Opinion Magazine
Number of visits:
10168330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અણગમો

અનિલ વ્યાસ|Opinion - Short Stories|6 September 2026

પાડોશનું ખાલી ઘર જીવંત બની ગયું હતું. કાનમાં ભાત-ભાતના અવાજો, પગના ધમકારા, રસોઈની સુગંધ પ્રસરતી જોઈ પાડોશમાં સારો સહવાસ મળ્યાની રિદ્ધિની લાગણી કુમુદબહેન એને મળવા આવ્યાં ત્યારે બેવડાઈ.

એમના પરિવારમાં મોટો શૌર્ય, એની પત્ની વંદના અને દીકરી કાનન. નાનો ઈશાન પી.ડબ્લ્યુ.સી. કંપનીમાં કંપની સેક્રેટરી છે. શૌર્ય એચ.ડી.એફ.સી. બેન્કમાં, અને વંદના નવરાશના સમયે એના ભાઈની લેપટોપની દુકાન સંભાળે છે. એમના પતિ રાઘવેન્દ્ર આસામમાં નક્સલવાદીઓ સામે  વર્ષ પહેલાં શહીદ થયા હતા.

સવારમાં રિદ્ધિને ખાસ્સી દોડધામ રહેતી. સુમન, સુરતા અને ક્રિશ માટે ચા-નાસ્તો અને ટિફિન તૈયાર કરવાના. સુમન  આઠ વાગે નીકળે, પાછળને પાછળ સુરતા અને ક્રિશની વાન આવે. નવ વાગતામાં ઘર ખાલી. રિદ્ધિને ઘરનાં કામ જાતે જ કરવાની ટેવ હતી. એ પાછળ ચોકડીમાં રસોઇના વાસણ ઘસવા બેસતી ત્યારે તપેલી સાથે અથડાતી એની બંગડીઓનો રણકાર ગૂંજતો. એ નમીને વાસણ ધોતી ત્યારે એની ઢીલા વાળમાંથી છટકેલી બે લટ આમતેમ ઝૂલતી, એના ગાલે સ્પર્શતી રહેતી. ઈશાન વરંડાના હીંચકે બેઠો, ચાના ઘૂંટડા ભરતો. એવું લાગે કે એ શેરીમાં જુએ છે, પણ એની આંખો ખૂણે વળતી નજરે સતત રિદ્ધિને જોઈ રહેતી.

રિદ્ધિ કોઈ વાર ગીત ગણગણતી હોય ત્યારે ઈશાનની આંગળીઓ હીંચકાને સળિયે મૂંગો તાલ આપતી. ભીના હાથ લૂછવા દોરીએથી ટુવાલ ખેંચતી વખતે રિદ્ધિ ઈશાનને જોતી, સહેજ મલકાઈ અવળું ફરી જતી. ઘણીવાર એણે ઈશાનને વહેલી સવારે અગાશીમાં જોયો છે.  ઉઘડતા પરોઢના આછા અજવાળામાં ડંબેલ્સ, પુશ-અપ્સ કે સીટ-અપ્સ કરતો હોય ત્યારે એ જોયું ન જોયું કરી સીડી ઉતરી જતી. મનમાં થતું, સુમને પણ ઈશાનની જેમ નિયમિત કસરત  કરવાની ટેવ પાડવી જોઈએ. 

ક્યાં ય જવાનું ન હોય ત્યારે ઢળતી બપોરે એ અગાશીમાં બેસે. નિરાંતે, આરામ ખુરશીમાં લંબાવી મનગમતું પુસ્તક વાંચતી. બેડરૂમના છાયામાં આછો-આછો પવન વાતો રહેતો. ઢીલા, વિખરાયેલા વાળ, કોઈ વાર છુટ્ટા. એનું ટી-શર્ટ કે કુર્તી સહેજ ખુલતાં. એવે ઈશાન એની  અગાશીમાં છાપું કે મોબાઈલ લઈ આંટા મારતો. પેટે ચડી ગયેલી કુર્તી નીચેનો ભાગ દેખાય નહિ એમ હળવે હાથે ખેંચતી કે ખુલ્લી ચોપડીથી ઢાંકી દેતી. ઈશાન ધીમે પગલે ટહેલતો રહેતો. કોઈ વાર આંખો મળી જાય ત્યારે પાંપણ નમાવી મલકાતાં એ શેરી તરફ ફરી જોતો.

રિદ્ધિએ એ નજર નોંધી છે. ન કોઈ અભદ્રતા, ન કોઈ લોલુપતા! હા, એ છાનોમાનો એને નીરખતો હોય છે. શરૂઆતમાં એનું આમ જોવું રિદ્ધિને સામાન્ય લાગતું. એ મલકાઈ કે મજામાં? પૂછી ઘરમાં જતી રહેતી કે રોજિંદા કામમાં પરોવાઈ જતી. મનમાં થતું કે પાડોશમાં સામસામે આવી જવું તો બને જ ને? પરંતુ સમય જતાં નાના-નાના સંકેતો એના મનમાં ખટખટ કરવા લાગ્યા. આવું કેવી રીતે બને? એ વહેલી સવારે મંદિર જતી હોય કે દૂધની લાઇનમાં ઊભી હોય … અરે શાકની લારીએ ઊભી હોય … ઈશાન ક્યાંક ને ક્યાંકથી પ્રગટ થઇ જતો. રોજ એ ચોકડીમાં આવે એ જ વખતે હીંચકે બેસી ચા પીવી કે એ અગાશીમાં હોય ત્યારે ઈશાનનું હોવું. પહેલી વાર પ્રશ્ન થયો, એ જાણી જોઈને એની આસપાસ હોય છે કે શું?

એ માથું ધોઈને લપેટેલો ટુવાલ સુકવવા આવે ત્યારે એના સદ્યસ્નાતા રૂપને આંખોમાં ભરતી નજર એને વાગી. એ નજર એની ત્વચાને સ્પર્શી ન હતી છતાં અંદર ક્યાંક કંઇક કંપ,સૂગ જેવું અનુભવાયું. રિદ્ધિને લાગ્યું કદાચ આ માત્ર કલ્પના છે. કંપની સેક્રેટરી જેવો ગંભીર અને લાયક માણસ આ રીતે એને જોતો હશે? એ પછી, પોતાનું સતત નિરીક્ષણ થતું હોવાની લાગણી ક્રમશઃ બળવત્તર બની ગઈ.

હવે એનું આસપાસ હોવું બરાબર નોંધાય છે. એનું જોવું સમજાય છે. એ જોતો નથી, તાકી રહે છે. શું શું તાકતો હશે? એની નજર પકડાતી કે તરત કપડાં પહેરેલાં હોવા છતાં શરીર તાડપત્રીથી વીંટી લેવાનું મન થતું. આ બધું સહન કરવું કઠણ લાગતું હતું. ઈશાનનું વારંવાર જોવું અને હંમેશાં કોઈને કોઈ બહાને ઉપસ્થિત હોવું … આ અંગવિન્યાસથી અણગમો થતો હતો. નજર માત્રથી કશું ઉતરડી લે એવી પીડા થતી હતી.

