Opinion Magazine
Number of visits: 10030200
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ પકડવાનું જ નહીં, છોડવાનું પણ નામ છે … 

સોનલ પરીખ|Opinion - Opinion|28 July 2026

બાંધી રાખવું, જકડી રાખવું, પકડી રાખવું, દુહાઈઓ દેવી એ પ્રેમ નથી – વળગણ છે. જેને ચાહીએ છીએ તેમને મુક્ત રાખવા, સ્પેસ આપવી, જવા દેવા એ પ્રેમ છે. સત્ય તો એ છે કે સંતાન હોય કે અન્ય સ્વજન, જ્યારે આપણે કોઈને તેની જિંદગી શોધવા માટે મુક્ત કરીએ છીએ ત્યારે આપણને પણ આપણી મુક્તિ, આપણી જિંદગી પ્રાપ્ત થતી હોય છે.

મે મહિનામાં મધર્સ ડે આવે અને જૂન મહિનામાં ફાધર્સ ડે. લેખકો, વાચકો સૌ પોતપોતાની રીતે માતાપિતાને સ્નેહાંજલિ આપે. ઋણસ્વીકાર, કૃતજ્ઞતા, પ્રેમ આ બધી સરસ બાબતો છે, પણ ચોક્કસ દિવસે – કે અમસ્તા પણ – વધારે પડતાં ઈમોશનલ થઈ જવાની આપણને જે ટેવ છે તે ક્યારેક અકળાવે છે. વધારે પડતાં ઈમોશનલ થઈ જવામાં એક જાતનો આનંદ તો છે, પણ લાગણીનો અતિરેક અને એને લીધે અમસ્તો અમસ્તો આવતો દયા અને અપરાધનો ભાવ તંદુરસ્ત બાબત નથી. સિક્કાની બીજી બાજુ જોઈએ તો વડીલોને પણ અમુક ઉંમર પછી વધુ પડતાં આધારિત થઈ જવામાં, અતાર્કિક અપેક્ષાઓ રાખવામાં, ફરિયાદો કરવામાં અને કારણ વગર દુ:ખી રહેવામાં આનંદ આવતો હોય છે, પણ આ પણ તંદુરસ્ત બાબત નથી. અમારાં 65 વર્ષનાં સુનીતાબહેન સિરિયલો જોઈને બળાપા કાઢવા માંડે, ‘કેવો જમાનો આવ્યો છે, એક માએ ત્રણ દીકરા મોટા કર્યા હોય, પણ ત્રણ દીકરા મળીને એક માનું ઘડપણ ન સાચવે …’ એક વાર આવા બળાપા આત્મદયામાં ફેરવાઇ જવાની તૈયારી થઈ એટલે એમનાં વેવાણે કહ્યું, ‘તમારી વાત સાચી છે, પણ આપણે નસીબદાર છીએ, આપણાં દીકરા-વહુ આપણને સરસ સાચવે છે.’ તરત સુનીતાબહેનની ગાડી પાટા પર આવી ગઈ, ‘હા, હો. ભગવાનની દયા છે.’

આવા જ વડીલો છે મનોજભાઇ અને યામિનીબહેન. બંને ભણેલા પહેરવે-ઓઢવે ખાસ્સા આધુનિક છે, પણ … હવે મનોજભાઈને ડાયાબિટીસ છે અને યામિનીબહેનને પ્રેશર. દીકરાએ ગ્લુકોમીટર અને સ્ફિગ્મોમેનોમીટર (બ્લડ પ્રેશર માપવાનું મશીન) લાવી આપ્યાં છે, પણ બેમાંથી કોઈ કદી એનો ઉપયોગ નથી કરતું.નોકરી કરતી વહુને યામિનીબહેન વારંવાર ‘હું તો પચાસ માણસની રસોઈ એકલે હાથે કરી નાખું’ એવું કહેતા હોય, પણ ડૉક્ટરે સલાડ ખાવાની ભલામણ કરી છે, ફ્રિજ ભરેલું હોય છે, તો પણ સલાડ સમારી લેતાં નથી. દવાઓનું પ્રમાણ પણ બંને ‘હમણાં તો સારું છે’ કહી પોતાની રીતે ઘટાડી દે ને પછી દાંત પડાવવાના હોય કે નાનીમોટી સર્જરી કરવાની થાય ત્યારે શુગર અને પ્રેશર કાબૂમાં લાવતાં આખા ઘરના નાકે દમ આવે. એમનાં બહેનને પગની તકલીફ છે. લંગડાતાં ચાલે, પણ દીકરો લઇ જાય ત્યારે જ ડૉક્ટર પાસે જાય, દવા પણ એ લાવી આપે તો જ લે. કસરત કદી ન કરે. સૂચવેલો ખોરાક ન ખાય. વજન ન ઘટાડે. કોઈ કઈં કહે તો રડવા બેસે. આ કેવી નાદાની છે? એમનાં દીકરો-વહુ કહે છે, ‘એ અમારા પર એટલાં ડીપેન્ડ છે કે નાનું બાળક બીમાર પડે તો માને જેમ પોતાનો વાંક છે એમ લાગે, એવું ગિલ્ટ અમને એમને માટે થાય છે.’ આવા દીકરા-વહુને કહેવાનું મન થાય કે તમારે ગિલ્ટ અનુભવવાની જરૂર નથી. જરૂર એમને પોતાની જવાબદારી સમજવાની છે. દીકરા-વહુને નગુણાં કહેતાં આપણે થાકતા નથી, પણ ગૃહિણી વહુ ત્રાસી જાય ને જોબ કરતાં દીકરા-વહુ સતત ચિંતામાં રહે એવી સ્થિતિ ઊભી કરવાનું ઘણા વડીલોને ગમતું હોય છે. સાયકોલોજીની ભાષામાં ‘એટેન્શન સિકિંગ’. ઉંમર વધતાં પરિપક્વતા વધે એવું લૉજિક કેટલાક અણસમજુ લાગણીપ્રધાન વડીલોને લાગુ પડતું હોતું નથી. એમને રોદણાં રોવાં હોય છે : દીકરો-વહુ સાથે હોય તો પણ, ને ન હોય તો પણ. 

અહમદ ફરાઝે લખ્યું છે, ‘ઇતના માયુસ ન હો ખલ્વટ-એ-ગમ સે અપની, તૂ કભી ખુદ કો ભી દેખેગા તો ડર જાયેગા, વક્ત કા ક્યા હૈ, ગુઝરતા હૈ ગુઝર જાયેગા’ ખલ્વટ-એ-ગમ એટલે દુ:ખની એકાંત અવસ્થા. આમ તો ગમે તે ઉંમરે, પણ 60 વર્ષ પછી ખાસ, દરેકને કોઈ ને કોઈ રીતે દુ:ખની એકાંત અવસ્થાનો સામનો કરવાનો આવે છે. એનો સામનો કરવાની પરિપક્વતા એ ઉંમરે હોવી જોઈએ. પોતાની જાતને જોવી-સમજવી, સ્વાર્થ-બાલિશતાને દૂર કરવાં અને પોતાને-પોતાની જિંદગીને સમેટી લેવા માંડવું – આ શીખવાનું હોય છે આ ઉંમરે. અને સંતાનો? એમનાં જીવન હજી શરૂ થયાં છે. એમને સોંપી દેવાનાં છે એમની પાંખો, એમનું આકાશ. આપણે પોતાનામાં સ્થિર થવાનું છે. એમના પગે ટીંગાઈ જવાનું નથી. સંતાનો પોતાની જિંદગી જીવતાં થાય ત્યારે અસલામતી અનુભવવાને બદલે બને એટલી મદદ કરવી, પોતાની તબિયત સાચવી લેવી અને કોઈક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતાં રહેવું એટલું જો ન આવડતું હોય તો શીખી લેવું જોઈએ. માથે પડેલા હોઈએ એમ રહેવું, દુ:ખો ઊભાં કરવાં, સંતાનોને વગોવવાં, જાત પ્રત્યે બેદરકાર રહેવું, નવરાશને નકારાત્મક બનાવવી અને પછી પ્રેમ અને આદરની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી. સરસ મજાનાં, પરાણે વહાલાં લાગે એવાં વડીલો પણ એમ તો જોવા મળે, પણ કમભાગ્યે એમની સંખ્યા ઓછી છે. 

ફાધર્સ ડે નિમિત્તે એક ગીત સાંભળવા મળ્યું તેમાંથી આ બધા વિચાર આવ્યા. આ ગીત પૉલ આન્કા નામના એક કેનેડિયન-અમેરિકન ગાયક-કવિ-સ્ટેજ આર્ટિસ્ટે લખેલું ને પરફૉર્મ કરેલું છે. ‘પાપા’ નામનું આ ગીત અને તેનો સુંદર વીડિયો યુટ્યૂબ પર છે. બિલકુલ સાદા શબ્દોમાં કહેવાઈ છે આખી વાત :

‘મારા પિતાએ સખત કામ કર્યું કે ઘર ચાલે, અમારાં પેટ ભરાય, હું ભણું અને સરસ જીવન જીવું. મને યાદ છે, રોજ રાતે પ્રાર્થના પછી તેઓ મારું કપાળ ચૂમતા અને મને ઊંચકીને પથારીમાં સુવાડતા. સમય કઠિન હતો, પણ અમે ખુશ હતા : ધ ડેઝ વેર રફ, બટ પાપા – હી વૉઝ ટફ. મારી મા સતત તેમની સાથે હતી. કેવું સુખદ હતું એમની છાયામાં મોટા થવાનું … 

‘સમય ઝડપથી ઊડી ગયો. મારી ઉંમર વધી, એમની પણ. મા બીમાર પડી, એક દિવસ ચાલી ગઈ. પિતા તૂટી ગયા, બોલી ઊઠ્યા, “ઈશ્વર, શા માટે તેને, મને લઇ લો.” ત્યાર પછી એ આરામખુરશી પર જ સૂઈ જતા. ઉપર પોતાના કમરામાં ન જતા, કેમ કે મા ત્યાં ન હતી. 

‘અને પેલે દિવસે, મને બોલાવીને એમણે કહ્યું, “દીકરા, તું સરસ રીતે વિકસ્યો છે. મને એનું ગૌરવ છે.” પછી બોલ્યા, “તું બહાર નીકળ. તારી જિંદગી જીવ અને ચિંતા ન કરીશ – હું પણ જીવીશ – ભલેને એકલો.’ અને કહ્યું, ‘તારે ઘણું કરવાનું છે, ઘણું જોવાનું છે.’ એમનો સ્વર અને આંખો ભીનાં હતાં.

‘જ્યારે હું મારાં બાળકોને વહાલ કરું છું, યાદ આવે છે તેમના શબ્દો, ‘તું તારા બાળકોમાં જીવજે, પણ એમને એમની રીતે વિકસવા દેજે. જવા માગે ત્યારે જવા દેજે.’ મારાં બાળકોને ચૂમતી વખતે મારા હૃદયમાં પ્રાર્થના જાગે છે, “એક દિવસ મારાં સંતાનો મને એ જ રીતે યાદ કરશે જે રીતે હું મારા પિતાને યાદ કરું છું. આઈ પ્રે ધેટ ધે વિલ થિંક ઑફ મી ધ સેમ વે, સમ ડે”’  

આ ગીતનું સૌથી હૃદયસ્પર્શી અને સુંદરતમ બિંદુ એ છે જ્યારે પિતા સંતાનને પોતાની જિંદગી શોધવા માટે મુક્ત કરે છે અને કહે છે કે સમય આવે ત્યારે તું પણ તારાં સંતાનોને આ જ રીતે જવા દેજે. ભારતીય માનસિકતા કરતાં આ વાત જુદી છે, પણ શીખવા-સમજવા જેવી છે. બાંધી રાખવું, જકડી રાખવું, પકડી રાખવું, દુહાઈઓ દેવી એ પ્રેમ નથી – વળગણ છે. જેને ચાહીએ છીએ તેમને મુક્ત રાખવા, સ્પેસ આપવી, જવા દેવા એ પ્રેમ છે. 

સત્ય તો એ છે કે સંતાન હોય કે અન્ય સ્વજન, જ્યારે આપણે કોઈને તેની જિંદગી શોધવા માટે મુક્ત કરીએ છીએ ત્યારે આપણને પણ આપણી મુક્તિ, આપણી જિંદગી પ્રાપ્ત થતી હોય છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જૂન 2026

Loading

28 July 2026 Vipool Kalyani
← એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?

Search by

Opinion

  • એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
  • વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 
  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved