નાણાં મંત્રી નિર્મલા સીતારામને સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને વિક્રમ કર્યો તે સાથે જ ભા.જ.પે. બજેટને વખાણ્યું અને વિપક્ષે વખોડયું. બજેટ કોઈ પણ હોય, વખાણ-વખોડની આ ફોર્મ્યુલા નક્કી જ હોય છે. સંસદમાં બજેટ સાંભળ્યા વગર પાટલી ઠોકાતી રહે છે ને વિરોધ પણ થતો રહે છે. બજેટ હોય કે કૈં પણ હોય, જે તે પક્ષની માનસિકતા આ રીતે પ્રગટ થતી રહે છે. એમાં અત્યારે વિપક્ષ, આંધ્ર અને બિહારને અનુક્રમે પંદર હજાર અને સાંઠેક હજાર કરોડની લહાણી થઈ તેનો હોબાળો કરી રહ્યો છે. ચંદ્રાબાબુ તો 70,000 કરોડની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરી અગાઉ જ પડાવી ગયા છે, એટલે એમને પણ લહાણી ઓછી થઈ નથી. એ સાચું કે બિહારના નીતીશકુમાર અને આંધ્રના ચંદ્રાબાબુ નાયડુને ટેકે ભા.જ.પ.ની સરકાર અત્યારે સત્તામાં છે, એટલે એને રાજી રાખવાનું સમજી શકાય એવું છે, પણ બંનેની અલગ રાજ્યની માંગણી કેન્દ્ર સરકારે નકારી છે એ ભૂલવા જેવું નથી. ધારો કે કાઁગ્રેસ આ રીતે સત્તામાં આવી હોત તો તેણે પણ સાથી પક્ષોને સાચવવા લહાણી કરી જ હોત તે સમજી લેવાનું રહે.
બીજી મહત્ત્વની વાત એ કે બજેટમાં જાહેરાત ન થઈ હોય એવું બને, પણ અન્ય રાજ્યોને કૈં જ મળ્યું નથી એવું નથી. પૂર્વોદય યોજનામાં જે પાંચ રાજ્યો સામેલ હતાં, એમાં બિહાર અને આંધ્ર સિવાય બંગાળ, ઓડિસા અને ઝારખંડ પણ છે, તે ઉપરાંત અસમને પૂર નિયંત્રણ અને મહારાષ્ટ્રને સિંચાઈ પરિયોજના માટે ફંડ ફાળવવામાં આવ્યું જ છે, એટલે આંધ્ર અને બિહારને જ બધું લૂંટાવી દેવાયું છે એ વાતમાં દમ નથી. અત્યારે ભલે દિલ્હીમાં કાઁગ્રેસી નેતા એમ કહે કે સત્તા બચાવવા બિહારને વિશેષ મદદ કરી, પણ પટનામાં એમના જ પક્ષના નેતા એવો આરોપ લગાવી રહ્યા છે કે બજેટમાં બિહારને કૈં મળ્યું નથી. ટૂંકમાં, કાઁગ્રેસે એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના જ પક્ષના બે નેતાઓમાંથી કોનો મત સ્વીકારવા જેવો છે.
એટલું છે કે આ વખતનું બજેટ મોદી સરકારની નવ પ્રાથમિક્તાઓ પર આધારિત છે, જેમાં કૃષિ, રોજગાર, માનવ સંસાધન વિકાસ, શહેરી વિકાસ … સામેલ છે. એમાં પણ બજેટમાં શિક્ષણ અને રોજગાર પર વિશેષ ધ્યાન અપાયું છે. રોજગારને પ્રોત્સાહન આપવા માટે પહેલી નોકરીએ ત્રણ હપ્તામાં 15,000(થી વધુ નહીં એ રીતે) અપાશે. કેન્દ્ર સરકારે ટોપ 500 કંપનીઓમાં 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવાની જાહેરાત કરી છે, જેમાં દર મહિને 5,000નું સ્ટાઇપેન્ડ અને 6,000નો વન ટાઈમ સપોર્ટ આપવામાં આવશે. એ તો થાય ત્યારે, પણ દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાનું અગાઉ બોલાઈ ચૂક્યું છે ને ત્યાંથી હવે પાંચ વર્ષમાં એક કરોડ રોજગાર પર વાત આવીને અટકી છે, એમાં જ સરકારની પ્રતિબદ્ધતા સમજાય એમ છે.
મધ્યમવર્ગી નોકરિયાતોને બજેટમાં કર રાહતની અપેક્ષા રહેતી હોય છે ને એમાં મોટે ભાગે નિરાશા જ સાંપડતી હોય છે. આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરવામાં આવી છે. ટેક્સ રેટના સ્લેબ બદલાયા છે ને એ દ્વારા 17,500ની કર રાહત અપાયાની વાત છે. ન્યૂ રિજિમ અને ઓલ્ડ રિજિમની યુક્તિ નાણા મંત્રીએ જ દાખલ કરેલી અને હવે ઓલ્ડ રિજિમ નાબૂદ કરવાની યુક્તિ હોય તેમ બધી જ કર રાહતો નવી રિજિમને જ લાગુ કરી છે. ઓલ્ડ રિજિમમાં કર રાહત મેળવવા લોકો પાસે બચત કરાવાતી હતી, તે સ્થિતિ નવી રિજિમમાં નથી. એટલે કરદાતાઓ હવે બચત નહીં કરે ને એનો અણીને વખતે જે લાભ એમને મળતો હતો એ નહીં મળે એમ બને.
વેલ, સરકારે 17,500 કરોડની કરવેરામાં રાહત આપતાં, એટલી ખોટ ખાવી પડશે, એવો અફસોસ કર્યો, ત્યારે દર મહિને 25,000 કરોડની વસૂલાત માત્ર જી.એસ.ટી. દ્વારા તે કરી રહી છે એ વાત તે કહેતી નથી. સરકાર પોતે જ કહે છે કે ગયા વર્ષનો 27લાખ 28 હજાર કરોડનો ટેક્સ આ વખતે વધીને 31 લાખ 29 હજાર કરોડ થયો, મતલબ કે 4 લાખ એક હજાર કરોડનો ટેક્સમાં વધારો થયો છે. આ 4.01 લાખ કરોડ કેન્દ્ર પાસે આવે છે લોકોના ગજવામાંથી. એ આવે છે ઇન્કમટેક્સ, જી.એસ.ટી., પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી, અન્ય કરવેરામાંથી. આ રકમ લોકો પર ખર્ચાતી નથી, પણ 200 લાખ કરોડની લોનનું પોણા બાર લાખ કરોડ વ્યાજ ભરવામાં 4.01 લાખ કરોડ જાય એવું બને. ગયે વર્ષે જ 10 લાખ 44 હજાર કરોડ પર્સનલ ઇન્કમટેક્સ આવ્યો. આ વખતે એ 11 લાખ 88 હજાર કરોડ આવ્યો. મતલબ કે 1 લાખ 44 હજાર કરોડ એકસ્ટ્રા આવ્યા. આટલી રકમ લૂંટયા પછી પણ 17,500 કરોડની ઇન્કમટેક્સમાં અપાયેલી છૂટનું સરકાર રડે તો હસવું જ આવે કે બીજું કૈં? બજેટની અંદરની વાતો જોઈએ તો એટલું સમજાય છે કે સરકારે 17,500ની કર રાહત આપીને કોઈ ઉપકાર કર્યો નથી. પાંચ લાખની કરમુક્તિની મર્યાદાનું વચન તો આટલે વર્ષે ય સરકારથી પળાયું નથી, તે એટલે કે 3 લાખની મર્યાદા હોય તો ઘણાનો આવકવેરામાં સમાવેશ થઈ શકે. માત્ર 2 કરોડ લોકો જ ટેકસ ભરે છે, એટલે વધુ લોકો ટેક્સ ભરે એ જરૂરી પણ છે, પણ કેટલા લોકો ટેકસેબલ ઇન્કમ જેટલું કમાય છે એ જોઈએ તો બહુ મોટો આંકડો આવે એમ નથી. એ પણ ખરું કે જે ભરી શકે એમ છે એવા ખમતીધરો ટેક્સ ભરતા નથી ને મોટે ભાગે મધ્યમવર્ગના પગારદારો જ ઇન્કમટેક્સ ભરે છે.
સરકારે સંરક્ષણ માટે 400 કરોડનો વધારો કરી 6,21,940 કરોડ ફાળવ્યા છે. શસ્ત્રોની ખરીદી, પગાર-પેન્શન સંદર્ભે આ વધારો નજીવો છે. સુરક્ષાને મામલે આવી કરકસર જોખમી છે. કૃષિ આપણું ગ્રોથ એન્જિન છે એવું કહેનારી સરકારે ખાતરમાં ગયે વર્ષે 1 લાખ 89 હજાર કરોડ આપ્યા, આ વર્ષે ઘટાડીને 1 લાખ 64 હજાર કરોડ કરી દીધા. એમ કરીને 25,000 કરોડનું ‘ખાતર’ પાડ્યું. 5 કિલો અનાજ મળે છે એ ફૂડ સબસિડી ગયે વર્ષે 2 લાખ 12 હજાર કરોડ હતી તે ઘટીને 2 લાખ 5 હજાર કરોડ કરી દેવાઈ. 7 હજાર કરોડનો એમાં પણ કાપ આવ્યો. કૃષિનું બજેટ ગયે વર્ષે 1 લાખ 25 હજાર કરોડ હતું. આ વખતે તે થયું 1 લાખ 52 હજાર કરોડ. કૃષિમાં 27 હજાર કરોડનો વધારો દેખાય, પણ તે ખાતરમાંથી 25,000 કરોડ કાઢી લીધા પછીનો છે. સરકાર દ્વારા ઉલ્લેખિત નવ પ્રાથમિક્તામાં આરોગ્યનો સમાવેશ નથી. સરકારે કેન્સરની 3 દવાઓ કસ્ટમ ફ્રી કરતાં તે સસ્તી થશે, આયુષ્યમાન ભારતમાં મફત ઇલાજની વાતો તો ઘણી થાય છે, પણ 48.20 લાખ કરોડનાં બજેટમાં આરોગ્યની ઉપેક્ષા અસહ્ય છે.
100 સ્માર્ટ સિટીની વાતો દરેક બજેટમાં થાય છે, પણ દેશમાં કેટલી સ્માર્ટ સિટીઓ બની એ સ્પષ્ટ નથી. ગયે વર્ષે પૂરા ભારતનાં સ્માર્ટ સિટી મિશન માટે 8,000 કરોડ ફાળવાયા. એમાં પણ આ વર્ષે 2,400 કરોડ જ આપ્યા ને 5,600 કરોડ કાપી લીધા. લાગે છે સ્માર્ટ સિટી બની ગયા હશે અથવા તો એની જરૂર જ હવે રહી નહીં હોય. મનરેગામાં ત્રણ વર્ષ પહેલાં 90,000 કરોડ આપેલા. આ વખતે 86,000 કરોડ આપ્યા છે. આમ બધામાં કાપ જ મુકાતો ગયો છે. આદિવાસીઓ માટે બે વર્ષ પર 4,300 કરોડ આપેલા, આ વખતે પણ 4,300 કરોડ જ ફાળવાયા છે. આદિવાસીઓને મદદની મોટી મોટી વાતો થાય છે, પણ એને માટેનું બજેટ ફાળવવામાં ઉદારતા દાખવાતી નથી. લોકોના ગજવામાંથી 4 લાખ 1 હજાર કરોડ કાઢી લીધા પછી પણ, ફાળવાવું જોઈએ, એટલું ફાળવાતું નથી. એક બાબત સ્પષ્ટ છે કે જે આપે છે તેને જ ખંખેરવામાં આવે છે ને નથી આપતો તે વધુ કમાય એવી તકો આવી મળે છે. શેર બજારની આવક પર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અનુક્રમે 12.5 અને 20 ટકા કરી દેતાં સેન્સેક્સમાં શરૂઆતમાં જ 1,500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ટેક્સના આ વધારાથી શેર બજારમાં રોકાણ કરનારા રાજી નથી. સાધારણ માણસ અસાધારણ રીતે લૂંટાય છે ને અસાધારણ માણસ સાધારણ રીતે કમાતો જ જાય છે. આ દેશના મોટા ઉદ્યોગપતિઓ એનાં ઉદાહરણો છે. આ બજેટથી મોંઘવારી અને તેનો માર વેઠતા ગરીબો ને મધ્યમવર્ગીઓને ખરેખર કેટલી રાહત થશે તે નથી ખબર, પણ આજ સુધી એવું રહ્યું છે કે બજેટમાં રાહતની વાતો તો થાય છે, પણ પીડામાં રાહત થતી નથી ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જુલાઈ 2024