ઈશાન એના ઘરમાં સુમન સાથે વાતો કરતો હતો ત્યારે પહેલી વાર રિદ્ધિએ એને ધ્યાનથી જોયો હતો. ઈશાન એના કરતાં છ વર્ષ નાનો છે. દેખાવે ઠીકઠાક, પણ એના નમણા ચહેરા પર એવી નિર્દોષતા કે મળતાં જ પોતાપણાનો અણસાર આવે. સહેજ ઊંચો, કસરતથી બાંધો, ઘઉંવર્ણો રંગ, કોરા, ગોઠવાયેલા વાળ. એની કાળી, ગહન આંખોમાં એક સમભાવ ઝલકતો. શરૂઆતના દિવસોમાં જોયેલો એ ભાવ હવે કેમ સાવ જુદો અનુભવાય છે? ધીમે ધીમે એને સમજાયું — ઈશાનનું વારંવાર એને જોવું, જોઈ રહેવું કંઈ સૌજન્ય કે આદર ભર્યું નહોતું. 

પણ, એ ઈશાન કે એના કુટુંબ સાથે કોઈ અણબનાવ ઊભો થાય એવું એ ઇચ્છતી નહોતી. પાડોશી સાથે હળી મળીને રહેવું એને એ સંસ્કારનો એક ભાગ માનતી હતી તે છતાં, હવે એ નજર-અવરજવર સહન થતી નહોતી.

ઈશાન માટે દયા રાખી શકાય, પણ એનું આમ પોતાને ઉકેલ્યા કરવું કેમ સહેવાય? 

એણે નક્કી કર્યું, એ બોલશે કે ઝઘડશે નહીં, પણ એની નજરને કશો અર્થ નહીં આપે. એણે મોટાભાગનાં કામો ઘરમાં રહીને જ કરવાનું શરૂ કર્યું. સુમનને સહેજ નવાઈ લાગી, છતાં એણે પરણ્યા પછી પહેલીવાર ઘરકામ માટે જમનાબહેનને નોકરીએ રાખ્યાં.

*       *      *

નવરાત્રીમાં સોસાયટીમાં માંડવી પધરાવાય, દર વર્ષે સમગ્ર પરિવાર સાથે તૈયાર રહે. રિદ્ધિ નવે નવ દિવસ ગરબે ઘૂમતી, પણ આ વર્ષે એણે નક્કી કર્યું કે એ ગરબે નહીં રમે. ઈશાનની નજર ઘરના ઝાંપા નજીક સાવ સાદાં કપડાંમાં બેઠેલી રિદ્ધિ પર પડી. એટલે એ ઘરની અગાશીએ જઈ નજરે ન પડે એમ બેસી ચૂપચાપ રિદ્ધિને જોતો રહ્યો.

રિદ્ધિને લાગ્યું કે એને કોઈ જોતું હતું. એના ગળા પાછળના ભાગે કશોક સળવળાટ અનુભવાતો હતો. હૃદયમાં એક અજાણ્યો કંપ! એણે ચારેબાજુ જોયું …… ઈશાન તો નથી ને? પણ ઝળહળ લાઈટોની ઉપરના અંધકારમાં કશું દેખાતું નહોતું.

એ ઊભી થઈ, અંદર આવી. જોરથી બારણું બંધ કરી એના ટેકે શરીર ટેકવી ઊભી રહી. નહોતું રડાતું, નહોતું રહેવાતું. 

હવે હદ થઈ ગઈ છે. આ નફટાઈ ક્યાં સુધી ચલાવવી? આટલું ભણેલો, ગણેલો, ઉચ્ચ પદાધિકારી આટલો નિમ્ન કક્ષાનો? આવા માણસોને તો પોલીસ ફરિયાદ કરી, જેલ ભેગા કરી દેવા જોઈએ. ભાગલપુરમાં બન્યુ હતું એમ આંખોમાં તેજાબના ટીપા નાખી, ધકેલી મૂકે; 

“જા, હવે જોજે જેટલું જોવાય એટલું  જા.”

બે દિવસ પછી શનિવારે, સુમન એના મમ્મી-પપ્પાને મળવા ગયો હતો, અને છોકરાઓ ઊંઘી ગયા હતા. ત્યારે રિદ્ધિ સુકાયેલાં કપડાં લેવા વરંડામાં આવી. ઈશાને એને જોઈ કે તરત બહાર આવ્યો. એ હીંચકે બેસે એ પહેલા, રિદ્ધિ વંડી પાસે આવી. ઈશાન એની નજીક આવ્યો.

“કેમ છો તમે?”

“જેવી છું, એવી જ. તમે જવાબ આપો, તમે કેમ છો?”

“મજામાં.”

“કઈ મજામાં? મને સતત જોઈ રહેવાની?”

ઈશાન ઝંખવાણો પડી ગયો. આઘાતથી સહેજ પાછળ ખસવા જતાં એનાથી હીંચકાના સળીયાનો આધાર લેવાઈ ગયો. થોડીવાર એ કંઈ બોલ્યો નહીં. રિદ્ધિનો અવાજ સખત થયો.

“સાંભળો, મને આ બિલકુલ ગમતું નથી. હું કોઈ ચીજ વસ્તુ કે રમકડું નથી. તમે મને જે રીતે જુઓ છો, તાક્યા કરો છો, એ મારાથી સહેજે સહન થતું નથી. મારી સાથે આ રીતે ફ્લર્ટ ન કરશો. પ્લીઝ.”

“હું ફ્લર્ટ નથી કરતો. બસ તમને જોઉં છું. જ્યારથી તમને જોયાં છે, તે ક્ષણથી હું મારી જાતને રોકી શકતો નથી.”

“શું કામ?”

“તમે એટલાં સુંદર છો…” એ અટક્યો. માથું ઝુકાવ્યું, હાથની મુઠ્ઠીઓ ધીમે ખોલ-બંધ થઈ.
“હું ફક્ત તમને જોઉં છું. કોઈ બદઇરાદા વગર … કોઈ બગીચામાં ખીલેલા ફૂલને જુએ કે સવારના આકાશની શાંતિને અનુભવે એમ …” એ બોલતાં થોથવાઈ ગયો.

“જુઓ, હું તમારા પરિવારનું માન જાળવું છું. ખાસ કુમુદ આન્ટીનું. તમે તમારી મર્યાદા સમજો. હદ પાર કરીને એવી સ્થિતિ ન ઊભી કરો કે હું કોઈ આકરા પગલાં ભરવા મજબૂર થઈ જાઉં.”

“તમને સહેજ જોવું એમાં …” પછી હવામાં હાથ ફેલાવતા સહેજ દબાયેલા અવાજે બોલ્યો,  “તમે નહીં સમજો રિદ્ધિ. નહીં સમજો.”

અવળું ફરી, ઝડપી પગલે ઝાંપો ઉઘાડી એ બહાર નીકળી ગયો. એને સખત ગરમીમાં ખુલ્લા પગે રોડ પર ચાલતો જોઈ રિદ્ધિએ ગુસ્સામાં મોં મચકોડ્યું.

એ દિવસ પછી એણે નોંધ્યું ; ઈશાન હવે પહેલાની જેમ એની આસપાસ હોતો નથી. એવું નથી કે એને જોતો નથી.

અચાનક એક દિવસ વહેલી સવારે દૂધની લાઇનમાં એ મળી ગયો. રિદ્ધિ થેલી પકડી ચાલતી હતી. એનું ઢીલું ટી-શર્ટ, સહેજ ઉપસેલું પેટ; એને કશું સંતાડવાનું ન હતું છતાં ઈશાનને જોઈ એ સહેજ ખચકાઈ. ઈશાને ખસીને એને આગળ જવા દીધી. દૂધ લઈ પાછા વળતાં બોલ્યો, “તમે સાચે જ મારાથી બહુ નારાજ છો?  કહો ને?”

રિદ્ધિએ માંડ માંડ હોઠના ખૂણે આવેલો મલકાટ છુપાવ્યો. સહેજ કડકાઇ ધારણ કરતાં બોલી, 

“હા.”

