આરાધના ભટ્ટ : ડાયસ્પોરાનું મહામૂલું ઘરેણું ‘ઓપિનિયન’ રજત પડાવે પહોંચ્યું છે એ બદલ સૌપ્રથમ અભિનંદન આપું છું.
વિપુલ કલ્યાણી : તમારાં અભિનંદન માથે ચડાવું છું. એનો એક આનંદ પણ છે, છેવટે તો આ આપણો સહિયારો અવસર છે ને. હું તો કેટલા બધા સહભાગી લોકોને ચારે તરફ જોઉં છું અને માત્ર ગુજરાત કે ભારત નહીં, જગતમાં અનેક જગ્યાએ પથરાયેલા આપણા સાથી મિત્રો છે, અને એટલે જ આ અવસર સર્વસમાવેશક બને એવી એક ગણતરી મનમાં રહી છે. કોઈ પૂછે કે શા માટે રજત રાણ, તે પહેલાં મને એનો જવાબ દેવાનું મન થાય છે.એમાં એવું છે કે રજતને પચીસ વર્ષની વાત સાથે સાંકળું, અને રા’ણનું બહુ સરસ મજાનું વૃક્ષ આવતું અને એ રાયણનાં મીઠાં, મજેદાર ફળ. તો એને છાંયડે બેસીને એક પડાવ કર્યો છે. એવો પડાવ આ ‘ઓપિનિયન’નો છે. એના રજત પડાવે જે મહિનાભરના દર શનિવાર અને રવિવારે કાર્યક્રમો યોજાયા એની પાછળ મારા કરતાં વધુ ઉત્સાહી મારા ત્રણ મિત્રો છે. મારે એમને ત્રણેને સલામ કરવી જોઈએ. એક છે ડૉ. અશોક કરણિયા, જે અમદાવાદમાં છે, બીજા છે ડૉ. પંચમ શુક્લ જે અહીં છે અને અમારી ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી છે, અને ત્રીજા છે નીરજભાઈ શાહ. આ ત્રણ મિત્રોએ મન મૂકીને આ કાર્યક્રમની તૈયારી જે રીતે કરી એ જોઈને હું તાજ્જુબ થઈ જાઉં છું અને મને થાય છે કે યુવાનીને જો આપણે સરખી રીતે પોષતા હોઈએ તો એ આપણને ઉજાગર કરે એવું કામ આપી શકે એમ છે.
આ.ભ.ઃ હવે‘ઓપિનિયન’ની શરૂઆત ક્યારે, કેવી રીતે થઈ એની ભૂમિકા સમજાવશો? તમે કહો છો કે ‘ઓપિનિયન’ એ એક વિશેષણ છે.
વિ.ક.ઃ એમાં છેવટે તો પેલું વેદનું સૂત્ર, ‘સં ગચ્છધ્વં સં વદધ્વં સં વો મનાંસિ જાનતામ્’ છે. મૂળ તો એ છે કે ચારે તરફ ફેલાયેલા આપણી જમાતના માણસો, એમને અડતા-નડતા સવાલોને વાચા આપતા સમ-સામયિકો ક્યાંક તૂટ્યાં, ક્યાંક ઓછાં પડ્યાં, કોઈક પોતાના વાતાવરણમાં રહ્યાં. એટલે થયું કે આવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું હોય તો? અને એ આધારે ૧૯૯૫માં આ થયું. અને એ થવામાં મારે બે વ્યક્તિઓને તો ખૂબ યાદ કરવા જોઈએ. એની પાછળ બધી જ રીતે, પછીતે રહીને બહુ મોટો ભોગ જો કોઈકે આપ્યો હોય તો તે કુંજે આપ્યો છે. એણે જે રીતે કામ કર્યું, એ લેખો જુવે-વાંચે, ટીકા પણ કરે, સમજણ પણ આપે, કારણ કે એનું વાંચન મારા કરતાં પણ અગાધ અને સમજણવાળું છે. એક તરફ એ છે અને બીજા મારા મિત્ર રમણભાઈ ડી. પટેલ. એ માણસે આંખ મીચીને ‘ઓપિનિયન’ને ઊભું કરવા માટે તન-મન-ધનથી એની પાછળ જે જહેમત ઉઠાવી છે … આવો મિત્ર મળવો આજે મુશ્કેલ. આ બંનેને યાદ કરીને મને સ્મરણ સાથે કહેવાનું મન થાય કે એ બંને ન હોય તો ઘણું બધું કદાચ ન પણ થઇ શકે. ગુજરાતી ડાયસ્પોરાનું પાટનગર લંડન હોય એમ અમે માનીએ છીએ. એટલે આપણા ગુજરાતી ડાયસ્પોરાના જે પ્રશ્નો છે એના વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવા માટેના