સાહિત્ય મરમી, વિવેચક અને પ્રકાંડ વિદ્વાન જામનગર નિવાસી લાભશંકર પુરોહિત (લાભુદાદા) આજે (21 ઑગસ્ટ 2024) વિદાય થયા. એમની સાથે સપ્ટેમ્બર 2021માં “નવનીત સમર્પણ” માટે સંવાદ કરેલો. એ સંવાદની આસપાસ એમની સાથે ફોનથી અનૌપચારિક વાતચીત પણ થતી. એમને વિદાય વંદના રૂપે એ દીર્ઘ સંવાદ અહીં મૂકું છું.
− આરાધના ભટ્ટ
લાભશંકર પુરોહિત
આરાધના ભટ્ટ : નમસ્કાર લાભશંકરભાઈ. આપના બાળપણ, ઉછેર અને એ સમયના ઘરના વાતાવરણ વિષે જાણવાની ઈચ્છા છે. આપના પિતા શિક્ષક હતા અને ઘરમાં પુષ્ટિમાર્ગની પરંપરા હતી. આ વાતાવરણનો આપના ઘડતર ઉપર પ્રભાવ હશે.
લાભશંકર પુરોહિત : મારો જન્મ થયો ત્યારે દેશી રજવાડાં હતાં, મારું ગામ દેવડા, જૂનાગઢ રાજ્યની સરહદનું ગામ. અને ત્યાં અનેક જાતની વસ્તી. ખેડુ, વસવાયાં, મજૂર વર્ગ અને બારેમાસ વહેતી નદી, અને ત્યાં મારો જન્મ થયો, ૧૦મી ડિસેમ્બર ૧૯૩૨ના દિવસે. મારા પિતા પ્રાથમિક શિક્ષક હતા. મારાં દાદી ખેડુની દીકરી હતાં અને એમના પિતાએ એમને દાયજામાં ઠાકોરજી પધરાવેલા અને એક ગાય પધરાવેલી. એ ગાયનું નામ મંગુ. એટલે પુષ્ટિમાર્ગ અમારા ઘરમાં મારાં દાદીને કારણે આવ્યો. ગામ સારું અને મારા પિતા કર્મકાંડ પણ કરતા. ગામમાં વૈષ્ણવ હવેલી. ગામના ખેડૂતો તરફથી પાક આવે, ગાયનું દૂધ આવે, ઘી આવે અને પ્રસંગ હોય ત્યારે એ સામગ્રી પધરાવી જાય. એટલે મારા પિતાની સંગે મને સેવા મળી, એ ગાતા અને હું ઝાંઝ વગાડતો એટલે મને સંગીતનો રંગ લાગ્યો. ગાયોને મૂકવા જવાનું, મારી બા ગાય દોતાં. એટલે અનેક પ્રકારની ઘરની પ્રાથમિક ક્રિયાઓ કરવાની આવી. કીર્તનો ગવાતાં એટલે એ બધું મનમાં ગૂંજ્યા કરતું.
આમ ઠાકોરજીની સેવાને કારણે કૃષ્ણ સાથેનો સીધો અનુબંધ સાવ બચપણથી જ મળ્યો. પુષ્ટિમાર્ગની એક પરંપરા છે કે શ્રીમદ્દ ભાગવતને અમે ગ્રંથ નથી માનતા, એ ઠાકોરજીનું સ્વ-રૂપ છે એટલે કે એ ઠાકોરજી પોતે જ છે. તો એને કારણે ભાગવત કથા કરવા ક્યાં ય ન જઈ શકાય, કારણ કે એના દ્વારા નિર્વાહ ન કરાય. એને કારણે નાનપણથી સંસ્કૃતનું થોડું અધ્યયન થયું, અમારું ગામ તો નવાબી સત્તાનું હતું. પણ એ ગામની એક બેગમ, એને કુતિયાણા બેગમ કહેતા. એમને અમારું ગામ પરવરિશમાં મળેલું. એ ગામમાં આવે ત્યારે અડધો-પોણો કિલોમીટરના રસ્તે બધા છોકારાઓને ઊભા રાખે અને એ બધાને પૂછતાં જાય કે ‘તું કોનો દીકરો?’ એ વખતે આપણા દેશમાં પેન્સિલ પણ બનતી નહીં. એટલે એ દરેક છોકરાને નોટબુક, ચોકલેટ વગેરે આપે. એ કુતિયાણા બેગમને મારા પિતા માટે ખૂબ આદર. તમને નવાઈ લાગશે કે મારા પિતા જ્યોતિષી હતા એટલે એમણે અબીબુલ્લા ખાન, કરિમભાઈ જેવા અમલદારોના સંતાનોના જન્માક્ષર પણ કરાવેલા. એટલે એક પ્રકારનું આપણે સેક્યુલર કહીએ એવું વાતાવરણ હતું. આ સેક્યુલર શબ્દ મને ગમતો નથી. ત્યારે સેક્યુલર શબ્દ નહોતો પણ એ પદાર્થ હતો. આજે એ પદાર્થ નથી, પરિભાષા છે.
અમારા ગામમાં મુસલમાનની વસતી, સિંધીઓની પણ વસતી, કણબી, મેર અને વસવાયાં. મારા ગામમાં પાંચ ધોરણ સુધીની સ્કૂલ હતી એટલે પહેલા પાંચ ધોરણ સુધી મારા ગામમાં ભણ્યો. ત્રણ-ચાર શિક્ષકો હતા, વર્ષમાં એકાદ વખત પરીક્ષા લેવાય, વર્ષમાં એક વખત કેળવણી ઇન્સ્પેકટર આવે, ગાડામાં. અમે અંકગણિત, ભૂગોળ, જૂનાગઢ રાજ્યનો ઇતિહાસ અને ગુજરાતી ભાષા એટલા વિષયો ભણતા. અમારા વર્ગશિક્ષક એ સ્કૂલના આચાર્ય હતા, અને પોસ્ટમાસ્તર પણ એ જ. એટલે એ જૂનાગઢ જાય ત્યારે કોથળો ભરીને ટપાલ લઇ આવતા. આમ ધૂમકેતુની ‘પોસ્ટઓફીસ’ વાર્તા મને સાહિત્યિક દૃષ્ટિએ સ્પર્શી નહોતી પણ એ વાર્તાનાં પત્રોનું તાદાત્મ્ય મારા ગામના પાત્રો સાથે હતું.
પ્રશ્ન : આપ પંદર વર્ષની વયે શિક્ષક બન્યા, પછી ઉચ્ચ અભ્યાસ કર્યો ત્યારે દરેક તબક્કે પ્રથમ વર્ગમાં પાસ થયા અને ગાંધીજીના પ્રભાવ હેઠળ લોક-શિક્ષણના જુદા જુદા પ્રકલ્પો પણ હાથ પર લીધા. આ બધા વિષે અમને વાત કરશો?
ઉત્તર : મારા ભાઈને જૂનાગઢ નોકરી મળી હતી તેથી ત્યાં જઈને હું આગળ ભણ્યો, એવામાં જૂનાગઢ પાકિસ્તાનમાં ભળ્યું અને અમારે હિજરત કરવી પડી. હું પાછો અમારે ગામ આવી ગયો અને મારી સ્કૂલ છૂટી ગઈ. એ વખતે જૂનાગઢ રાજ્ય હજુ સૌરાષ્ટ્રમાં ભળ્યું નહોતું. એટલે એમણે ત્યાં શાળાંત પરીક્ષા લીધી અને હું એ પરીક્ષામાં બેઠો. એનું પરિણામ આવે તે પહેલાં મારા પિતાનું અવસાન થયું. એ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એમાં હું પહેલો આવ્યો અને ગેઝેટમાં મારું નામ હતું. એ દરમ્યાન એક કેળવણી નિરીક્ષક અમારા ગામમાં આવ્યા. મને ગાવાનો શોખ હતો અને હું કીર્તનો ગાતો. એમણે મને ગાતો સાંભળ્યો અને મારા વિષે અમારા આચાર્યને પૂછ્યું અને મને કહ્યું કે તારે નોકરી કરવી છે? મેં હા પાડી એટલે કહે કે કાલથી આવી જજે. પછી મારી નિમણૂક કરવામાં આવે છે એવો એમનો પોસ્ટકાર્ડ આવ્યો, એ 26.07.1959ની તારીખ વાળો પોસ્ટકાર્ડ મેં હજી સાચવી રાખ્યો છે. એટલે જે છોકરાઓ સાથે ગઈકાલ સાંજ સુધી હું રમતો હતો, એમને મારે આજે સવારે ભણાવવાના આવ્યા. જૂનાગઢ રાજ્ય પાકિસ્તાનમાં મળ્યું એ પછી ત્યાં અનેક જુલમો થતા. ત્યાર પછી હું પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવતો. સરકારની ગ્રાન્ટ તો કંઈ મળતી નહીં. નાની ઉંમરનાં છોકરા-છોકરીઓને લઈને પ્રભાતફેરી કાઢું. ગાંધીજીની અસર નીચે શેરીઓમાંથી કચરો કાઢીને સાફ કરતા, કચરાનો ઢગલો થાય એમાંથી જે વેચવા જેવું હોય એ વેચીને પૈસા આવે એમાંથી ફાનસ, વાટ, પાટી-પેન ને ઘાસતેલ એવું બધું ખરીદીને હું પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવતો. પછી સ્ત્રીઓના વર્ગો ચલાવતો. સવારમાં પ્રભાતફેરી કાઢીને હું ગાતો “ભણતરના વાગ્યાં ઢોલ ભણવા આવોને ઘરઘરની નારી” “આવો મણિ, મોંઘીને માણેકકાકી … જ્ઞાનગોવિંદ પધારે અનમોલ, કે ભણવા આવોને ઘરઘરની નારી’. એમને થતું કે આ તો આપણું ગીત જ ગાય છે એટલે એ બધાં આવતાં. પછી મારે રબારીઓને ભણાવવા હતા. એને માટે હું એક કિલોમીટર દૂર નેસડામાં જતો અને ગીત ગાતો “ભેરુ મારા ભણવા આવો”, અને એટલો બધો આનંદ આવતો. ગાંધીજયંતીએ આખી રાત કાંતણ ચાલે, ત્યારે જાણે આપણે સ્વર્ગમાં ઉતરી ગયા એવી અનુભૂતિ થતી. પછી હું પી.ટી.સી. કરવા ગયો ત્યાં સુધી મેં કોઈ દિવસ લાયબ્રેરી જોયેલી નહીં. ત્યાં જઈને મને પહેલી વખત ખબર પડી કે લાયબ્રેરી શું હોય. તે વખતે દયારામની ૧૫૦મી જયંતીની ઉજવણી હતી અને મારા આચાર્યે મને સોંપ્યું એટલે મેં દયારામનું આખું કે રૂપક લખ્યું. એની એક નાનકડી પુસ્તિકા કરી એમાં જાણે મેં મોટું પરાક્રમ કર્યું હોય એવું લાગેલું.
પ્રશ્ન : ૧૯૪૯થી શરૂ થયેલી આપની શિક્ષણયાત્રા છેક ૧૯૯૨માં પૂરી થઇ, એટલે એક સુદીર્ઘ શિક્ષણયાત્રા કહી શકાય.
ઉત્તર : પી.ટી.સી.માં હું આખી પુના બોર્ડમાં બીજા નંબરે આવ્યો એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બીજા નંબરે અને ગુજરાતમાં પહેલા નંબરે આવ્યો. અમારા ગામમાં એ વખતે છાપું પણ ન આવે. આજનું છાપું આવતીકાલે બપોર પછી આવે. એ જોઇને સરપંચે મને બોલાવીને કહ્યું કે તું પહેલા નંબરે આવ્યો છે. એક વસ્તુ મારે કહેવી જોઈએ કે એ વખતના સ્થાનિક માણસો, શેઠ હોય કોઈ વેપારી હોય એમને એવો પ્રેમ હશે. એટલે મસ્કતમાં કામ કરતો કુતિયાણાનો કોઈ વેપારી હશે એણે ત્યાં જાણ્યું કે આ કોઈ છોકરો પહેલો આવ્યો એટલે એણે હેડમાસ્તરને ૫૦૦ રૂપિયા મોકલ્યા અને કહ્યું કે આ છોકરાને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી હું દર વર્ષે ૫૦૦ રૂપિયા આપીશ. એમ કરતાં કરતાં હું પોરબંદરમાં નવી જ શરૂ થયેલી આર્ટસ કોલેજમાં ભણવા ગયો અને ત્યાં આચાર્ય હતા મનસુખલાલ ઝવેરી. ત્યાં હું સવારની કોલેજમાં ભણવા જાઉં અને બપોર પછી સામેની સ્કૂલમાં ભણાવું. પછી તો મનસુખલાલ ઝવેરી સાથે મારે ઘણો પરિચય થયો. એ ન આવ્યા હોત તો હું ગામડાની નિશાળમાં ભણાવતો હોત કે હેડમાસ્તર થયો હોત, મારે બે-ત્રણ ગાયો હોત, કર્મકાંડ કરતો હોત. પણ મનસુખલાલ આવ્યા. હું આને ચમત્કાર નથી માનતો, પણ મારી જિંદગીમાં દરેક તબક્કે એક એવા વ્યક્તિનો પ્રવેશ થયો છે અને પછી એ નીકળી જાય, ક્યાં તો એમનું અવસાન થાય કે એ જગા છોડીને ચાલ્યા જાય. એમ મનસુખલાલે મને એટલી નિરાંત કરી દીધી, મારી ફી માફ કરી દીધી, ગામમાંથી મને સ્કોલરશીપ અપાવી. સિનિયર બી.એ.માં મારા થોડાક માર્ક ખૂટ્યા અને મારો ફર્સ્ટ ક્લાસ ન આવ્યો, ગુજરાતીમાં તો ફર્સ્ટ ક્લાસ આવ્યો. મનસુખલાલ આશુતોષ અને આશુરોશ હતા, એ મારા પર બહુ ચિડાયા. પણ પછી એમણે રાજકોટમાં એમ.એ.માં એડમિશન અપાવ્યું. એમ.એ.માં સંસ્કૃત અને ગુજરાતી રાખેલું અને એમાં હું યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો અને મને ચંદ્રક મળ્યો.
એટલે એક વાત ત્યારે મને નહોતી ખબર પણ આટલાં વર્ષ પછી મને સ્પર્શી જાય છે કે આપણામાં જો પુરુષાર્થ હોય તો ઈશ્વર કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા અથવા કોઈ વ્યક્તિ દ્વારા આપણને પાટે ચડાવી દે છે. પછી તો મને અમદાવાદ ગુજરાત કોલેજમાં નિમણૂક મળી. અનંતરાય રાવળ, મનસુખલાલ ઝવેરી, યશવંત શુક્લ, ગુલાબદાસ બ્રોકર, પીતાંબર પટેલ, ઉમાશંકર, સુન્દરમ્ જેવા મોટા મોટા સાહિત્યકારોને ઓળખતો થયો અને એ બધાએ મને જે જે સગવડો કરી આપી. આજે જે દેશ-કાળમાં આપણે જીવીએ છીએ એમાં આમાંની એકપણ સગવડ કોઈ કરી આપે એવી શક્યતા નથી, સિવાય કે તમે ભ્રષ્ટાચાર આદરો, કે જૂઠું બોલો કે કોઈના માથા પર પગ મૂકીને આગળ ચાલો. આને હું ઈશ્વરની કૃપા ગણું છું. મને અધ્યાપકો બહુ સારા મળ્યા, હું સિનિયર બી.એ.માં હતો ત્યાં ચંદ્રકાંત ટોપીવાળા, હું એમના કરતાં ઉંમરમાં મોટો હતો, પણ એ મારે માટે બહુ સદ્દભાવ રાખતા. હું હસતાં હસતાં કહેતો કે મેં પરણવાનું કામ પહેલાં કર્યું અને ભણવાનું કામ પછી કર્યું. ઉપેન્દ્ર પંડ્યા પણ હતા, એમણે મને બહુ સાચવ્યો. એ એટલા બધા સ્ટોલવર્ટ પણ ખૂબ જ વિનમ્ર. એવા જ કે.ડી. વ્યાસ હતા. એટલે જ્યારે હું અધ્યાપક બન્યો ત્યારે આ બધા અધ્યાપકો મારા આદર્શો હતા. એમને કારણે અધ્યાપન શું છે એ મને ખબર પડી.
પ્રશ્ન : લાભશંકરભાઈ, કોઈ એક વ્યક્તિ કેવી રીતે આટલાં બધાં ક્ષેત્રોમાં પોતાનો ચૈતસિક વિસ્તાર કરી શકે, જે આપે કર્યો છે? કર્મકાંડ, શાસ્ત્રોનું અધ્યયન, ગુજરાતી અને સંસ્કૃત ઉપરાંત ગ્રીક અને અંગ્રેજી સાહિત્યિક કૃતિઓનો અભ્યાસ, લેખન, સંશોધન, ભાષાશાસ્ત્ર, વિવેચન, સંપાદન, અનુવાદ …. આ યાદી ઘણી લાંબી છે. આ બધું કઈ રીતે સિદ્ધ થયું?
ઉત્તર : મારા પિતાનું અવસાન થયું ત્યાં સુધી એમને સતત એક ખટકો રહ્યો કે મારા દીકરાને હું ભણાવી શકતો નથી. મારાથી ભણવા કશે જઈ શકાતું નહોતું એટલે મને એમ હતું કે હું સંસ્કૃત ભણીશ, આખ્યાનો કરીશ, હરિકથા કરીશ, અને કર્મકાંડ કરીશ. પણ તમારી સાથે વાત કરું છું ત્યારે એમના મૃત્યુના બે દિવસ પહેલાંનું એક ચિત્ર મારી સમક્ષ ખડું થાય છે. છેક છેલ્લા દિવસ સુધી મને ભણાવવાની એમની પ્રબળ ઈચ્છા હતી. તમે જુવો કે મારે ભારોભાર અભાવિની વચ્ચે મારે જીવવું પડ્યું છતાં છેક મેટ્રિકથી માંડીને હું ભણી રહ્યો ત્યાં સુધી જુદીજુદી દિશાઓમાંથી મારે માટે મદદ આવી. ગામના પાદરે પાણીનો ટાંકો, એ ટાંકા પર બેસીને હું વાંચતો અને એમ પાઠમાળા લઈને અંગ્રેજી શીખતાં મને બે વર્ષ લાગ્યાં. તમે બીજો જે સવાલ કર્યો કે આટલી બધી દિશાઓમાં કેવી રીતે બધું થયું. તો મને એમ લાગ્યું કે સંસ્કૃત કે ગુજરાતી ભાષાનો અધ્યાપક હોય એને હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી અને બીજી ભાષાઓનું જ્ઞાન હોય એ મહત્ત્વનું છે. એટલે અમારી લાયબ્રેરીમાં અંગ્રેજી પુસ્તકો પણ ઘણા હતાં અને હું વાંચ્યા જ કરતો. મારે એક ગ્રીક ટ્રેજડી ભણાવવાની હોય તો હું બધી જ ગ્રીક ટ્રેજેડી વાંચી જાઉં અને પછી જે તે નિષ્કર્ષ પર પહોંચું. અને મને એમ લાગે કે કોઈપણ દેશ કે કોઈપણ કાળ કોઈપણ ભાષા મનુષ્યની સંવેદનાની અને સમજણની એકસરખી સપાટી હોય છે. અહીં પણ બાપ છે અને અમેરિકામાં પણ બાપ છે. સમય જતાં એનાં મૂલ્યોનાં પરિમાણો બદલાતાં જાય.
મારે એમ.એ.માં ઈડિપસ ભણાવવાનું હતું તો ત્યારે એક રમેશ પારેખની કવિતા છે, એક અમેરિકન કવિતા છે અને એક સોફોક્લીસ છે એ રીતે મેં વિચાર્યું. મેં કહ્યું એમ, કાળા માથાનો માણસ જ્યાં હોય ત્યાં, એની ગમે તે ભાષા હોય, ગમે તે રહેણીકરણી હોય, સંસ્કારિતા જુદી હોય, જીવનની પરિપાટી જૂદી હોય પણ ઈશ્વરે સંવેદના સૌને આપી છે. અને આંતરિક સંબંધો, દાખલા તરેકે પિતા-પુત્રના સંબંધો બધે છે. હું ‘એન્ટીગની’ ભણાવતો તો એમાં પિતા-પુત્રીની વાત છે, હું કુંવરબાઈનું મામેરું ભણાવતો તો એમાં પણ છે બાપ-દીકરી. તમે ‘રઘુવંશ’ લો તો એમાં શું છે? વંશાવલી તો ચારણ-બારોટ પણ આપી શકે. પણ કાલિદાસ જેવો કવિ એક આખી પ્રજાનો, એક આખા વંશનો એક આખા પ્રદેશનું નેતૃત્વ જેની પાસે છે એ વ્યક્તિ ઉત્તરોત્તર એનું વિભાજન થાય, વિખરાઈ જાય એની વાત રઘુવંશમાં કરે છે. જે રાજ્યનો મૂળ પુરુષ ખુલ્લા પગે ગાયને ચારવા માટે ઋષિની આજ્ઞાથી જંગલમાં જાય છે એના વંશજનું પતન. એટલે કોઇપણ રાષ્ટ્રનું નેતૃત્વ જેમની પાસે છે એ શીલસંપન્ન હોય, સત્ત્વસંપન્ન પણ હોય અને સમજણસંપન્ન પણ હોય …. માત્ર સંવેદનસંપન્ન હોવું કે માત્ર શીલસંપન્ન હોવું પર્યાપ્ત નથી. વધારે પડતા સંવેદનશીલ હોવું એ પણ શ્રાપ છે. એકે કાઠિયાવાડીમાં ‘ઘેલહાગરો’ કહે છે. એટલે રઘુવંશની મેં આ રીતે ચર્ચા કરી. મહાકાવ્યની વ્યાખ્યા કાલિદાસે મહાકાવ્ય લખ્યું તેના પરથી નથી થઇ. હું ને મારી વહુ એમાં દુનિયા આવી સૌ, એટલું જ નથી. આપણે એવું માનીએ છીએ કે પ્રેમ એટલે માત્ર સ્ત્રી અને પુરુષ, પણ એવું નથી.
તો સારી વાત એ હતી કે અમારી કોલેજમાં યુનિવર્સિટી કક્ષાની લાયબ્રેરી હતી. અને બધા અધ્યાપકો અભ્યાસુ હતા. એને કારણે એવું બન્યું કે મારે વર્ગમાં કદી માથું ખંજવાળવું પડ્યું નથી. આપણે હવે ઓવર સ્પેશિયલાઈઝેશનના જમાનામાં જીવીએ છીએ. ‘તજજ્ઞ’ શબ્દ આપણે બોલીએ છીએ. હું કોલેજમાં મધ્યકાળ ભણાવતો અને એના પર તો મેં લેખો લખ્યા છે અને આખું પુસ્તક કર્યું છે. ‘અંતઃશ્રુતિ’માં મધ્યકાળને લગતા જ બધા લેખો છે. ‘કેસરભીના કાનજીને કસુંબાભીની નાર, લોચનભીના ભાવ શું ઊભા નંદજીને દ્વાર’ એટલેકે કૃષ્ણ ભીનેવાન છે, અને એમણે કેસર વસ્ત્ર પહેર્યું છે. કસુંબાભીની નાર, એટલે રાધાએ કસુંબી રંગની સાડી પહેરી છે. એટલે કેસરીમાં લાલ રંગ ઓછો અને પીળો વધારે હોય છે. અને કસુંબી રંગ છે એમાં લાલ વધારે અને પીળો રંગ ઓછો હોય. એટલે એમાં બંનેનો મૂળ રંગ એક જ છે. રામમાં પણ જુવો ‘કંદર્પ અગણિત અમિત છબિ, નવ નીલ નીરદ સુન્દરમ. પટ પીત માનહું તડિત રુચિ-શુચિ નૌમી જનકસુતાવરમ’ એટલે કે રામ એ ભીનેવાન છે અને સીતા એ ગોરેવાન છે. આ આખી આપણા દેવોની પરંપરા છે. તમે જુવો ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ આવી જ રચના મીરાની ગુજરાતીમાં અને રાજસ્થાનીમાં છે. આવી જ રચના સૂરદાસની છે. આ મૂળ શ્લોક ભાગવતનો નથી, લોકો ભલે કહે. ‘વિક્રેતુકામા કિલગોપકન્યા મુરારિ પાદાર્પિત ચિત્તવૃત્તિ, દધ્યાદીકમ મોહવાશાદવોચદ, ગોવિંદ દામોદર માધવેતિ’. કૃષ્ણ વિશેના બે ગ્રંથો સાંપ્રદાયિક નથી. મધ્યકાળ કોઈ ભણાવવા નહોતું માંગતું અને મેં એના પર લેખો લખ્યા અને પુસ્તક કર્યું. એટલે આખરે તો મારો મુદ્દો એટલો જ છે કે દુનિયાની જે શ્રેષ્ઠ કૃતિઓ છે, એ કવિતા હોય, નાટક હોય કે નવલકથા હોય એમાં સાર્વત્રિક મનુષ્યતાની સંવેદનાને સ્પર્શવાનો આશય હોય છે.
પ્રશ્ન : હા, હું જે પ્રશ્ન પૂછવા જઈ રહી છું એ પણ એવો જ છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એ અનેક સંદર્ભો સાથે અને સંબંધો સાથે જીવે છે. આપ જ્યારે હવે ૯૦ વર્ષના આરે છો ત્યારે મનુષ્ય મનુષ્યના સંબંધોમાં કેવાં પરિવર્તનો આવેલાં આપ જુવો છો?
ઉત્તર : એક સૌથી મોટું પરિવર્તન મને એ લાગે, અને ખાસ કરીને આ કોરોનાને કારણે, કે સતયુગના આરંભથી આ કળિયુગ સુધી રક્તસંબંધો બધા ખરડાઈ ગયા છે અને માત્ર ઔપચારિક રહ્યા છે. માણસ આપ-રખો, એટલે પોતાની રક્ષા કરવા પૂરતો જ છે. આપણા બધા જ સંબંધો એટલા બધા પાંગળા બની ગયા છે કે પોતાની જાત સિવાય કોઈને કશો વિચાર જ નથી આવતો. બીજું, આપણે ત્યાં સંયુક્ત કુટુંબો હતાં એટલે સ્વર્ગ હતું એમ માનવાની જરૂર નથી. એવું કહેવાયું છે કે જેને ઝાઝા બંધુજનો છે એને દુ:શ્મન બહાર શોધવાની ક્યાં જરૂર છે? એટલે એક વખતે માણસ માણસના સહારે જીવી શકાતો, આજે એવું નથી. કાફકાની એક નાનકડી વાત યાદ આવે છે, તે કહું. કે એટલી બધી ભીડ છે એમાં માણસ ઊભો છે અને એ ઊભોને ઊભો કચડાય છે અને મરી જાય છે. એ ભીડમાં મડદાંને પડવાની જગ્યા તો જોઈએને. એટલે પાછળથી ધક્કો મારીને કહે છે અલ્યા આગળ આવને. એટલે ધક્કાથી એ પડી જાય છે. અને પેલા કહે છે કે અલ્યા આ તો મરી ગયો. એટલે પોતાની છાતી પર હાથ મૂકીને વાર્તાનો નાયક વિચારે કે હું તો જીવું છું ને. આવી સ્થિતિ આપણી છે. એટલે માણસ એકલો પડી ગયો છે. ભગવાન વગર ચાલશે, માણસને પોતાની સંગત વગર કે સોબત વગર નહીં ચાલે.
પ્રશ્ન : આપ કહો છો કે માણસ હોવાની પહેલી શરત સંવેદનશીલતા અને સમજણ છે. આ બંને ગુણો શિક્ષણ ન આપી શકે, તો એનું મૂળ ક્યાં છે? અને આપે હમણાં એમ પણ કહ્યું કે વધારે પડતી સંવેદનશીલતા અને વધારે પડતી સમજણ પણ સારી નહીં.
ઉત્તર : એ બંને હૃદયમાંથી અને લોહીમાંથી આવે છે, વંશવારસમાંથી આવે છે. ક્યાંક ચમત્કાર બને છે, એટલે કેદમાં કૃષ્ણ જન્મે. એમને કેવું વાતાવરણ મળ્યું! એટલે એમને આપણે પુરુષોત્તમ માન્યા, ઈશ્વર માન્યા. શિક્ષણની વાત કરીએ તો શિક્ષાનુબંધ એ સ્નેહાનુબંધ પણ હોવો જોઈએ. મને એવા કેટલા અનુભવ થયા છે. શાળામાં, કોલેજમાં ભણાવ્યા હોય એવા, ક્યાંક વ્યાખ્યાન કરવા ગયો હોય એનો અતૂટ નાતો રહ્યો છે. અરે રેલવેમાં બે કલાકની મુસાફરી કરતો હતો એમાં પણ એક સંબંધ એવો બંધાઈ ગયો. એટલે મનુષ્યને મનુષ્ય સાથે જોડનાર એક કોઈ તત્ત્વ હોય અથવા હૃદયનો ઉદ્રેક, સંવેદનનો ઉદ્રેક, એ સંવેદન બુઠ્ઠું થઇ જાય ત્યારે માણસ માણસ નથી રહેતો, પછી માણસ અને રોબોમાં કોઈ ફેર નથી રહેતો.
પ્રશ્ન : આપણે શબ્દથી પર એવા ભાવવિશ્વની વાત કરીએ. આજે જાહેર માધ્યમો, સોશિયલ મીડિયાનો જમાનો છે. શબ્દોનો અતિરેક અથવા આપ જેને ‘શબ્દનો દ્રોહ’ અથવા ‘લિંગ્વીસ્ટીક પ્રોસ્ટીટ્યુશન’ કહો છો એ આજના સમાજનો નિયમ બનતો જાય છે. આવા સમયમાં આપના જેવી પ્રજ્ઞાવાન વ્યક્તિઓ સમાજનું દિશા-દર્શન કઈ રીતે કરી શકે?
ઉત્તર : રમેશ પારેખની એક નાનકડી કવિતાનો સાર કહું. એમણે એમ કહ્યું છે કે એક બોલતો માણસ, એટલે કે એક કવિ બહેરાનાં ગામમાં જઈ ચડ્યો. આખું ગામ બહેરું. એ કવિતા કહેતો હતો, ગાતો હતો અને ગામના લોકોએ જોયું કે આને તો કાન પણ છે અને જીભ પણ છે. તો એને શું કરવું? તો કહે કે આ તો આપણો દુ:શ્મન કહેવાય. તેથી સર્વાનુમતે નક્કી કર્યું કે આને જીવતો દાટી દો, અને દાટી દીધો. આપણી સ્થિતિ આવી છે. બધું સર્વાનુમતે નક્કી થાય છે. સર્વાનુમતે નક્કી કરનારા કોણ છે? એ એક અબુધ રોબો જેવો વર્ગ છે. એટલે સામાજિકતાને બદલે નરી કૃતકતા આવી ગઈ છે. આ વોટ્સેપ અને ફેઈસબુક છે, એમાં હું જોઉં છું એમાં બધું ડીટ્ટો ડીટ્ટો ચાલે. એક જણે લખ્યું હોય, એને પરમ શાંતિ આપે, એટલે બીજાએ લખ્યું. હવે શાંતિ તમારા અંદરમાંથી આવવી જોઈએ, એને કંઈ ટાઈપ કરીને મૂકાય નહીં. અને આપણે ત્યાં આ ચિર શાંતિની વાત તો ઇસ્લામમાંથી અને ખ્રિસ્તી ધર્મમાંથી આવી. પરમાત્મા એના આત્માને પરમ શાંતિ આપે, કારણ કે ત્યાં પુરાવર્તનના દિવસો કે પુનરઅવતાર એ હતું જ નહીં. ત્યાં પુનર્જન્મની માન્યતા જ નથી. એટલે આપણે ત્યાં તો એ પ્રયોગ જ ખોટો છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને પરમ શાંતિ આપે, એવું આપણે ત્યાં લખાય છે. આ વાત જુવો હેમલેટમાં પણ આવે છે. એમાં પેલાં મડદાં રાતના એવા ઝગડે. કારણ કે કયામત ક્યારે આવશે એ ખબર નથી. આપણે ત્યાં તો ક્યાં તો મોક્ષ હોય અથવા બીજો અવતાર થઇ જાય. આપણે ત્યાં જે શીષ્ટો છે એ કદરૂપા થઇ ગયા છે. આપણે ત્યાં લાગણી શબ્દને દોઢસો વર્ષ જ થયાં છે. એ શબ્દ પહેલો નર્મદે જ પ્રયોજ્યો. લાગવું ઉપરથી લાગણી. ક્યાં લાગવું? તો કહે હૃદયમાં. કાપવું ઉપરથી કાપણી, માપવું ઉપરથી માપણી, માંગવું ઉપરથી માંગણી, લણવું ઉપરથી લળણી, ચાળવું ઉપરથી ચારણી. એટલે લાગણી નહોતી એમ નહીં, પણ એની પરિભાષા નર્મદે આપી. અને આ સોશિયલ મીડિયાનો વિસ્તાર દિવસે ન વધે એટલો રાતે વધે ને રાતે ન વધે એટલો દિવસે વધે. એને કારણે સારું અને ખરાબ બંને પહોંચે અને મોટે ભાગે ખરાબ વધારે પહોંચે છે.
પ્રશ્ન : આપ શાસ્ત્રો અને સાંપ્રત બંનેને એકીસાથે કેવી રીતે અપનાવો છો? અભ્યાસનિષ્ઠા, વિદ્વત્તા, સર્જકતા એ બધું વ્યક્તિને અંતર્મુખી બનાવે એવું નથી હોતું? હું આપને ક્યારેક ફેઈસબુક પર પણ સક્રિય જોઉં છું.
ઉત્તર : હું ફેઈસબુક વાંચું છું, હું ફેઈસબુક ઉપર કશું લખતો નથી. મને આવડતું જ નથી, મથું તો આવડે. અને એમાં મને શ્રદ્ધા પણ નથી. કેટલાક મારા જાણીતા હોય, દાખલા તરીકે આપણા કવિ હરીશ મીનાશ્રુ. એ મને બહુ વ્હાલા લાગે. એમને પણ હું બહુ ગમું, એમના વિષે હું લખું એ એમને બહુ ગમે. મેં એમને કહ્યું કે તમારા વિષે કે તમારી કવિતા વિષે લખવું એ એક મોટું તપ છે. એમાં કેટલા બધા સંસ્કૃતિક સંદર્ભો આવે અને એમની ભાષા જે છે. એટલે એમનું સન્માન થયું ત્યારે મેં લખ્યું. પણ સારી વસ્તુનો આનંદ થાય એ આશ્વાસન છે, એ આનંદ નથી. આ એક તો છે ને, એ આશ્વાસન. જે નાના નાના માણસો કરી શકે છે તે આપણે નથી કરી શકતા. ભણતરે આપણને ઘણું બધું આપ્યું. વાચાળતા આપી, તર્કો આપ્યાં, લુચ્ચાઈ આપી, આપણી સાહજિકતા ઝૂંટવી લીધી. સર્જક સર્જનપ્રથમ હોવો જોઈએ. એનો તોટો છે. આજે જ્યારે આ કોરોના છે આજથી સો વર્ષ પહેલાં કોકાણિયુ આવ્યું હતું. જામનગર પાસે બેડ બંદર છે ત્યાંથી એનું પહેલું પગરણ આવ્યું હતું. બરાબર ૧૯૧૯માં. એમાં મારા દાદાના બે ભાઈઓ અને એકની પત્ની એમાં ગુજરી ગયાં. ત્યારે ઘરના બે જણ બચ્યા એમણે બાકીના બધાને સંભાળી લીધા. મારા પિતાએ ડાયરી લખેલી, એમના દાદા ગુજરી ગયા ત્યારે કેવું થયું, કેટલાનું કરજ થયું. એ બધું મેં વાંચ્યું ત્યારે ખબર પડી. એટલે ભીંસટમાં આવ્યા એટલે સંકોડાયા. આપણી અંદર અત્યારે જે છે એ એકાકીપણું નથી, એ એકલતા છે. અંદરનો ખાલીપો છે. પણ મને મોટામાં મોટું અનુસંધાન એ મળે કે હું તટસ્થ રહું છું એમ નહીં, ‘દો દિનકા જગમે મેલા, સબ ચલા ચલેગા અકેલા. કોઈ ગયા, કોઈ જાવે, કોઈ ગઠડી બંધ સિધાવે …” એટલે મને તો વિચાર આવે કે અમારું ગામ, મારા પિતા ગુજરી ગયા ત્યારે અમારી પાસે કંઈ નહોતું. અમે દસ માણસો અને ત્રણ ગાયો, પણ અમે ખાધે-પીધે દુઃખી નથી થયાં. કારણ કે જીવનની જરૂરતો ઓછી હતી અને અપેક્ષાઓ નહોતી. આજે ધરવ નથી અને માણસમાંથી ધરમ જતો રહ્યો છે તે એ અર્થમાં કે મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય શું છે એ આપણે ભૂલી જઈએ છીએ. અને આમાં કોઈ સુધારો થાય એવી શક્યતા નથી. એટલે સમયે સમયે ખતરા આવ્યા કરે પણ જેમ આપણે વધુ વિકાસ કર્યો એમ વધુ વિનાશની દિશામાં જઈએ છીએ.
પ્રશ્ન : હું ક્યારથી આપની સાથે વાતો કરું છું, આપનાં વક્તવ્યો પણ સાંભળતી આવી છું. આપની વાતો પરથી ખ્યાલ આવે છે કે ભાષા પ્રયોગનો એક આખો નકશો આપની દૃષ્ટિ સમક્ષ સ્પષ્ટ છે. આ કઈ રીતે બન્યું?
ઉત્તર : એ મેં તમને કહ્યું એમ, કે હું એક કવિતા અથવા કંઈપણ વાંચતો હોઉં તો એમાં એક શબ્દ જો મને સ્પર્શી જાય. દાખલા તરીકે અત્યારની આપણી પરિભાષામાં ‘લોકાર્પણ’ શબ્દ લો. એમાં અહં અને મમતા છે. મારાપણું ન હોવું જોઈએ, આ મારું છે એ છૂટે તો ભગવાન મળે, અને ભગવાન મળે એટલે માણસ મળે. દૃષ્ટાંત અને શાસ્ત્ર નહીં, પણ શાસ્ત્રની પૂર્ણતા જોઈએ. અને એ પૂર્ણતા દૃષ્ટાંતો દ્વારા થાય. વિચાર અમૂર્ત ન જોઈએ, વિચારની સાથે વ્યવહાર પણ આવવો જોઈએ. જાણવાની જીજ્ઞાસા ન કહેવાય, જીજ્ઞાસા એટલે જ જાણવાની ઈચ્છા. હું સાહિત્યની સાર્થકતા એમાં માનું, કે જે મનુષ્યના અંત:સ્થલને ન સ્પર્શે અને એને બદલાવે નહીં, અને એને જુદી ભૂમિકા પર મૂકે નહીં, એ શા કામનું? ભાગવતમાં બે શબ્દો છે – સ્વસંવેદ્ય અને પરસંવેદ્ય. આપણને પગે કાંટો વાગે અને ડોક્ટર પાસે જઈએ, એ પૂછે કે ક્યાં દુ:ખે છે. દુ:ખે છે આપણને, ડોક્ટરને નથી દૂખતું. આપણો જાત અનુભવ છે એ સ્વસંવેદ્ય. મીરાં જ્યારે કૃષ્ણપ્રીતિની વાત લખે ત્યારે એને એ સ્વસંવેદ્ય છે. જ્યારે સુરેશ દલાલ લખે ત્યારે એ પરસંવેદ્ય છે. એટલે એમાં ભાષાની કરામત આવે, પણ મીરાંની પંક્તિ સાંભળતાં તમારી આંખમાં આંસુ આવી જાય, એમ બીજામાં ન થાય. તમને પ્રશ્ન એમ થાય કે હું ભાષા દ્વારા કેવી રીતે સમાધાન મેળવું? હું પાંચ-દસ મિનિટ પહેલાં શું બોલ્યો હોઉં એ કદાચ ભૂલી જાઉં પણ જે ભૂતકાળના અનુભવો છે એ પૈકી પ્રત્યેક અનુભવ આપણને એક વિચિત્ર પ્રકારની અનુભૂતિ કરાવે છે. અનુભૂતિ એ હૃદયનો વિષય છે અને અનુભવ એ શરીરનો છે. દરેકની પોતાની જીવનસપાટી પોતપોતાની સમજણ મુજબની હોય છે.
પ્રશ્ન : આપ આપની સામાન્યતાનો બહુ આદર કરો છો. આપ પોતાને સામાન્ય માનો છો?
ઉત્તર : બહુ સામાન્ય. હું એમ કહું છું, હું સંતો ભેગો ઘણાં વર્ષો રહ્યો. એક રેકોર્ડીંગ છે – કનૈયાલાલ મુનશીના દીકરા હતા ગિરીશ મુનશી, લાઠીના ઠકરાણા હતા અને સરદાર પટેલના ભત્રીજા હતા, ત્યાં હું બોલ્યો છું. કે મને કોઈ અન્ડર એસ્ટીમેટ ન કરશો. હું તમારા કોઈના કરતાં જરા ય ઉતરતો નથી. કૃષ્ણે વ્રજ છોડ્યું પછી બે કામ એનાથી થયાં નથી, એક એણે રાસ નથી લીધો અને બીજું એણે વાંસળી નથી વગાડી. એણે શંખનાદ કર્યો છે. પહેલો છે એ નંદકિશોર છે, નટવર નાગર છે, બીજો છે એ એ ગીતાકાર છે, ત્રીજો છે દેહોત્સર્ગમાં છે. એની મુદ્રા જુવો, કૃષ્ણની એ મુદ્રા એ સિનિયર સિટિઝનની મુદ્રા છે. દરેકને કૃષ્ણના અવતારમાંથી પસાર થવું પડે છે. આ તમારે મુલાકાતમાં ન લેવું હોય તો ન લેતાં, પણ મારે તમને કહેવું છે. તમારું જ્ઞાન વધારવા માટે નહીં, પણ મારે તમારી સાથે આ શેઅર કરવું છે. કૃષ્ણ જ્યારે દ્વારકામાં છે ત્યારે ઉત્તર ભારતમાંથી કેટલાક ઋષિઓ એમને મળવા આવે છે અને કૃષ્ણ ત્યારે એમને લેવા ઉંબર પર આવે છે. ત્યારે એ ઋષિઓએ કહ્યું કે અમે તમારા વિષે ઘણું સાંભળ્યું છે, તમે તો એનાથી સવાયા નીકળ્યા. આવું આપણા કેટલા કિસ્સામાં બને છે? શિષ્ટ માણસોમાં તમને કેટલે ઠેકાણે આવું મળે છે? પહેલી વખત જ માણસ મળતો હોય અને આપણે કહીએ કે અમે તમારા વિષે ઘણું સાંભળેલું. આપણા છાપાંમાં અને રેડિયોમાં કેટલું બધું ફૂંકાયા જ કરે છે. આપણે આપણી જાતને શાબાશી આપવાની શું જરૂર છે? એક ચિની કહેવત છે કે ભગવાને આપણા હાથ થોડા ટૂંકા આપ્યા છે. આપણા હાથ છે એના કરતાં એક ફૂટ લાંબા આપ્યા હોત તો આપણે આપણા જ હાથે વાંસો થાબડવા માંડત કે તારા જેવો કોઈ થયો નથી અને થશે નહીં. માણસોને પ્રસિદ્ધિની કેટલી બધી ભૂખ હોય છે.
પ્રશ્ન : પૂજાપાઠ અને અધ્યયન એ બેમાંથી પસંદગી કરવાની હોય તો શાની પસંદગી કરો?
ઉત્તર : બે પ્રકારની ભક્તિ છે – જ્ઞાનમય ભક્તિ અને ભાવમય ભક્તિ. જેનામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે એણે પૂજાપાઠનાં વિધિવિધાન પડવાની જરૂર નથી. મારો પોતાનો જે ક્રમ છે એમાં હું સવારે ભગવાનની પ્રાર્થના કરી લઉં પછી મારા નિત્યક્રમમાં ગીતાનો પાઠ કરું, ભાગવતનો પાઠ કરું અને કેટલાક સ્તોત્રો બોલું. હું ભગવાનને શૃંગાર વગેરે કરતો નથી, કારણ કે એ મારી તાસિરમાં નથી. મારી પત્ની કરે છે એ બધું. કોઇપણ અધ્યાત્મમાં સૌથી મોટી જરૂર છે આંતરિક પ્રતીતિની. અને અધ્યાત્મ હોલસેલ હોઈ શકે છે, એ વ્યક્તિપરક છે, સમુદાયપરાક નથી. અધ્યાત્મ, ધર્મ અને સંપ્રદાય એ પર્યાયો નથી. દરેક અધ્યાત્મિક માણસ સાંપ્રદાયિક હોય એવું અનિવાર્ય નથી. તેમ દરેક સાંપ્રદાયિક માણસ અધ્યાત્મિક હોય કે ન પણ હોય. અધ્યાત્મ એક મૂડ છે, એક અવસ્થા છે. એ ચોવીસ કલાક રહેતી નથી. ધર્મ એ જીવન જીવવા માટેની એક વ્યવસ્થા છે, અને સંપ્રદાય એ સંસ્થા છે. આ સંપ્રદાયો મધ્યકાળથી એટલે કે બારમી-તેરમી સદીથી આવ્યા. એ પહેલાં સનાતન ધર્મ હતો જે શંકરાચાર્યએ શરૂ કર્યો હતો. એટલે પૂજાપાઠ એ સૌ સૌની તાસિર પ્રમાણે થાય. વલ્લભ સંપ્રદાયમાં પૂજા શબ્દ નથી વપરાતો, પણ સેવા શબ્દ વપરાય છે. તમારું આખુંને આખું વ્યક્તિત્વ અને અસ્તિત્વ, આખું ચૈતન્ય એના મય બની જાય એનું નામ સેવા. એટલે એકાગ્રતા હોવી જોઈએ. મોટાભાગનાને પ્રતીતિ નથી હોતી. મોક્ષ માટે કોઈ ભક્તિ કરતું જ નથી હોતું, લોકો પોતાના સાચા-ખોટા ઈરાદાઓ, પોતાના સ્વાર્થો માટે જતા હોય છે. જેમ કૃષ્ણે ગણાવ્યા કે મારા ભક્તો કોણ છે? તો કહે છે કે કેટલાક પોતાના કામ સિદ્ધ કરવા માટે અને બીજા છે જ્ઞાની. કૃષ્ણ કહે છે કે એમાં જ્ઞાની છે એ મને સૌથી પ્રિય છે. અને જ્ઞાન બધા પાસે હોતું નથી. વિજ્ઞાન શબ્દ સંસ્કૃતમાં અધ્યાત્મ માટે વપરાય છે. વિશેષ પ્રકારનું જ્ઞાન તે વિજ્ઞાન. અને તમે જો જાત સાથે સચ્ચાઈથી વર્તો, અને વિચારો કે આ મને ગમે છે? અને પોતાને ગમતું હોય અને કોઈને નડતું ન હોય તો એ બરાબર છે. કોઈની પ્રતીતિ એવી હોય. જેમ કે હું કૃષ્ણને માનું, એની પાસે પાઠ કરું કારણ કે કૃષ્ણ મને ગમે છે, એ પુરુષોત્તમ છે. એટલે કે એનામાં ઉત્તમ પુરુષના કેટલા બધા ગુણો છે, પછી હું એની માળા કરું. અને પાઠ કરતાં એમાં કોઈક શ્લોકનો એક શબ્દ ન સમજાય તો ત્યાં અટકી જાઉં. આપણને એવું કંઈ નથી કે આખા અધ્યાયનો પાઠ કરવો છે અને ન કરીએ તો પાપ લાગે. ભગવાન તમને શિક્ષા કરવા માટે નથી, શીખ આપવા માટે છે. એટલે અધ્યાત્મ જથ્થાબંધ હોઈ શકે જ નહીં, હજારો માણસો બેઠા હોય અને એને તમે મંત્ર આપો. મંત્રનું મંત્રત્વ લિપિમાં નથી શ્રુતિમાં છે. એટલે મંત્રની દીક્ષા આપે છે એ લખીને નથી આપતા, બોલીને આપે છે. જે મંત્રની દીક્ષા આપનાર છે એણે મંત્ર સિદ્ધ કરેલો હોવો જોઈએ. સિદ્ધ કરેલો એટલે કંઈ વેપારીને ત્યાં જઈને ટોકન લઈને બધાએ હારબંધ ઊભા રહેવું એ નહીં. જેણે મંત્ર સિદ્ધ કર્યો છે, એ મંત્રદૃષ્ટા છે. મંત્રદૃષ્ટા એક છે, મંત્રદાતા બીજો છે. મનાત ત્રાયતિ ઇતિ મંત્ર:. એટલે જે મનમાંથી મુક્ત કરાવે એ મંત્ર. અને તલાત ત્રાયતિ ઇતિ તંત્ર. મંત્ર અને તંત્ર એ બે એક નથી. એક જણ માઈક પરથી મંત્ર બોલે એવું ન હોય. મંત્રની ગુહ્યતા, મંત્રની પ્રચ્છન્નતા – એનો મહિમા છે. એટલે જનોઈ દે અથવા દીક્ષા આપે ત્યારે એના કાનમાં ધીરેધીરે બોલે.
પ્રશ્ન : આપણે કોરોનાના સમયમાં જીવીએ છીએ. મહામારીના આવા સમયમાં આપ મૃત્યુને કઈ રીતે જુવો છો?
ઉત્તર : મૃત્યુની ભયાનકતા આપણે જોઈએ છીએ. એમાં માણસને લેવા યમદૂત નથી આવતા, એ આવે તે પહેલાં તો કોરોના એને ઉપાડીને લઇ જાય. એટલે મેં એક જગ્યાએ રમૂજમાં કહેલું કે હમણાં બધા યમદૂતોને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. યમદૂત આવે ત્યારે કહીને આવે છે, એમને એમ નથી આવતા. એટલે કે જેનું મૃત્યુ થવાનું છે એના મનમાં એક ચોક્કસ પ્રકારની સંશયતા ઊભી થાય છે, કારણ કે એ એવું કંઈક બોલે. એ સિદ્ધપુરુષ છે કે પ્રતાપી કે પુણ્યશાળી હોય છે એવું નથી. એટલે ઘણીવાર આપ્તજનો એમ કહે કે એ હમણાંના એવું બોલતા હતા કે હવે હું પાછો ક્યારે આવીશ? આવું ઘણા કિસ્સામાં બને છે.
સૌજન્ય : આરાધનાબહેન ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર