
રવીન્દ્ર પારેખ
ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધની અનિશ્ચિત પરિસ્થિતિમાં, ભારતની તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરોના ભાવ વધારી દીધા છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી ગેસ સિલિન્ડરોના ભાવ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની દહેશત હતી જ, ત્યાં ચૂંટણી પત્યાંના બીજે જ દિવસે ગેસ સિલિન્ડરોના ઢગલો ભાવ વધી ગયા છે. સરકારે તો રાંધણ ગેસ, પેટ્રોલ-ડિઝલના ભાવ નહીં વધે એવી આશા બંધાવી હતી, પણ તે ઠગારી નીવડી છે. સરકાર જ્યારે પણ કહે કે ભાવ નહીં વધે તો સમજી લેવાનું રહે કે ભાવ વધારવા જ આવી વાતો સરકાર કરે છે. ગેસમાં તો જનતાની આશા ઠગારી નીવડી જ છે, તો ય સરકાર હજી એ રાગ જ આલાપ્યા કરે છે કે પેટ્રોલ-ડિઝલનાં ભાવ નહીં જ વધે, એટલે એ ફાળ પડે જ છે કે પેટ્રોલ-ડિઝલ પણ ગજવાં ખંખેરશે જ ! અધૂરામાં પૂરું પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારવા જ પડે એમ છે, એવી લાચારી પ્રગટ કરી છે, એટલે લટકતી તલવાર ક્યારે માથે પડે તેની રાહ જ જોવાની રહે છે.
એ તો ઠીક, પણ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 99૩ રૂપિયા વધી ગયો છે. આ પહેલાં કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2078 હતો, તે વધીને 3071 પર પહોંચ્યો છે. આ અગાઉ માર્ચમાં 14.2 કિલોના ઘરેલું ગેસ (એલ.પી.જી.) સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયેલો, ત્યારે પણ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો તો થયેલો જ ! આ વધારો થયો એને મહિનો પણ નહીં થયો હોય ને એક એપ્રિલને રોજ કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 218નો વધારો આવ્યો. એ બાકી હોય તેમ હવે પહેલી મેથી કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 99૩નો વધારો આવતા સિલિન્ડર લગભગ 50 ટકા વધીને તેની કિંમત 3071 પર પહોંચી છે. બેત્રણ મહિનાના ગાળામાં જ કમર્શિયલ ગેસ સિલિન્ડર પર 1271નો વધારો ઝીંકાયો છે ને વર્ષમાં આ વધારો 1500નો થવા જાય છે. આ વખતે રાંધણ ગેસમાં ભાવ વધ્યા નથી, પણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વાર ભાવ વધી ચૂક્યા છે તે ખરું.
એ ઉપરાંત 5 કિલોવાળા ફ્રી ટ્રેડ એલ.પી.જી.-છોટુ-સિલિન્ડરમાં પણ 261નો ભાવ વધારો આવતા તેની કિંમત પણ 810.50 પર પહોંચી ગઈ છે. ઓઈલ કંપનીઓએ 14.2 કિલોવાળા રાંધણ ગેસમાં કોઈ ભાવ વધારો ન કરીને ગૃહિણીઓને રાહત આપી છે. એનો ભાવ 913 છે તે જ છે. દેશમાં વપરાતા ગેસનો 80 ટકા હિસ્સો ઘરેલું ગેસનો છે. સરકારનું કહેવું છે કે એમાં ભાવ વધારો થયો નથી, મતલબ કે મોટા ભાગનો ઘરેલું ગેસનો વપરાશ, ભાવ વધારાથી બચેલો છે, પણ એ ભૂલવાનું નથી કે બે મહિના પર સાત માર્ચે 60નો વધારો તો ઝીંકાયેલો હતો જ, એટલે આ વખતે જીવદયા કરીને ભાવ વધારો અટકાવાયો છે, પણ એ લટકતી તલવાર છે ને ક્યારે પડે તે નક્કી નથી. જો કે, કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એવી જીવદયા દાખવાઈ નથી. બે મહિનામાં કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રીજો ભાવ વધારો આવ્યો તેમાં ઈરાન-અમેરિકા યુદ્ધને આગળ કરાય છે ને તેમાં તથ્ય પણ છે. હોર્મુઝ સ્ટ્રેઈટને કારણે ઘણાં જહાજો રોકાયેલાં છે, પરિણામે ક્રૂડ ઓઈલને લગતાં ઢગલો જહાજો હોર્મુઝ સ્ટ્રેઈટમાં ફસાયેલાં છે. એને લીધે ભારત આવતો ગેસ અને ઓઈલનો પુરવઠો અટવાઈ જતાં ગેસ સિલિન્ડરોમાં આ વધારો અનિવાર્ય થઈ પડ્યો છે.
સરકાર એવો બચાવ કાયમ કરે છે કે કમર્શિયલ સિલિન્ડરના ભાવ વધાર્યા છે, પણ ઘરેલુ ગેસ સિલિન્ડર પર ઊની આંચ આવવા દીધી નથી. આ બચાવ યોગ્ય નથી, કારણ કમર્શિયલ ગેસ સિલિન્ડર મોટે ભાગે હોટેલોમાં, ચાવાળા, નાસ્તાની લારીઓ વગેરે … ખાવા પીવાની વસ્તુઓ રાંધવા માટે કરતા હોય છે. હવે સિલિન્ડર દીઠ 99૩ જેટલો તોતિંગ વધારો, તેનો વપરાશકાર જે વેચે છે તે એ જ જૂના ભાવે વેચે એવું બને? તે પણ એટલો ભાવ તો વધારશે જ, જે પેલા ભાવ વધારાને સરભર કરી આપે. એ ભાવ વધારો ગ્રાહકો પર જ બોજ વધારશે ને એ ગ્રાહકો ઘણુંખરું મધ્યમ વર્ગના જ હશે. એટલે કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો માલેતુજારને નહીં, પણ સામાન્ય માણસને અસર કરે છે. સરકાર ભલે કહે કે ઘરેલું ગેસમાં વધારો નથી થયો, જેથી મધ્યમ વર્ગને તેની અસર નહીં પહોંચે, પણ એ સાચું નથી.
આજે તો એવી પરિસ્થિતિ છે કે બધા કમાય નહીં તો ઘર ચાલે નહીં. ઘર ચલાવવા સ્ત્રી કે પુરુષે કમાવું જ પડે. એ સંજોગોમાં ઘરમાં ખાવાનું બનાવવા જેટલો સમય હોતો નથી ને ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું પડે છે. આ બધા મધ્યમ વર્ગના છે ને કોઈ હોટેલ કે લારી પર જઈને પેટ ભરતાં હોય છે. એવે વખતે વધેલા ભાવે વસ્તુ ખરીદવાનું મોંઘુ પડે. આ વધારો પણ મધ્યમ વર્ગને માથે જ પડે છે, તો સાબિત તો એ જ થાય છે કે કમર્શિયલ સિલિન્ડર મધ્યમ વર્ગ વાપરતો નથી, પણ એ ભાવ વધારા પછી જે ભાવ વધે છે તે વેઠે છે તો મધ્યમ વર્ગ જ !
મધ્યમવર્ગને અસર ન થાય તેથી ઘરેલું ગેસના ભાવ વધતા નથી એ સાચું, પણ બીજા સિલિન્ડર પર વધતા ભાવોની અસરો થાય છે તો મધ્યમ વર્ગને જ ! અંદાજે ખાવા પીવાની વસ્તુઓ કેટલી મોંઘી થશે તેના મધ્યમ સ્તરની હોટેલોના સરેરાશ આંકડાઓ બહાર આવ્યા છે. 27 ફેબ્રુઆરીએ છોલે-ભટુરેનો ભાવ 198નો હતો, તે હવે 210 બોલે છે ને નવો ભાવ 250 થશે. એ જ રીતે મસાલા ઢોસા અત્યારે 172માં મળે છે તે 210માં પડશે. એ જ રીતે થાળી 355 પરથી 400 સુધી ઊંચકાશે. ચા 15માં મળે છે તે 20 રૂપિયા સુધી જશે. ટૂંકમાં, ફેમિલી ડાઈનિંગનો ખર્ચ 30 ટકા સુધી વધી શકે એમ છે. એ જ રીતે એર ઇન્ડિયાએ ટિકિટ દીઠ 900નો અને ઇન્ડિગોએ 950નો વધારો કરી દીધો છે. ઘરેલું રૂટ પર 1000નો અને આંતર્રાષ્ટ્રીય રૂટ્સ પર 10000 સુધીના ભાવ વધી ગયો છે.
પાંચ કિલોવાળા સિલિન્ડરના ભાવ વધારામાં તો મજૂરો, ચાવાળા કે નાનો ધંધો કરનારા લોકોને સીધી અસર થવાની છે. સાધારણ રીતે રાજ્યની બહાર જવાવાળા મજૂરોને તો 5 કિલોનો સિલિન્ડર જ પરવડતો હોય છે, ત્યાં 261ના ભાવ વધારા સાથે, 810નો સિલિન્ડર મજૂરોની મુશ્કેલીમાં વધારો જ કરશે. એ જ રીતે નાના ધંધા કરવાવાળાએ પણ ભાવો વધારવા જ પડશે. હવે ત્યાં ખરીદનારા પણ એવા ગરીબો કે મજૂરો જ હોવાના. એમને જૂનો ભાવ જ જેમ તેમ પરવડતો હોય, ત્યાં નવો ભાવ વધારો કેમ કેમ પરવડશે તે પ્રશ્ન જ છે.
આમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ નથી વધાર્યો એવું આશ્વાસન સરકારે આપ્યું છે, પણ ગુજરાતમાં પાવર પેટ્રોલનો (પાવરે) લિટરે 2થી 10 સુધીનો વધારો ઓલરેડી ઝીંકી જ દેવાયો છે, એટલે પેટ્રોલ-ડિઝલ વધ્યા વગર નહીં જ રહે તે કહેવાની જરૂર નથી. સરકાર એમ કહેશે જરૂર કે નાછૂટકે ભાવ વધારવા પડે છે, પણ એ સાચું નથી, કારણ દેશની તેલ કંપનીઓ રોજનો 165 કરોડનો નફો કરે છે. ઈરાન અમેરિકા યુદ્ધને બહાને સરકાર મગરના આંસુ સારે છે. તેલ કંપનીઓ તો કહી જ રહી છે કે તે રોજની 2400 કરોડની ખોટ ખાઈ રહી છે. પેટ્રોલ પર લિટરે 14નું નુકસાન અને ડિઝલમાં 18નું નુકસાન કંપનીઓ વેઠી રહી છે, એટલે તે ભાવ વધારવાનું સરકાર પર દબાણ વધારી શકે એમ છે, પણ હકીકત એ છે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતની તેલ કંપનીઓ નફો કરી રહી છે. 2022-’23માં HPCL નુકસાનીમાં ચાલી, એટલું બાદ કરતાં ચારેય કંપનીઓ નફામાં ચાલી રહી છે. સતત ત્રણ વર્ષથી તેલ કંપનીઓ નફો કરી રહી છે ને વધારે નહીં તો 2024-’25નાં આંકડાઓ જોઈશું તો RIL, IOC, BPCA, HPCL કંપનીઓ અનુક્રમે 81,309, 13,598, 13,275, 5,580 કરોડનો નફો રળી રહી છે. એ જ ક્રમમાં 2025-’26માં એ જ કમ્પનીઓના ક્રમમાં અનુક્રમે 79,020, 29,7૦૦, 16,9૦૦, 11,982 કરોડનો નફો કરી રહી છે. તેમાં પણ છેલ્લા ત્રણ આંકડા તો 9 મહિનામાં થયેલા નફાના છે.
સરકાર ભલે કહે કે લોકોનું હિત જોઇને તે અમુક તમુક ભાવ વધારતી નથી, પણ એવા ભ્રમમાં પ્રજાએ રહેવાની જરૂર નથી. તેલ કંપનીઓ કોઈ પણ લોભી દુકાનદારની જેમ નફા સિવાય કશું વિચારતી નથી. તે મૂકતી નથી, પણ ગરદન મારે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 મે 2026
![]()

