ખરા સાહિત્યકારો આધુનિક કે અનુ-આધુનિક કારિકાઓ – ફૉર્મ્યુલાઓ – પ્રમાણે સર્જન જવલ્લે જ કરતા હોય છે.
પરન્તુ વાચકો સાહિત્યિક સર્જનોને આધુનિક કે અનુ-આધુનિક દૃષ્ટિમતિથી વાંચી શકે છે જરૂર.
એટલું જ નહીં, સાહિત્યમાં સદા સર્વદા જીવન સમગ્ર હોય છે તેથી અને સાહિત્ય પૂર્ણપણે મનુષ્યના જીવનને વસ્તુજગતમાં મૂકીને નિહાળે છે તેથી, કોઈપણ વાચન-ભૂમિકાએથી સાહિત્યને વાંચી શકાય છે. એ ભૂમિકા કોઈપણ અભિગમ, વિચારસરણી કે દૃષ્ટિભંગિ અનુસારની હોઈ શકે છે.
જુઓ, આપણે અમુક સાહિત્યને ક્લાસિકલ કે રોમૅન્ટિસિસ્ટ કહીએ છીએ. પણ ત્યારે કેવા અભિગમથી, કઈ દૃષ્ટિએ, એમ કહેતા હોઈએ છીએ? આપણા એવા વાચનની ભૂમિકા શી હોય છે? જવાબ એ છે કે ત્યારે એ કૃતિ / કર્તાને આપણે ક્લાસિસિઝમ કે રોમૅન્ટિસિઝમના વિચારો-વિભાવોની દૃષ્ટિએ વાંચતા હોઈએ છીએ. આપણાં સાહિત્યિક નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો એ વાચન અનુસારનાં હોય છે.
જેમ કે, “શાકુન્તલ”-ને હું કલાસૌન્દર્યની દૃષ્ટિએ રસમીમાંસાની ભૂમિકાએ વાંચું; નર અને નારી વચ્ચે ઉદ્ભવતી પ્રીતિ અને વફાદારીની દૃષ્ટિએ પ્રેમમીમાંસાની ભૂમિકાએ વાંચું; પણ એને હું રાજા-પ્રજાના સમ્બન્ધની દૃષ્ટિએ રાજનીતિશાસ્ત્રની ભૂમિકાએ પણ વાંચી શકું.
જેમ કે, “ભગવદ ગીતા”-ને અધ્યાત્મદર્શન માટે કે કર્મ-ફળ સિદ્ધાન્તની સમજ મેળવવા વાંચું, પણ હું એને એક સર્વજ્ઞાતા પુરુષ અને પરાક્રમી વીર પુરુષ વચ્ચે રણાંગણમાં થયેલા દીર્ઘ પ્રશ્નોત્તર સંદર્ભે, સંવાદકલાની – આર્ટ ઑફ કૉન્વર્સેશનની – ભૂમિકાએ પણ વાંચી શકું.
આપણો કોઈ લેખક આપણને અનુ-આધુનિક લાગતો હોય, તો એમ લાગવાનું કારણ એ સ્વરૂપે થયેલું એની સૃષ્ટિનું આપણું વાચન છે. એ કારણે, કોઈની વાર્તાને કોઈકે આધુનિક ગણી હોય એ જ વાર્તાને કોઈક બીજો અધ્યેતા અનુ-આધુનિક ગણી શકે અથવા કોઈકને અનુ-આધુનિક લાગી હોય એ જ વાર્તાને કોઈક બીજો આધુનિક ઠેરવી શકે.
પરન્તુ મારા વાચનમાં મારી રુચિ, મારા ગમા-અણગમા, ભેદભાવ, વગેરે સબ્જેક્ટિવ ઍલિમૅન્ટ્સ ઘૂસી ગયાં હશે તો મારી એ વાચનભૂમિકા વિશ્વસનીય નહીં ઠરે. એથી મળેલાં પરિણામોને ચોખ્ખાં નહીં કહેવાાય. એને દૂષિત ગણવાં જોઇશે. એટલું જ નહીં, સામાવાળાઓ પોતાના ગમા-અણગમા જાહેર કરશે, એટલે ચડસાચડસી થશે, ટંટોફિસાદ થશે, પક્ષાપક્ષી થશે, અને તેથી એક જાતનું દુ:ખદ રાજકારણ પણ સરજાશે.
દાખલા તરીકે, હું સમાજશાસ્ત્રનું ભરપૂર જ્ઞાન ધરાવતો હોઉં એટલે મારું વાચન ઘણું ઉચિત હોય અને તેથી કૃતિ સાથેનો મારો મુકાબલો મારા માટે સાનુકૂળ હોય. મારાં એ સમાજશાસ્ત્રીય લેખાંજોખાં અનુસાર કૃતિ મહાન ઠરે. પરન્તુ જો એ કૃતિ મને મારા ગુજરાતી લેખકમિત્રની હોવાથી મહાન કે ઉત્તમ લાગી હોય, તો મારા એ મૂલ્યાંકનને ચોખ્ખું ન કહેવાય. અને, જો કોઈ કૃતિ ન-મિત્રની કે દુશ્મનની હોવાથી નિ:સામાન્ય લાગી હોય, તો પણ મારા એ મૂલ્યાંકન ચોખ્ખું નહીં કહેવાય.
હું રાજનીતિશાસ્ત્રનો પ્રકાણ્ડ પણ્ડિત હોઉં અને બીજા કોઈપણ શાસ્ત્રમાં મારી રુચિ હોય જ નહીં, અને હું “શાકુન્તલ” વાંચું, તો “શાકુન્તલ” મને નિ:સાર લાગે. પણ “સરસ્વતીચન્દ્ર”-માં ‘બુદ્ધિધનનો કારભાર’ કે ‘રત્નનગરીનું રાજ્યતન્ત્ર’ વાંચું તો એમાં મને ઘણો સાર વરતાય. એ જ રીતે, હું જો રોહિન્તન મિસ્ત્રીકૃત નવલકથા “એ ફાઇન બૅલેન્સ” વાંચું તો? કથામાં છે એ ચાર અજાણ્યા જન અને ૧૯૭૦-ના દાયકાની એ રાજદ્વારી ઊથલપાથલની નિરૂપણા મારી રાજનીતિપરક રુચિને ગમી જાય.
એ જ રીતે, હું જો ક્રાઇમ-ઇન્વેસ્ટર હોઉં કે ફૉરેન્સિક-નિષ્ણાત, તો જગવિખ્યાત મૂવી “ધ ગૉડફાધર” અને એ જ શીર્ષક ધરાવતી મારિયો પુઝોની નવલકથા પણ મને ગમી જાય. પાવરફુલ માફિયાઓ કેવું તો સમાન્તર રાજ ચલાવતા હોય છે, કેવું તો આગવું અર્થતન્ત્ર ગૂંથતા હોય છે, મને મજા પડે. અને ઘડીભર સમજો કે હું રીઢો ક્રિમિનલ હોઉં તો? તો તો એ સૃષ્ટિ જોઈને હું વારી જઉં, રાજીનો રેડ થઈ જઉં.
આ લેખના મારે ૪ સાર અંકે કરવા છે :
૧
આખા મામલામાં, નિર્ણાયક હોય છે, અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ.
હું આજે અનુ-આધુનિક લાગું કે ગઈ કાલે આધુનિક હતો, એમ ગણીએ છીએ ત્યારે, એ મામલમાં વાચનની આપણી ભૂમિકા જ નિર્ણાયક હોય છે.
૨
મારો અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ, વાચન-ભૂમિકા નબળાં કે સબળાં હશે તો સંભવ છે કે મારું વાચન પણ નબળું કે સબળું હશે. એ સંજોગમાં હું આધુનિક સાહિત્યને કે અરે, અનુ-આધુનિક સાહિત્યને પણ ન્યાય નહીં આપી શકું બલકે હાનિ પ્હૉંચાડી બેસીશ.
૩
એક હકીકત અંકે કરવાજોગ છે : કોઈ કૃતિ મૂળે આધુનિક કે અનુ-આધુનિક હોય જ નહીં, તો એ આપણી વાચન-ભૂમિકાને નહીં ગાંઠે, આપણે ભૉંઠા પડી જઈશું. આપણી આધુનિકતાવાદી કે અનુ-આધુનિકતાવાદી વાચનભૂમિકા વ્યર્થ પુરવાર થશે, આપણે કશું લાભીએ નહીં.
૪
આપણને હંમેશા સવાલ થવો ઘટે કે અનુ-આધુનિક કૃતિ / કર્તા વિશેનાં આપણાં નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો અનુ-આધુનિક વિચારધારા અનુસારનાં ઑબ્જેક્ટિવ છે કે તેમાં ભેદભાવોથી લિપ્ત સબ્જેક્ટિવિઝમ પ્રવર્તે છે?
સવાલ સાફ શબ્દોમાં થવો જોઇએ કે અનુ-આધુનિક સાહિત્યને આપણે આધુનિકતાને વિશેના દ્વેષભાવથી તો નથી વાંચતા ને? નારી અને દલિત તત્ત્વોવિષયક અનુ-આધુનિક સાહિત્યને આપણે ઉચ્ચાવચ લિન્ગભેદ અને ઉચ્ચાવચ વર્ણભેદની દૃષ્ટિએ તો નથી વાંચતા ને?
કેમ કે ઉચ્ચાવચ લિન્ગભેદ સદીઓથી દૃઢ થયેલી પૈતૃક સત્તાની દેણગી છે અને વર્ણભેદ હીન અને કલંકિત વર્ણવ્યવસ્થાનું દુષ્ટતમ ફળ છે. એ બન્ને ભેદ આપણા લોહીમાં ભળી ગયા છે, ખરું કે નહીં?
= = =
(25 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર