03 સપ્ટેમ્બર એ ‘The Times of India’ ની આશ્રમ રોડ પરની ઑફિસનો છેલ્લો છેલ્લો દિવસ હતો. હવે ‘ટાઇમ્સ’ ફડિયા ચેમ્બર્સમાંથી તે ઇસ્કૉન પાછળના વિસ્તારની કોઈ બહુ મોટી ઇમારતના એક હિસ્સામાં જઈ રહ્યું છે.
આશ્રમ રોડ પરના, ચાર માળના ફડિયા ચેમ્બર્સમાં આવેલી અમદાવાદની ઑફિસ, એટલે શહેરનું એક લૅન્ડમાર્ક. ટાઇમ્સ પેપર, ટાઈમ્સ બાટા, ટાઈમ્સ બહેરાં-મૂંગાં, ટાઇમ્સ કાર્મેલ, ટાઇમ્સ હનુમાન, ટાઇમ્સ રિઝર્વ બૅન્ક, ટાઈમ્સ વેચાણવેરા, સાહિત્ય પરિષદ ટાઇમ્સ પાછળ, અને હમણાંથી ટાઇમ્સ રિવરફ્રન્ટ – એવાં કેટલાં ય સરનામાં.
ટેલિવિઝન પહેલાંના, અસલના જમાનાના અમદાવાદીઓની એક અમીટ યાદ તે ચૂંટણી પરિણામોની. ‘ટાઇમ્સ’ના પ્રવેશદ્વારની ઉપરના ભાગમાં એક પૅરેપીટ છે. ચૂંટણી સમયે ત્યાં એક મોટ્ટું કાળું પાટિયું ગોઠવવામાં આવતું. તેની પર ચૂંટણી પરિણામોની અપડેટ્સ અપાતી. ‘ટાઈમ્સ’ના એક્કા ક્રાઇમ રિપોર્ટર દિવંગત ગૌતમ મહેતા હાથમાં ચૉક-ડસ્ટર લઈને, પરિણામો જાહેર થતાં જાય તેમ તેમ બેઠકોની સંખ્યા બદલતા રહેતા ! નીચે ફૂટપાથ પર, રસ્તા પર મેદની.
પત્રકાર નહીં હોવા છતાં ‘ટાઇમ્સ’ના, સ્થાપત્યની રીતે ચીલાચાલુ એવા, આ મસમોટા છતાં મનગમતાં વાસ્તુ સાથે મારી સંખ્યાબંધ યાદો સંકળાયેલી છે. એટલે જ બુધવારે રાત્રે ખબર પડી કે ટાઇમ્સ શિફ્ટ થવાનું છે એટલે ગુરુવારે સાંજે ટાઇમ્સની ચાની કિટલીએ મિત્રોને ખસૂસ મળવા ગયો. આ સાંજ, ગયાં વીસેક વર્ષની કેટલી ય સાંજોમાંની છેલ્લી સાંજ હતી. એ બધાં મારાં મિત્રો ટાઇમ્સના પત્રકારો-રિપોર્ટરો, કેટલાક ‘અમદાવાદ મિરર’ના, તો કેટલાંક ‘નવગુજરાત સમય’ના. બીજાં ય છાપાં ને ચૅનલોનાવાળા પણ અહીં આવે.
એમાંથી સિનિયરમોસ્ટ હોય તે પણ ઉંમરમાં મારાથી દસેક વર્ષ નાના. હું મોટો એ માત્ર ને માત્ર યોગાયોગ – બાકી ખરી મોટાઈ તો એમની. મારી યોગ્યતા કરતાં ચપટીક વધારે માન એમણે આપ્યું, ક્યારેક મને ભોંઠપ લાગે તેવા આદર સાથે.

ટાઇમ્સથી રિવરફ્રન્ટ જવાના કૉર્નર પર ‘તખતની કિટલી’, તે પહેલાં ‘પંડિતની કિટલી’ કહેવાતી. અહીં આવનારા છાપાંવાળાના કલાકો ચા ને સિગરેટો પર વીતે; એમાં મારા પણ થોડા. નાસ્તો ક્યારે ય ન આવે. ભૂખ લાગે તો બહુ બહુ તો બાલાજીના પડીકાં. મારે પૈસા ચૂકવવાના આવ્યા હોય તેવું યાદ નથી. એપ્રિલ આખરની બપોરે બે વાગે પણ જરીક અમથા છાંયડામાં ય એકાદ-બે તો અહીં બેઠા જ હોય.
કલાકો લગી વાતો – બકવાસથી માંડીને બૌદ્ધિકતા સુધી. ગાળ વિના કોઈ વાત થઈ જ ન શકે એવી પાક્કી સમજ, અલબત્ત બહેનો હોય ત્યારે મલાજો જળવાય. આપણા સોજ્જાપણાને આઘું રાખવું પડે. કોઈ પણ બાબત માટે બરછટ અનાદર – raw irreverence, કોઈ આવરણ વિના અહીં વ્યક્ત થાય. તેમાં ધર્મ, જાતિ, સત્તા, મહત્તા કશાનો બાધ નહીં. હળાહળ મજાકો કરનારા અને તેને ખમી લેનારાના સ્થાનની અદલાબદલી તો ચાલ્યા જ કરે.
સાંભળનાર પાસે, અહીં થતી ઘણી બધી વાતોનું બૅકગ્રાઉન્ડ હોય તેવી પૂર્વશરત. ‘પેલો ફાર્મહાઉસથી વર્ષોથી સપ્લાય કરે છે ને એવો એ… ’ – આવા વાક્યમાં ‘પેલો’ કોણ, ‘ફાર્મહાઉસ’ કયું, અને ‘સપ્લાય’ શેનો કરે છે એવી માહિતીનો ફોડ પાડવાનો ન હોય, ન્યૂઝ એનાથી ચાલુ થાય ! છાપાંવાળા લખે છે એ તો એ લોકો જે બધું જાણતા હોય તેમાંથી લખવા જેવો, લખી શકાય તેવો એક નાનો હિસ્સો જ હોય છે. આ વાત જાહેર જનતાને વિદિત નથી હોતી ! જે લખાયું ન હોય એમાંથી કેટલુંક અહીં બોલાય.
નાણાવટી-શાહ પંચની મહિનાઓ લગી ચાલેલી બધી સુનાવણીમાં હાજર હોય એવા અહીં આવે, તડીપારીમાં તરફ દોરી જનારા સમાચારનો ધડાકો કરનારા, હૉસ્પિટલોના કોવિડ વૉર્ડમાં છૂટથી ફરનારા અને અમદાવાદ ઑલિમ્પિક્સનું યજમાન બનવાનું છે એવા ન્યૂઝ બ્રેક કરનારા પણ અહીં મળે. આવા બીજા કેટલા ય ! હિરોની વિલનગીરી અને વિલનની હિરોગીરી અહીં છતી થાય. પત્રકારિતાના તમારા માપદંડો અને આદર્શોનો ફેરવિચાર કરવાની અહીં ફરજ પડે.
તખતની કિટલી પર ચા આપનારાનું નામ ડૉન કિહોટે અહીં જ પડે. કામૂની ‘આઉટસાઈડર’ની સર્વકાલીનતાને પામનારા, માર્ક્સ ને ગાંધીને સામસામે મૂકનારા, કૉલેજના વર્ષોમાં સફદરના શેરી નાટકો કરી ચૂકેલા, આખી રાત ફિલ્મ ક્લાસિક્સ જોયા કરનારા અહીં મળે. રમખાણોની ખૂનામરકીથી સુન્ન થયેલાં, લોકોને વગર વાંકે ઉપાડી જતી પોલીસને જોનારા, કોવિડને કવર કરતાં કરતાં એક કરતા વધુ વખત દાખલ થયેલા રિપોર્ટરો પણ અહીં હોય.
નવા નિશાળિયા પત્રકારો સાથે વાતો કરતાં કરતાં, પોતાના અનુભવ-અભ્યાસ-ઇનસાઈટથી તેમનું માથું ફેરવી દે તેવી વાતો કરનારો – જેને કોઈએ Socratic gadfly કહ્યો હોય – એવો પત્રકાર પણ અહીં જ મળે. અહીં આવનારાના પગ ધરતી પર રહે. ક્યારેક એવું કઠોર વાસ્તવ જાણવા મળે કે સિનિસિઝમથી જાતને સાચવવી પડે.
ટાઇમ્સની બાજુની દુકાનોના પગથિયે ને પાસેના ફૂટપાથ પર વીતેલી મારી રાતોની પણ અનેક સાંભરણો છે. થોડાંક વર્ષો એવા હતાં કે તમામ શોખીનોના વહાલા વાર એવા શનિવારે રાત્રે જમીને નવેક વાગ્યે ટાઇમ્સ જતો. દિવસે કિટલી પર જે બધું હોય તે પછી રાત્રે ફૂટપાથ પર; ફેર એટલો મિત્રોને ઑફિસમાંથી કામ પતાવીને નીચે ઊતર્યા હોય એટલે ઊતાવળ ન હોય, અને મહિલા પત્રકારો ન હોય. તીણી ઘંટડી વગાડતી વગાડતી રસ્તે જતી લારી પરથી સિંગ-ચણાની લારીનો લાભ મળે, તો ક્યારેક વળી રસ્તા પરના સૅન્ડવિચવાળાઓમાંથી સહુથી મોંઘી ડિલાઈટની સૅન્ડવિચ આવે.
દિવાળીના ત્રણેક દિવસ છાપાંમાં રજા હોય. આ બ્રેક છાપાંવાળાંને કંટાળાજનક લાગે!રજાઓ શરૂ થવાની હોય તે દિવસની આગળની સાંજે છાપાં રાત્રે દસેક વાગ્યે તો છપાઈને બહાર આવી જાય, અને અમારા મિત્રો સાડા સાતની આસપાસ.દિવાળીની ગિફ્ટ તરીકે એમને મળેલાં મીઠાઈના બૉક્સ ઉપરથી લઈને જ આવે. ત્યાં તો ખવાય જ પણ સાથે મારા જેવાને ઘરે લઈ જવા માટે પણ આપે.
મદદની જરૂર હોય ને કિટલી પર જ વાત કરી હોય, અને ત્યાંથી પત્રકાર મિત્રે એક ફોનમાં જ કામ કરી આપ્યું હોય તે બલિહારી મેં જોઈ છે. અમારી કૉલેજના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને હૉસ્ટેલની રૂમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ ફાળવણીનો પ્રશ્ન હોય, કોઈ આશાસ્પદ વિદ્યાર્થીનું ઍડમિશન અકારણ અટવાયું હોય, કોઈ વિદ્યાર્થિનીની સતામણી થતી હોય, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીઓની હૉસ્ટેલ માટે રસ્તો ન બંધાતો હોય, એમાં રસ્તા કાઢવામાં મદદ કરનારા આ બધાં મિત્રો જ.
સોસાયટીમાં ઝાડને માથે જોખમ હોય, ભત્રીજાનું એક શાળામાંથી બીજી શાળામાં સત્રની વચ્ચે ઍડમિશન કરાવવાનું હોય, મને કૉલેજમાં વ્યક્તિગત મુશ્કેલી પડી હોય, ગાંધીનગરની ઉચ્ચ શિક્ષણ અધિકારીની કચેરીમાંથી કોઈ અગત્યની માહિતી જોઈતી હોય, પાસપોર્ટમાં વિલંબ થતો હોય – આવા કેટલા ય કિસ્સામાં ‘ટાઈમ્સ’ના મિત્રો વહારે આવ્યા છે.
લાખો લોકોની જેમ કોવિડમાં મારા પણ કપરા દિવસોનો તબક્કો હતો. બે-એક મહિનાથી પૂર્ણ પથારીવશ એવા મારા એંશી વર્ષના आईને 24 એપ્રિલ 2020ની અરધી રાત્રે હૉસ્પિટલમાં દાખલ કરવાનાં આવ્યાં. છાપાંના બે-ત્રણ મિત્રોને જાણ કરી. તેઓ હૉસ્પિટલોમાં તપાસ કરવા લાગ્યા. કોઈ હૉસ્પિટલ તૈયાર ન થાય. વી.એસ.વાળાએ પણ ઍમ્બ્યુલન્સમાં જ આવીને તપાસ કરી ને ના પાડી.
આખરે સિવિલમાં નવી જ બનેલી બારસો બેડની કોવિડ હૉસ્પિટલમાં દાખલ કર્યાં. ભાંગી પડવાની તૈયારીમાં હોઉં એવા મને કમત સૂઝી કે મેં એક મિત્રને રાત્રે એકાદ વાગ્યે હૉસ્પિટલમાં પહોંચવાનું કહ્યું કરી. એણે ના ન પાડી, એને ડાયબિટીઝ હતો છતાં પણ ! સદભાગ્યે મારી બુદ્ધિ વળી ઠેકાણે આવી, ને મેં તેને ફોન કરીને કહ્યું કે તું ન આવતો, બીજી વ્યવસ્થા થઈ ગઈ છે.
બીજો એક પત્રકાર-મિત્ર સિવિલમાં હું જે તંબુમાં રોકાયો હતો ત્યાં જોખમ લઈને મારાં કપડાં, નાસ્તો એવું લઈને મને મળવા આવતો. તેનો એક મિત્ર વળી આર.એમ.ઓ. સાથે સંપર્કમાં રહીને મને અપડેટ આપતો હતો. વળી એક મિત્ર મારા મમ્મીના ટેસ્ટ રિપોર્ટની ભાળ રાખી રહ્યો હતો.
આખરે 27 એપ્રિલની ગોઝારી રાત્રે વી.એસ. સ્મશાનગૃહમાં અમારાં आईનાં અગ્નિસંસ્કાર કર્યાં, તે વખતે મારા બે ભાઈઓના એક-એક ડૉક્ટર મિત્ર અને મારા મિત્રમાં ટાઇમ્સનો એક પત્રકાર જ હતા (બાકીના બધા લોકો કડક લૉકડાઉનમાં હતા). એટલું જ નહીં, પછીના દિવસોમાં સરકાર અમને ક્વારન્ટાઈન કરે તેવી પૂરી સંભાવના હતી. એ વખતે પણ મિત્રોએ ખાતરી આપી હતી કે નચિંત રહેજો, અમે તમને બેસ્ટ જગ્યાએ મૂકાવડાવીશું ! સદભાગ્યે એવી જરૂર ન પડી.
‘નવગુજરાત સમય’માં પાંચેક વર્ષ કૉલમ લખવાનું થયું. તેમાં ય ઘણા મિત્રો એટલે મળવા જતો, મૅટર મેઇલ કરી દીધું હોય તો પણ જઉં. તેના તંત્રી એટલે જગભેરુ. તેમને સમય હોય તો તેમની ચેમ્બરમાં લાંબી વાતો થાય. નીચે મિરરમાં અને એની નીચેના માળે ટાઇમ્સમાં પણ આંટો મારી આવું. પછી તો ‘નવગુજરાત’ અને ‘મિરર’ ગોતા જતાં રહ્યાં, ને એકલું ટાઈમ્સ ફડિયા ચેમ્બર્સમાં રહ્યુ.
ટાઈમ્સની ઑફિસના પગથિયાં પહેલવહેલો ચઢ્યો તે 1983-84માં, ‘નવગુજરાત કૉલેજ’માં પત્રકારત્વનો એક વર્ષનો ડિપ્લોમા કરતો હતો. અમને અમારા એક વરિષ્ઠ પત્રકાર એવા અધ્યાપકે છાપાંની ઓફિસો જોતા રહેવું જોઈએ એવું કહ્યું. સાયકલ લઈને પહોંચી ગયો ટાઈમ્સ. નાના-નાનાં અપેક્ષિત અવરોધો પાર કરીને એ વખતના તંત્રી પી.જી. મહાદેવનને મળ્યો. સાદા, કડક, અતડા જણાયા. બે વાક્યોની વાત થઈ.
તે પછી ઘણું કરીને 92-93 ના અરસામાં વાચકોના લેખો માટેના પાના ‘મિડ વિક મોન્તાજ’માં લેખ આપવા ગયો, ત્યારે તંત્રી હરીશ ખરેને મળ્યો. એ સૂટબૂટમાં હતા. એમણે તો એક વાક્યની પણ વાત ન કરી. માંડ સામે જોયું, અને ‘લેખ અહીં મૂકી દો’ એવું અંગ્રેજીમાં કહ્યું. દિવંગત ગુજરાતી કવિ અનિલ જોશીને એ વખતે દિલ્હી સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો તે નિમિત્તે લેખ હતો જે આખો એમ ને એમ છપાયો એનો ઘણો આનંદ હતો. પણ આ બંને તંત્રીઓની અકડાઈ અને અકોણાપણું, swag and snobbishness આટલાં વર્ષે ય યાદ છે. એમાં ઉપયોગી પાઠ મળ્યો કે આપણાથી આવું વર્તન ન થઈ જાય તે સાચવવાનું.
આ ટાઇમ્સવાળા ને મીડિયાવાળા બધા મારા મિત્રો કેવી રીતે થયા એની પણ એક વાત છે. એક તબક્કે કૉલેજકાળના મારા હમ ઉંમર યાર દિલદારો વ્યવસાયાર્થે, વ્યવહારુ કારણોસર કે કાળની કરણીએ દૂર જતા રહ્યા. મિત્રો વિના ચાલે તેવો આપણો જીવ નહીં. તેમાં ય 1996ની સાલમાં આશ્રમ રોડ પરની શ્રી. એચ.કે. આર્ટ્સ કૉલેજમાં જોડાયો.
એ વર્ષોમાં પત્રકારત્વના ડિગ્રી-શિક્ષણનો વિસ્તાર થવા લાગ્યો હતો. એટલે અમારી કૉલેજનાં વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓ તેમાં જોડાવા લાગ્યાં.મને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં રિપોર્ટીંગનો ટૂંકો, કૉલમ રાઇટિન્ગન, અને મિર્ઝાપુરની તેની ફટિચર છતાં ય મજાની ઑફિસમાં મિત્રોને મળવા જવાનો લાંબો અનુભવ હતો (તેની વળી નોખી યાદો છે). કૉલેજકાળના મારા ત્રણ ખાસ મિત્રો પત્રકારત્વમાં હતા.
મિત્રો અને પુસ્તકો પછીનો ઊંડો રસ અખબારી દુનિયા હતો. એટલે પત્રકારત્વ તરફ જતી પછીની પેઢીઓ સાથે તાર મળતો ગયો. તેમાં ય ગુજરાત યુનિવર્સિટીમાં છએક વર્ષ પત્રકારત્વના વિભાગમાં ભણાવવા જતો. એટલે મુખ્યત્વે એચ.કે.ના અને પછી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ છાપાંમાં જોડાતા ગયાં. અમારી કૉલેજના જાતભાતનાં યુવાઓ સાથે મારે ઠીક જોડાણ રહ્યું છે, એમાં આ છાપાંવાળાં પણ આવી જાય ! એમાં ય એચ.કે.ના ખાસ. અમારી કૉલેજમાં ભણી ચૂકેલાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ કૉલેજને ખૂબ ગૌરવ થાય એવું કામ પત્રકારત્વમાં કર્યું છે. તેને યાદ કરું એટલે હૈયે હરખ ઊભરાય છે. એ હરખ, મળવાની એ હોંશ, મારી ખાસ યોગ્યતા વિના મને મળેલી સ્વીકૃતિ, એ સિગરેટો, એ ચા(હ) મને ‘ટાઇમ્સ’ પર ખેંચી જતી હતી.
અખબારી દોસ્તો, થૅન્ક યૂ – આ બધાં વર્ષો ‘ટાઇમ્સ’ની કિટલીએ મને તમારામાં સામેલ કર્યો તે બદલ !
શિક્ષક દિન 2026
[ગ્રુપ ફોટો સૌજન્ય : નિયતિ, કોલાજ : પરીક્ષિત મેઘના મુકેશ]
05 સપ્ટેમ્બર 2026
(1,460 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