“પણ હું નથી, તમે છો જ એટલાં સારા કે  તમારાથી નારાજ રહેવું અઘરુ છે.”

રિદ્ધિ કશું બોલી નહીં, પણ એની આંગળીઓ થેલીના નાકા પર ભીડાઈ.

એ પ્રસંગે એનું સામાન્ય રહેવું જોઇ ઈશાનને લાગ્યું કે રિદ્ધિ કંઈ ખરેખર નારાજ નથી. પછી સીધેસીધું નહીં, પણ તક શોધી શોધીને એણે રિદ્ધિને જોવાનું શરૂ કર્યું. અઠવાડિયાથી જમનાબહેન પણ કામે આવતાં નહોતાં. તક મળી એટલે ઈશાને ફરી એકવાર મન ભરીને રિદ્ધિને જોવાનું શરૂ કર્યું.

રિદ્ધિને સમજાતું નહોતું કે શું કરે? સુમનને વાત કરે? રિદ્ધિ ગ્રેજ્યુએટ છે. સુમનને વાત કરવી એટલે દાંપત્યમાં વહેમનું બીજ વાવવું. સુમન ભલો છે, પણ ગુસ્સે થઈ ઈશાન પર હાથ ઉપાડે કે ક્રોધમાં કશું ન કરવાનું કરી બેસે, તો? એને હાથમાં બેટ પકડી ઈશાન તરફ ધસી જતો સુમન તાદૃશ્ય થયો. સાથે જ સુરતા અને ક્રિશના ભાયથી થરથરતા ચહેરા દેખાયા. “ના.” એ મનોમન બબડી.

જશવંતફુવાનો દીકરો વિક્રમ પોલીસમાં છે. એની મદદ લઉં તો?  સીધી ફરિયાદને બદલે પોલીસ સ્ટેશનમાં કડક પૂછપરછ અને થોડી દમદાટી મળશે એટલે સીધો થઈ જશે. પણ વિક્રમ પૂછશે,  “શું હેરાનગતિ કરે છે?”

“બસ મને જોયા કરે છે, તાકતો રહે છે.”

“એ સિવાય કશી હેરાનગતિ? કોઈ અડપલું … હાથ ચાલાકી? કોઈ મેસેજ? કશી ધમકી? આડું અવળું બોલ્યો છે? કોઈ દિવસ ચિઠ્ઠી લખી છે?”

“ના, એવું કશું બન્યું નથી. એ એવો નથી. આમ તો સંસ્કારી છે.”

“તો રિદ્ધિબે’ન, જાવ તમારા સંસ્કારોને વધુ સંસ્કારી બનાવો. હું નથી ઇચ્છતો કે મારી બહેનના પોલીસ સ્ટેશનમાં પગલાં પડે.” વિચારમાં ને વિચારમાં એણે જોરથી ટેબલ પર હથેળી પછાડી.

“શું થયું મમ્મી? ખાલી ચડી ગઈ છે હાથમાં?” સુરતાએ પૂછ્યું

“ના.” કહ્યા પછી એણે મનોમન નક્કી કર્યું.  હવે આ ખાલી ઉતારવી જ પડશે.

*      *     *

એ રાત્રે સહુ ‘કૌન બનેગા કરોડપતિ’ જોવામાં વ્યસ્ત હતા, ત્યારે રિદ્ધિએ જોયું, ઈશાન હીંચકે એકલો બેઠો હતો. એ ધીમે બહાર આવી. ઈશાન એને જોઈ તરત ઊભો થઈ ગયો.

“મારે તમારી સાથે વાત કરવી છે,”  રિદ્ધિએ કહ્યું. ઈશાને પાંપણ નમાવી.

“તમે હજુ સુધરતા નથી? કેમ મને હેરાન કરો છો?”

“હું શું કરું છું?”

“એમ?” એનો અવાજ કઠોર થયો. ”તમે મને સાચે સાચું કહેશો? તમે આવું શું કામ કરો છો?”

અચાનક ઈશાનનો અવાજ ગંભીર થઈ ગયો, “સત્ય બહુ કડવું હોય છે.”

“કહો, કહોને. બસ. કહી દો.” 

ઈશાનના હોઠ ભીડાયા, ઊંડો શ્વાસ લઈ બોલ્યો, “જે ક્ષણે હું સત્ય બોલીશ, આપણા સંબંધોમાં ઝેર ઘોળાશે, તમે મારું મોં પણ નહીં જુઓ. બધું બરબાદ થઈ જશે રિદ્ધિ, રહેવા દો. તમને લાગતું હોય કે હું તમને હેરાન કરું છું, તો હવે હું તમારી સામે જોઈશ પણ નહીં. બસ.” 

“ના, કશું નહિ બગડે. તમારું કડવું સત્ય બોલી નાંખો, હું કહું છું ને.”

રિદ્ધિએ ઈશાનની આંખોમાં જોયું. એની સીધી નજરથી ઈશાનની અંદર કશુંક સર્જાયું. એણે અનુભવ્યું કે એ પૂરેપૂરો જોવાયો છે, કદાચ પૂર્ણરૂપે ઉઘડ્યો છે. વિનવણી કરતો હોય એમ બોલ્યો,

“એ જ બનવાનું છે, રિદ્ધિ. હું બધું ગુમાવીશ. મારું  કહેવું માનો, પ્લીઝ…”

“ના, બોલો. તમને મારી પર વિશ્વાસ નથી?”

ઈશાન સહેજ કંપતા સ્વરે બોલ્યો, “વિશ્વાસ છે, અડગ વિશ્વાસ છે.” 

એ રિદ્ધિની સાવ નજીક આવ્યો,  સાવ સમ્મુખ.

“તો સાંભળો. હું તમને ચાહું છું. ખૂબ ચાહું છું …. આઇ લવ યૂ રિદ્ધિ, જસ્ટ લવ યૂ.”

રિદ્ધિ તરત બે ડગલાં પાછળ ખસી ગઈ.

“પણ હું તમને ધિક્કારું છું.”

“ હું એ સમજી શકું છું.”

“કપાળ સમજો છો? હું પરણેલી છું. મારે સુખી લગ્નજીવન છે. બે સંતાનો છે. તમારાથી છ વરસ મોટી છું. જરાક શરમાવ ઈશાન, શરમાવ.”

“મારી શરમ કરતાં તમારું સ્થાન કેટલું ય ઊંચું છે. મેં કહ્યું હતું,  ન બોલાવરાવો, પણ તમે….. તમે તો તમે જ છો.”

પારાવાર ક્રોધથી રિદ્ધિની હથેળીઓ વંડીની ધારે કસાઈ,  એ મોટા અવાજે બોલી,  

“જાઓ અહીંથી! જાઓ! આઉટ!”

અપમાનની ઝાંખપમાં ઈશાન ખસ્યો, અવળો ફર્યો. ત્યાં રિદ્ધિ સહેજ કર્કશ સ્વરે બોલી,

“સાંભળો, ફરી કદી મારી સાથે વાત સુદ્ધાં ના કરતા. જાઓ.”

એ બન્યા પછી રિદ્ધિ સતત ઈશાનને અવગણતી રહી. સામે આવવાનું ટાળવું, અકસ્માત આવી જવાય તો નજર ફેરવી લેવી, મળાય તો અજાણ્યાની જેમ પસાર થઈ જવું. એ જોઈ સુરતાને પણ વિચાર આવ્યો કે મમ્મી ઈશાન અંકલ સાથે ઝઘડ્યા છે કે શું? પણ એ ઝડપથી ભૂલી ગઈ હતી.

