આસામ તરેહના સીામાંકન અને પશ્ચિમ બંગાળ જેવા મતાંકન પછી પણ ચૂંટણી યોજાય તો પણ શું અને ન યોજાય તો પણ શું

પ્રકાશ ન. શાહ
વિધિવત્ત પરાજિત થયેલાં મમતા બેનરજી કહે છે કે હું રાજીનામું નહીં આપું. જે રીતે ચૂંટણીતંત્ર ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારની દોંગાઈથી ચાલ્યું છે, એથી આવેલ પરિણામને (મારા, તૃણમૂલના પરાજયને) હું હરગીઝ સ્વીકારી ન શકું. જોઇએ, આજે સાતમીએ વિધાનસભાની મુદ્દત પૂરી થાય છે ત્યારે વાસ્તવમાં શું બને છે : કોઈ પ્રકારની બંધારણીય મડાગાંઠ સરજાય છે કે કે પછી ‘હું તો સ્ટૃીટ ફાયટર છું’ એવો મમતાનો ઉદ્દગાર કોઈક જુદી રીતે પ્રગટ થાય છે.
સામાન્ય પ્રતિભાવ આવે પ્રસંગે, એ જ હોય અને હોવોયે જોઇએ કે સહજક્રમમાં રાજીનામું અપાઈ જવું જોઇએ. છતાં, ભલે ચાલચલાઉ પણ મમતા બેનરજીએ જે મુદ્રા લીધી છે એમાં કાંક કશુંક અપીલ કેમ કરે છે તે ચોક્કસ તપાસ બલકે સહવિચાર માંગી લે છે. મુદ્દાની વાત એ છે કે જ્યારે રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો ઉપાડ્યો, બાઅદબ ‘ડેમો’ સર ઉપાડ્યો; ત્યારે સમજાયું હોય તો પણ એ એટલું તો સમજાઈ રહેવું જોઇએ કે આસામમાં જે રીતે સીમામકન થયું અને બંગાળમાં જે રીતે મતદાર યાદી બની, એણે પરિણામ લગીની લોકશાહી પ્રક્રિયાને ધરાર વિક્રિયામાં ફેરવી નાખી તે પછી ચૂંટણી નામનો લોકશાહી જગન નકરો બેમતલબ અને બેમાની બની રહે છે.
વાત પાંચ રાજ્યોની ચૂંટણીની હતી, પણ પ્રમુખ ટૃમ્પ સહિત ઘણું ખરું સૌની નજર આસામ – બંગાળ પર − સવિશેષ અલબત્ત બંગાળ પર હતી. ચૂંટણીની પ્રક્રિયાને ખોખલી ને કહ્યાગરી બનાવવાના બિનલોકશાહી રવૈયે અશ્વમેધ વાસ્તે ધરાર નીકળી પડેલ ભા.જ.પ. પરત્વે, 2024ની લોકસભા ચૂંટણી વખતે દેખાવા માંડેલો મોહભંગ હાલનાં પરિણામોમાં, ખાસ કરીને આસામ – બંગાળમાં તો ક્યાંયે શોધ્યો જડતો નથી.
મમતા બેનરજીની રાજવટ વિશે એમની મર્યાદાઓ અને અમલશૈલી વિશે ભરપુર ટીકાને અવકાશ હોઈ શકે છે, બલકે છે જ. પણ આસામ સ્ટાઇલ સીમાંકન અને બંગાળ સ્ટાઇલ મતાંકનની જે રાજનીતિ, એને વિશે કશું જ કહેવાનું ન હોય એવું કેમ ?
આશા નહીં તો યે આસ્વાસનરૂપ બે વાત અલબત્ત ઉતાવળે પણ નોંધી શકાય. કેરળમાં કાઁગ્રેસના વડપણ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર બનવા જઈ રહી છે, તો ડી.એમ.કે. – એ.આઈ.ડી.એમ.કે. વચ્ચેના સ્થાયી રાજકારણને બદલે અભિનેતા વિજયનો પક્ષ તામીલનાડુમાં કેન્દ્રવર્તી ઊપસ્યો છે. સરકારની રચનામાં કાઁગ્રેસ પણ સામેલ હોઈ શકે છે. કર્ણાટક ઉપરાંત સવિશેષ કેરળ ને અંશત: તામિલનાડુમાં કાઁગ્રેસની હાજરી તેમ ઉત્તરમાં હિમાચલની સરકાર, હજુ ભાંગ્યું ભાંગ્યું તોયે ભરુચ એવી કાઁગ્રેસ અંશત: પણ ‘પાન ઇન્ડિયન’ હાજરી ધરાવે છે.
મમતાને તત્કાળ મળી રહેલ સાથ-સંવાદમાં સોનિયા – રાહુલ, અખિલેશ, તેજસ્વી, હેમંત સોરેન વગેરે સહભાગી છે તેમાં ‘ઇન્ડિયા’ના નવજીવનની જે શક્યતા છે એ અવશ્ય એક આવકાર્ય બીના છે. પૂર્વે; ઇન્ડિયા’ના નેતૃત્વ મુદ્દે ‘વૉર ઑફ નર્વ્ઝ’નો એક તબક્કો ખબર લઈ ગયેલો, એવું વચ્ચે વચ્ચે બન્યા કરે તો પણ અત્યારે તો કોઈક રીતે ગોળબંદ થવાનો ને સાથે રહેવાનો એક ધક્કો લાગેલો છે.
2029ની લોકસભા ચૂમટણી સુધી ‘ઇન્ડિયા”ની સંભવિત અંગડાઈ જારી રહે તો અશ્વમેધ આડે લોકશાહીની આશા રહે, એ ચોક્કસ.
એક રીતે ભા.જ.પ. રાજી થઈ શકે કે પોતાના ‘પાન ઇન્ડિયા’પણા ઉર્ફે ભારતીય એકતામાં કોઈ પ્રાદેશિક અસ્મિતા અવરોધરૂપ નથી. પણ ઝાલામુડી તો ઠીક, પરંતુ માંસમચ્છી સહિતનો જે ઘોર રાજકીય ડેમો ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ બંગાળ સાથે અપનાપન દાખવવા કર્યો એને વિશે શું કહીશું. એમ તો, કેન્દ્રીય મંત્રી રિજ્જુ કહે છે કે અમારે ઈશાન ભારતમાં ગોમાંસનો બાધ નથી. ગોરક્ષકો સરકારી મેળપીપાપણા સાથે જે દેકારો મચાવે છે એની સામે રિજ્જુના ઉદ્દગારો મૂકી અંતરમાં ઊતતરવાની તૈયારી હિંદુત્વ રાજનીતિના બટુકોમાં હોય તો આપણે જરૂર રાજી થઇશું.
‘વન નેશન, વન ઇલેકશન’ પ્રકારના નારતાઓથી ઉફરાટે સમવાયી સમાદારનો રાસ્તો જ રાષ્ટૃીય એકતાનો રાજપથ ને જનપથ હોઈ શકે.
ગુરુવાર, 07 મે 2026
Editor: nireekshak@gmail.com
મુદ્રાંકન : વિ.ક.
![]()

