અખબારો અને ટેલિવિઝન પર પ્રસારિત થતા સમાચાર ન વાંચવા અને જોવાના મારા અથાગ પ્રયાસો છતાં દુનિયાની હાલની ગતિ-વિધિના ખબર મળતા જ રહે છે. વિચાર આવ્યો કે આદિમાનવ પથ્થર અને લાઠીનો ઉપયોગ કરીને પોતાની જમીન કે મારણ કરેલ પશુનો કબજો સંભાળતો. પછી પથ્થર યુગમાં કુહાડી, ભાલા, બરછી અને તલવારનો ઉપયોગ કરતાં શીખ્યો. તેનાથી વધુ ‘બુદ્ધિશાળી’ બન્યો એટલે બંદૂક અને મશીનગન વાપરતો થયો. અને આધુનિક તેમ જ અનુઆધુનિક યુગમાં તો માણસની (એને માણસ કહેવો કે નહીં એ વિવાદાસ્પદ છે) પ્રગતિ હદ વટાવી ગઈ, અને હવે મિસાઈલ્સ, અણુબોમ્બ અને ડ્રોનથી સત્યાનાશ કરવાની શક્તિ ધરાવતો થયો.
આપણે જૂની થયેલી વસ્તુની મરામત કરીએ, અથવા ફેંકી દઈને નવી વસાવીએ. તો આ સાધનો બદલ્યાં, પણ યુદ્ધની રીત તો બહુ પુરાણી નથી થઈ ગઈ લાગતી? અને તેમાં પણ આટલા બધા યુગોથી લડાઈ કરીએ છીએ, પણ એનાથી જોઈતું પરિણામ તો આવતું નથી, તો હવે એ જૂની પુરાણી, રંગ ઉડી ગયેલી, ફાટેલી, ચીંથરેહાલ થયેલી સશસ્ત્ર લડાઈને સ્થાને નવી રીત ન શોધવી જોઈએ? આવી વિમાસણ અનુભવતી હતી ત્યાં જ ‘Gandhi’s Outstanding Leadership’ & ‘Gandhi : The Soul Force Warrior’ના લેખક અને ઘાના, ઇજિપ્ત મેક્સિકો વગેરે દેશોમાં ભારતના રાજદૂત તથા એલચી પદે સેવા આપી ચૂકેલા પાસ્કલ એલન નાઝરથનો લેખ વાંચવામાં આવ્યો, જેનો અનુવાદ 9/11ની 25મી ઘટના તિથિ નિમિત્તે પ્રસ્તુત કરું છું.
— આશા બૂચ
•

પાસ્કલ અલાન નાઝરથ
20મી સદી માનવ ઇતિહાસમાં સૌથી વધુ લોહિયાળ સદી પુરવાર થઈ. બે વિશ્વયુદ્ધ, હિટલરની ગેસ ચેમ્બર, હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ વર્ષા, તથા આરબ-ઇઝરાયેલ, ભારત પાકિસ્તાન, ઈરાન-ઇરાક, વિયેતનામ અને અફઘાનિસ્તાનની લડાઈઓ, ઉપરાંત કંબોડિયાના કિલિંગ ફિલ્ડ્સ અને આફ્રિકાના આદિવાસીઓના સંઘર્ષ મળીને આશરે 100 મિલિયન લોકોએ જાન ગુમાવ્યા.
એકવીસમી સદીના પહેલાં પચ્ચીસ વર્ષોમાં ન્યુ યોર્ક, વોશિન્ગટન, બાલી, મુંબઈ, ન્યુ દિલ્હી, રાવલપિંડી, કાસાબ્લાંકા, ઇસ્તંબુલ, જાકાર્તા, બગદાદ, મેડ્રિડ અને લંડનમાં આતંકી હુમલાઓ થયા.