ઈશાન ઝંખતો હતો કે દિવસમાં એક વાર રિદ્ધિનું મોં જોવા મળે. એ રિદ્ધિ સામે અછડતું જોઇ ચહેરો ફેરવી લેતો હતો. પહેલાની જેમ ન વર્તી બેસાય એટલે એ મોટા ભાગનો સમય ઓફિસમાં કે મિત્રો સાથે વિતાવતો હતો.

રિદ્ધિ ત્રણેક મહિનાથી એક પ્રકારની રાહત અનુભવાતી હતી, જો કે સુરતાની પરીક્ષા નજીક આવી એટલે એ મેથ્સનું રિવિઝન કરવા વંદના પાસે જતી હતી.

એ સવારે ક્રિશની વાન આવવાની નહોતી. રિદ્ધિએ ક્રિશને બેસાડી સ્કુટી ચાલુ કરવા બટન દબાવ્યું, પણ કશો સંચાર થતો નહોતો. ઈશાન બાઈક ચાલુ કરી ઝાંપા બહાર નીકળ્યો. રિદ્ધિને પગથી સ્કુટી ચાલુ કરવા મથતી જોઈ ઊભો રહ્યો. એનું સામે ઊભા રહેવું રિદ્ધિથી સહન થતું નહોતું. પણ એ ખસતો નહોતો; સ્કુટી સ્ટાર્ટ કરવાની મહેનતથી એને પરસેવો વળ્યો હતો.

“હું ઉતારી દઉં છું તમને.”

“ના, હું રિક્ષા બોલાવી લઈશ.”

ત્યાં ભેરવેલું દફતર ઝડપથી ઉતારી ક્રિશ બાઈક પાસે પહોંચ્યો.

“મમ્મી, મારે બાઈક પર જવું છે.”

રિદ્ધિની આંખમાં અણગમાની ટશર આવી, હોઠ ધ્રૂજ્યા. પણ ક્રિશ ઈશાનની આગળ ગોઠવાઈ ગયો હતો. એક હાથ ટાંકી પર ઠપકારી, એણે રિદ્ધિને બેસવા ઈશારો કરતાં કહ્યું, “આવી જા, મમ્મી, આવી જા.”

લાઈલાજ દશામાં, સહેજ પગ પછાડતી, એ બને એટલું અંતર રાખી મોટરસાયકલ પર ગોઠવાઈ. આખા રસ્તે ઈશાન બ્રેક ન મારવી પડે એવી કાળજીથી બાઈક ચાલાવતો હતો.

ક્રિશને મૂકી, રિદ્ધિ બહાર આવી ત્યારે ઈશાન એની રાહ જોતો ઊભો હતો.

“હું જઈશ, તમે જાવ.” કહી એણે પગ ઉપાડ્યો. પગથી બાઇક ધકેલી એ નજીક આવી બોલ્યો, 

“મને ખબર છે, તમે મને એવોઇડ કરો છો. પણ, આપણી વચ્ચે એટલો …, વિશ્વાસનો ય સંબંધ નથી?”

રિદ્ધિએ દુપટ્ટાથી મોં લૂછતાં બાઈક પર હાથ મૂક્યો. આખા રસ્તે કશી વાત ન થઈ. એક સાયકલ સવાર અચાનક સામે આવી જતા ઈશાને જોરથી બ્રેક મારી, ત્યારે રિદ્ધિએ એનો ખભો પકડી લીધો. એ સિવાય કશું બન્યું નહીં.

ઘર સામે ઉતરતી વખતે નજર મળી હતી.

“આભાર.”

રિદ્ધિને એ નજર જોઈ, લાગ્યું કે એ હૃદયના ઊંડાણમાંથી જોતો હતો. ક્ષણભર! પછી આંગળીથી “આવજો” કહેતા ઝડપથી વળાંક લઈ એ સડસડાટ નીકળી ગયો.

રિદ્ધિને ખબર હતી. આવું કશુંક બનશે. જો કે, એને પહેલાની જેમ એકધારું તાકતાં જોયો નહોતો. છાનો-છપનો જોતો હોય એમ બને, પણ નજરે પડતો જ નહોતો. એકવાર સામસામે આવ્યા, ત્યારે માફી માંગતો હોય એમ નીચું જોઈ ગયો. પણ રિદ્ધિનું સ્મિત જોઇ બોલ્યા વગર ન રહી શક્યો,

“સાચું કહું? તમે ખરેખર બહુ જ સુંદર છો. વળી, તમને જોવાથી થાય છે કે તમે થોડા વધુ સુંદર થઈ જાવ છો.”

રિદ્ધિ અકળાઈ, કશું બોલવા જતી હતી ત્યાં દરવાજેથી સુમનની બૂમ વહી આવી … ગુસ્સો કરી પાઠ ભણાવવા ઇચ્છતી રિદ્ધિને પરાણે ઘરમાં દોરાવું પડ્યું.

આવા નાના નાના પ્રસંગોથી રિદ્ધિને થતું કે ઈશાન એને એક શરીરરૂપે જોતો હોય છે. પ્રેમના ઓઢા હેઠળ પોતાની પુરુષવૃત્તિ સંતોષતો હોય એમ. ઈશાન સામે મળે ત્યારે એ મનોમન રોષે ભરાય, પણ સંકોચથી બે શબ્દ બોલી શકતી નહોતી.

“શું કહે આવા નફ્ફટ માણસને?” 

એ કોઇ ઉપાય વિચારતી હતી ત્યાં વિચાર્યું … મને બહુ સાચો પ્રેમ કરવાનાં ગાણાં ગાય છે, તો લાવ, એનો પ્રેમ ચકાસું. એવું કશુંક માંગી લઉં કે આ ઉપાધિમાંથી છૂટકારો મળી જાય.  ઈશાન માની જાય તો ન જાત છુપાવવી પડે, ન એને અવગણવાની વાત રહે. ત્યારથી રિદ્ધિ સતત ઈશાન સાથે વાત કરવાની તકની રાહ જોતી હતી.

સુમનનાં મમ્મી-પપ્પા એના નાના ભાઈના ઘરે રહે છે. સુમન છોકરાઓને લઈ એમને મળવા ગયો, ત્યારે “હું થોડું કામ પતાવી મોડી આવું?” એમ પૂછી એ રોકાઈ ગઈ.

ઈશાનને શોધતી, થોડીવાર અંદર બહાર થતી રહી. બહાર વાદળ છાયું આકાશ આથમતા સૂરજને વળાવતું આછા શ્યામલ રંગમાં ઢળતું હતું. ઈશાન પર નજર પડતા એણે એને બોલાવ્યો.

“ઘરમાં આવો, મારે તમારું કામ છે.”

“હે નસીબ … હું સાચે જ આવું તમારા ઘરમાં?”

રિદ્ધિએ સહેજ તીખી નજરે જોઈ બારણાની તરફ ઈશારો કર્યો. અંદર પગ મૂકતા ઈશાન કશીક અસમંજસ અને ઉત્સાહમાં હતો. રિદ્ધિ પ્રત્યે અનુભવાતા ભાવનો પડઘો તો નહીં પડે ને?  પણ, મનમાં જાગેલી લાગણી સમેટતા દીવાલે અઢેલી ઊભો રહ્યો. રિદ્ધિએ એને બેસવાનું પણ કહ્યું નહીં એટલે પેલો મનમાં જાગેલો ભાવ તૂટી ગયો. વળી થયું, પ્રેમનું સત્ય સર્વ સત્યથી ઊંચું! એના રહસ્યનો તાગ કેમ પામી શકાય?

રિદ્ધિ  ટેવવશ ટી-શર્ટ નીચું ખેંચતા એની નજીક આવી.

“હું થાકી ગઈ છું તમારાથી.”

“હું શું કરું છું હવે?”

“સાચું બોલો, હજી પણ તમે મને જોયા કરો છો ને?”

“એ મારા હાથમાં નથી. તમને ખબર છે, હું તમને ચાહું છું. પારાવાર ચાહું છું.”

“હૃદયપૂર્વક ચાહો છો મને? સાચા અંતઃકરણથી?”

“હા.”

“જો કે, હવે તો હું તમને પાડોશી તરીકે ય જોતી નથી. પણ બહુ સાચો પ્રેમ કરતા હો તો હું કહું એમ કરશો?  બોલો, કરી શકશો?”

ઈશાને હકારમાં માથું હલાવ્યું.

“તો તમે આ સોસાયટી, આ શહેર છોડીને ક્યાંક ચાલ્યા જાવ. દૂર, મારાથી બહુ જ દૂર.”

રિદ્ધિની આંખમાં અનિચ્છાએ વેદના આવીને વહી ગઈ. ઈશાન હેબતાઈને સ્થિર થઈ ગયો. આવી તો એણે કલ્પના પણ નહોતી કરી. અરે કદી દુઃસ્વપ્ન પણ નહોતું આવ્યું. રિદ્ધિના શબ્દોએ સટ્ દઈ એની અંદરથી કશુંક ભૂંસી નાખ્યું.  શ્વાસ લેવો ભૂલી જવાયો, દુઃખ કે પીડાથી નહિ, પણ ભીતર જે કંઈ હતું એને ક્યાં ય મૂકવાની જગા સુદ્ધાં રહી નહોતી.

રિદ્ધિ સ્થિર, અપલક એને જોઈ રહી હતી. એની કથ્થઈ આંખોમાં એણે પોતાનો ચહેરો જોયો. ઊંડો શ્વાસ લઈ બોલ્યો, “હા, જતો રહીશ.”

“ના, એમ નહીં. મારા સોગંદ ખાઓ.”  રિદ્ધિ અવિશ્વાસ અને અવઢવથી એને તાકી રહી હતી. 

‘તમારા સોગંદ લઈ તમને જોખમમાં નહિ મૂકી શકું રિદ્ધિ..’ કહેવાનું મન થયું પણ પ્રગટપણે એક જ શબ્દ બોલી શકાયો, “તથાસ્તુ.”

પછી, ધબકતી છાતીએ પૂછ્યું, “હું તમને સ્પર્શી શકું?”

“હા… પણ.. ”

એ, ‘હા’ અને ‘પણ’ વચ્ચેના અંતરાલમાં ઈશાને રિદ્ધિને પોતાની નજીક ખેંચી, છાતી સરખી ભીડી લીધી. એની ભીંસ એવી પ્રબળ હતી કે શ્વાસોચ્છ્વાસની જગા પણ ન બચી. ઈશાનનો ચહેરો એના ચહેરાને સ્પર્શ્યો. એ એના કાનમાં ગણગણ્યો,

“હું તમને બહુ પ્રેમ કરું છું, રિદ્ધિ.. બહુ જ ચાહું છું…. બહુ જ. રિદ્ધિ….. રિદ્ધિ….. રિદ્ધિ….. રિદ્ધિ…..એ અવાજ સતત પડઘાતો, કાનમાં રવરવતો હતો. ઈશાનના હોઠ એની કાનની બુટ્ટી, કાનની બૂટને અડતા હતા. પાંસળીઓ ચૂરચૂર થઈ જાય એવું દબાણ અનુભવતી હતી. એ પારાવાર ક્રોધથી છટપટાઈ, અમળાઈ. એણે જોરથી ઈશાનને હડસેલ્યો. એ માંડ માંડ પડતા બચી. ઈશાનનો હાથ હજી એની કમરે હતો…આવી પશુવૃત્તિ? આ પ્રેમ હતો જ નહીં!

રિદ્ધિ હાથ ધકેલી, સ્હેજ નજીક આવી. ઈશાનના ગાલે જોરથી તમાચો મારી દીધો. પછી બીજો ગાલ. એટલેથી શાતા ન વળતાં એ બંને હથેળીઓથી એના ગાલે મારતી રહી. છેવટે ઈશાને એના હાથ પકડી લીધા, એની હથેળીઓ પોતાના ગળા પર ગોઠવી બોલ્યો,

“મને મારીને શું મળશે તમને? બસ, મને મારી નાખો. કિલ મી, જેથી હું આ પીડામાંથી મુક્ત થઈ જાઉં. મને મુક્ત કરી દો, રિદ્ધિ… દાબી દો મારું ગળું”

રિદ્ધિએ આગઝરતી નજરે એની સામે જોયું, ઈશાનની પકડથી ઢીલા પડી એના હાથ લબડી પડ્યા. રિદ્ધિ ઈશાનને ખભેથી ધકેલતાં બરાડી, “હલકટ, નીકળ અહીંથી, બહાર નીકળ મારા ઘરમાંથી!”

ઈશાન હજી એને જોઈ રહ્યો હતો. ઉપસી રહેલાં આંસુઓ એની આંખમાં ઊભરાયાં. એના જલાવરણમાં રિદ્ધિ સાવ ઝાંખી પડતી ગઈ….એ ભાંગેલા પગલે ખસ્યો. રિદ્ધિએ એને બારણા સુધી હડસેલી સ્ટોપર ભીડી. એનો એકે એક કોષ ધ્રૂજતો રહ્યો હતો. એનું હૃદય ધબકતું નહોતું લાગતું. એ રડવા ઇચ્છતી હતી, પણ કંઈક એની છાતીમાં, ગળામાં ઠંસાઈને બેઠું હતું. આખા શરીરે કરોળિયાના જાળાં ચીપકી ગયાં હોય એમ અનુભવાતું હતું. ઝાપો બંધ થવાના અવાજ સાથે જ એ સોફામાં ઢળી પડી. બહાર ફેલાતો અંધકાર સમગ્ર ઘરને ઘેરી વળ્યો.

કેટલીયવારે એ સ્વસ્થ થઈ. સુમનને ફોન કરીને કહ્યું —“મને  બહુ જ માથું બહુ દુ:ખે છે, મારાથી નહીં અવાય.”

*       *      *

અઠવાડિયા પછી એ વરંડામાં કપડાં સૂકવતી હતી, ત્યાં વંદના મળી. વાત વાતમાં એ બોલી ગઈ “ઈશાનભાઈ બેંગલોર ઓફિસમાં ટ્રાન્સફર થઈ ગયા. મમ્મીની જરા ય ઇચ્છા નહોતી, પણ એ કહે, એકાદ વર્ષ તો ત્યાં કાઢવું જ પડશે. સિવાય કે કોઈ બીજી કંપની શોધું. 

“એ ક્યારે બેંગલોર જવાના છે?” રિદ્ધિએ સહજભાવે પૂછ્યું

“એ તો પહોંચી ગયા, પરમ દિવસે. ફ્લેટ પણ મળી ગયો.”

સાંભંળી રિદ્ધિને કંપ જેવું અનુભવાયું. માન્યામાં ન આવતું હોય એમ એ વંદના સામે જોઇ રહી. ઈશાને જ્યારે ‘તથાસ્તુ’ કહ્યું હતું ત્યારે લાગતું હતું કે જૂઠું બોલે છે. એ ક્યાંય નથી જવાનો. એણે સાચે જ શહેર છોડી દીધું! દૂર જવા કહ્યું, એટલે આટલે દૂર?….. વંદના ક્યારે અંદર ગઈ એની રિદ્ધિને સરત ન રહી. એક માણસ, લગભગ વરસથી પાડોશમાં રહેતો માણસ, પોતાનો પરિવાર, સુખ-સગવડ અને હક જતો કરી, એને આપેલું વચન પાળવા ઘર છોડી ચાલ્યો ગયો? જતા જતાં આવજો કહ્યું હોત! 

ઈશાન મળ્યા વિના જતો રહ્યો એનો વસવસો એની પાછળ છેક ઘરમાં કેમ વહી આવ્યો એ સમજાયું નહીં. હવે, આગળ શું વિચારે?  એનું જોવું કઠતું હતું એમ જવું ય ખટકતું હતું?

‘ના રે, ના. મારે શું?  આવા છદ્મવેશી વામણા પુરુષોને તો આવા બધા ખેલ આવડે, રિદ્ધિ. તું તારે હવે પહેલાની જેમ મજાથી નિરાંતે જીવ.’

 *         *          *

રોજિંદા કામો અને ક્રિશ અને સુરતાને ભણાવવાની જવાબદારી વચ્ચે હવે એ બરાબર ગોઠવાઈ ગઈ હતી. છૂટથી ફરતી, ખુલ્લા આવાજે ગીતો ગણગણતી. તૈયાર થઈ શોપિંગમાં જ હતી કે સુમન સાથે સગેવ્હાલે કે ક્યાંક ફરવા. જે નિશ્ચિતતા અનુભવાતી હતી, એ અમૂલ્ય હતી.

કપડાં સૂકવતી વખતે કે વરંડામાંથી પસાર થતાં જ્યારે હીંચકે નજર જાય ત્યારે આછો કિચૂડાટ અને પવનમાં ફરફરતું છાપું આંખ સામે તરવરી જાય. તુલસી ક્યારે પાણી રેડીને પાલવથી હાથ લૂછતાં કેવી રાહત! કોઈ એને નહીં જુએ.

આરામ ખુરશીમાં બેઠી, પુસ્તક વાંચતી વખતે સામેની ખાલીખમ  અગાશી અને ઈશાનના રૂમની પરદે ઢંકાયેલી બારી જોઈ, એ ફરીથી પુસ્તકમાં આંખો પરોવી દેતી. હવે ઉપર ચડી જતી કુર્તી કે પેટની દેખાઈ જતી કોરની ચિંતા કોણ કરે? એ શેરીમાં બેધડક નીકળી પડે છે. શાકવાળા જોડે કચકચ કરવી કે ફેરિયાને બૂમ મારી બોલાવવામાં……ક્યાં ય કશી અડચણ નહિ. 

એ મંદિરે ગઈ ત્યારે પગથિયાં ઉતરતા ડાબી તરફના સ્તંભને અઢેલી, એને જોઈ રહેતા ઈશાનનું સ્મરણ થયું. તત્ક્ષણ સમજાયું કે દુરિતનું જીવનમાંથી દૂર થવું વરદાન લાગે છે. દર્શન કરતાં માતાજી સમક્ષ બોલી હતી. “સારું થયું મા… જય જગદંબા.” 

*          *          *

એકવાર કુમુદબહેન હિચકે બેઠાં મેથીની ભાજી ચૂંટતા હતાં એમણે રિદ્ધિને જોઈ એટલે બોલાવી, “આવને, નવરાશ હોય તો મેથી ચૂંટાવ.”

પગની ઠેસે હીંચકો ઝુલાવતાં કહે, “ઈશાનને મેથીના ગોટા બહુ ભાવે. કડવા લાગે એટલી ભારોભાર મેથી જોઈએ. કાલે એની ઓફિસના ભટ્ટ સાહેબ બેંગલોર જવાના છે, એટલે મોકલાવવા છે.” 

રિદ્ધિએ પૂછ્યું, “ત્યાં સુધી પહોંચતા ઠંડા નહીં થઈ જાય?”

“ના, રે! વિમાનને શું વાર? અને સાંભળ, અધકચરા જ તળવાના. ત્યાં કો‘ક બે’ન રસોઈ કરવા આવે છે, એની પાસે ફરી તળાવીને ટેસથી ખાશે.”

થોડી આડી અવળી વાતો પછી બોલી ગયાં, “હમણાં હમણાંથી એ બહુ બદલાઈ ગયો છે. પહેલાં છોકરી જોવા આવતો, પણ હવે તો જોવાની ય ના પાડે છે. કહે છે,  સંઘમાં જોડાયો છું, સંઘનો કાર્યકર, બ્રહ્મચારી જ સારો. બોલ શું કહેવું? આ ગાંડિયાને!”

“એ સાચે જ સંઘમાં જોડાયા છે?.” 

“મારે તો એ જેટલું બોલે એ સાંભળવાનું. કોણ જોવા ગયું, ત્યાં એ કેમ રહેતો હશે!” બોલતાં દીકરો દૂર હોવાની પીડા અવાજમાં ભળી ગઈ.

“એ સાચું”  સિવાય રિદ્ધિ કશું બોલી ન શકી, સંકોચથી એનું મન ભારે થઈ ગયું.

“હવે આ જુલાઈમાં એકત્રીસમું બેસેશે. નાનો થોડો છે? શૌર્યએ એના પપ્પા વિરુદ્ધ જઈ કોર્ટ મેરેજ કર્યાં હતાં. એટલે, ઈશાન હા પાડે તો મારે રંગે ચંગે પરણાવવો છે. પછી મોત આવે તો ય ભલે.”

“એવું શું બોલતા હશો, આંટી, હજી તમારી ઉંમર શું છે?”  રિદ્ધિએ એમની સામે જોયું, આંખમાં વિનંતી છે, અફસોસ કે લાચારી… એ પમાયું નહિ.

ઘરમાં આવી. કારણ વગર વ્યથા અનુભવાય. કામમાં ડૂબીને એ ઓગાળવા મથી, પણ બેચેની ઘટતી નહોતી. સમજાતું નહોતું…..એ કોઈના કુટુંબને  વિખેરી નાંખવામાં નિમિત્તે બની, એનું દુઃખ વધારે હતું કે ઈશાનના પ્રેમની પરીક્ષા કર્યાનું? ત્યાં સવાલ થયો, કે, પરીક્ષાને બહાને પોતાનો સ્વાર્થ સાધ્યાનું?

એ વખતે ખ્યાલ આવ્યો, ખાલી ખમ હિંચકો, અવર-જવર વગરની અગાશી જોઈ એણે ભલે નજર ફેરવી લીધી હોય, પણ જેની હાજરીથી તકલીફ થતી હતી, એની ગેરહાજરી પણ મન નોંધતું હશે?

એને પોતાનાથી દૂર રહેવાની સૂચના આપ્યા પછી, એકવાર એ સોસાયટી બહાર મળી ગયેલો. એને જોઈ કે તરત પૂંછડી પટપટાવતા કુરકુરિયાની જેમ નજીક આવી ઊભો. “શું કહેવું?”  વિચારી ઝડપથી પગ ઉપાડ્યો ત્યાં એ બોલ્યો, “એક વાત પૂછું?”

આંખથી સૂચવાયું ‘ના.’ પણ એ માને એમ ક્યાં હતો? કહે, “હું તમને જોવું, તમારા શબ્દોમાં સ્ટેર  કરું એટલા માત્રથી આપણો સંબંધ કસોટીએ ચડે?”

“હા, કોઈને ન ગમતું સતત કર્યા કરીએ, એ સંબંધ પર કરવત ચલાવવું જેવું છે.” સ્હેજ અટકી બોલી, “વેઇટ અ મિનિટ, મને એ સમજાવો કે આપણી વચ્ચે વળી શેનો સંબંધ?  કયો સંબંધ?”

“ભગવાન અને ભક્તનો.”

રિદ્ધિનો ચહેરો લાલ થઈ ગયો હતો. ”કશાએ મેળ વિનાની વાતો બંધ કરી દો. હું તમારો બકવાસ સાંભળવા નવરી નથી.” એવું કહી, એણે ઝડપથી ચાલવા માંડ્યું હતું.

*          *          *

સુરતા સમાચાર લાવી, “ઈશાન અંકલ આવ્યા છે.”

રિદ્ધિથી સ્વભાવિક પૂછાઈ ગયું, “રોકાવાના છે.”

 “ના, કાલે રાતની ફ્લાઈટ છે, કેમ મમ્મી?”

“અમસ્તું જ.” કહી. એ સુરતાનું ગૃહકાર્ય તપાસવા લાગી. રાત્રે આંખ મીંચાય એ પહેલાં કુમુદબહેનની પેલી આંખો યાદ આવી ગઈ.

બીજે દિવસે વંદનાને પૂછી ઈશાનનો કાર્યક્રમ જાણી લીધો. બપોરે ઓફિસે જવાનો છે, એ જાણી, એના નીકળવાની રાહ જોતી રહી. ઈશાનની કાર નીકળી કે તરત સ્કૂટી લઇ, એને અનુસરી.

ઓફિસ પાર્કિંગમાંથી બહાર આવતા ઈશાન નજીક સ્કૂટી લાવતા બોલી, “મારે તમારી સાથે વાત કરવી છે.”

ઈશાને મૂંગા, મૂંગા, આમ તેમ જોયા કર્યુ. પછી ધીમેથી કહે, “વાંધો ના હોય તો કોફી પીતા પીતા વાત કરી શકાય?”

“સામેના રેસ્ટોરન્ટમાં બેસીએ.” રિદ્ધિએ સ્કૂટી પાર્ક કર્યું. બેઠાં પછી પાણીનો ઘૂંટડો ભરી, તર્જનીથી ગ્લાસની કિનારને ઘસતા બોલી:

“કેવું લાગે છે, બેંગલોરમાં?”

“ખાલી ખમ.“

“કેમ, નોકરી નથી જતા?”

“હા, એથી પેલો ખાલીપો પુરાવાનો ભ્રમ ટકે છે. તમે કહો, શું કામ? તકલીફ લીધી? હજી કંઈ માંગવું બાકી રહી ગયું છે? “

“હા, સાચે જ, કશુક માંગવા આવી છું.”

ઈશાન એને જોઈ રહ્યો. પછી કહે, “આ તો તમે સપનામાં આવીને બોલતા હો એવું લાગે છે.”

“ના, સપનું નથી. તમારી સામે બેઠી છું.”

ઈશાન મલકાયો. હમણાં જ મુકાયેલા ચાના કપમાંથી વરાળ નીકળતી હતી. એ બોલ્યો, 

“સાથે ચા પીવાનું  આ સુખદ સ્મરણ અકબંધ રાખો, એટલી વિનંતી છે.”

રિદ્ધિ હસી પડી. ઈશાન સાથે સામે, પહેલીવાર, એ આટલી મુક્તપણે હસી. ઈશાન સહેજ આશ્ચર્ય અને અહોભાવથી એને જોઈ રહ્યો.

થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. એ શાંતપણે રિદ્ધિને જોઈ રહ્યો, એક અવર્ણનીય સૌંદર્ય આંખ સામે ધબકી રહ્યું હતું. એને આમ જોઈ રહેતા સંકોચ થયો. રિદ્ધિ જોશે તો લાગશે કે ફરીથી… વાતાવરણમાં ઘૂંટ ભરવા સિવાયના કોઈ અવાજો નહોતા. ચાના કપ લેવાના ખખડાટથી બંને વચ્ચે છવાયેલું મૌન તૂટ્યું.

“હું તમારી પાસે ફરી એક વરદાન માંગવા આવી છું.”

“તમે પાત્ર બદલો છો, આ ન ચાલે.”

રિદ્ધિને કશું સમજાયું નહીં. “શું ન ચાલે? પૂછતાં એ સ્હેજ ટટ્ટાર થઇ.” 

“ કંઈ નહિ. બોલો, શું માંગશો?  આ વખતે સોગંદ કે પ્રેમનો વાસ્તો ન આપતા, પ્લીઝ. હું આમે ય તમારું વચન પાળું છું.”

“ ખબર છે. એટલે જ કશુંક વધારે જોઈએ છે.”

ઈશાન ચૂપ રહ્યો, પાણીનો ગ્લાસ સહેજ ખસેડી, બંને કોણી ટેબલે ટેકવી. 

“મારું માનશો? તમે લગ્ન કરી લો.” 

“કોની સાથે?”

“તમને ગમે, એ છોકરી સાથે.” 

“મને તો તમે ગમો છો.”

રિદ્ધિ અકળાઈ ગઈ, “ પણ મને તમે નથી ગમતા. નો, વાત ન બગાડો પ્લીઝ. તમને જે છોકરી ગમે એની સાથે પરણી જાવ. કોઈ પણ…. છોકરી ન ગમે, તો છોકરો! પણ પરણી જાઓ, બસ.”

ઈશાનથી હસ્યા વિના રહેવાયું નહીં, પણ રિદ્ધિની આંખોમાં એક મક્કમતા હતી. એ થોડી વાર, ટેબલ ક્લોથ પર આંગળીઓ ફેરવી, કશીક આકૃતિ રચતો રહ્યો. પછી બોલ્યો:

“સાચો જવાબ આપજો, મારા લગ્ન કરવાથી તમે હ્રદયથી ખુશ થશો કે મારાથી લાઇફ ટાઈમ સિક્યુરિટી જોઈએ છે?”

“જે માનવું હોય, એ પણ વચને બંધાવ છો? હા કે ના.”

“તમે સ્વાર્થી છો, રિદ્ધિ, બહુ જ સ્વાર્થી.”

રિદ્ધિએ હકારમાં મસ્તક હલાવતા કહ્યું, “ છું. તમે વચન આપો કે ત્રણ મહિનામાં પરણી જશો.”

ઈશાનનો હાથ ઊંચકાયો, સહેજ ખચકાતો હોય, એમ હવામાં તોળાયેલો રહ્યો. પછી રિદ્ધિના માથે પ્રેમથી હાથ મુકતાં બોલ્યો:

“યોર વીશ ઇઝ માય કમાન્ડ. આપ્યું વચન.” રિદ્ધિ ઈશાન સાથે નજર મેળવી શકતી નહોતી. કશીક અવઢવ, ડર, સંકોચથી એનું હૃદય ફફડતું હતું.

ઈશાન હાથ પાછો લેતાં ઊભો થયો. 

રિદ્ધિએ કહ્યું, “મને ખબર છે હવે તમારી પાસે કશું ન મગાય. માગવા જેવું બધું મેં માગી લીધું, ઈશાન.” બોલતા, એનો અવાજ પલળી ગયો. એને લાગ્યું કે હવે એનાથી ઊભા નહીં થવાય. ઈશાનના લંબાયેલો હાથનો ટેકો લઈ એ ઊભી થઈ.

બહાર આવી જોયું, ક્ષણ પહેલાં ઈશાનની આંખોમાં જોયેલા પેલા ગાંભીર્ય ને બદલે સમજણ હતી. એ ભારે ડગલે સ્કુટી તરફ ચાલી, આગળ જઈ એણે પાછળ વળીને જોયું. ઈશાન એને જોઈ રહ્યો હતો…..રિદ્ધિનું આમ વાંકી ડોકે જોવું, ઊંચકાયેલો હાથ અને આંખના ખૂણે ટપકતો ભાવ… શું કરે? એ અવળો ફરી દોડતો ઓફિસના પગથિયાં ચડી ગયો. ઉપર આવી રિદ્ધિને જોવા ફર્યો પણ એ જે તરફ ગઈ હતી, એ રસ્તો ગ્રેનાઇટની દીવાલ પાછળ અદૃશ્ય થઈ ગયો હતો.

*      *      *

કુમુદબહેન રિદ્ધિ સામે મનનો ઉકળાટ ઠાલવતાં હતાં, 

“આ છોકરો મારું લોહી પીવા જન્મ્યો છે.”

‘ કેમ, આંટી?”

“જો ને, મેં ગઈ સાલ મારા સગામાંથી એને એક છોકરી બતાવેલી, તન્વી, મુંબઈ, સેન્ટ ઝેવિયર્સમાં બાયોકેમિસ્ટનું ભણેલી. ત્યારે ‘બસ નથી પસંદ.’ કહીને ના પાડી દીધેલી. મુંબઈનો ધરમ ધક્કો પડેલો. આ વખતે બારોબાર તન્વીને મળી, એના ઘેર જઈ બધું પાકું કરી આવ્યો.  શૌર્ય જોડે વાત કરીને કે‘ છે, મમ્મી આવા સાદા લગ્ન માટે નહિ માને…., ત્યાં મુંબઈમાં કોઈ આશ્રમમાં લગ્ન કરવાનાં છે. અમારી ટિકિટો બુક કરાવી મોકલી દીધી…. મારું શોધેલું, મારા સગાંમાંથી મેં પસંદ કરેલી છોકરી અને હું જ બાકાત ….  એ નાલાયકને મારું કાળજું બાળતાં જ આવડે છે …. તું સમજે છે ને?” રિદ્ધિએ નજર ઊંચી કરી કુમુદબહેન સામે સમભાવથી જોયું. 

“આ વંદુડી ને શૌર્ય સંમત થઈ મને સમજાવવા બેઠાં પણ એમના વાલેશરીને બે શબ્દ બોલવાનો ય ટાઈમ નથી.” રડી ન પડાય એવી સાવચેતી રાખતાં એ હીચકેથી ઊભા થઈ ગયાં.

 રિદ્ધિ ત્યાં ઊભા રહેવું  કે  કશું બોલવું એ નકકી ન થતાં શૂન્યમનસ્ક  હીંચકે બેસી રહી.

*    *    *

શિયાળો ઉતરતાં, રિદ્ધિની બહેન પાવનીના લગ્ન ગોઠવાયાં. સુમન અને છોકરાઓ નાના-નાનીને ત્યાં રોકાયા હતાં. રિદ્ધિ થોડી વહેલી ઘેર આવી. પોતીકાં લગ્નમાં રિદ્ધિ બ્યૂટી પાર્લરમાં જઇ સુંદર તૈયાર થઈ હતી. ઘર ખોલી, બેડરૂમમાં આવી પલંગ પર બેઠી. સામે અરીસામાં એક અનુપમ લાગતી સ્ત્રીને જોઈ રહી. સ્વયંને જોઈ મનોમન એક ગર્વ અનુભવાયો. એ સાચે જ રૂપાળી છે. પોતાને થોડી વાર મુગ્ધતાથી જોઈ રહી. છેલ્લે, પાંચેક વર્ષ પહેલાં એના દિયરના લગ્નમાં એ આવી સરસ તૈયાર થઈ હતી. કમાનદાર ભ્રમર સહેજ ઊંચકી નિહાળતા થયું એ પોતાના જ  પ્રેમમાં પડી જશે!

એ ક્ષણે જ એકાએક શાંત પાણીમાં કશુંક પડે એમ વિચાર ઝબક્યો…..ઈશાને મને આમ જોઈ હોત તો? એના રક્તસંચારમાં હિલ્લોળ છવાયો. હૃદયનો લય બદલાયો… સાથે જ એક અનિચ્છનીય, ભયાનક કલ્પના, ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ઈશાને જે રીતે એને જાત સાથે જોડી રાખી હતી, એ સ્મરણથી કરોડરજ્જુ તંગ થઈ ગઈ! સંમતિ વગરના એ આલિંગનની ભીંસ એને પુન: વીંટળાઈ વળી. શ્વાસ અટકી ગયો. આંગળીઓ ધ્રુજતી હતી.

વળતી જ ક્ષણે કોઈ છાતીમાં સોયો ભોંકતું  હોય એમ અનુભવાયું … સંઘરાયેલો અણગમો અને પેલી નજરથી અનુભવાયેલી વેદના ઊભરી આવી. કોઈ મોટી ભૂલ કરી બેઠાની ગ્લાનિએ તન-મનને એવું પાશમાં લઈ લીધું કે ભીતરથી લાગણીઓનો પ્રવાહ ઉમટ્યો અને અશ્રુ બની વહેવા લાગ્યો. 

એનાથી રહેવાનું નહોતું. સાવ અંગત, કોઈ સાવ અંગત મરી ગયું હોય એમ, એનું રુદન રોકાયું નહીં. એ મોટા અવાજે ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ઊંડું કર્કશ રુદન!

કેટલી ય પીડાદાયક ક્ષણો પછી, રિદ્ધિ શાંત થઈ. એનો શ્વાસ નરમ પડ્યો. ધ્રુજતું શરીર અટક્યું. એ  ક્યારે ભોંય પર બેસી ગઈ હશે?  સાવ નજીક, અરીસામાં દેખાતા ચહેરા પર નજર ગઈ. એના કાજલની ઝીણી ઝીણી રેખાઓ આંખો નીચે વહેતી હતી. મસ્કારા ફેલાઈ, ભ્રમરોને આવરી બેઠું હતું. વહેતાં આંસુની આડી અવળી ધારાઓ ગાલ પર સુકાઈ ગઈ હતી. ધૂંધળા પોપચાં નીચે, કાળા તેલ યુક્ત ચંદ્રાકાર લીટાઓ અને ભૂંસાયેલા, રહી ગયેલા મેકઅપના લિસોટાથી ચહેરો ખરડાયેલો હતો. 

થોડીક ક્ષણો પહેલાં અનુપમ લાગતો ચહેરો સાવ વિરૂપ લાગતો હતો. એને ફરી ડૂમો ભરાયો, એની આંખો પાણીમાં ડૂબાડૂબ…. એ ભીનાશની ઝાંખપમાં, એ ચહેરો સાવ ધૂંધળો બની ગયો.

*       *      *

8, Carlyon close, Wembley, Middlesex- Greater London HA0 1HR UK
e.mail : anilvyas34@gmail.com

Loading

6 September 2026 Vipool Kalyani
← શ્રીકૃષ્ણ ઉવાચઃ સાચી વાત છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય …’ પણ પછી તમે શું કર્યું?

Search by

Opinion

  • શ્રીકૃષ્ણ ઉવાચઃ સાચી વાત છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય …’ પણ પછી તમે શું કર્યું?
  • ચલ મન મુંબઈ નગરી—357
  • The Times of India, ફડિયા ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ – આવજો, ટાટા, બાય બાય! 
  • વૃદ્ધાશ્રમ
  • બોલ કાન્હા ….

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved