ભૂમિકા
દીપક બારડોલીકર (૨૩ નવેમ્બર, ૧૯૨૫ • ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯) જન્મ બારડોલી, જિલ્લો સુરત. વતન પાકિસ્તાન અને બ્રિટિશ નાગરિક. સિંધ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક. ૧૯૪૯થી ૧૯પ૩ સુધીમાં શાળાના શિક્ષક. ૧૯૬૪થી ૧૯૯૦ સુધી પાકિસ્તાનના દૈનિક ‘ડોન-ગુજરાતી’ના સિનિયર સબ-એડિટર તરીકે પત્રકારત્વક્ષેત્રે મહત્ત્વની કામગીરી. પાકિસ્તાનના ‘હેરલ્ડ વર્કર્સ યુનિયન’ના મંત્રીપદે પાંચ વર્ષ. ત્રણ વર્ષ ‘ઓલ પાકિસ્તાન ન્યૂઝ પેપર્સ એમ્પ્લોઈઝ કોન્ફડ્રેશન’ની મધ્યસ્થ કાર્યવાહક સમિતિના સભ્ય. ‘સુરતી અન્જુમને ઇસ્લામ’ કરાંચીના મહામંત્રી. કરાંચીની ‘રંગકલા ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ તરફથી ગઝલસર્જક વલી મુહમ્મદ ફકીરની યાદમાં અપાતો ‘ફકીર સુવર્ણ ચંદ્રક’ (૧૯૯૦) પણ ગુજરાતી ગઝલમાં પ્રદાન બદલ એમને એનાયત થયો છે. વડોદરાની પ્રેમાનંદ સાહિત્યસભા તથા બુધ કવિસભાના સંયુક્ત ઉપક્રમે ર૦૦૩ વેળા તેમ જ યુનાઇટેડ કિંગ્ડમમાં ‘ગુજરાતી રાઇટર્સ સર્કલ’ના ઉપક્રમે ૧૯૯૬માં એમનું જાહેર સન્માન થયું છે. યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ એમને ‘અધ્યેતા’ પદની નવાજેશ કરેલી છે.
સ્મરણને પટે વિચારું છું તો સમજાય છે કે એ ૧૯૮૦ના દાયકાની વાત છે. પાકિસ્તાનથી, અહીં યુનાઇટેડ કિંગ્ડમના પ્રવાસે, દીપક બારડોલીકર આવ્યા હશે અને પહેલે સંપર્કે એ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક માસિકી કાર્યક્રમમાં મહેમાન વક્તા તરીકે આવ્યા હતા. એમણે પાકિસ્તાનમાંની ગુજરાતી ભાષાશિક્ષણની વિગતમાહિતી તો આપી, અને સાથે સાથે, ત્યાંની ગુજરાતી સાહિત્યની ય ઝાંખી કરાવેલી. તેમાં મુશાયરા પ્રવૃત્તિ અગ્રેસર દેખાતી હતી.
અને પછી, હળુહળુ એમને મળવાનું, હળવાનું બનતું રહ્યું, વિસ્તરતું ય રહ્યું. એ વૉલસોલ હતા, અને પછી માન્ચેસ્ટર પણ. એમને મળવા જવાના અવસરો થયા. એમને ત્યાં રાતવાસો ય કરવાના ય પ્રસંગો બન્યા. અમે બંને ખૂબ નજીક આવ્યા. અરે, દિલોજાન દોસ્તો બનીને રહ્યા.
એમનું પ્રગતિશીલ માનસ, ગુજરાતી સાહિત્ય અને ભાષા માટેની એમની અસીમ પ્રીતિ, હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેની તેમની કથનીઓ, બારડોલી અને સ્વરાજ આશ્રમની વાતો, દેશ નેતાઓને જોવા-મળવાની એમની ઘટનાઓ મને પોરસાવતી, ઉત્કંઠિત કરતી. પાકિસ્તાનના જાહેરજીવનમાંની એમની સામેલગીરી, એમનું ગુજરાતી પત્રકારત્વ, માનવઅધિકારો માટેની એમની સક્રિયતા, તેમ જ બારડોલી અને ગુજરાત માટેનો એમનો સતત ઉછળતો લગાવ મને જકડી રાખતો.
બ્રિટન આવ્યા પછી ‘ઓપિનયન’ને પાને એમણે ફેર કલમ ઉપાડી, અને દીપક બારડોલીકરે ગુજરાતી સાહિત્યને તરબતર કરતો ફાલ ધર્યો. ગઝલો, કવિતાઓ, વિવરણો, પત્રસાહિત્ય, નવલકથાઓ, વાર્તા, રેખાચિત્રો અને ઘણુંબધું તેમાં સામેલ. તેમાંથી જ જાણે કે આ પાંચ પાંચ પુસ્તકો[1]નું એક સાથે એમની જન્મ શતાબ્દી નિમિત્તે અવતરણ થયું છે.
બારડોલીકર મુખ્યત્વે ગઝલકાર. એમના આરંભિક સર્જનની વાત કરીએ તો તેમણે ‘પરિવેશ’ (૧૯૬ર), ‘મોસમ’ (૧૯૮૮), ‘વિશ્વાસ’ (૧૯૯૦), ‘આમંત્રણ’ (૧૯૯ર), ‘તલબ’ (૧૯૯૪), ‘એની શેરીમાં’ (૧૯૯૯), ‘ગુલમોરના ઘૂંટ’ (ર૦૦૦), ‘ચંપો અને ચમેલી’ (ર૦૦૩), ‘રેલો અષાઢનો’ (ર૦૦૩), ‘તડકો તારો પ્યાર’ (ર૦૦૬), ‘હવાનાં પગલાં’ (ર૦૦૬), ‘કુલ્લિયાતે દીપક’ (ર૦૦૭) જેવા અન્ય પણ કેટલાક સંગ્રહો આપેલા છે.
પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલોના વિષયો છે. તેમના ગઝલસર્જનનો આરંભ ૧૯પ૦ના ગાળામાં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ના શાયરોની સંગતમાં થયો.
તે પછી પાકિસ્તાન નિવાસ (૧૯૪૮થી ૧૯પપ) અને (૧૯૬૧થી ૧૯૯૦) દરમિયાન કરાંચીના ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટનમાં વસવાટ કર્યો. એ પછી ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઈકુ જેવા કાવ્યપ્રકારોમાં ખેડાણ કર્યું તો પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા. યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, સને ૨૦૦૫માં ‘નારાયણ હેમચંદ્ર નગર’ [લંડનનો ફિન્ચલી વિસ્તાર] ખાતે યોજાયેલી સાતમી ‘ભાષા-સાહિત્ય પરિષદ’ના અધ્યક્ષ પદે પણ દીપક બારડોલીકરની વરણી કરવામાં આવી હતી.
ગઝલસ્વરૂપની એમની સમજ તલસ્પર્શી અને ભારે ઊંડી હતી. ગઝલની પરંપરાને જાણે તેમણે સુપેરે આત્મસાત્ કરી હતી. સાથે સાથે તેઓ પ્રયોગાભિમુખ પણ રહ્યા. ગઝલની અસલિયતને અનુરૂપ ભાવસંવેદનને પોતાની સર્ગશક્તિ અને ભાષાકર્મ દ્વારા અરૂઢ રીતે અભિવ્યક્ત કરવાનાં અનેક ઉદાહરણો એમની ગઝલમાં જોવા મળે છે. સ્વરૂપના આંતર-બાહ્ય સુગ્રથિત માળખાની સાથે કથનશૈલીની અનેકવિધ તરેહોને કારણે એમની ગઝલો આસ્વાદ્ય બને છે. ગઝલસર્જન તેમને માટે ‘સ્વ’ની ખોજ બને છે અને પરિણામસ્વરૂપ કવિ પોતે જ પોતાની કાવ્યપંક્તિમાં ઓતપ્રોત થઈ વ્યક્ત થાય છે :
કોઈનો દીપક છે એમાં ક્યાં કસૂર
હું જ ઉપવન, હું જ રણ થૈ જાઉં છું.
કે પછી
ભેદના પરદા હટાવું છું કદી
ને કદી ખુદ આવરણ થૈ જાઉં છું.
જેવી પંક્તિઓમાં અંગત સંવેદન પ્રગટે છે.
વતનની માટીનો મહિમા આ રીતે આલેખાયો છે :
અદબપૂર્વક ઉપાડું છું અમારા દેશની માટી
ને નાખી શિરમાં નાચું છું, અમારા દેશની માટી.
આ ઉપરાંત કચ્છનો ભૂકંપ, કોમી હુલ્લડો, લંડનનો બૉમ્બવિસ્ફોટ, પાકિસ્તાનના માર્શલ લો, સત્તાની સાઠમારી જેવા વિષયોમાં એમનું વ્યાપક સંવેદન વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાનો પરિચાયક બને છે. આગવો મિજાજ, નિરાળી અભિવ્યક્તિ અને સોંસરવી ઊતરી જતી સાદગીભરી ભાષા આ કવિની નિજી મુદ્રા પ્રગટાવે છે. એમણે જેવું લખ્યું, એવું જીવ્યા છે. લખવા અને જીવવામાં અંતર શોધ્યું જડતું નથી.
‘સાંકળોનો સિતમ’ (૧૯૯૯, ઉત્તરાર્ધ), અને ‘ઉછાળા ખાય છે પાણી’ (ર૦૦૪, પૂર્વાર્ધ) એવા બે ખંડોમાં એમણે આત્મકથા આપી છે. પૂર્વાર્ધમાં બારડોલીમાંથી નીકળવાની ક્ષણને અને પાકિસ્તાનની કડવી વાસ્તવિકતાને એમણે નિર્ભીકતાથી નિરૂપી છે. સાથે એક પ્રામાણિક, કુટુંબપ્રેમી વ્યક્તિત્વનો આલેખ પણ મળે છે. તો ઉત્તરાર્ધમાં પાકિસ્તાનમાં એમની પત્રકાર તરીકેની “લડત તથા જેલવાસની કથા છે.” બળકટ સ્વાનુભવને વ્યક્ત કરતાં ટૂંકાં સચોટ વાક્યોને કારણે આત્મકથાનું ગદ્ય વધુ પારદર્શી બને છે.
આ ઉપરાંત, પ્રસંગકથાઓનો સંગ્રહ ‘વાટના દીવા’ અને અનુવાદો ‘આ બે કવસર’ (૧૯૭૪), ‘સિરાતે હરજા’ (૧૯૯પ) પણ આપ્યા છે.
એમની પાસેથી ત્રણ સંશોધનગ્રંથો મળે છે ‘સુન્ની વ્હોરાઓનો ઇતિહાસ’ સુન્ની વ્હોરાઓના સમાજનો પરિચય કરાવતો પ્રમાણભૂત ગ્રંથ છે. જેમાં સુન્ની વ્હોરાઓનાં ધર્મમૂલક વલણોનો ઇતિહાસ આલેખાયો છે. ‘વ્હોરા મહાજનો’(૧૯૯૬)માં વ્હોરા સમાજની વિભૂતિમૂલક વ્યક્તિમત્તાઓનો પરિચય મળે છે અને ત્રીજો ગ્રંથ ‘કુરઆન પરિચય’ (ર૦૦૦) આપ્યો છે. આ ત્રણેય ગ્રંથોમાં એક પાક મુસ્લિમની સમાજાભિમુખતા અને ધર્માભિમુખતા જોવા મળે છે. અંગત જીવનમાં ‘રિલિજિયસ’ અને જાહેરજીવનમાં ‘સેક્યુલર’ની સમાંતર અને સંતુલિત ભૂમિકા એમના જીવનમાં જોવા મળે છે.
એમણે પત્રકારત્વની સેવા નિમિત્તે અનેક પૂર્તિઓ, સમાચારોનું સંકલન-સંપાદન કર્યું છે. પાકિસ્તાનમાં રચાતી ગુજરાતી શાયરોની ગઝલોનું સંપાદન ‘વિદેશી ગઝલો’ (ર૦૦૦) તેમના અભ્યાસી વ્યક્તિત્વનું પરિચાયક છે. તેમાં ૩ર પાકિસ્તાની ગુજરાતી ગઝલ કવિઓની ગઝલો સંપાદિત કરી છે. તો ‘માવડી મીઠી છાંય’(ર૦૧૦)માં માતા વિષયક કાવ્યોને સંપાદિત કર્યાં છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગઝલ-નઝમને ગુજરાતીમાં ‘સૌગાત’(ર૦૧૯) નામે ઉતારી છે.
નવલકથા ‘ધૂળિયું તોફાન’ (૨૦૦૩-૦૫) અને ‘બખ્તાવર’ (૨૦૧૨-૧૩) ‘ઓપિનિયન’ના પાને હપ્તાવાર પ્રકાશિત થઈ હતી, એને વાચકો થકી બેસૂમાર મહોબત સાંપડી હતી. ‘પરવાઝ’ની પણ ઘણી ગઝલ-નઝમ ‘ઓપિનિયન’ અને અન્યત્ર પ્રકાશિત થયેલી છે. ‘… અને કવિએ છેલ્લે કહ્યું’ – એમનાં ત્રણ કાવ્યસંગ્રહો અને અન્ય કેટલીક રચનાઓનો સંચય છે. ‘બુલંદીના વારસ’ એ તેમણે પત્રકારત્વકાળ દરમિયાન પ્રસંગોપાત લખેલા અને એમના શબ્દોમાં કેટલાક ‘આપલટે’ લખેલા લેખોમાંથી ચૂંટેલા લેખોનો સંપાદિત સંચય છે. તેનું સંપાદન કેતનભાઈ રૂપેરાએ કર્યું છે.
બારડોલીકરના ગયા પછીના પાંચ વર્ષે અને એમની જન્મ શતાબ્દી નિમિત્તે હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ (ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.) દ્વારા પાંચ પુસ્તકો એક સાથે પ્રકાશિત કરવાનો હૈયે હરખ છે. આપ સૌ વાચકોને પણ તે કંઈક જીવનઊર્જા સંપડાવશે એવો આશાવાદ છે.
૧૨ ડિસેમ્બર, ૨૦૨૪
***
[1] (1) ‘ધૂળિયું તોફાન’ નામે નવલકથા, (2) ‘બખ્તાવર‘ નામે નવલકથા, (3) ‘પરવાઝ’ નામે કાવ્યસંગ્રહ, (4) ‘… અને કવિએ છેલ્લે કહ્યું’ નામે કાવ્યસંગ્રહ તેમ જ (5) ‘બુલંદીના વારસ’ નામે લેખસંગ્રહ