લેખો, કાવ્યો વગેરે બધું જ આપી શકાયું છે, અને એને આધારે કેટકેટલાં પુસ્તકો થયાં છે. એમાં પહેલું પુસ્તક તો જામનગરવાળા ડૉ. પ્રફુલ્લ દવેનું પુસ્તક હતું. એમણે દેશ-પરદેશમાં જે નાના-મોટા લોકો ગાંધીવિચારને આધારે મજબૂત કામ કરી રહ્યા છે એની ઝાંખી આપતી લેખમાળા આપેલી, એ પુસ્તક થયું. અને પછી તો કેટકેટલાં પુસ્તકો થયાં. એમાં આ ડાહ્યાભાઈવાળું છેલ્લું પુસ્તક થયું. અને હજુ બીજાં સાત-આઠ પુસ્તકો થાય એવી શક્યતા છે. એમાં દીપક બારડોલીકરનાં બે આત્મકથાત્મક પુસ્તકો, ‘સાંકળોની સિતમ’ અને‘ઉછાળા ખાય છે પાણી’ એ બે પુસ્તકો તમે જુવો ત્યારે તમને થાય કે આ સંસ્મરણોનાં પુસ્તકો ગુજરાતી સાહિત્યનાં મજબૂત પુસ્તકો બની શક્યાં છે.
'ઓપિનિયન'ના આ ત્રણે અવતારોમાં તંત્રી/સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતાં લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. વિપુલભાઈનાં ૪૦-૫૦ વર્ષની પત્રકારત્વની મજલમાં, કહો કે પત્રકારના ધર્મ અને ધૂનમાં, સંખ્યાબંધ મિત્રો-વાચકો-લેખકો સાથે અત્યારની પેઢીના માત્ર ‘ફેઇસબુકિયા મિત્રો’ જ નહીં, પણ અંતરંગ મિત્રો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધોનું સાતત્ય વિપુલભાઈએ જાળવી રાખ્યું છે. પ્રખર રોમન વક્તા અને વિચારક સિસેરો અને અંગ્રેજ નિબંધકાર-લેખક ફ્રાન્સિસ બેકનના મૈત્રીધર્મ પરનાં મંતવ્યો વિપુલભાઈએ જાણે કે રગેરગમાં વહાવ્યા છે!
— ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી
[તા. 25મીએ લોકાર્પિત થનારા પુસ્તક “એક ગુજરાતી, દેશ અનેક”ના પ્રકરણ 'મૈત્રી તે ઔષધ'માંથી]
••••••••
આ.ભ.ઃ મોટી સિદ્ધિ કહેવાય વિપુલભાઈ, એને માટે અભિનંદન શબ્દ ઓછો પડે એમ છે. મને ‘ઓપિનિયન’ નામ વિષે પ્રશ્ન થાય છે. આ નામ કેમ પસંદ કર્યું? ગાંધીજીના ‘ઓપિનિયન’ને અનુસરીને?
વિ.ક.ઃ ના, એ એક કારણ છે. પણ એમાં ‘ઓપિનિયન’નો જે અર્થ થાય છે એને માટે આપણે શબ્દો બોલીએ છીએ ‘મત’, ‘વિચાર’ વગેરે. એ બધા શબ્દો ભેગા કરીએ તો પણ ઓપિનિયન શબ્દમાં એનો અર્થ બેસતો નથી એવું મને લાગે છે. એ એક એવો શબ્દ છે જેનો અર્થ એક શબ્દમાં બાંધી શકાય એમ નથી. એ બહુ જ વિશાળ શબ્દ છે. એ એક ભૂમિકા સામે હતી, બીજી તરફ મહાત્મા ગાંધીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ તો ખરું જ, પણ અમારા ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં વર્ષો પહેલાં ‘જંગબાર ઓપીનિયન’ શરૂ થયેલું. અને હું વિલ્સન કૉલેજમાં મુંબઈ ભણતો ત્યારે ત્યાં એ.ડી. ગોરવાલા નામના એક આઈ.સી.એસ ઓફિસર હતા. એ નિવૃત્ત થયા પછી એમણે ‘ઓપિનિયન’ નામની પત્રિકા બહાર પડેલી. એ પોતે બહાર નીકળીને લોકોને વહેંચતા, એ મેં જોયેલું. એમાં જે વિચારો મૂકતા, એ મુખ્ય પ્રવાહનાં છાપાંઓ અને સામયિકો પણ લેતાં ડરે એવી સામગ્રી હતી. એટલે આ ત્રણનો એકીસાથે પ્રભાવ આમાં વર્તાય એવું એક ચિત્ર સતત મારા મનમાં રહ્યું છે.
આ.ભ.ઃ પછી સમય સાથે એના સ્વરૂપમાં ઘણા ફેરફારો થયા અને એ દરમ્યાન તમે ઘણા સંઘર્ષો પણ સહ્યા હશે.
વિ.ક.ઃ હા, શરૂઆતનાં પંદર વર્ષ તો એ મુદ્રિત સ્વરૂપે આવતું, પછીનાં ત્રણ વર્ષ ડિજિટલ સ્વરૂપે પી.ડી.એફ.માં આવતું, અને એ પછીનાં બાકીનાં વર્ષોમાં તો એ સંપૂર્ણપણે વેબસાઈટ ઉપર ગયું છે. અને હવે તો રોજેરોજ કંઈક નવી સામગ્રી એની વેબસાઈટ ઉપર મૂકાતી આવે છે. અત્યારે તમે પાનું ખોલીને જોશો તો ૭૩ લાખ, ૬૩ હજારથી વધુ એની હીટ થઇ છે, મારે મન આ નાની સંખ્યા નથી. એના વાચકો માત્ર યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતમાં નથી, પણ નાના નાના દેશોમાં પણ એના વાચકો છે. પાકિસ્તાનના મિત્રો પણ ‘ઓપિનિયન’ જોતા હોય છે … અને સંઘર્ષો તો પુષ્કળ. સૌથી પહેલાં તો લવાજમ ભરવું પડે. પણ એ તો કેટલાક મિત્રોએ સાચવી લીધા છે. સાથે સાડા ત્રણસો પ્રત છપાય નહીં એવી એની પરિસ્થિતિ, એનો ખર્ચ પાછળનાં વર્ષોમાં તો એટલો બધો હતો કે એની આવકમાંથી તો કશું મળતું જ નહોતું. એટલે એ તો સહન કરવાનું જ હતું. આપણે જે નાની-મોટી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં આ સંઘર્ષ આપણને ઘણાને લાગે. આમ કહેવાય આપણા ગુજરાતીઓ પાસે છનાછન છે, પણ આવી પ્રવૃત્તિઓનું એમાં કોઈ સ્થાન નથી. જાત મહેનત ઝિંદાબાદ સિવાય આપણી પાસે એનો કોઈ જવાબ જ નથી.
આ.ભ.ઃ સંપાદનની પ્રક્રિયા પણ કઠિન છે અને ઘણો સમય માંગી લે એવી છે, આટલી બધી વાંચન સામગ્રી ‘ઓપિનિયન’ની વેબસાઈટ પર મૂકાય છે, એ બધું કઈ રીતે થાય છે?
વિ.ક.ઃ સામાન્ય રીતે જે તે વાક્યરચના, વ્યાકરણ અને જોડણી તપાસીને, સુધારીને, મને જે સમજાય તે રીતે એને જવા દઉં છું. વખત લાગે છે. અંગ્રેજીનો વિભાગ છે, ગુજરાતી છે, ક્યારેક હિંદી લેખો પણ આવે છે. એટલે આ બધું જોતાં કામ વધી પણ જતું હોય છે, પણ થાય છે. અત્યાર સુધી થયા કર્યું છે, કેટલું લાંબુ ચાલશે એ મને બહુ ખબર નથી. પણ એ શરૂ કર્યું ત્યારે કુંજની દસ વર્ષની મર્યાદા હતી, મારી પંદર વર્ષની હતી, એ વધીને આજે પચીસે પહોંચાયું છે. આ છવીસમું વર્ષ છે એટલે મને ખબર નથી કે હવે કેટલું લાંબુ ખેંચી શકાશે. ક્યારેક એવું થાય કે મારે જે લેખ લખવા હોય, જે લખાણ કરવું હોય એને માટે પણ મને પૂરતો સમય જોઈએ છે. એટલે મારે ક્યાંક તાલમેલ કરવો પડે એવું લાગે છે.
આ.ભ.ઃ એનો વાચકવર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે, છતાં આજે એવું કહેવાય છે કે આપણી ભાષાના ભાષકો અને વાચકોની સંખ્યા ઘટતી જાય છે. આ સંદર્ભે તમારો અનુભવ શું કહે છે?
વિ.ક.ઃ મને લાગે છે કે આ આખો મુદ્દો એક વાયકા, અથવા myth સમાન છે. આપણે આપણા કુંડાળાની બહાર નીકળતાં નથી. આપણા કુંડાળાની બહાર નીકળીએ તો મને લાગે છે કે વાચકવર્ગ તો છે જ. પણ એ વાચક વર્ગ સુધી આપણે પહોંચી શકીએ છીએ? અને એ કામ કરવા માટે આપણે કોની પાસેથી મિસાલ લઈ શકીએ? કોનો દાખલો લઈએ? તો મને તો ગાંધી સિવાય કોઈ માણસ દેખાતું જ નથી. એ જે રીતે સમાજના છેવાડાના લોકો સુધી જઈ શકે છે, એવું આપણે આપણી પ્રવૃત્તિ માટે કરીએ તો આપણી એક પણ પ્રવૃત્તિ તૂટે નહીં આવું મને લાગ્યા કરે છે. પણ વાચક તો છે જ, નહીં તો ‘ઓપિનિયન’ને આટલી બધી હિટ્સ ક્યાંથી આવે?
આ.ભ.ઃ તમે તો કહી દીધું કે આ ક્યાં સુધી ચાલશે એ ખબર નથી, પણ મારા મનમાં તો એ પ્રશ્ન હતો કે આવી રહેલાં પચીસ વર્ષમાં ‘ઓપિનિયન’ની દિશા વિષે તમે શું વિચાર્યું છે? હું આ પૂછું તે પહેલાં તો તમે પૂર્ણવિરામ મૂકી દીધું.
વિ.ક.ઃ ના, મેં પૂર્ણવિરામ નથી મૂક્યું, મેં અલ્પવિરામ મૂક્યું છે. એ બધું સ્વાસ્થ્ય ઉપર, પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એવું બની શકે કે એનું સંચાલન કરે, એને જાળવી શકે એવું કોઈક યુવાન માણસ જડી આવે. બીજું તો આપણે શું કરી શકીએ? જેમ વ્યક્તિનું મરણ તમે રોકી શકતા નથી એમ સંસ્થાનું, કે આવી એક ચળવળનું કે આવા એક કાર્યનું પણ ક્યાંક મરણ થાય તો એ તદ્દન સ્વાભાવિક વાત છે, કુદરતી વાત છે. એવું પણ બને કે આવતી કાલે એમાંથી જ કંઇક નવું પણ ઊભું થાય. પણ રગશિયા ગાડાની માફક ખેંચ્યા કરવાનો પણ કંઈ અર્થ નથી.
આ.ભ.ઃ વિપુલભાઈ, આપણે જ્યારે આવી કોઈક પ્રવૃત્તિ કરીએ ત્યારે આપણે એને ઘણું આપતાં હોઈએ છીએ, આપણો જીવ એમાં રેડીએ છીએ. પણ સામે આપણે કંઈક પામીએ પણ છીએ. અંગતપણે તમે આ કાર્યમાંથી શું પામો છો અથવા શું પામ્યા છો?
વિ.ક.ઃ આનંદ, કંઈક સારું કામ કર્યાનો આપણને સંતોષ મળે છે અને એનો આંનદ. અને એ આનંદ જ આપણને જીવાડે છે. બીજું, એને કારણે કેટકેટલા મિત્રો મળ્યા છે, કેટલા સારા મિત્રો મળ્યા છે અને એ મિત્રોએ ખૂબ પ્રેમ આપ્યો છે. એથી વધારે તો શું કહું?
[લિપ્યન્તર : આરાધનાબહેન ભટ્ટ]
[ઓસ્ટૃલિયાસ્થિત ‘સૂર સંવાદ’ રેડિયો’માં, રવિવાર, 04 ઍપ્રિલ 2021ના કાર્યક્રમમાં પ્રસારિત]
https://sursamvaad.net.au/vipool-kalyani-opinion-25/
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 03-04