ખર્ચે સિમેન્ટ ગુંબજ બંધાયા છે. તેમાં ટનબંધ કિરણોત્સર્ગી કચરો આજે પણ છે. પ્રિપયેટ શહેર હજી ખાલી છે. ત્યાં જંગલી ઘોડા, સૂવર વગેરે ફરે છે. હવે એ ટૂરિસ્ટ સાઈટ છે. ત્યાંની હૉસ્પિટલના બેઝમેન્ટમાં દર્દીઓનાં કપડાં છે, તેના પર હજી રેડિયેશનની અસર છે. ચેર્નોબિલ દુર્ઘટનામાં કેટલા લોકોના જીવ ગયા એ હજી અટકળનો વિષય છે. મૃત્યુઆંક 4,000થી 94,000 સુધીનો હોવાની સંભાવના છે, પણ ઔપચારિક આંકડો તો 1986માં જે હતો, હજી પણ એ જ છે – 31. 

એચ.બી.ઓ.એ બનાવેલી ‘ચેર્નોબિલ’ સિરિઝ, ‘વોઈસિસ ઑફ ચેર્નોબિલ’ પુસ્તક, ‘ચેર્નોબિલ ડાયરીઝ’ ફિલ્મ અને દસ્તાવેજો આ ભયાનક દુર્ઘટના પર પ્રકાશ પાડે છે. પણ માણસને ઇતિહાસમાંથી કઈં જ શીખવું નથી હોતું. 2011માં જાપાનમાં થયેલો ફુકુશિમા ન્યૂક્લિયર એક્સિડન્ટ આની સાબિતી છે. તેના કારણમાં કુદરતી આફત જેટલી જ જવાબદાર ખામીભરી સંરચના હતી. એ પછી વિશ્વસ્તરે અણુખતરાઓ માટેની સતર્કતા વધી છે ખરી, પણ ડૉ. લેગાસોવ કહે છે તે યાદ રાખવા જેવું છે, ‘જે દેખાતું નથી તે, જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે ભયાનક હોય છે. જોખમ એ નથી કે આપણે અસત્યને સત્ય માનવાની ભૂલ કરીએ છીએ. ખરું જોખમ એ છે કે આપણે એટલાં બધાં જૂઠાણાંથી ઘેરાયેલાં છીએ કે તેની વચ્ચેથી સત્યને ઓળખી શકતા નથી.’ અને ‘વિજ્ઞાની સરળ હોય છે. એ સત્ય શોધવામાં એટલો એકાગ્ર હોય છે કે એને એ નથી દેખાતું કે સત્ય શોધવામાં ભાગ્યે જ કોઈને રસ હોય છે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ઍપ્રિલ  2026

Loading

11 June 2026 Vipool Kalyani
← ‘માઈ’ – આહટોં કે પીછે કબ તક દૌડેગી કિતના .. 
કુછ દિલ ને કહા, કુછ ભી નહીં  →

Search by

Opinion

  • કુછ દિલ ને કહા, કુછ ભી નહીં 
  • ‘માઈ’ – આહટોં કે પીછે કબ તક દૌડેગી કિતના .. 
  • નાગરિકને મળેલા અધિકારોનો વ્યાપ ઘણો વિશાળ છે
  • આ અનોખાં જીવને જંપ નહોતો 
  • જ્યારે પાકિસ્તાનથી આવેલા લોકોએ કચ્છના રણમાં આખું શહેર વસાવ્યું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved