Opinion Magazine
Number of visits:
10178787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચરતા અને વિમુક્ત સમુદાયો હજુ ય બરાબરીના હકની પ્રતીક્ષામાં છે 

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 September 2026

ચંદુ મહેરિયા

ગુજરાત સરકારની વિકસતી જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા.૧૨.૦૮.૨૦૨૬ના પરિપત્રથી જિલ્લા કચેરીઓને ૩૧મી ઓગસ્ટે વિમુક્ત દિવસની ઉજવણી કરવા જણાવ્યું હતું. ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો ત્યારે તો વિચરતા સમુદાયો પણ આઝાદ થયા હતા. પરંતુ તેમને ખરી આઝાદી તો પછીના પાંચ વરસ અને સોળ દિવસે મળી હતી. અંગ્રેજોએ તેમના શિરે જે ગુનેગાર જાતિ(ક્રિમિનલ ટ્રાઈબ્સ)નું લેબલ માર્યું હતું, તેને સ્વતંત્ર ભારતની સરકારે ૩૧મી ઓગસ્ટ ૧૯૫૨ના રોજ નાબૂદ કર્યું. જે સમુદાયો ગુનેગાર ટ્રાઈબ્સ તરીકે નોટીફાઈડ હતા તે ડિનોટીફાઈડ થયા. એટલે ૩૧મી ઓગસ્ટનો દિવસ આ સમુદાયો વિમુક્ત દિવસ કે આઝાદી દિવસ તરીકે મનાવે છે. આ વરસે તો તેમનો વિમુક્ત દિવસ પોણી સદીએ પહોંચી ચૂક્યો છે અને હવે સરકારી ઉજવણીનો પણ લાભાર્થી બન્યો છે. 

ભારતમાં બ્રિટિશ રાજનો અતિ કઠોર, ક્રૂર, અમાનવીય અને ભારે નિંદાપાત્ર કાયદો જો કોઈ હોય તો તે ૧૮૭૧નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એકટ હતો. ૧૮૫૭ના પહેલા સ્વતંત્રતા સંગ્રામ વખતે જે કેટલાક સમુદાયો વિદેશી સરકાર સામે લડ્યા હતા અને પછી બિટિશ સત્તાના કાબૂ બહાર હતા તેમને તેણે ગુનેગાર, અપરાધી, ચોર, લૂંટારા ઘોષિત કરી દીધા હતા. વણઝારા, છારા, કાલબેલિયા, મદારી, નટ, બાફણ, ડફેર, ગાડરિયા અને એવી બીજી ૧૯૩ જાતિઓને ૧૯૫૨માં મુક્તિ મળી હતી. અંગ્રેજ સરકારે આ સમુદાયોને ગુલામીનો કઠોર અહેસાસ કરાવ્યો હતો. આરંભે તો તેમના માથે ગુનેગારનો ધાતુને ગરમ કરીને સિક્કો મારવામાં આવતો હતો. તેમનું જુદું રજિસ્ટર રખાતું અને રોજેરોજ પોલીસ થાણે હાજરી પૂરાવવી પડતી હતી. ચોક્કસ વિસ્તારોની બહાર તેમના હરવાફરવા પર પાબંદી હતી. તેમની ગમે ત્યારે ધરપકડો થતી હતી. તેમની તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. તેમને ગુનો પુરવાર કર્યા વિના કે કોર્ટમાં કેસ ચલાવ્યા વિના અપરાધી માની સજા કરવામાં આવતી હતી. અંગ્રેજ પોલીસ જ નહીં પછી તો લોકો પણ તેમને શંકાની દૃષ્ટિએ જોતા હતા. 

વિચરતા સમુદાયો મોટેભાગે પશુપાલક અને કલાને વરેલા હતા. તેમનો કોઈ સ્થાયી વસવાટ નહોતો. તેઓ સતતા વિચરણ કરતા રહેતા હતા. અંગ્રેજોએ તેમના કપાળે કાયમી બહિષ્કરણ અને ગુના કે હિંસાનું કલંક થોપી દીધું હતું. સંસ્કૃતિ અને ઇતિહાસનો તો તેઓ ગૌરવશાળી હિસ્સો હતા જ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમનું મોટું યોગદાન હતું. પરંપરા, સંઘર્ષ અને જીવનશૈલી આ ગુનેગાર ગણાતા સમુદાયોની ભારતીય સમાજની વિશેષ ઓળખ હતી. જો કે તેમને સંશય નજર હેઠળ અને ગામ કે મુખ્ય વસ્તી બહાર રહેવું પડતું હતું. અંગ્રેજ સરકારની ક્રૂર નજર તેમને સ્વમાન અને ગરિમાવિહીન જીવન જીવવા પરવશ કરતા હતા. 

માન કે ઈજ્જતને બદલે શંકાની નજર કાયમ તેમનો પીછો કરતી હતી. તેમને રંજાડવાની પોલીસને બહુ બધી સત્તાઓ મળી હતી. જો તેઓ નક્કી કરેલી સીમાની બહાર અવરજવર કરતા પકડાય તો ત્રણ વરસના કઠોર કારાવાસની સજા મળતી હતી. તેમના માટે દેશભરમાં  સ્પેશ્યલ રિફોર્મ કેમ્પને નામે અલગ વસાહતો બનાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના કાનપુર નજીક ૧૫૯ એકરમાં આવી અલગ વસાહત હતી. વરસો સુધી તેમને ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. ૧૯૧૧માં અંગ્રેજ સત્તાએ ૧૮૭૧ના અધિનિયમમાં સુધારો કરીને ૧૨ વરસ સુધીની ઉમરના બાળકોનો પણ અપરાધીની યાદીમાં સમાવેશ કર્યો હતો. તે રીતે આ સમુદાયો જન્મજાત ગુનેગારની યાદીમાં આવી ગયા હતા. 

આઝાદ ભારતમાં વિચરતા અને વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટેના સરકારી પ્રયાસોનો દેખાડો ખૂબ થાય છે. અત્યાર સુધી તેમના વિકાસ વિશે વિચારવા ભારત સરકારે જ નવ કમિશનોની રચના કરી હતી. તેમાં રેણુકે અને રોહિણી આયોગની ભલામણો મહત્ત્વની છે. કાયમી બહિષ્કરણનો વરસો સુધી ભોગ બનેલા અને સતત વિચરણ કરતા આ સમુદાયોને કાયમી વસવાટ આપવો અને નવાં કૌશલ્યો સાથે તેમના  રોજગારની વ્યવસ્થા કરવી તે સૌથી મોટો પડકાર છે. વિચરતા અને વિમુક્ત સમુદાયો ૧૯૪૭માં ૧૯૩ હતા આજે તે વધીને ૬૬૬ થયા છે. આખા દેશમાં તેમની વસ્તી લગભગ ૧૫ કરોડ હોવાનો અંદાજ છે. આટલો મોટો વસ્તી સમૂહ સાવ સ્વમાનહીન જીવન જીવતો હોય તે મોટો પડકાર છે. 

ગુનેગારના લેબલમાંથી મુક્ત થઈને દેશના બીજા સામાન્ય નાગરિકોની જેમ સમાન નાગરિક તરીકે તેમનું સ્થાન હજુ દોહ્યલું છે. એટલે ઓળખનું સંકટ ભારે છે. તેમના પ્રત્યેના સામાજિક પૂર્વગ્રહો અને માનસિકતા અઝાદીના આટલાં વરસો પછી ખાસ બદલાયા નથી. DNTs, Nomadics અને Semi Nomedics ટ્રાઈબ્સ કથિત મુખ્યધારાના સમાજથી કપાયેલા કે બહિષ્કારનો ભોગ બનેલા હોઈ તેમને શિક્ષણ અને આરોગ્યની પાયાની સગવડો મળતી નથી. શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. રોજગારનું સંકટ તેમના લમણે કાયમી લખાયેલું છે. વર્તમાનમાં તેમને સામાજિક સન્માનને બદલે પૂર્વગ્રહો આધારિત માનસિકતા સહેવી પડે છે. આપણી આસપાસનો સમાજ આ જાતિઓ કે સમુદાયો માટે કેવી હીણી માનસિકતા ધરાવે છે તે વિચારવા જેવી બાબત છે. 

દર વરસે ૩૧મી ઓગસ્ટ આવે છે અને જાય છે. વિમુક્ત સમુદાયો તેને ખરી આઝાદીના દિવસ તરીકે મનાવે છે. તેનું આગવું મહત્ત્વ પણ છે જ. પરંતુ ખરેખર તો તેમનો વિમુક્ત દિવસ ભારતીય બંધુ-ભગિનીઓના પૂર્વગ્રહો અને માનસિકતામાં બદલાવમાંથી મુક્તિનો દિવસ બનવો જોઈએ. વંચિત અને ઉપેક્ષિત એવો વિમુક્ત સમુદાય બરાબરીનો હક અને શિક્ષણ તથા  રોજગારની તક માંગે છે. ૧૯૫૨માં તેમને વિમુક્ત કર્યે તો સાડા સાત દાયકા થવા આવ્યા છે છતાં તેમની પીડાનો હજુ અંત આવ્યો નથી. સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાપૂર્ણ જીવનની તેમને હજુ પણ પ્રતીક્ષા છે. 

વિચરતા અને વિમુક્ત સમુદાયોના પરંપરાગત ધંધા-રોજગાર માટે અને નવા આધુનિક કૌશલ્યો માટે તેમને તાલીમ અને આર્થિક સુવિધાઓ આપવાની જરૂર છે. તેમનું વિચરણનું જીવન તેમના બાળકોના ભવિષ્ય પર માઠી અસર કરે છે. એટલે તેમનો સ્થાયી વસવાટ પણ વિચારવાનો અને અમલમાં મુકવાનો મુદ્દો છે. આ સમુદાયો વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એટલે તે એકરૂપ સમુદાય નથી. તેથી તેમની એકતા અઘરી છે. તેમની આર્થિક કઠણાઈઓ બેન્કો અને બીજી નાણાંકીય સંસ્થાઓની સહાયથી ઉકલે, કાયમી વસવાટ અને જીવન યોગ્ય દરમાયો મળે તેવો રોજગાર આપી શકાય અને સ્વમાનથી જીવી શકે ત્યારે જ તેમનું વિમુક્ત થવું સાર્થક ઠરે. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

10 September 2026 Vipool Kalyani
← રાહુલ-જેન ઝી  વિ . ન.મો. પરિબળ : ઓસરતી કથા, ઊભરતું કથાનક 

Search by

Opinion

  • રાહુલ-જેન ઝી  વિ . ન.મો. પરિબળ : ઓસરતી કથા, ઊભરતું કથાનક 
  • અન્યાય એ જ ન્યાય?
  • અણગમો
  • શ્રીકૃષ્ણ ઉવાચઃ સાચી વાત છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય …’ પણ પછી તમે શું કર્યું?
  • ચલ મન મુંબઈ નગરી—357

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved