કોઈ દિવસ ન કરી હોય એવી હિંમત કરી છે. ગંભીર લેખને બદલે થોડી રમૂજ ઉમેરી. ગાંધીજી રમૂજ વિનાની કોઈ વાત સ્વીકારત?
શબ્દોની પસંદગી અને વાક્યની લંબાઇમાં મેં ખૂબ ધ્યાન આપ્યું. હમણાં નારાયણભાઈ દેસાઈનું ‘મારું જીવન એ જ મારી વાણી’ વાંચું છું, તેના પરથી ગાંધીજીએ આવો જવાબ આપ્યો હોત, એમ ધારીને લખ્યું છે.
•
થોડા સમય પહેલાં, વિપુલભાઈ કલ્યાણીએ ગાંધીજીને એક પત્ર લખ્યો. “પ્રબુદ્ધ જીવન”ના 07 ઑક્ટોબર 2023ના અંકમાં, એ પ્રકાશિત થયો. તેમણે મને વાંચવા મોકલ્યો. બે-ત્રણ વાર વાંચ્યો, પછી થયું લાવ, બાપુ વતી જવાબ આપવાની હું ધૃષ્ટતા કરું. એમાં વિપુલભાઈની વાત બરાબર હું સમજી છું, એ ચકાસી શકીશ, અને ખાસ કરીને ગાંધીજીના વિચારો કેટલી હદે સમજી શકી છું, એની કસોટી પણ થશે.
આમ તો સ્વર્ગસ્થ હોય તેની સાથે વાત કેમ થાય? પણ જો પત્ર લખી શકાય તો કદાચ તેઓ ઉત્તર પણ આપતા હશે? આમ તો ગાંધીજીએ કહેલું જ ને કે “મારા વિચારો પર શ્રદ્ધા રાખનાર ભલે હું એકલો રહું, પણ જો તેના પર મારી શ્રદ્ધા અડગ હશે તો હું કબરમાં પણ જીવતો રહીશ અને કબરમાંથી પણ બોલીશ.” કદાચ આજની વિષમ પરિસ્થતિમાંથી ઉગરવા એક પણ માર્ગ ન જડતો હોવાથી ગાંધીજીના એ વચન પરના વિશ્વાસથી પ્રેરાઈને જ વિપુલભાઈએ આ પત્ર લખ્યો હશે.
આ રહ્યો બાપુનો વિપુલભાઈને પાઠવેલ ઉત્તર !
— આશા બૂચ
••••••••••
ચિ. ભાઈ વિપુલ,
તારો પત્ર મળ્યો.
એમાં ચારેક મુદ્દાઓ ખરેખર વિચાર માગી લે તેવા જણાય છે.
પહેલો મુદ્દો એ કે આબોહવામાં થતા ફેરફારો અને તેને કારણે માણસ જાત જ માત્ર નહીં પણ આખી સૃષ્ટિ વિનાશના આરે આવી ઊભી છે અને એ હવે ભય નથી પણ હકીકત છે એ સાચી વાત છે. કુદરતે માનવીની જરૂરિયાતો માટે પૂરતી સામગ્રી આપી છે પણ તેના લોભને પહોંચી વળે તેટલા સંસાધનો નથી, એમ મેં કહેલું તે વીસમી સદીમાં. તમે રહ્યા 21મી સદીમાં જીવતા લોકો. મને પૂછો, કે સો એક વરસ પહેલાં એકવીસમી સદીના અઢી દાયકા વીત્યે દુનિયાની આવી હાલત થશે, એની મને કેવી રીતે જાણ હતી? તો હું તો એટલું કહું કે ભાઈ, મને માનવ જીવનને ખંડમાં નહીં, એક આખા એકમ તરીકે જોવાની આદત; અને તેમાં પણ આજનો વિચાર કરીને સંતોષ ન માનું. વળી આજની આપણી જીવન રીતિની દાયકાઓ, કહોને કે સૈકાઓ પછી તમામ જીવસૃષ્ટિ પર શું અસર થશે એ વિચારવાની ટેવ એટલે મેં એમ કહેલું. હવે, તેને અનુસરવાનું તમ સહુ ઉપર છોડીને હું તો મુક્ત થઈ ગયો!
આશ્રમમાં હતો ત્યારે બાબલો (સ્વ. નારાયણભાઈ દેસાઈ) નાનો હતો, પણ ત્યાં રહીને ઘણી સાચી બાબતો શીખ્યો, જે તમ સહુ સુધી પહોંચાડી. મારા વતી તેનો વાંસો થાબડજો! (કાશ, એ શક્ય હોત!). ભાઈ વિપુલ, બીજા જીવ-જંતુ અને પ્રાણીઓના જીવન નજર નાખીશ તો જોવા મળશે કે એ બધા પોતાના પેટનો ખાડો પૂરવા શિકાર જરૂર કરશે, પણ પોતાના એકને માટે અને જરૂર પૂરતું જ મારણ કરશે, પેટ ભરાઈ જાય તો અધૂરું ભાણું છોડી દેશે. અરે, બાળક માને ધાવતું હોય એ પણ પેટ ભરાય એટલે મોં ફેરવી લે છે. જ્યારે એક માણસ જ એવો છે, જે જરૂરિયાત ખાતર નહીં, પણ ‘ઈચ્છા’, ‘લાલસા’ અને ‘લોભ’ ખાતર વધુને વધુ વસ્તુઓ પેદા કરે, બનાવે, વેચે, સંગ્રહ કરે. એમ કરવા જતાં જંગલો કપાય, ખનીજ સંપત્તિ લૂંટાય, ધરતીના રસકસ ચૂસાય તો એનું રૂંવાડું ય નથી ફરકતું. એટલે જ તો હવે ધરતી મા કહે છે, હવે મારું દોહન બંધ કરો, મારું ધાવણ સુકાય છે. આપણે કાન ખુલ્લા રાખીને સાંભળવું રહ્યું.
બીજો મુદ્દો તમે એકાદશ વ્રતનો ઉઠાવ્યો. માત્ર હિન્દુ ધર્મના જ નહીં પણ દુનિયાના તમામ મુખ્ય ધર્મોના ગ્રંથોમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અસંગ્રહ એ પાંચ વ્રત પાળવાં એવો બોધ આપવામાં આવ્યો છે અને મોટા ભાગના ધર્મપ્રવર્તકોએ તેને સમર્થન આપીને મહદ્દ અંશે પાલન કર્યું છે, એટલે એની સમજ મને નાનપણથી હોય તેમાં નવાઈ શી? અને હા, મારા પિતા અને જેના પર હું ધણીપણું કરવા માગતો હતો એ કસ્તૂરબા પાસેથી હું અહિંસાના પાઠો બહુ નાની વયે શીખ્યો એ મેં જાહેરમાં કબુલ્યું પણ છે. એ શીખ્યા પછી મેં તેનું ચુસ્તપણે પાલન કર્યું કે નહીં એ તમે બધા નક્કી કરો! રહી વાત બાકીના છ વ્રતોની. જેમ જેમ હું માત્ર મારા જ નહીં પણ કોમના હિત માટેના કાર્યોમાં વિસ્તરતો ગયો તેમ તેમ એ લક્ષ્યો સુધી પહોંચવા શરીરશ્રમ, અસ્વાદ, નિર્ભયતા, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી અને સ્પર્શભાવના જેવા વ્રતો ઉમેરવાં આવશ્યક લાગ્યા. આજે તમારી સદીના લોકોને પણ વિચાર કરતાં એ વ્રતો એટલાં જ ઉપયોગી અથવા કદાચ જરૂરી પણ લાગશે એમાં મને જરા ય શંકા નથી.
જુઓ ભાઈ, મારા જીવનકાળ દરમિયાન કેટલાંક દમનકારી કૃત્યો થયાં તેનો સાક્ષી હું થયો, તેમ તમારા યુગમાં પણ બનવાનું જ. દરેક ન્યાયપ્રિય વ્યક્તિએ એટલી સમજ અને હામ કેળવવાની જરૂર છે કે કોઈ પણ કાયદો, નિયમ કે રિવાજ જો બહોળી પ્રજાના હિતમાં ન હોય તો તેનો સવિનય અને અહિંસક પ્રતિકાર કરવો એ માત્ર આપણો અધિકાર જ નહીં, નાગરિક તરીકે ફરજ પણ બની રહે. પછી ભલે એ વિદેશી શાસનકર્તા હોય કે પોતાના જ દેશની સરકાર હોય, રૂઢિ અને રિવાજો લાદનાર પારકો સમાજ હોય કે પોતાનો, અન્યાય સામે માથું ન ઊંચકીએ તો તેના આચરણમાં કેટલેક અંશે ભાગીદાર ન ગણાઈએ શું?
તમે ‘હિંદસ્વરાજ’માં લખેલી વાત સુપેરે સમજ્યા તે સારું છે. એમાં ઉલ્લેખ કર્યો એ સમસ્યાઓ જો હજી ય તમને સતાવતી હોય તો તેમાં ચીંધેલા ઉપાયો અજમાવી જોજો. વેપાર અને ઉદ્યોગો થકી મૂડી ઊભી થાય એ વ્યાપારી કુશળતા અને ઉદ્યમી હોવાનું પરિણામ છે, તેમાં બુરાઈ નથી, પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે તેમ ‘ઈદમ ન મમ’ આ મારા એકલાના ભોગવટા માટે નથી એમ સમજીને તમે એના માત્ર નિધિ રક્ષક છો એટલે ‘તેન ત્યક્તેન ભુંજીથા’ સૂત્રનું પાલન કરીને સમાજના તમારા ભાંડરડાં માટે એનો ઉપયોગ કરો એટલે હાંઉ. ‘બજાર વાદ’ શબ્દ મારા માટે નવો છે. સદીઓથી દેશ દેશાવર ખેડીને વેપાર થતો આવ્યો જ છે, પણ પશ્ચિમના મૂડીવાદ અને જથ્થાબંધ ઉત્પાદનનો રાક્ષસ ભારત જેવા દેશને એટલો ભુખાળવો બનાવી દીધો છે કે એને પગલે ચાલો છો એટલે આઝાદી ટાણે 35 કરોડ જનસંખ્યા હતી તે તમારા કહેવા મુજબ વધીને 1.24 કરોડ થઈ ગઈ છે એને ખાલી પેટ ભરવા પણ બીજી સાત ધરતી જોઈશે તેનો વિચાર કાં ન કરવો? ‘હિન્દ સ્વરાજ’માં લખેલી વાતોની પુષ્ટિ મને તો ત્યારે થયેલી, જો 21મી સદીમાં એ પુરવાર કરતી ન લાગે તો જરૂર તેને એક બાજુ મૂકી દેજો, પણ ઉપભોક્તા વાદના દુષ્ટ, વિનાશક પરિણામો ટાળવા બીજો વધુ અસરકારક મારગ શોધજો, ન લાધે તો મારી વાત ધ્યાનમાં લેજો.
ભાઈ વિપુલ, તમારી ત્રીજી વાત છે, આપણા પૂર્વસૂરિઓએ આપેલી શીખને સમજીને તેનો અમલ કરવાની. મને ઘર આંગણે મારા વડીલો પાસેથી, મારા પિતાજી પાસે આવનારા જ્ઞાનીઓના સત્સંગથી, ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ જેવા નાટકો જોવાથી અને લિયો ટોલ્સટોય અને જ્હોન રસ્કિન જેવા વિચારકોનાં પુસ્તકો વાંચવાથી જે કંઈ સત્ય લાધ્યું એને જીવનભર વળગી રહ્યો. મેં હંમેશાં કહ્યું છે, હું જે કંઈ કરું તે હરકોઈ કરી શકે, કેમ કે હું એક સાધારણ માનવી છું. મારા નામે કોઈ ‘વાદ’ ચાલુ થશે તો મારા કર્યા કારવ્યા ધૂળમાં મળી જશે. એટલે મને એક ‘મહાત્મા’ ગણવાને બદલે મેં જે કંઈ સારાં કામ કર્યાં છે તેને યથાશક્તિ અમલમાં મૂકતા રહો તો તમ સહુને મારા જેવું જ સત્ય લાધશે.
હવે વાત તારા ચોથા મુદ્દાની. તમે જેને ‘બાપુનું તાવીજ’ ગણાવો છો એ વિચારે મારા જીવનની વિષમ પરિસ્થિતિમાં પણ ‘મારે શું કરવું?’ એવી મૂંઝવણ થતી ત્યારે મારે માટે ધોરી માર્ગ મોકળો કરી આપેલો. તમે દેશના વડા પ્રધાન હો, વકીલ હો, ખેડૂત હો કે પોલીસ અમલદાર હો; જો આ મંત્ર નજર સામે રાખો તો તમારું અને જેને માટે કામ કરો છો એ બંનેનું કલ્યાણ થવાનું. નહીં તો દેશનો વડા પ્રધાન આપખુદ બનશે, વકીલ પોતાને મળતા વળતરના બદલામાં નિર્દોષને અન્યાય કરી બેસશે, ખેડૂત જગતનો તાત બનવાને બદલે ધનવાન બનવાના લોભમાં ધરતીનો રસકસ ચૂસવાના પાપમાં ભાગીદાર બનશે અને પોલીસ અમલદાર આમ પ્રજાને સલામત રાખતો સંત્રી બનવાને બદલે પોતે જ એક રૂશ્વત ખોર બદમાશ બની જશે.
ભાઈ, તારો પત્ર લાંબો છે કેમ કે તમારી સમસ્યાઓનો અંત નથી, તમારી વ્યથા ઘણી ઊંડી છે, તો મારો પ્રત્યુત્તર પણ જરૂર કરતાં વધુ વિસ્તાર વાળો થયો, જે મારી પ્રકૃતિથી વિરુદ્ધ છે. બધા પત્રોનો જવાબ આપવાની મારી આદત. હવે તું ટૂંકા પત્રો લખજે અને હું બે લીટીના મંત્ર આપીશ.
મહાત્મા ખરોને?
બાપુના આશિષ
e.mail : 71abuch@gmail.com