નવાઈની વાત એ છે કે ગાંધીએ વીસમી સદીમાં આતંકવાદના ભયની આગાહી કરી હતી. 1908માં ભારતના ક્રાંતિકારીઓને લંડનમાં મળ્યા ત્યારે તેમના વલણોથી ચોંકી જઈને તેમણે ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું, જેમાં આગાહી કરી હતી કે “ભારતની હિંસાની વિચારધારાના જવાબમાં આ (આતંકવાદ) લખેલું છે.” અને તેના વિકલ્પ તરીકે ‘નફરતને સ્થાને પ્રેમનો જીવન મંત્ર’ આપ્યો અને એ ક્રાંતિકારીઓને ‘એ લોકોની બલિદાન અને બહાદુરીને અકબંધ રાખે છતાં હિંસા કરતાં અનેક ગણું શક્તિશાળી સાધન’ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
આતંકવાદીઓ પ્રત્યેનો ગાંધીઅન અભિગમ અપનાવવા માટે આપણે “આપણી જાતને એ લોકોના જોડામાં મુકવા”ની જરૂર પડે, અને એ લોકો જે પગલાં ભરે છે અને આવા હિંસક કૃત્યો કરે છે તે શા માટે કરે છે એ સમજવાની કોશિશ કરવી પડે. અને આ શોધવું મુશ્કેલ નથી કેમ કે કેટલાક આતંકવાદીઓએ વિદાયના સંદેશમાં પોતાના આતંકી પગલાંનો હેતુ સ્પષ્ટ કર્યો હોય છે. મોટા ભાગના લોકોએ પોતાના દેશમાં વિદેશી સૈન્યની સતત હાજરી, પેલેસ્ટાઇન પર ઇઝરાયેલના કબજા અને તેની પ્રજાના દમન માટે અમેરિકાનો સંપૂર્ણ ટેકો અને પશ્ચિમના દેશોમાં ઇસ્લામની કરવામાં આવતી બદનામી માટે રોષ દર્શાવ્યો હોય છે.
સપ્ટેમ્બર 11, 2001ની ઘટના બાદ તરત પોલ કેનેડીએ આ મુજબ લખેલું, “ઈ.સ. 2000ની પહેલી સવારે નહીં, પરંતુ મંગળવાર, 11મી સપ્ટેમ્બર, 2001, સવારે 8.45 વાગે અમેરિકાએ 21મી સદીમાં ખરો પ્રવેશ કર્યો. ‘ન્યુયોર્કના ટાઈમ’ સ્કવેરમાં બે હજાર વર્ષ પૂરા કર્યાનો ઉત્સવ તો એક ક્ષણભંગુર ગણી શકાય તેવો પ્રસંગ હતો. તેનાથી ભાગ્યે જ એકાદ માઈલ દક્ષિણમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ધ્વંસ એ એક ઐતિહાસિક અને જગતના ઇતિહાસને બદલી નાખનારી ઘટના હતી. આધુનિક યુગમાં અમેરિકા મહાકાય શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. વિમાન વાહક જહાજો, સંદેશ વ્યવહારનાં અતિ આધુનિક સાધનો અને વિશાળકાય કોર્પોરેશન દ્વારા આખા જગત પર એ સવારી કરે છે. છતાં આ મહાકાય શક્તિપુંજ પણ હિટલરના પંઝર ડિવિઝન અને યામામોટોના વિમાન વાહક જહાજ કરતાં ભિન્ન એવાં શસ્ત્રોના આક્રમણનો ભોગ બની શકે એવી સંભાવના છે. આમ જુઓ તો એ અમેરિકાએ કરેલા પોતાના કરતૂતોને કારણે ઊભું થયેલું એક નબળું પાસું જ છે. અમેરિકાના મુક્ત વ્યાપારના સિદ્ધાંતોના અવિરત વગાડવામાં આવતા ઢોલ નગારાં, નાના વ્યાપારી એકમો પર દબાણ લાવીને બદલાવ લાવવાની નીતિ, પર્યાવરણના પ્રદૂષણ માટે આતંરરાષ્ટ્રીય સહમતી કરારોને અટકાવવા અને કહેવાતા ત્રીજા વિશ્વના દેશો પર ધાક બેસાડવી વગેરે જેવી એની ભૂમિકા માટે એ બધા દેશોના નાગરિકોને રોષ છે.
કારન આર્મસ્ટ્રોંગે પણ આ જ લાગણીનો પડઘો પાડતાં લખેલું, “11મી સપ્ટેમ્બરને દિવસે દુનિયા બદલાઈ ગઈ. વિશેષ અધિકારો અને સુખ ભોગવતા પશ્ચિમના દેશો હવે એમ નહીં ધારી શકે કે દુનિયાના બીજા દેશોમાં બનતી ઘટનાઓ સાથે આપણને કશી નિસબત નથી. આજે ગાઝા, ઈરાક કે અફઘાનિસ્તાનમાં બને છે તેનાં પરિણામ કાલ ઊઠીને ન્યૂયોર્ક, વોશિંગ્ટન કે લંડનમાં ભોગવવાં પડશે. થોડા સમયમાં નાના એકમો પણ શક્તિશાળી કહેવાતા દેશો કરી શકતા એવી સામૂહિક સંહારની લીલા રચી શકશે.” આગળ જતાં તેમણે ઉમેર્યું, “આત્યંતિક વિચારધારા દૂર નથી થવાની. કેટલાંક સ્થળોએ એ વધુ જોર પકડતી જાય છે અથવા વધુ વિધ્વંસક બનતી જાય છે. આવી વૃત્તિઓને દબાવી દેવી કે જબરદસ્તીથી ઢાંકી દેવી એ તેનો જવાબ નથી. આ ધાર્મિક ચળવળોનું ન્યાય પૂર્ણ અને તટસ્થ વિશ્લેષણ કરવું જરૂરી છે.”
છેલ્લાં કેટલાંક વર્ષોથી આતંકવાદ મુખ્યત્વે મુસ્લિમ દેશોમાંથી પ્રસરતો જોવા મળે છે. આ સંદર્ભમાં સેમ્યુઅલ હંટીન્ગટને લખ્યું છે, “પશ્ચિમી દેશો પોતાનાં મૂલ્યોને વૈશ્વિક માન્યતા અપાવવા પ્રયત્ન કરે છે, પોતાના લશ્કરી અને આર્થિક ચડિયાતાપણાને ટકાવી રાખવા મથે છે અને મુસ્લિમ દેશોના આંતરિક સંઘર્ષોમાં દખલગીરી કરે છે એને કારણે એ દેશોમાં પશ્ચિમી દેશો પ્રત્યે નારાજગી પ્રવર્તે છે. ઈ.સ. 1980-1995, એ પંદર વર્ષના ગાળામાં અમેરિકાએ ભૂમધ્ય સમુદ્રના દેશોમાં 17 લશ્કરી મૂઠભેડમાં ભાગીદારી નોંધાવી હતી, જે તમામ મુસ્લિમ દેશોને જ સીધા નિશાન બનાવતા હતા. બીજા કોઈ ધર્મ કે સભ્યતા ધરાવતા દેશો પર એવો કોઈ લશ્કરી હુમલો કરવામાં નહોતો આવ્યો.”
9/11 ના દિવસે ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટનમાં પેન્ટાગોન પર થયેલા આતંકી હુમલા એ અસમતોલ યુદ્ધના મંડાણ થયાનાં એંધાણ આપે છે. એની હકીકતો હેરત પમાડે તેવી છે. અલ કાયદા સાથે સંલગ્ન એવા એ હુમલામાં સંડોવાયેલા 18 આતંકવાદીઓ માત્ર બોક્સ કાપવાના ઓજારથી જ સજ્જ હતા, અમેરિકન પ્લેન કેવી રીતે ઉડાડવા તેની તાલીમ અમેરિકાની જ ફ્લાઈંગ સ્કૂલમાંથી મેળવી હતી, વિમાન માટેનું બળતણ પણ અમેરિકન હતું અને અમેરિકાના જ એરપોર્ટનો ઉપયોગ દેશની સહુથી વધુ મૂલ્યવાન મિલ્કતને ધોળે દિવસે અને તે પણ માત્ર એક કલાકમાં જમીનદોસ્ત કરવા માટે કર્યો હતો!
‘ગ્રેવ ન્યુ વર્લ્ડ : સિક્યુરિટી ચેલેંજ ઈન ધ 21સ્ટ સેન્ચુરી’ પુસ્તકમાં માઈકલ બ્રાઉને બીજા ઘોર ભયસ્થાનો ગણાવ્યા છે, જેમાંના કેટલાક અતિ વિનાશક અલ્ટ્રાસોનીક શસ્ત્રો અને માનવ વિહીન માઈક્રો આકાશી વાહનો, નાના હમીંગ બર્ડ જેવડા કદ ધરાવતા સાધનો કે જે શોપિંગ મૉલ, રેલવે સ્ટેશન અને પ્લેનને આકાશી સ્ફોટક પદાર્થની માફક નષ્ટ કરી શકે અને સાઇબર પર્લ હાર્બર બનીને વિનાશ કરી શકે તેવાં યંત્રોનો સમાવેશ થાય છે.
2010માં અણુવિક સલામતી સમિટમાં રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ચેતવણી આપેલી કે “અમેરિકા માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની સલામતીનું જોખમ કોઈ આતંકવાદીના કબજામાં અણુશસ્ત્રો આવે તેની શક્યતામાં રહેલી છે.”
આર્ને નાઇસ (Arne Naess) અને યોહાન ગૅલ્ટન્ગ (Johan Galtung) આપણને 1955માં નોર્વે ખાતે ગાંધીના વિચારો પર આધારિત ‘અહિંસક સામાજિક સુરક્ષા’ની વ્યાખ્યા આપી ગયા છે. એમાં ગાંધીના વિચારો અને આજની સામાજિક સુરક્ષા નીતિ સાથે સીધું જોડાણ સ્થાપિત થયેલ છે.
બ્રિટનના નૌકા દળના પ્રતિષ્ઠિત કમાન્ડર સ્ટીવન કિંગ હોલ તેમના પુસ્તક ‘અણુ યુગમાં સુરક્ષા’(1959)માં આપણી રૂઢિગત લશ્કરી રક્ષા પાછળના તર્ક વિશે સવાલ ઉઠાવે છે, અને બ્રિટનને અણુશક્તિ વિનાની સુરક્ષા પદ્ધતિ વિકસાવવા માટે અરજ કરે છે. આની ચર્ચા દેશભરમાં થઈ અને પરિણામે 1964માં ઓક્સફર્ડ ખાતે પ્રજાકીય સુરક્ષા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ઘણા સલામતી વિશ્લેષણકર્તા, લશ્કરી વ્યૂહ રચનારાઓ અને અહિંસક વિરોધ કરનારા કર્મશીલોએ તેમાં ભાગ લીધેલો. પરિણામ સ્વરૂપ આડમ રોબર્ટ્સ દ્વારા સંપાદિત ‘ધ સ્ટ્રેટેજી ઓફ સિવિલ ડિફેન્સ’ વિદ્વત્તા ભર્યું પુસ્તક પ્રકાશિત થયું. 1968માં એ ‘રેઝિસ્ટન્સ એન્ડ નેશનલ ડિફેન્સ’ના શીર્ષક હેઠ પ્રકાશિત થયું.
ત્યારબાદ 1967માં મ્યુનિકમાં યોજાયેલી કોન્ફરન્સમાં શસ્ત્રાસ્ત્રોની પેલે પારના વિવિધ પાસા પર વધુ ઊંડાણમાં વિચાર કરવાનું શરૂ થયું અને થિયોડોર એબર્ટની આગેવાની હેઠળ સંશોધકોના સમૂહે 1968માં રશિયાના દમન સામે ચેકોસ્લોવેકિયાની નાગરિક પ્રતિકારની ચળવળનો વિશદ અભ્યાસ કરવાનું હાથ ધરવામાં આવ્યું. તેમાં જર્મની માટે પણ સામાજિક સુરક્ષાની વ્યૂહ રચનાની ભલામણ કરવામાં આવી હતી. એ અરસામાં કેમ્પેઇન ફોર ન્યુક્લિયર ડીસઆર્મામેન્ટ અસ્તિત્વમાં આવ્યું, જે બે દાયકા પછી યુરોપીઅન ડીસઆર્મામેન્ટ તરીકે વિકસ્યું.
પૉલ વેહર (Paul Wehr) લખે છે, “સામાજિક સુરક્ષાની વિચારધારા ગાંધી પ્રેરિત ચળવળો દરમિયાન તેના એક નૈતિક સિદ્ધાંત તરીકે ઉદ્દભવી હતી, જેમાં સામૂહિક અસહકારની શક્તિનો પરચો સ્પષ્ટ થયો હતો. વર્તમાનમાં થતી લડાઈઓની સંહારક શક્તિ જેમ જેમ વધુ અનુભવાતી જાય છે તેમ તેમ રાષ્ટૃના રક્ષણ માટે ગાંધીના અસહકારની પ્રયુક્તિઓ વધુ ને વધુ અમલમાં મુકાતી જોવા મળે તે છે સ્વાભાવિક છે. પા સદી સુધી કરવામાં આવેલા સંશોધનોએ સામાજિક સુરક્ષા અંગેની જાણકારી, તેને માટે અનિવાર્ય એવા સિદ્ધાંતો, તેના અમલ માટે વાપરતી વિવિધ પદ્ધતિઓ અને તેના વ્યવહારુ વિકાસ વિશે માતબર જ્ઞાન એકઠું કર્યું છે. આવનારો સમય જ આપણને કહી શકશે કે ગાંધીની વિચારધારા અને તેનું અમલીકરણ જેવા સામાજિક બદલાવમાં અસરકારક સાબિત થયા હતા તેવા જ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ અસરકારક રીતે ઉપયોગમાં લાવી શકાય કે નહીં.”
જોનાથન શેલ (Jonathan Schell) તેમના પુસ્તક ‘ધ અનકોંકરેબલ વર્લ્ડ(The Unconquerable World)માં લખે છે, “નવી સદીનો પ્રારંભ થાય છે ત્યારે આ દુનિયામાં હિંસાના નવા ઘટનાચક્રની શરૂઆત થઇ છે કે 20મી સદીના વખોડવા લાયક રક્તપાતને ફરી દોહરાવે છે કે તેનાથી પણ ચડી જાય તેવી હિંસા કરવા તરફ ધસી રહી છે?” તેમણે કહ્યું કે હાલના જોખમો પહેલાં જેવાં નથી, “રૂઢિગત મોટાં લશ્કરો અને હરીફ સત્તાઓ પ્રત્યે પદ્ધતિસરના નફરતનો જમાનો નથી, પણ, સતત એકધારો અણુશસ્ત્રો અને બીજા સામૂહિક સંહારના શસ્ત્રોનો વધારો અને પ્રસાર તથા શમાવી ન શકાય તેવા રાષ્ટ્રીય, જાતીય, ધાર્મિક અને વર્ગ વચ્ચેના ઝનૂનના રાક્ષસનો સમય છે” તેમણે વધુમાં ઉમેર્યું, “11મી સપ્ટેમ્બરના હુમલાનો આઘાત અને વિશ્વમાં પ્રસરતા જતા આતંકવાદને ડામવા માટે કડક પગલાં લેવાં જોઈએ એ હકીકતને બાજુ પર રાખીને જોઈએ તો નવો અને આશાસ્પદ રાહ ખૂલતો જાય છે. 20મી સદીના ઇતિહાસમાં પહેલા સબક જેટલો આગળ પડતો નહીં, પણ એટલો જ મહત્ત્વનો એક પૂરક પાઠ નજર પડતો દેખાય છે. અને તે એ છે કે અહિંસક ચળવળ રાજકારણના દરેક ક્ષેત્રમાં હિંસક પગલાં જેટલી જ અસરકારક નીવડતી હોય છે. ગાંધીએ આ વચન ભારતમાં બ્રિટિશ સલ્તનતના પ્રતિકાર માટે, માર્ટિન લ્યુથર કિંગે અમેરિકામાં નાગરિક અધિકારની લડત માટે અને પૂર્વ યુરોપ તથા રશિયામાં સામ્યવાદી સરકાર અને સોવિયેત યુનિયનના શાસનને ને ઉથલાવી પાડવા માટે આપ્યું હતું.
e.mail : 71abuch@gmail.com
![]()

